એક એવો રોગ, જે માણસના મનમાંથી ડર ખતમ કરી નાખે

    • લેેખક, જેસ્મિન ફૉક્સ સ્કેલી
    • પદ, બીબીસી ફ્યુચર

ભય લાગવો મનુષ્ય જીવનનો એક ભાગ છે, પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને કોઈ પણ ચીજથી ડર નથી લાગતો.

સવાલ એ છે કે શું તેમનું જીવન અલગ હોય છે? જરા વિચારો, જો તમે વિમાનથી કૂદો અને તેમને કંઈ પણ લાગણી ન અનુભવાય. ન હૃદયના ધબકારા વઘે, ન શરીરમાં કોઈ હીલચાલ.

બ્રિટનના જૉર્ડી સેર્નિકના જીવનમાં આ જ સત્ય છે. તેમની એડ્રિનલ ગ્રંથિ કાઢી નાખવામાં આવી, જેથી કશિંગ સિન્ડ્રોમથી જોડાયેલી ચિંતા ઘટી શકે.

જોર્ડીની અપેક્ષા કરતાં સારવાર વધુ સારી નીવડી. તેમણે ચિંતા કરવાનું બંધ કરી દીધું.

2012 માં જ્યારે તેઓ ડિઝનીલૅન્ડ ગયા અને રોલર કોસ્ટર પર બેઠા ત્યારે તેમને ખબર પડી કે તેમને ડર નહોતો લાગતો.

ત્યાર બાદ તેમણે સહેજ પણ ડર્યા વિના સ્કાયડાઇવિંગ કર્યુ, ટાઇન બ્રિજ પરથી ઝિપ-લાઇનિંગ કર્યું અને શાર્ડ ટાવર પરથી એમ્બેસેલિંગ પણ કર્યું.

સેર્નિકનો કેસ અત્યંત દુર્લભ છે, પરંતુ સંપૂર્ણપણે અનોખો નથી. આ સ્થિતિ એ લોકોમાં પણ જોવા મળે છે જેને ઉર્બાખ-વિથેની બીમારી હોય છે.

લિપોઇડ પ્રોટીનોસિસ તરીકે પણ ઓળખાય છે, તે એક આનુવંશિક સ્થિતિ છે જે એટલી દુર્લભ છે કે તે વિશ્વભરમાં ફક્ત 400 લોકોમાં જ જોવા મળે છે.

એસએમ નામનાં મહિલા દર્દીને ઉર્બાખ-વિથે રોગ છે. તે 1980ના દાયકાથી યુએસમાં આયોવા યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય રહી છે.

2000ના દાયકાની શરૂઆતમાં જસ્ટિન ફીનસ્ટીન જે તે સમયે ત્યાંના વિદ્યાર્થી હતા, સંશોધન ટીમમાં જોડાયા અને એસએમને ડરાવવા માટેના ઉપાયો અજમાવ્યા.

જસ્ટિન ફેઈનસ્ટીને હવે ફ્લોટ રિસર્ચ કલેક્ટિવના ક્લિનિકલ ન્યુરોસાઇકૉલૉજિસ્ટ છે. તેઓ કહે છે, "અમે તેમને મળી શકે તેવી દરેક હોરર ફિલ્મ બતાવી."

આ સંસ્થા ફ્લોટેશન રિડ્યુસ્ટ ઍન્વાયર્મેન્ટલ સ્ટિમ્યુલેશન થૅરપીને પ્રોત્સાહન આપે છે, જેનો હેતુ પીડા અને તાણ-સંબંધિત વિકારોની સારવાર કરવાનો છે.

ડરને નિયંત્રણ કરતો મગજનો ભાગ

તેમણે કહ્યું કે 'ધ બ્લેર વિચ પ્રોજેક્ટ', 'અરૈક્નોફોબિયા', 'ધ શાઇનિંગ' અને 'સાયલન્સ ઑફ ધ લેમ્બ્સ' જેવી હોરર ફિલ્મો પણ એસએમને ડરાવી શકી નથી.

વેવરલી હિલ્સ સેનેટોરિયમ જેવી ડરામણી જગ્યાની મુલાકાત લીધા પછી પણ, તેમને કોઈ અસર થઈ નહીં.

ફેઇન્સ્ટાઇને કહ્યું, "અમે તેમને સાપ અને કરોળિયા જેવાં વાસ્તવિક જોખમોનો સામનો કરાવ્યો, પરંતુ ડરવાને બદલે તે તેમના તરફ આકર્ષાઈ, તેમને ટાળવાને બદલે તેમની નજીક જવા લાગી."

"તેમની ઊંડી જિજ્ઞાસા હતી. તેઓ પ્રાણીઓને સ્પર્શ કરવા અને તેમની સાથે જોડાવા માગતી હતી."

ઉર્બાખ-વિથે રોગ ત્યારે થાય છે જ્યારે ECM1 નામના જનીનમાં પરિવર્તન થાય છે.

આ જનીન રંગસૂત્ર 1 પર આવેલું છે અને બાહ્યકોષીય મેટ્રિક્સ (ઇસીએમ) જાળવી રાખે છે. ઇસીએમ એ એક પ્રકારનો આધાર છે જે કોષો અને પેશીઓને સ્થાને રાખે છે.

જ્યારે ઇસીએમ1ને નુકસાન થાય છે, ત્યારે કૅલ્શિયમ અને કોલેજન એકઠા થાય છે અને કોષો નાશ પામે છે.

ખાસ કરીને આની અસર એમિગ્ડાલા પર થાય છે. એમિગ્ડાલા એ મગજનો બદામ આકારનો ભાગ જે ડરને સમજવા અને તેનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

એમિગ્ડાલા મગજનો એ ભાગ છે જે ચોક્કસ પ્રકારના ભયને નિયંત્રિત કરે છે, પરંતુ અન્ય ભય માટે તેની ભૂમિકા અલગ હોઈ શકે છે.

એસએમ સાથે જે બન્યું તે એ હતું કે ઉર્બાખ-વિથે રોગથી તેમના એમિગ્ડાલાને નુકસાન થયું અને તેમને ડર લાગવાનું બંધ થઈ ગયું.

ફીનસ્ટીને કહ્યું, "એ નોંધવું અગત્યનું છે કે એકમાત્ર તેના ડર પર અસર થઈ હતી. તે હજુ પણ ખુશી, ગુસ્સો અને ઉદાસી જેવી અન્ય લાગણીઓ અનુભવી શકતી હતી."

ભયના પ્રકારો કયા કયા હોય છે?

નિષ્ણાતો કહે છે કે આ મુદ્દો એટલો સરળ નથી. એમિગ્ડાલા કેટલાક પ્રકારના ભયમાં વધુ સામેલ છે અને અન્યમાં ઓછું. આને ફીઅર કન્ડીશનિંગથી સમજી શકાય છે.

ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં જાણવા મળ્યું કે જો અવાજ સાંભળ્યા પછી તરત જ તેમને હળવો ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવે, તો તેઓ અવાજ સાંભળીને જ ડરથી થીજી જશે.

એસએમ જાણે છે કે ગરમ તવાને સ્પર્શ કરવો ખોટું છે, પરંતુ ડર છે કે કન્ડીશનિંગ તેના પર કામ કરતું નથી.

આનો અર્થ એ થયો કે પીડા સંબંધિત કોઈ પણ સંકેત પર તેમના હૃદયના ધબકારા વધી જતા નથી કે એડ્રેનાલિનની અસર જોવા મળતી નથી.

તેઓ બીજાના ચહેરા પરનો ડર ઓળખી શકતા નથી, જોકે તેઓ ખુશી અને ઉદાસી જેવી લાગણીઓને સરળતાથી સમજી શકે છે.

એસએમ મિલનસાર હોય છે અને લોકો સાથે સરળતાથી જોડાઈ જાય છે, પરંતુ તેમને જોખમોને ઓળખવામાં અને ટાળવામાં મુશ્કેલી પડે છે.

આ કારણે તેમને ઘણી વખત છરી અને બંદૂકની ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.

એક અભ્યાસમાં એક અજાણી વ્યક્તિને એક એસએમ પાસે ઊભી રાખવામાં આવી અને પૂછવામાં આવ્યું કે તેમને કેટલા અંતરે આરામદાયક લાગે છે.

તેમનો જવાબ હતો 0.34 મીટર (લગભગ 1.1 ફૂટ) હતો, જ્યારે સામાન્ય લોકો તેનાથી લગભગ બમણું અંતર જાળવવાનું પસંદ કરે છે.

આ બતાવે છે કે જો કોઈ તેની અંગત જગ્યામાં આવે તો પણ તે અસામાન્ય રીતે આરામદાયક છે.

અમેરિકામાં મેરીલૅન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઍલેક્ઝાન્ડર શેકમેને જણાવ્યું હતું કે, "એસએમ જેવા લોકો અથવા જેમને ક્ષતિગ્રસ્ત એમિગ્ડાલા હોય છે, તેઓ અજાણ્યા લોકોની ખૂબ નજીક જતા રહે છે.

"જ્યારે સામાન્ય લોકો, જેમના એમિગ્ડાલા સારી રીતે કામ કરે છે, તેઓ આવું કરતા નથી."

આ સૂચવે છે કે એમિગ્ડાલા આપણા સામાજિક વિશ્વ પ્રત્યેના પ્રતિભાવોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

જો બહારથી કોઈ ખતરો હોય તો એમિગ્ડાલા ઓર્કેસ્ટ્રા કન્ડક્ટરની જેમ કાર્ય કરે છે, આ મગજ અને શરીરને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે કહે છે.

એમિગ્ડાલાથી સ્વતંત્ર રીતે કેટલાક ભય ઉદ્ભવે છે.

એક પરીક્ષણમાં ફિનસ્ટીન અને તેમની ટીમે એસએમને કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લેવા કહ્યું, જેના કારણે સામાન્ય રીતે લોકો ગૂંગળામણ અને ડર અનુભવે છે.

વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે એસએમને અસર થશે નહીં, પરંતુ તેનાથી વિપરીત તે ડરી ગઈ.

એ જ રીતે, બે અન્ય દર્દી (જેમના એમિગ્ડાલાને નુકસાન થયું હતું)ને પણ આ પરીક્ષણ દરમિયાન તીવ્ર ડર લાગ્યો.

ફીનસ્ટીને કહ્યું, "એસએમ એટલો ડર લાગ્યો કે તેને ગભરાટનો હુમલો આવ્યો. તે તેના પુખ્ત જીવનનો સૌથી તીવ્ર ડર હતો."

આ પરિણામથી ફેનસ્ટીનને એમીગડાલા પર વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરવા પ્રેરણા મળી.

દસ વર્ષના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભયના મગજમાં બે અલગ-અલગ માર્ગ હોય છે: એક જ્યારે ખતરો બહારથી આવે છે અને બીજો જ્યારે તે અંદરથી ઉદ્ભવે છે.

બાહ્ય ખતરાના કિસ્સામાં એમીગડાલા એક વાહક તરીકે કાર્ય કરે છે, જે શરીર અને મગજને પ્રતિક્રિયા આપવા માટે સૂચના આપે છે.

તે સૌપ્રથમ ઇન્દ્રિયોને નિયંત્રિત કરતા ભાગો - દૃષ્ટિ, ગંધ, સ્વાદ અને શ્રવણ - પાસેથી માહિતી મેળવે છે.

જો એમીગડાલા કોઈ ખતરો શોધી કાઢે છે, જેમ કે ચોર, સાપ અથવા રીંછ, તો તે હાયપોથેલેમસને સંદેશ મોકલે છે.

હાયપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિને વધુ સક્રિય કરે છે અને પિટ્યુટરી ગ્રંથિ એડ્રેનલ ગ્રંથિઓને સંકેત આપે છે. ત્યાર બાદ એડ્રેનલ ગ્રંથિઓ કોર્ટિસોલ અને એડ્રેનાલિનને લોહીના પ્રવાહમાં છોડે છે.

ફેનસ્ટીને કહ્યું, "આ પ્રક્રિયા હૃદયના ધબકારા ઝડપી બનાવે છે, બ્લડપ્રેશર વધે છે અને સામાન્ય ભય પ્રતિભાવ, લડાઈ કે ભાગી, સક્રિય થાય છે."

જ્યારે શરીરની અંદરથી ખતરો આવે છે, જેમ કે લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે, ત્યારે મગજ તેનું અલગ રીતે અર્થઘટન કરે છે.

મગજમાં ઑક્સિજન સેન્સર ન હોવાથી શરીર આને ગૂંગળામણના સંકેત તરીકે અર્થઘટન કરે છે.

ફેનસ્ટીનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મગજનો સ્ટેમ (જે શ્વાસ લેવા જેવાં મૂળભૂત કાર્યોને નિયંત્રિત કરે છે) જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે ત્યારે ગભરાટ પેદા કરે છે.

સામાન્ય રીતે, એમીગડાલા આ પ્રતિભાવને અટકાવે છે. જોકે, એસએમ જેવા દર્દીઓમાં (જેમના એમિગ્ડાલાને નુકસાન થયું છે) ભયની પ્રતિક્રિયા વધુ તીવ્ર બને છે.

વૈજ્ઞાનિકો હજુ પણ સંપૂર્ણપણે સમજી શક્યા નથી કે એમીગડાલા આવું કેમ કરે છે.

એસએમનો અનુભવ દર્શાવે છે કે મનુષ્યોમાં શરૂઆતમાં ભય કેમ ઊભરી આવ્યો.

શેકમેને કહ્યું, "આ પરિણામો દર્શાવે છે કે એમિગ્ડાલા દરેક ભય અથવા ચિંતા માટે જરૂરી નથી. તે ચોર, સાપ, કરોળિયા અથવા ભૂતિયાં ઘરો જેવાં બાહ્ય જોખમોના ભયને સંભાળે છે, પરંતુ જ્યારે આંતરિક રીતે ચિંતા ઊભી થાય છે, ત્યારે એમીગડાલા જવાબદાર નથી."

ભયનું જીવનમાં મહત્ત્વ

એસએમનો કિસ્સો અલગ છે, પણ એ જરૂરી નથી કે એ બધાને લાગુ પડે.

તેમની બીમારીએ તેમના એમીગડાલાનો લગભગ સંપૂર્ણપણે નાશ કરી દીધો હતો, પરંતુ તેમના મગજના બાકીના ભાગને કોઈ નુકસાન થયું ન હતું.

એક જ પ્રકારની મગજની ઇજાની વિવિધ લોકો પર અલગ-અલગ અસરો થઈ શકે છે.

તે ઈજા કઈ ઉંમરે થઈ તેના પર પણ આધાર રાખે છે, કારણ કે આનાથી સાજા થવાની હદ અને પ્રકાર નક્કી થાય છે.

એસએમનો અનુભવ દર્શાવે છે કે મનુષ્યોમાં સૌપ્રથમ ભય કેમ વિકસિત થયો.

વર્ટિબ્રેટ્સ કે જેમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ, ઉભયજીવી અને માછલીનો સમાવેશ થાય છે, બધામાં એમીગ્ડાલા હોય છે અને તે તેમને ભયથી બચાવીને ટકી રહેવામાં મદદ કરે છે.

ફીનસ્ટીને કહ્યું, "જ્યારે કોઈ પ્રાણીના એમિગ્ડાલાને નુકસાન થાય છે અને તેને જંગલમાં પાછું છોડી દેવામાં આવે છે, ત્યારે તે ઘણી વાર કલાકો કે દિવસોમાં મૃત્યુ પામે છે, કારણ કે આ મહત્ત્વપૂર્ણ પ્રણાલી વિના પ્રાણીઓ ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરે છે."

પરંતુ ઘણી ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં એસએમ 50 વર્ષથી વધુ સમયથી એમિગ્ડાલા વિના જીવ્યાં છે.

ફીનસ્ટીન માને છે કે, "એસએમનું ઉદાહરણ એ સૂચવે છે કે આજના વિશ્વમાં ભય હંમેશાં જરૂરી નથી. ક્યારેક તે ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, જ્યાં મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે, પરંતુ તણાવ અને ચિંતાના વિકારો હજુ પણ વ્યાપક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન