You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો વધારે પરસેવો થાય તો શું કરવું, નહાવાને બદલે માત્ર ડિઓડરન્ટ લગાવીએ તો શું થાય?
- લેેખક, એસ્થર કાહુમ્બી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે, ખાસ કરીને લાંબા દિવસ પછી અથવા કોઈને મળતા પહેલાં?
સોશિયલ મીડિયા આ ચિંતાને વેગ આપે છે, કારણ કે 'ફ્રેશ' રહેવા વિશે સતત ચર્ચા થતી રહે છે.
સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડીયો જોઈ શકાય છે, જેમાં કેટલાકમાં પ્રભાવશાળી લોકો તેમના આખા શરીર પર ડિઓડરન્ટ લગાવતાં દેખાય છે, જ્યારે અન્યમાં લોકો બસો અને ટ્રેનોમાં "દુર્ગંધયુક્ત" મુસાફરો વિશે ફરિયાદ કરતા દેખાય છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે પરસેવો થવો એ સંપૂર્ણપણે સામાન્ય છે. તેનો અર્થ એ નથી કે સ્વચ્છતાનો અભાવ છે. તે શરીરની એક કુદરતી પ્રક્રિયા છે.
યુકેમાં બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં શરીરરચનાનાં પ્રોફેસર મિશેલ સ્પીયર કહે છે, "પરસેવો આવવો એ સંપૂર્ણપણે સામાન્ય અને જરૂરી છે."
લોકોને ગરમી, કસરત અથવા તણાવમાં હોય ત્યારે પરસેવો વળે છે. આ પરસેવો શરીરનું સંતુલિત તાપમાન જાળવવામાં મદદ કરે છે.
પરસેવા વિશેના સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા અને આખો દિવસ તાજગીભર્યા કઈ રીતે રહી શકાય એનો ઉપાય જાણવા માટે અમે નિષ્ણાતો સાથે વાત કરી.
પરસેવામાંથી દુર્ગંધ કેમ આવે છે?
જ્યારે શરીરનું તાપમાન વધે છે, ત્યારે પરસેવો ઉત્પન્ન થાય છે. તેમાં પાણી અને મીઠું હોય છે. આ પરસેવો ગરમીને સૂકવી નાખે છે અને દૂર કરે છે અને શરીરને ઠંડુ પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ગંધ સીધી પરસેવામાંથી આવતી નથી.
પ્રોફેસર સ્પીયર સમજાવે છે કે આપણા શરીરમાં બે થી ચાર મિલિયન પરસેવાની ગ્રંથીઓ હોય છે. આ બે પ્રકારના પરસેવો ઉત્પન્ન કરે છે: એક પાણીયુક્ત, જે શરીરને ઠંડુ પાડે છે, અને બીજું, જે વધુ ચરબીયુક્ત હોય છે.
ચરબીયુક્ત પરસેવો સામાન્ય રીતે બગલ અને જાંઘની આસપાસ જમા થાય છે. જ્યારે બૅક્ટેરિયા તેને તોડી નાખે છે, ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
પરસેવો શરીર માટે સારો છે, પરંતુ દરેક વ્યક્તિ સ્વચ્છ રહેવા માંગે છે.
નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ પરસેવો રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ, પરંતુ તેને નિયંત્રિત કરવાનું શીખવું જોઈએ.
શું આખો દિવસ તરોતાજા રહી શકાય?
પરસેવા અને દુર્ગંધથી બચવા માટે સાબુ અને પાણીથી સ્નાન કરવું એ સૌથી સહેલો રસ્તો છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, દિવસમાં કેટલી વાર સ્નાન કરવું જરૂરી છે?
કેટલાક લોકો દરરોજ સ્નાન કરવાની ભલામણ કરે છે, જ્યારે અન્ય લોકો માને છે કે અઠવાડિયામાં ત્રણ વખત સ્નાન કરવું પૂરતું છે.
પ્રોફેસર સ્પીયર કહે છે કે બગલ, ઉપરની જાંઘ અને પગને સારી રીતે ધોવા મહત્ત્વપૂર્ણ છે.
તે કહે છે, "સ્નાન કરતી વખતે, પાણી આખા શરીર પર વહી જાય છે, પરંતુ લોકો ઘણીવાર પગ ધોવાનું ભૂલી જાય છે. પગને પણ સારી રીતે સાફ કરવા જોઈએ."
આપણાં કપડાં પરસેવા અને ગંધને પણ અસર કરે છે.
કૉટન અને લેનિન જેવાં કાપડ પરસેવો શોષી લે છે અને તેને શરીરથી દૂર લઈ જાય છે, જેનાથી રાહત મળે છે.
જોકે, સિન્થેટિક કાપડ પરસેવાને રોકી લે છે, જેનાથી ગરમી અને અસ્વસ્થતા અનુભવાય છે.
ડિઓડોરન્ટ્સ અને ઍન્ટિપર્સપિરન્ટ્સ પણ ઉપયોગી છે. ડિઓડોરન્ટ્સમાં આલ્કોહૉલ હોય છે, જે ત્વચાને થોડી ઍસિડિક બનાવે છે. આ બૅક્ટેરિયાના વિકાસને ઘટાડે છે, અને સુગંધ ગંધને ઢાંકી દે છે.
ઍન્ટિપર્સપિરન્ટ્સમાં ઍલ્યુમિનિયમ ક્ષાર હોય છે, જે પરસેવાની ગ્રંથીઓને અવરોધે છે, જેનાથી પરસેવાનું ઉત્પાદન ઓછું થાય છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે રાત્રે ઍન્ટિપર્સપિરન્ટ લગાવવું અને સવારે તેને ધોઈ નાખવું વધુ સારું છે.
રાત્રે પરસેવાની ગ્રંથીઓ ઓછી સક્રિય હોય છે, તેથી ઍલ્યુમિનિયમ વધુ સરળતાથી શોષાય છે. તે ધીમે ધીમે એકઠું થાય છે, અને સમય જતાં તેની અસરો નોંધપાત્ર બને છે.
શું ઍન્ટિપર્સપિરન્ટ્સ નુકસાન પહોંચાડી શકે છે?
લાંબા સમયથી, ઍન્ટિપરસ્પિરન્ટ્સ વિશે એવી શંકા છે કે તે બ્રેસ્ટ કૅન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોનું કારણ બની શકે છે.
પરંતુ ડૉ. નોરા જાફર કહે છે, "અત્યાર સુધીના પુરાવા સૂચવે છે કે તે સલામત છે. કોઈ અભ્યાસમાં એવું સાબિત થયું નથી કે ઍન્ટિપરસ્પિરન્ટ્સ કૅન્સરનું કારણ બને છે."
તેઓ સમજાવે છે કે ઍલ્યુમિનિયમ ક્ષાર ત્વચા પર ફક્ત ટૂંકા ગાળાની અસર કરે છે.
નિષ્ણાતો કહે છે કે આ ઉત્પાદનોના અયોગ્ય ઉપયોગથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
પ્રોફેસર સ્પીયર સમજાવે છે, "જો કોઈ પ્રોડકટ વિશે કહેવાય કે 72 કલાક કે 48 કલાક સુધી તેની અસર રહેશે, અને કોઈ વ્યક્તિ માત્ર ઍન્ટિપર્સપિરન્ટ્સ લઈને સ્નાન લેવાનું ટાળે તો સ્કિનમાં બ્લૉકેજ અને બળતરા થાય છે,"
જ્યારે પરસેવો અને મૃત ત્વચા કોષો એકઠા થાય છે, ત્યારે પરસેવાની ગ્રંથીઓ ભરાઈ જાય છે અને બળતરા થાય છે.
સ્કિન એક્સ્પર્ટ બગલ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ ઍલ્યુમિનિયમ ધરાવતાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
જ્યારે ત્વચા ભીની હોય છે, ત્યારે ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ પાણી સાથે ભળીને ઍસિડ બનાવી શકે છે, જેનાથી બળતરા થઈ શકે છે.
શું નેચરલ ડિઓડરન્ટ્સ કારગત નિવડે છે?
આજકાલ નેચરલ ડિઓડોરન્ટ્સ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે, અને તે ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જેઓ ઍલ્યુમિનિયમ અથવા આર્ટિફિશિયલ સુગંધને ટાળવા માંગે છે.
આ ડિઓડોરન્ટ્સમાં સામાન્ય રીતે કુદરતી ઍન્ટિબૅક્ટેરિયલ ઘટકો અથવા વનસ્પતિ તેલ હોય છે જે ગંધ ઘટાડે છે. વધુમાં, ચોખા અથવા ટેપિઓકા સ્ટાર્ચ જેવા ઘટકો પરસેવો શોષી લે છે.
ડૉ. જાફર સમજાવે છે, "આ હળવા હોય છે કારણ કે તે પરસેવાની ગ્રંથીઓને બંધ નથી કરતા, તે ફક્ત ગંધને અસર કરે છે, પરંતુ 'કુદરતી' હોવાનો અર્થ એ નથી કે તે કોઈ સમસ્યા ઊભી કરશે નહીં. ઍસેન્શિયલ ઑઇલ અથવા બૅકિંગ સોડા જેવા ઘટકો સંવેદનશીલ ત્વચા પર ફોલ્લીઓ પેદા કરી શકે છે."
તમારી ત્વચા પરના બૅક્ટેરિયા અને ડિઓડોરન્ટમાં રહેલા ઘટકોના આધારે, તેની અસર દરેક વ્યક્તિએ જૂદી હોય છે.
જો તમને ખૂબ પરસેવો થાય છે તો શક્ય છે કે આ નેચરલ ડિઓડોરન્ટ્સ એટલા બધા અસરકારક ન નિવડે, પરંતુ જો તમે ઍલ્યુમિનિયમને ટાળવા માંગતા હોવ તો તે એક સારો વિકલ્પ છે.
શું આખા શરીર પર ડિઓડરન્ટનો ઉપયોગ કરી શકાય?
લોકો વિચારે છે કે કયું ડિઓડરન્ટ કે ઍન્ટિપર્સપિરન્ટ્સ પસંદ કરવું અને શરીરના કયા ભાગો પર લગાવવું?
યુકે અને અમેરિકામાં નવાં ડિઓડોરન્ટ્સ વેચાઈ રહ્યા છે જેનો દાવો છે કે તે શરીરના દરેક ભાગ પર લગાવી શકાય છે, જેમાં ગુપ્ત ભાગોનો પણ સમાવેશ થાય છે.
આ પ્રૉડેક્ટ્સ સ્નાન કર્યા પછી લાંબા સમય સુધી તાજગી જાળવી રાખવાનો દાવો કરે છે, અને કેટલાક તો 72 કલાક સુધી ગંધ નહીં આવવાનો દાવો કરે છે.
પરંતુ ડૉકટરો કહે છે કે આખા શરીર પર ડિઓડરન્ટ લગાવવાની કોઈ જરૂર નથી, ખાસ કરીને ગુપ્ત ભાગો પર તો બિલકુલ નહીં.
ડૉ. જાફર ચેતવણી આપતાં કહે છે, "યોનિ, કમર, જાંઘ અને પેટની આસપાસના વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે. ત્યાં ડિઓડરન્ટ લગાવવાથી બળતરા, ઍલર્જી થઈ શકે છે અને કુદરતી સંતુલન બગડી શકે છે,"
તેઓ સૂચન કરે છે કે, "હળવો સાબુ અથવા ફક્ત પાણીથી આ ભાગોને ધોવું પૂરતું છે."
પરસેવો ક્યારે ચિંતાનું કારણ બને છે?
કેટલાક લોકો હાઇપરહાઇડ્રોસિસ નામની સ્થિતિથી પીડાય છે.
ઇન્ટરનૅશનલ હાઇપરહાઇડ્રોસિસ સોસાયટી અનુસાર, આ સ્થિતિમાં કેટલીક પરસેવાની ગ્રંથીઓ વધુ પડતી સક્રિય થઈ જાય છે અને વધુ પડતો પરસેવો ઉત્પન્ન કરે છે.
ડૉક્ટરો કહે છે કે ક્યારેક તે કોઈ અન્ય બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે - જેમ કે હૉર્મોનલ ફેરફારો, થાઇરોઇડ સમસ્યા, ચેપ અથવા મૅટાબોલિક ડિસઑર્ડરની સમસ્યા થઈ શકે છે.
આની સારવારમાં વધુ ઍલ્યુમિનિયમ ક્ષાર ધરાવતા સ્ટ્રોંગ ઍન્ટિપર્સપિરન્ટ્સનો ઉપયોગ થાય છે, જે પરસેવો ઘટાડે છે.
કેટલાક કિસ્સાઓમાં, બોટૉક્સ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે અને ખૂબ જ ગંભીર કિસ્સાઓમાં, સર્જરીથી પરસેવાની ગ્રંથીઓ દૂર કરી શકાય છે.
પ્રોફેસર સ્પીયર કહે છે, "જો તમને લાગે કે તમને ખૂબ પરસેવો થાય છે, તો શરમાશો નહીં. ડૉક્ટરની મદદ લો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન