જાપાનના લોકો શું ખાય છે કે જેના લીધે 100 કરતાં વધારે વર્ષો જીવે છે?

    • લેેખક, જેસિકા રૉન્સલે
    • પદ, બીબીસી ન્યૂઝ
    • લેેખક, સ્ટેફની હેગાર્ટી
    • પદ, જનસંખ્યા સંવાદદાતા

જાપાન સરકારે જાહેરાત કરી છે કે દેશમાં 100 કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા લગભગ એક લાખ છે, જે એક રેકૉર્ડ છે.

આ સતત 55મું વર્ષ છે જ્યારે નવો રેકૉર્ડ બન્યો હોય. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જાપાનમાં 100 વર્ષની ઉંમરે પહોંચેલા લોકોની સંખ્યા 99,763 હતી.

આમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ 88 ટકા છે.

આરોગ્યમંત્રી તાકામારો ફુકુઓકાએ 87,784 મહિલાઓ અને 11,979 પુરુષોને તેમના લાંબા આયુષ્ય બદલ અભિનંદન આપ્યાં અને "સમાજના વિકાસમાં ઘણાં વર્ષોના યોગદાન" બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

જાપાન વિશ્વમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવે છે અને ઘણી વાર તેને વિશ્વની સૌથી વૃદ્ધ વસ્તીના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જોકે, કેટલાક અભ્યાસો અનુસાર, સમગ્ર વિશ્વમાં 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની વાસ્તવિક સંખ્યા અંગે વિવાદ છે.

જાપાન સૌથી ઝડપથી વૃદ્ધ થતા સમાજોમાંના એક તરીકે પણ ઓળખાય છે, જ્યાં રહેવાસીઓ ઘણી વાર આરોગ્યપ્રદ ખોરાક ખાય છે પરંતુ જન્મદર ખૂબ જ ઓછો છે.

100 વર્ષથી વધુ આયુષ્યની જિંદગી

જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ શિગેકો કાગાવા છે, જે નારા શહેરના ઉપનગર યામાતોકોરિયામાનાં 114 વર્ષીય મહિલા છે.

જ્યારે સૌથી વૃદ્ધ પુરુષ કિઓતાકા મિઝુનો છે, જે દરિયાકાંઠાના શહેર ઇવાટાના 111 વર્ષીય પુરુષ છે.

આ આંકડા 15 સપ્ટેમ્બર, જાપાનના વરિષ્ઠ નાગરિક દિવસના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તે દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે અને 100 વર્ષની ઉંમરના નવા લોકોને વડા પ્રધાન તરફથી અભિનંદનપત્ર અને ચાંદીનો કપ આપવામાં આવે છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, આ વર્ષે 52,310 લોકો તેને પાત્ર હતા.

1960ના દાયકા સુધી જાપાનમાં તેની કુલ વસ્તીમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા કોઈ પણ G7 દેશ કરતાં સૌથી ઓછી હતી, પરંતુ પછીના દાયકાઓમાં આમાં નોંધપાત્ર ફેરફાર થયો.

1963માં જ્યારે જાપાન સરકારે 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનો સર્વે શરૂ કર્યો ત્યારે આ સંખ્યા ફક્ત 153 હતી.

આ આંકડો 1981માં વધીને 1000 અને 1998માં 10,000 થયો.

સો વર્ષની જિંદગીનું રહસ્ય શું છે?

હૃદયરોગ અને કેટલાંક પ્રકારનાં કૅન્સર વિશ્વભરમાં મૃત્યુનાં મુખ્ય કારણો છે. આ કૅન્સરમાં સ્તન અને પ્રોસ્ટેટ કૅન્સરનો સમાવેશ થાય છે. જે દેશમાં મૃત્યુદર ઓછો હોય અથવા આ રોગોનો વ્યાપ ઓછો હોય ત્યાં આયુષ્ય વધારે હોય તેવું માનવામાં આવે છે.

જાપાનમાં સ્થૂળતાનો દર ખૂબ જ ઓછો છે, જે બંને રોગોનું મુખ્ય કારણ છે. વધુમાં ઓછું રેડ મીટ (લાલ માંસ) અને વધારે માછલી અને શાકભાજીનો આહારમાં ઉપયોગ પણ મુખ્ય કારણ છે.

ખાસ કરીને સ્ત્રીઓમાં સ્થૂળતાનો દર ઓછો છે, જેને કારણે પણ જાપાની સ્ત્રીઓનું આયુષ્ય તેમના પુરુષ સમકક્ષો કરતાં વધુ લાંબું જોવા મળે છે.

વિશ્વભરમાં ખાંડ અને મીઠાનું સેવન વધતું ગયું, તેથી જાપાને એક અલગ અભિગમ અપનાવ્યો.

જાપાને પબ્લિક હેલ્થ મૅસેજ આપીને લોકોને મીઠાનું સેવન ઘટાડવા માટે સમજાવ્યા.

પરંતુ વાત ફક્ત ખોરાકની નથી. જાપાનના વૃદ્ધ લોકો તેમના બાકીના જીવન દરમિયાન સક્રિય રહેવાનું પસંદ કરે છે. તેઓ અમેરિકા અને યુરોપના વૃદ્ધ લોકો કરતાં વધુ ચાલે છે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે.

રેડિયો તાઈસો, એક ગ્રૂપ એક્સરસાઇઝ 1928થી જાપાની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. તે સમુદાયની ભાવના તેમજ જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી હતી.

આ ત્રણ મિનિટની કસરત દિનચર્યા ટીવી પર પ્રસારિત થાય છે અને દેશભરમાં નાનાં ગ્રૂપોમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે.

100 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા અંગે વિવાદ

જોકે, ઘણા અભ્યાસોએ 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની વૈશ્વિક સંખ્યાની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

તેઓ કહે છે કે આંકડાકીય ભૂલો, અવિશ્વસનીય જાહેર રેકૉર્ડ અને જન્મપ્રમાણપત્રોના અભાવને કારણે આ સંખ્યા અલગ હોઈ શકે છે.

જાપાનમાં 2010માં કૌટુંબિક રજિસ્ટરના સરકારી ઑડિટમાં 230,000થી વધુ લોકોનાં નામ મળી આવ્યાં હતાં, જેમની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ હોવાનું નોંધાયું હતું, પરંતુ તેમના અંગે કોઈ જાણકારી ન મળી. આમાંના કેટલાક લોકો દાયકાઓ પહેલાં મૃત્યુ પામ્યા હતા.

કેટલાક પરિવારોએ પેન્શન માટે તેમના વૃદ્ધ સંબંધીઓના મૃત્યુ જાહેર કર્યા ન હતા. આ કારણે રેકૉર્ડમાં ગરબડ થઈ હોવાની શંકા છે.

ટોક્યોના સૌથી વૃદ્ધ વ્યક્તિ માનવામાં આવતા 111 વર્ષીય સોજેન કોટોના અવશેષો તેમના મૃત્યુના 32 વર્ષ પછી તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. આ પછી રાષ્ટ્રીય તપાસની જાહેરાત કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન