એ કરવ્યવસ્થા જેણે 400 વર્ષ જૂના રાજને ખતમ કરી નાખ્યું

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજાશાહી હોય કે લોકશાહી, કોઈ પણ શાસનવ્યવસ્થાને ટકાવી રાખવા અને તેમાં વૃદ્ધિ કરવા માટે કરવ્યવસ્થા એ અનિવાર્ય પરિબળ છે. પ્રાચીનકાળમાં રાજાઓથી લઈને અંગ્રેજોના સમયમાં ટેક્સવધારાએ ખેડૂતોના જીવનને દુષ્કર બનાવ્યું હતું.

પરંતુ વિશ્વમાં સામ્યવાદનો ઉદય થયો તેના આશરે 800 વર્ષ પહેલાં ભારતમાં ખેડૂતોએ સામંતશાહી શાસકો વિરુદ્ધ સશસ્ત્ર બળવો કર્યો હતો અને તેનું નેતૃત્વ શ્રમિકોના એક વર્ગે લીધું હતું.

દેશમાં અનેક દાયકાઓ સુધી સામ્યવાદનો ગઢ રહેલા, હાલના પશ્ચિમ બંગાળની આસપાસના વિસ્તારોમાં આ ઐતિહાસિક ઘટના લખાઈ હતી અને એના થકી લગભગ ચાર સદીથી ચાલતાઆવતા પાલવંશનું પતન થયું હતું.

પાલવંશના પાયામાં ગોપાલ

સદીઓ સુધી બંગાળમાં અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ રહી હતી. એ પછી, પાલવંશનો પાયો નખાયો, જેનાં મૂળિયાં વર્તમાન સમયના બંગાળ, બાંગ્લાદેશ, બિહાર તથા આસામના અમુક ભાગોમાં ફેલાયાં હતાં. આ વંશની મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી હતી અને એણે ઉત્તર ભારતમાં નોંધપાત્ર અભિયાનો હાથ ધર્યાં હતાં.

નીતિશકુમાર સેનગુપ્તાએ 'લૅન્ડ ઑફ ટુ રિવર્સ' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે મહાભારતકાળથી લઈને શેખ મુજીબુર રહેમાનના સમય સુધીના બંગાળના ઇતિહાસને આલેખવાનો પ્રયાસ કર્યો છે.

તેઓ (પૃષ્ઠ નંબર ૩૯-૫૦) લખે છે: અંધાધૂંધી, કાયદાવિહીન વ્યવસ્થા અને દારુણ સ્થિતિમાં ફસાયેલા અહીંના લોકોએ પોતાનામાંથી જ ગોપાલ નામની એક વ્યક્તિનેને રાજા તરીકે પસંદ કર્યો. તેમને લાગ્યું હતું કે શક્તિશાળી અને મજબૂત મધ્યસ્થ સત્તા હશે તો નાના અને નગણ્ય સામંતો તેમની સામે ઘૂંટણિયે પડશે. દેશના ઇતિહાસમાં આ એક અજોડ ઘટના હતી.

ગોપાલના પૂર્વજો એક સામંતના સામાન્ય કર્મચારીઓ હતા. આથી, સામંતોએ તેમની વચ્ચે જ પસંદગી કરીને પછી નાગરિકોએ તેને અનુમોદન આપ્યું હોવું જોઈએ. એ જે પણ હોય તે પણ આ જ ગોપાલે પાલ વંશનો પાયો નાખ્યો હતો.

પાલો પોતાને સૂર્યવંશી ક્ષત્રિય તરીકે ઓળખાવતા. જોકે, અબુલ-ફઝલના મતે તેઓ કાયસ્થ હતા, જેઓ બૌદ્ધ ધર્મનું પાલન કરતા.

ઇતિહાસકાર આરસી મજૂમદાર તેનું શાસન ઈ.સ. 750ની આસપાસ અસ્તિત્વમાં આવ્યું હોવાનું અનુમાન મૂકે છે. તેણે ગૌડ, વરેન્દ્ર અને બંગ પ્રદેશમાં પોતાની આણ વર્તાવી હતી. તેના રાજમાં મગધના અમુક ભાગનો પણ સમાવેશ થતો હોવાનું ઇતિહાસકારો માને છે.

પાલોનો પરાક્રમ અને પ્રભાવ

પાલવંશનો બીજા રાજા હતા ધર્મપાલ. તેમના સમયગાળામાં રાજ્યની સીમાઓ ઉત્તર તરફ વિસ્તરી અને એ સમયે પ્રવર્તમાન શક્તિસમીકરણોનો પણ તેમને લાભ મળ્યો. તેમણે ગંગાના કિનારે વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

'ધ હિસ્ટ્રી ઑફ બેંગાલ'માં (વૉલ્યૂમ-૧, ૯૬-૨૦૪) આરસી મજૂમદાર, રોમિલા થાપર તથા અન્ય ઇતિહાસકારોએ પાલવંશ વિશે લખ્યું છે. સંધ્યાકરનંદિન દ્વારા લિખિત 'રામચરિતમ્'માં રામપાલના જીવનનું વિવરણ છે, અને તેમાંથી ઇતિહાસકારોને પાલવંશની શાસનવ્યવસ્થામાં ડોકિયું કરવાની તક મળી છે.

પાલ રાજાઓએ 'પરમેશ્વર', 'પરમભટ્ટારક' અને 'મહારાજાધિરાજ' જેવી ઉપાધિઓ ઉપરાંત 'પરમસૌગત' જેવી બૌદ્ધ ઉપાધિ પણ ધારણ કરી હોવાની માહિતી મળે છે. તેમણે રાજા, રાજપુત્રો, રાણક, મહાસામંત તથા મહાસામંતાધિપતિ વગેરે જેવી ઉપાધિ ધરાવનારાઓને જમીનના આર્થિક અને વહીવટી અધિકાર આપ્યા હતા.

આ અધિકારો મહદંશે કાયદો-વ્યવસ્થા, ન્યાય તથા વહીવટી વ્યવસ્થા જાળવી રાખવા સંદર્ભના હતા. અધિકારીઓને 'મહા-દૌસ્સાધસાધનિકા', 'મહાકર્તાકૃતિકા', 'મહાસામંતાધિપતિ' જેવી ઉપાધિઓ પણ જોવા મળે છે. ગ્રામપતિ તથા દસગ્રામિકાના નેજા હેઠળ ગામડું કે દસ ગામડાંનો સમૂહ સંગઠિત હતો.

પાલવંશન બીજા રાજા હતા ધર્મપાલ. તેમના સમયગાળામાં રાજ્યની સીમાઓ ઉત્તર તરફ વિસ્તરી અને એ સમયે પ્રવર્તમાન શક્તિસમીકરણોનો પણ તેમને લાભ મળ્યો. તેમણે ગંગાના કિનારે વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

'ધ હિસ્ટ્રી ઑફ બેંગાલ'માં (વૉલ્યૂમ-૧, ૯૬-૨૦૪) આરસી મજૂમદાર, રોમિલા થાપર તથા અન્ય ઇતિહાસકારોએ પાલવંશ વિશે લખ્યું છે. સંધ્યાકરનંદિન દ્વારા લિખિત 'રામચરિતમ્'માં રામપાલના જીવનનું વિવરણ છે, અને તેમાંથી ઇતિહાસકારોને પાલવંશની શાસનવ્યવસ્થામાં ડોકિયું કરવાની તક મળી છે.

પાલ રાજાઓએ 'પરમેશ્વર', 'પરમભટ્ટારક' અને 'મહારાજાધિરાજ' જેવી ઉપાધિઓ ઉપરાંત 'પરમસૌગત' જેવી બૌદ્ધ ઉપાધિ પણ ધારણ કરી હોવાની માહિતી મળે છે. તેમણે રાજા, રાજપુત્રો, રાણક, મહાસામંત તથા મહાસામંતાધિપતિ વગેરે જેવી ઉપાધિ ધરાવનારાઓને જમીનના આર્થિક અને વહીવટી અધિકાર આપ્યા હતા.

આ અધિકારો મહદંશે કાયદો-વ્યવસ્થા, ન્યાય તથા વહીવટી વ્યવસ્થા જાળવી રાખવા સંદર્ભના હતા. અધિકારીઓને 'મહા-દૌસ્સાધસાધનિકા', 'મહાકર્તાકૃતિકા', 'મહાસામંતાધિપતિ' જેવી ઉપાધિઓ પણ જોવા મળે છે. ગ્રામપતિ તથા દસગ્રામિકાના નેજા હેઠળ ગામડું કે દસ ગામડાંનો સમૂહ સંગઠિત હતો.

કેવટોનો બળવો

જેમ સર્વસંમતીથી સત્તા ઉપર આવવું એ પાલવંશની સ્થાપના માટે તત્કાલીન સમયની અજોડ ઘટના હતી, એવી જ રીતે તેના પાયાને હચમચાવી નાખવાની ઘટના પણ ઇતિહાસમાં અજોડ છે. રાજાના અત્યાચારથી ખેડૂતો અને નાગરિકો દબાઈ રહે એવા સમયમાં કેવટોએ પાલશાસકોની સામે બળવો પોકાર્યો હતો. જેને વર્તમાન વર્ગીકરણ પ્રમાણે શ્રમિકવર્ગ ગણી શકાય.

'બ્રહ્મવૈવર્ત પુરાણ'ને ટાંકતાં કમલ ચંદ્ર પાઠક તેમના પુસ્તક 'પિઝન્ટરી ધૅર પ્રૉબ્લેમ ઍન્ડ પ્રૉટેસ્ટ ઇન આસામ'માં લખે છે કે કેવટોની ઉત્પત્તિ ક્ષત્રિય પિતા અને વૈશ્ય માતા થકી થઈ છે. તેઓ ઉત્તર બંગાળમાં હોડીમાં સામાન-મુસાફર હેરફેર અને માછીમારીનું કામ કરતા. તેઓ શક્તિશાળી અને લડવૈયા હતા.

બૌદ્ધ ધર્મનો પ્રચાર થતાં અહિંસાનું પાલન કરવા કેટલાક કેવટોએ માછીમારીનું કામ છોડીને કૃષિને વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. પાલવંશના કેટલાક શક્તિશાળી સામંત આ સમુદાયના હતા.

સેનગુપ્તા તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 47) લખે છે કે, ઈસવીસન 1072માં મહિપાલ દ્વિતીયે શાસનની ધુરા સંભાળી હતી. તેણે પોતાના ભાઈ રામપાલ તથા શૂરપાલને જેલમાં નખાવી દીધા હતા.

દિવ્ય નામના કેવટ સામંતના નેતૃત્વ હેઠળ ગણોના સમૂહે પાલશાસક વિરુદ્ધ બળવો કર્યો હતો.

દિવ્યના નેતૃત્વમાં બળવાખોરે વરેન્દ્રભૂમિ (વર્તમાન સમયનાં બંગાળ તથા બાંગ્લાદેશના કેટલાક ભાગ) ઉપર કબજો કરી લીધો હતો અને મહિપાલ દ્વિતીયની હત્યા કરી.

વરેન્દ્રમાં તેમનું લગભગ 50 વર્ષ સુધી શાસન રહ્યું હતું. એમના પછી રૂદક અને ભીમ તેના અનુગામી બન્યા હતા.

આ બળવા માટે પાલશાસકો અને સામંતો વચ્ચેના શક્તિસંબંધો પણ જવાબદાર હતા. પાલશાસક નબળા પડ્યા, ત્યારે સામંતોની મહત્ત્વાકાંક્ષા વધી હતી. ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપવામાં આવેલી જમીનો ઉપર સામંતોની નજર હતી.

પાલશાસકોએ ગામડાંમાં ખૂબ જ પ્રશિક્ષિત શૈવ બ્રાહ્મણોની નિમણૂક શરૂ કરી, જેઓ ધાર્મિક અને રાજ્યનાં કામ પણ કરતા. તેનો એક હેતુ મહેસૂલચોરી અટકાવવાનો પણ હતો.

આમ, ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્વ વિસ્તારવાનો આ પાલશાસકોનો પ્રયાસ હતો. તેથી સામંતો ઉપર નિયંત્રણો આવ્યાં, મહેસૂલનાં મૂલ્યો નક્કી થવા લાગ્યાં અને વ્યાપક સરવે હાથ ધરવામાં આવ્યા હતા. સમાજના અન્ય વર્ગોનું તેને સમર્થન મળ્યું.

પ્રારંભિક સમયમાં બળવો સ્વયંભૂ થયો હોય અને પછી તેને સામંતોનું સમર્થન મળ્યું હોય એવું પણ વિવેચકોનું માનવું છે. મહિપાલ દ્વિતીયના મૃત્યુ પછી બંને ભાઈઓ જેલમાંથી છૂટી ગયા અને ત્યાંથી નાસી છૂટ્યા. પૂર્વ બંગાળમાં રામપાલ તથા શૂરપાલે પાલવંશનું શાસન સ્થાપ્યું.

પહેલા શૂરપાલ અને પછી રામપાલે વારાફરતી શાસન કર્યું. રામપાલે સુવર્ણ તથા જમીન આપવાની લાલચે સામંતોના સમૂહને પોતાની સાથે લીધો હતો. દિવ્યના ભત્રીજા ભીમનું શાસન હતું ત્યારે તેનો પરાજય કર્યો અને વરેન્દ્ર ઉપર કબજો કર્યો. એ પછી કુમારપાલ, ગોપાલ તૃતીય અને મદનપાલ રાજા બન્યા. તેઓ નબળા હતા અને સામ્રાજ્યનું વિઘટન થતું રહ્યું.

ઈ.સ. 1160માં મદનપાલના અવસાનની સાથે પાલવંશનો અંત થયો અને સેનશાસનની શરૂઆત થઈ.

જર્મન વિચારક કાર્લ માર્કસના પુસ્તક 'દાસ કૅપિટલ'માં સામ્યવાદના વિચારો રજૂ કર્યા હતા. માર્ક્સે આ પુસ્તક 1867માં લખ્યું હતું. તેના આધારે વર્ષ 1917માં રશિયામાં ઑક્ટોબર ક્રાંતિ થઈ અને ઝારનું પતન થયું. શ્રમિક-ખેડૂત કેન્દ્રમાં હોય તેવી સામ્યવાદી શાસનવ્યવસ્થાનો પાયો નખાયો.

બંગાળની ધરતી પર કેવટોનો બળવો થયો, તેનાં લગભગ 900 વર્ષ પછી નક્સલબાડી આંદોલન શરૂ થયું હતું, જેનો હેતુ શાસનવ્યવસ્થાને ઊખેડીને શ્રમિકો અને ખેડૂતોની વ્યવસ્થા સ્થાપિત કરવાનો હતો. તે માર્ક્સના વિચારો અને રશિયન ક્રાંતિથી પણ પ્રેરિત હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન