ચાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી ડુંગળી કેવી રીતે આપણા ભોજનનો ભાગ બની?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ડુંગળી, કાંદા, પ્યાજ, પણકંદો અને ઑનિયન. ભેળ, ભજિયા, બિરયાની, આમલેટ, ચિકન, દાળ, શાક, કચુંબર, પરોઠાં અને રાયતા સહિત અનેક સ્વરૂપે તે ખોરાકમાં લેવાય છે. આ એવા શાકનું નામ છે કે જે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. એટલું જ નહીં વિશ્વના લગભગના તમામ દેશોમાં સૌથી વધુ ઉગાડવામાં આવતાં શાકમાંથી એક છે.

તે લાલ, પીળા, જાંબુડિયા અને સફેદ રંગમાં સ્થાનિક વાવેતરના આધારે અનેક જાતમાં બજારમાં મળે છે.

પ્રાચીન સમયથી જ ભારતમાં ડુંગળીનું અસ્તિત્વ રહ્યું છે, છતાં સામાન્ય લોકોમાં તેનો વપરાશ છેલ્લી પાંચેક સદીથી જ વધ્યો હોવાનું માનવામાં આવે છે. વિશ્વમાં ડુંગળીનો લેખિત ઇતિહાસ લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે.

ધાર્મિક , સાંપ્રદાયિક અને કેટલીક માન્યતાઓને કારણે ભારતીય સમાજના કેટલાક વર્ગો ડુંગળીનો ઉપયોગ ખાદ્યપદાર્થ તરીકે નથી કરતા.

તાજેતરમાં ભારતમાં ડુંગળી સમારતી વખતે જ નહીં, પરંતુ સમાજના એક વર્ગને ખરીદતી વખતે પણ આંખમાં પાણી આવી જાય એટલા ભાવ વધી ગયા. જેના કારણે જુલાઈ મહિનામાં મોંઘવારીનો દર પણ 15 માસની ઊંચાઈએ પહોંચી ગયો.

કેન્દ્રની સરકારે તત્કાળ ડુંગળીની નિકાસ ઉપર 40 ટકાની જકાત લગાડી દીધી, જે ડિસેમ્બર મહિના સુધી લાગુ રહેશે. જેથી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની ડુંગળી મોંઘી થઈ જાય અને ઘરઆંગણે તેના ભાવો કાબૂમાં આવે.

આ પહેલાં ભારત સરકારે મોંઘવારીને કાબૂમાં લેવા માટે બિન-બાસમતી ચોખાના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. અગાઉના અનુભવ પરથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કોઈ ચૂક કરવા નથી માગતી અને ભાવવધારાને તાત્કાલિક કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે.

સરકારે નેશનલ કૉ-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફૅડરેશન ઑફ ઇન્ડિયા અને નેશનલ ઍગ્રિકલ્ચર કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફૅડરેશન ઑફ ઇંડિયા મારફત પ્રતિક્વિન્ટલ બે હજાર 410ના ભાવથી પાંચ લાખ ટનની ખરીદી ચાલુ કરી છે. સરકારનું કહેવું છે કે આ નિકાસ કરતાં વધુ સારો ભાવ છે અને રેકૉર્ડ ભાવે રેકૉર્ડ જથ્થામાં ખરીદી થઈ રહી છે. આ સ્ટૉકનું સહકારી મંડળી તથા અન્ય માધ્યમો થકી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

દેશમાં ડુંગળીની દાસ્તાન

અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં સામેલ યેલ યુનિવર્સિટીના બૅબિલોન સંગ્રાહલયમાં રહેલી માટીની ત્રણ તકતીઓ ઉપર ભોજનની રીતો લખેલી છે, જેમાં ડુંગળીના વપરાશનો ઉલ્લેખ છે. લગભગ ચાર હજાર વર્ષ જૂના આ લખાણોને સંશોધકોએ 1985 આસપાસ ઉકેલ્યા હતા.

માનવ સભ્યતાનો વિકાસ જ્યાં સૌથી પહેલાં થવા પામ્યો એવી સભ્યતાઓમાંથી એક મૅસોપોટેમિયાના નિવાસીઓ ડુંગળી જ નહીં પરંતુ લસણ, લીલી ડુંગળી અને શૅલોટનો (ડુંગળીનો એક પ્રકાર) ઉપયોગ ખોરાકમાં કરતા.

ભારત, ચીન અને મધ્ય-પૂર્વ એશિયામાં પ્રાચીન સમયથી જ ડુંગળી અસ્તિત્વ ધરાવતી હોવાનું માનવામાં આવે છે, અલબત શરૂઆતનાં વર્ષોમાં તે જંગલી વનસ્પતિ તરીકે થઈ હતી. ભારતના પ્રાચીનગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા નથી મળતો. છતાં ચરક સંહિતામાં પણ સાંધા અને પાચનમાં ડુંગળી મદદરૂપ હોવાનું નોંધાયેલું છે.

યુએનના અનુમાન મુજબ, વિશ્વના 175 કરતાં વધુ દેશ ડુંગળીનું વાવેતર કરે છે. જે ઘઉંનું વાવેતર કરતાં દેશો કરતાં બમણી સંખ્યા છે. વિસ્તારની દૃષ્ટિએ તે સૌથી વધુ લેવાતો પાક છે અને કદાચ સૌથી વધુ વપરાતો ખાદ્યપદાર્થ છે.

ખાદ્ય ઇતિહાસકાર લોરા કેલીના મતે, "જિનેટિક ઍનાલિસિસના આધારે અમારું માનવું છે કે મધ્ય એશિયામાં તેનો ઉદ્દભવ થયો હતો. મૅસોપોટેમિયાવાસીઓએ તેનો ઉપયોગ શરૂ કર્યો, ત્યારસુધીમાં તે ખૂબ જ પ્રચલિત થઈ ગઈ હતી. યુરોપમાં તામ્રયુગ દરમિયાન તેનો ઉપયોગ થતો હોવાની માહિતી મળે છે."

કેલીએ 'ધ સિલ્ક રોડ ગૉર્મૅ' નામનું પુસ્તક લખ્યું છે. તેમનું કહેવું છે કે ઈ.સ. પૂર્વે બે હજારમાં સિલ્ક રૂટ મારફત તેનો વેપાર થતો. તેનું વાવેતર સહેલું હતું, તે ઓછી સંભાળ માગે છે તથા તેની ઉપર રોગ-કિટકનું જોખમ ઓછું હોય છે એટલે તેનો ઝડપથી ફેલાવો થયો.

છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન ભારતમાં આવેલા ચીની મુસાફરો નોંધે છે કે ડુંગળી ખાનારાઓને ગામ બહાર કરી મૂકવામાં આવતા.

ખોરાક ઇતિહાસકાર પૃથા સેનના મતે, "મુઘલોના આગમન પહેલાં ભારતમાં આદુ-આધારિત વ્યંજનોનું પ્રમાણ વધારે હતું. ડુંગળી અને લસણનો વપરાશ નહીં જેવો હતો."

પશ્ચિમી દેશોમાં મોટાભાગે બે સિઝન દરમિયાન ડુંગળીનો પાક લેવાય છે, જ્યારે ભારતમાં ત્રણેય સિઝન દરમિયાન તેનું વાવેતર થાય છે. ખરીફ પાક દ્વારા વાવવામાં આવેલી ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેથી કરીને તે વહેલી બગડી જાય છે. આ સિવાય આ પાક બજારમાં આવે ત્યારે વરસાદની સિઝન ચાલતી હોવાથી પાણી કે ભેજ લાગી જવાથી સંગ્રહિત ડુંગળી બગડી જવાનો ભય રહે છે.

રવિપાક દરમિયાન વાવવામાં આવેલી ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, એટલે તેને પ્રમાણમાં લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. બંને સિઝન દરમિયાન ઉતરેલી ડુંગળીની તીખાશમાં તફાવત હોય છે, પરંતુ સામાન્ય માણસ તે ઓળખી શકે તેટલો મોટો નથી હોતો.

ભારત દ્વારા ઘરઆંગણે ડુંગળીના ભાવોમાં ઘટાડો લાવવા માટે અગાઉ પાકિસ્તાન, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને તુર્કીથી ડુંગળી મંગાવવામાં આવતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાન સાથેનો વેપાર ઠપ છે, જ્યારે તુર્કીની ડુંગળી સાથે કેટલીક સમસ્યાઓ જોડાયેલી છે.

તુર્કીની ડુંગળી ખૂબ જ તીખી હોય છે, જેના કારણે તેની ગ્રૅવીમાં યોગ્ય સ્વાદ નથી આવતો એટલે હોટલમાલિકો તેનો ઉપયોગ ટાળે છે. ઉપરાંત તેના નંગ મોટા હોય છે.

દેશી ડુંગળી એક કિલોમાં ઘણા નંગ આવે જ્યારે તુર્કીની ડુંગળીના બેથી ત્રણ નંગ જ આવે. અન્ય કોઈ શાકની જેમ તેને સુધાર્યા પછી તેનો ફ્રીજમાં કે અન્ય કોઈ રીતે સરળતાથી સંગ્રહ થઈ શકતો ન હોવાથી ગૃહિણીઓમાં પણ તે એટલી લોકપ્રિય નથી. વેપારીઓમાં પણ એક નંગ ખરાબ થાય એટલે મોટું નુકસાન થતું હોવાથી તેનો વેપાર કરવાનું ટાળે છે.

મમરી, પાઉડર, પેસ્ટ, આદુ-ડુંગળીની પેસ્ટ કે તેલસ્વરૂપે લાંબા સમય સુધી સાચવી શકાય છે.

ડુંગળી, ધર્મ અને માન્યતા

મોટાભાગના દેશોમાં જે ડુંગળી ઉત્પન્ન થાય છે, તેનો સ્થાનિકસ્તરે જ વપરાશ થઈ જાય છે. બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને મધ્ય-પૂર્વ એશિયાના દેશો ડુંગળી માટે ભારત ઉપર આધાર રાખે છે. ભારતમાં ભાવવૃદ્ધિ થાય એટલે તેમને પાકિસ્તાન, ચીન, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન જેવા દેશો તરફ નજર દોડાવી પડે છે.

ભારતમાં ડુંગળી સાથે કેટલીક ધાર્મિક અને સાંપ્રદાયિક માન્યતાઓ જોડાયેલી છે. જૈન અને બૌદ્ધોનો એક વર્ગ ડુંગળી તથા તેના કૂળના લસણ-મૂળાનું સેવન નથી કરતો. સ્વામીનારાયણ તથા વૈષ્ણવસંપ્રદાયના લોકો પણ ડુંગળીનો ઉપયોગ ટાળે છે.

ડુંગળીમાં કેટલાક ઔષધીય ગુણો રહેલાં છે, છતાં તેને તામસિક ખોરાક માનવામાં આવે છે. દક્ષિણ ભારતીયો લાલ કે જાંબુડી રંગની ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીને ઓછી તામસિક માને છે એટલે તેનું સેવન કરતી વખતે ખચકાટ નથી અનુભવતા.

ડુંગળીને કામોત્તેજક પણ માનવામાં આવે છે. એક તબક્કે વિધવા મહિલાઓને લસણ-ડુંગળી ખાવા ઉપર પ્રતિબંધ હતો. સાધુ-સંન્યાસીઓ, ભિક્ષુકો તથા અન્ય ધાર્મિકપ્રચાકો તેનો ઉપયોગ ન કરતા.

ડુંગળીનો સ્વાદ મોઢામાં રહી જાય છે, જે વાત કરતી વખતે પણ ખ્યાલ આવે છે.

હિંદુઓનો એક વર્ગ ધાર્મિકમાન્યતાઓને કારણે નવરાત્રી, શ્રાવણ મહિના, અધિકમાસ, ચાતુર્માસ દરમિયાન માંસ-માછલી-ચિકન કે શરાબ ઉપરાંત લસણ-ડુંગળીનું સેવન નથી કરતો.

ડુંગળી વિશે જાણવા જેવી બાબતો

  • ડુંગળી સાથે સંકળાયેલા કેટલાક શબ્દપ્રયોગ ગુજરાતીમાં વિખ્યાત છે છે. જેમ કે, 'કાંદો ખીલવો' એટલે મસ્તીએ ચઢવું ; જ્યારે 'કાંદો કાઢવો' એટલે લાભ ખાટવો, અલબત તેનો શબ્દપ્રયોગ તિરસ્કારમાં થાય છે.
  • ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશ ડુંગળી પકવતાં ટોચનાં રાજ્ય છે.
  • ગાંધીજીએ ખેડાના સત્યાગ્રહ દરમિયાન ખોટી રીતે ટાંચમાં લેવાયેલી જમીનમાં ઉગેલી ડુંગળીને ઉખેડી લેવા લોકોને આહ્વાન કર્યું હતું. ગાંધીજીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં તેનો ઉલ્લેખ કર્યો છે.
  • ડુંગળી ખાધા પછી અજમો ખાવાથી મોઢામાંથી ડુંગળીની વાસ ઓછી આવે છે.
  • પૂર્વોત્તર ભારતમાં જોવા મળતી એક પ્રજાતિની ડુંગળીનો આકાર અશ્રુબિંદુ જેવો હોય છે.
  • ડુંગળીમાં સિન-પ્રોપેનેથિયલ-એસ-ઑક્સાઇડ (Syn-propanethial-S-oxide) નામનું સલ્ફરનું સ્વરૂપ હોય છે. જે અશ્રુગૅસ જેવી સંરચના ધરાવે છે. જેથી કરીને ડુંગળી કાપતી વખતે આંસુ આવે છે.
  • ડુંગળીમાં સરેરાશ 85 ટકા પાણી હોય છે. તેને પાણીમાં પલાળીને તેની તીખાશ ઘટાડી શકાય છે અને તેનાથી આંસુ પણ નથી આવતા.
  • રાજકીય નિષ્ણાતોના એક વર્ગનું માનવું છે કે 1998માં ડુંગળીના વધી ગયેલા અસામાન્ય ભાવો દિલ્હીની સુષ્મા સ્વરાજ સરકારના પતનનું એક કારણ બન્યા હતા.
  • નરેન્દ્ર મોદીએ પ્રથમ કાર્યકાળના પ્રથમ વર્ષમાં જ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે બીજા કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન વિદેશથી ડુંગળી આયાત કરી હતી.
  • વિશ્વમાં સૌથી મોટી ડુંગળીનું વજન લગભગ સાડા આઠ કિલોગ્રામ હતું, તેને યુકેમાં વર્ષ 2014માં ઉગાડવામાં આવી હતી.