રોહતક : યુનિવર્સિટીમાં મહિલા સફાઈકર્મીઓને માસિક આવ્યાના પુરાવા આપવા મજબૂર કરાયાનો આરોપ, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, નવજોતકોર
    • પદ, બીબીસી માટે

હરિયાણાના રોહતકમાં આવેલી મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (એમડીઇયુ)માં મહિલા સફાઈ કર્મચારીઓને પિરિયડ્સ સંબંધિત પુરાવા રજૂ કરવા માટે મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે.

આરોપો મુજબ, મહિલા સફાઈ કર્મચારીઓને સૅનિટરી પૅડની તસવીરો ઉચ્ચ અધિકારીઓને મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.

આ મામલે ત્રણ મહિલા સફાઈ કર્મચારીઓની ફરિયાદ પર પીજીઆઇએમએસ પોલીસ સ્ટેશન રોહતકમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

યુનિવર્સિટી તંત્ર અનુસાર મહિલા કર્મચારીઓને આવું કરવા માટે મજબૂર કરવાના આરોપમાં બે વરિષ્ઠ સફાઈ સુપરવાઇઝરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કેસને કારણે રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મામલો શું છે?

મહિલા સફાઈ કર્મચારીએ યુનિવર્સિટી તંત્રને આપેલી ફરિ યાદમાં લખ્યું છે કે તે છેલ્લાં 11 વર્ષથી યુનિવર્સિટીમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે.

ફરિયાદ મુજબ, 26 ઑક્ટોબરના રોજ જ્યારે તેઓ અને અન્ય સહકર્મી યુનિવર્સિટીના સ્પૉર્ટ્સ પરિસરની સફાઈ કરી રહ્યાં હતાં, ત્યારે ત્યાં હાજર બે પુરુષ સફાઈ સુપરવાઇઝરોએ તેમને કામ ઝડપથી પૂરું કરવા માટે દબાણ કર્યું.

મહિલા સફાઈ કર્મચારીઓએ જવાબ આપ્યો કે તેઓ પિરિયડ્સના કારણે થતા દુ:ખાવાને લીધે ઝડપથી કામ નથી કરી શકી રહ્યાં.

મહિલા કર્મચારીઓએ ફરિયાદમાં કહ્યું, "આ પછી સુપરવાઇઝરે અમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. તેમણે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓએ પિરિયડ્સના પુરાવા તરીકે સૅનિટરી પૅડની તસવીરો લેવાનો આદેશ આપ્યો છે."

તેમણે ફરિયાદમાં કહ્યું, "સફાઈ સુપરવાઇઝરે મારા પર અને અન્ય બે મહિલા કર્મચારીઓ પર સૅનિટરી પૅડની તસવીરો લેવા માટે દબાણ કર્યું. જ્યારે એક મહિલા કર્મચારીએ તસવીરો લેવા માટે ઇનકાર કર્યો, ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરાયો અને તેમને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવી."

ફરિયાદીઓનું કહેવું છે કે દબાણ અને મજબૂરીને કારણે તેઓ અને તેમનાં એક સહકર્મી શૌચાલયમાં ગયાં અને ફોન પર સૅનિટરી પૅડની તસવીરો લીધી.

ફરિયાદીઓએ આરોપ લગાવ્યો કે સુપરવાઇઝરના કહેવા મુજબ આ મામલામાં યુનિવર્સિટીના એક ઉચ્ચ અધિકારી પણ સામેલ છે.

બીજાં ફરિયાદકર્તાએ શું કહ્યું?

મીડિયા સાથે શૅર કરેલી માહિતીમાં એક અન્ય મહિલા સફાઈ કર્મચારીએ જણાવ્યું, "હું સવારે સાત વાગ્યાથી સતત સફાઈ કરી રહી હતી, પણ બપોરે બે વાગ્યે પિરિયડ્સના કારણે થોડા કલાકોની રજા માંગી. મારી વિનંતી સ્વીકારી લેવામાં આવી."

તેમણે કહ્યું, "આ દરમિયાન, મારાં બે અન્ય સહકર્મીઓએ પણ મને કહ્યું કે તેમને પણ પિરિયડ્સના કારણે દુખાવો થઈ રહ્યો છે. તેથી અમે ફરી સુપરવાઇઝરને ફોન કર્યો અને કહ્યું કે તેમને પણ થોડા કલાકોની રજા આપી દે. પણ સુપરવાઇઝરે પ્રશ્ન કર્યો કે તમે બધા એક સાથે મુશ્કેલીમાં કેમ છો?"

આ ઘટના વિશે વાત કરતાં તેમણે કહ્યું, "સુપરવાઇઝરે ત્યાં હાજર એક અન્ય મહિલા સફાઈ કર્મચારીને રજા માગનાર મહિલાઓની તપાસ કરવા માટે મોકલ્યાં અને કહ્યું કે ઉપરથી આદેશ મળ્યો છે કે અમે જઈને તેમની તપાસ કરીએ."

ફરિયાદી પ્રમાણે, એક મહિલા સફાઈ કર્મચારી તેમની સાથે બાથરૂમમાં ગયાં અને તેમની તપાસ કરી.

તેમણે તેમના સેનિટરી પૅડની તસવીરો પોતાના ફોન મારફતે લીધી. પછી તે સુપરવાઇઝર પાસે ગયાં અને પિરિયડ્સની પુષ્ટિ કરી.

સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ કરનાર એક મહિલા સફાઈ કર્મચારીએ કહ્યું કે આ ઘટના એક મહિલા માટે અપમાનજનક છે.

તેમણે કહ્યું, "દરેક મહિલાએ પિરિયડ્સનો સામનો કરવો પડે છે. એવું બની શકે છે કે એક જ દિવસે એકથી વધુ મહિલાઓને પિરિયડ્સ આવે. અમારી સાથે આવું વર્તન કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ."

યુનિવર્સિટી પ્રશાસને શું કહ્યું?

બીબીસી સંવાદદાતા મનોજ ઢાકાએ એમડીયુ તંત્રનો સંપર્ક કર્યો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કૃષ્ણકાંત ગુપ્તાએ જણાવ્યું કે યુનિવર્સિટીના કુલપતિએ આ ઘટનાની નિંદા કરી છે.

તેમણે જણાવ્યું કે આ મામલામાં દુર્વ્યવહારના આરોપી એવા બંને સુપરવાઇઝરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

તેમણે કહ્યું કે જાતીય સતામણી અંગે યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિને આ મામલાની તપાસ પછી રિપોર્ટ સોંપવાનું કહેવાયું છે.

મહિલા પંચે કડક કાર્યવાહીની માગ કરી

હરિયાણા મહિલા પંચનાં અધ્યક્ષ રેણુ ભાટિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે મામલાની જાણકારી મળતાં જ તેમણે તાત્કાલિક પગલાં લીધાં છે.

રેણુ ભાટિયાએ કહ્યું, "કોઈ પણ મહિલા માટે પિરિયડ્સ સંબંધિત પુરાવા માગવા કરતાં વધુ અપમાનજનક બાબત કંઈ ન હોઈ શકે."

તેમણે કહ્યું, "હું આ ઘટનાની કઠોર શબ્દોમાં નિંદા કરું છું અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરું છું. મહિલા પંચનાં અધ્યક્ષ તરીકે મેં રોહતકના પોલીસ અધીક્ષક અને યુનિવર્સિટી પાસેથી આ મામલાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે."

બીબીસી સંવાદદાતા મનોજ ઢાકાના જણાવ્યા મુજબ, રોહતકના પોલીસ અધીક્ષક સુરેન્દ્રસિંહ ભૌરિયાએ જણાવ્યું કે આ મામલે રોહતક PGIMS પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ લાગતાવળગતા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન