IND vs SA મહિલા વર્લ્ડકપ ફાઇનલ : ભારત બન્યું ચૅમ્પિયન, ભારતીય ટીમની જીતનાંં ચાર કારણો

રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે લખાઈ ગયો. ભારતની મહિલા ટીમે પહેલી વખત વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો. ભારતની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 52 રને પરાજય આપ્યો હતો.

આ પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટૉસ જીતને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે સાત વિકેટના ભોગે 299 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 246 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ચઢાવ-ઉતાર ભરેલું રહ્યું હતું. સેમિફાઇનલ પહેલાં પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારી હતી, પરંતુ રવિવારે તે ફૂલફૉર્મમાં હતી.

ભારતની ટીમે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ સહિત તમામ મોરચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને કેટલાંક કારણો ભારતીય ટીમના વિજય માટે કારણભૂત હતાં.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતની મહિલા ટીમ વર્ષ 2005 અને 2017માં વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ વિજયી બની શકી ન હતી.

ભારતનાં દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અને શેફાલી વર્મા પ્લેયર ઑફ ધ મૅચ બન્યાં હતાં.

બેટિંગ મજબૂત, મક્કમ શરૂઆત

દક્ષિણ આફ્રિકાનાં કૅપ્ટન લૉરા વુલ્ફાર્ટે ટૉસ જીતીને ભારતીય ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

ઓપનર શેફાલી અને સ્મૃતિ મંધાનાની જોડી મેદાનમાં ઊતરી. બંને ખેલાડીઓએ શરૂઆતમાં જોરદાર ગતિએ રન બનાવ્યા અને પહેલી વિકેટ માટે 104 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી.

19મી ઓવરમાં સ્મૃતિ મંધાના 45 રન (58 બૉલ) બનાવીને આઉટ થઈ ગયાં. એ પછી પણ શેફાલીએ આક્રમક રીતે રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ સદી મારવાથી 13 રને ચૂકી ગયાં હતાં.

શેફાલીએ 78 બૉલમાં 87 રન ફટકાર્યાં, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા પણ સામેલ હતા, પરંતુ ત્યાર સુધીમાં ભારતને મક્કમ શરૂઆત મળી ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા સામેની મૅચનાં સ્ટાર જેમિમાએ 37 બૉલમાં 24 રનની ઇનિંગ રમી. 29.4 ઓવરમાં ભારતનો સ્કોર 171 રન પર હતો, ત્યારે ઉપરાઉપરી વિકેટ પડવાને કારણે ભારતની ટીમ દબાણમાં આવી ગઈ હતી.

જોકે, કૅપ્ટન હરમનપ્રીતકોર અને દીપ્તિ શર્માએ ઇનિંગને સંભાળી અને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું. બંનેએ ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી. જોકે, હરમનપ્રીત માત્ર 20 રન જ ઉમેરી શક્યાં.

છેલ્લી 10 ઓવર દરમિયાન દીપ્તિ શર્મા (58 રન) અને ઋચા ઘોષે (34 રન) સારી ઇનિંગ રમી, જેના કારણે ભારતની ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાને 298 રન ઉપર પહોંચ્યો.

આમ દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપર શરૂઆતથી જ છની રનરેટનું મનોવૈજ્ઞાનિક દબાણ આવી ગયું હતું.

દીપ્તિ શર્માનું ઑલરાઉન્ડ પ્રદર્શન

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ તથા હરમનપ્રીતકોરના આઉટ થયા બાદ દીપ્તિ શર્માએ ઇનિંગને સંભાળી. દીપ્તિએ 58 બૉલમાં 58 રન કર્યાં, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો પણ સામેલ હતા.

સામે છેડે વિકેટકીપર ઋચા ઘોષે પણ તેમને સારો સાથ આપ્યો. ઋચાએ 24 બૉલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા પણ સામેલ હતા.

દીપ્તિ શર્માએ 9.3 ઓવરમાં 4.11ની ઍવરેજથી 39 રન આપીને પાંચ ખેલાડીઓને આઉટ કર્યાંં. આ સિવાય તેમણે ખાકાને પણ રનઆઉટ કર્યાં.

દીપ્તિએ સિનાલો જાપ્તા, ક્લો ટ્રાયોન, એનેરી ડર્કસન, નાદિન દ ક્લર્કને આઉટ કર્યાં. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ વિકેટ લૉરા વુલ્ફાર્ટની હતી, જેમણે 98 બૉલમાં 101 રન ફટકાર્યાં હતાં. આ પછી મૅચનું પાસું પલટાયું હતું અને ભારતનો વિજય નિશ્ચિત જણાવા લાગ્યો હતો.

વુલ્ફાર્ટના જુમલામાં 11 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા.

દક્ષિણ આફ્રિકાનાં કૅપ્ટનની વિકેટ

દક્ષિણ આફ્રિકાની ટીમ દાવ લેવા ઉતરી ત્યારે કૅપ્ટન લૉરા વુલ્ફાર્ટ તથા તાજમિન બ્રિટ્સે સારી શરૂઆત કરી અને છની રનરેટથી સ્કોરબોર્ડને ફરતું રાખ્યું.

જોકે, બ્રિટ્સ આઉટ થયાં એ પછી એક પછી એક વિકેટો પડતી રહી. એનેકે બૉશ (શૂન્ય રન), સુને લૂસ (25 રન), મારિજાને કાપ (ચાર રન) બનાવીને આઉટ થઈ ગયાં.

જોકે, કૅપ્ટન વુલ્ફાર્ટ સામેનો છેડો પકડી રાખ્યો હતો. તેમણે સદી ફટકારી, પરંતુ તે એળે ગઈ હતી. અમનજોતે તેમનો શાનદાર કૅચ પકડ્યો હતો.

આમ દક્ષિણ આફ્રિકાની સાતમી વિકેટ પડી. આ સાથે જ ભારત અને વર્લ્ડકપ વચ્ચેની દીવાલ પડી ગઈ.

એ પછી સોશિયલ મીડિયા ઉપર 'ભારત જીતશે કે નહીં?' એની નહીં, પરંતુ 'કેટલા રને જીતશે?' એની ચર્ચા થવા લાગી હતી.

હોમપિચનો લાભ

નવી મુંબઈમાં ફાઇનલ મૅચ યોજાઈ રહી હોય, મહિલા ક્રિકેટ ટીમને ઘરેલુ દર્શકનો સ્વાભાવિક લાભ મળ્યો હતો.

બીબીસી સંવાદદાતા જ્હાન્વી મૂળે જણાવે છે, "મહિલા ક્રિકેટના ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવું બન્યું હતું કે કોઈ મૅચની ટિકિટો મેળવવી મુશ્કેલ બની હોય. લગભગ 45 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળાં નવી મુંબઈનાં ડીવાય પાટીલ સ્ટેડિયમની તમામ ટિકિટો મૅચના અમુક દિવસો પહેલાં જ વેચાઈ ગઈ હતી."

"ભારે વરસાદ પડ્યો હોવા છતાં પ્રેક્ષકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં મૅચ જોવા માટે ઉમટી પડ્યા હતા. મુંબઈ ખાતે પુરુષોની ક્રિકેટ મૅચો રમાતી રહે છે અને તેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડે છે, પરંતુ મહિલા ક્રિકેટની મૅચ જોવા માટે ઉમટી પડે, તે જ્વલ્લેજ બનતી ઘટના છે."

જ્હાન્વી મૂળે ઉમેરે છે,"ન કેવળ મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી, પરંતુ દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો મૅચ ચાલુ થઈ ગયા પછી પણ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા."

"છેલ્લાં કેટલાંક વર્ષોથી ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલા ક્રિકેટની કેટલીક મૅચો રમાઈ રહી છે. જેમાં દર્શકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે."

"રવિવારે મહિલા ક્રિકેટર્સનાં પ્રદર્શનને દર્શકોએ નારેબાજી, ચીચીયારીઓ અને હર્ષોલ્લાસથી વધાવ્યું હતું. સ્ટેડિયમમાં મહિલા દર્શકોની પણ નોંધપાત્ર હાજરી હતી."

જ્હાન્વી કહે છે કે સચીન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રોહિત શર્મા અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ ભારતીય ટીમનું મનોબળ વધારવા માટે પહોંચ્યા હતા.

સ્વાભાવિક રીતે આ બધાં પરિબળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું મનોબળ વધારનારાં બની રહે અને મહેમાન ટીમને આ પ્રકારનો સપૉર્ટ હાંસલ ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

નવી મુંબઈમાં વરસાદને કારણે મૅચ લગભગ બે કલાક મોડી શરૂ થઈ હતી. મહત્ત્વપૂર્ણ મૅચ માટે ભારત તથા દક્ષિણ આફ્રિકાએ તેમનાં પ્લેઇંગ ઇલેવનમાં કોઈ મોટા ફેરફાર કર્યા ન હતા.

ભારત પ્લેઇંગ 11: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોતકોર, હરમનપ્રીતકોર (કૅપ્ટન), જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટ કીપર), રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકાસિંહ ઠાકુર.

દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ 11: લૉરા વુલ્ફાર્ટ (કૅપ્ટન), તાજમિન બ્રિટ્સ, સુને લૂસ, એનેરી ડર્કસન, એનેકે બૉશ, મારિજાને કાપ, સિનાલો જાપ્તા (વિકેટ કીપર), ક્લો ટ્રાયોન, નાદિન દ ક્લર્ક, અયાબોંગા ખાકા, નૉનકુલુલેકો મ્લાબા.

મહિલા ક્રિકેટ વર્લ્ડકપની પૃષ્ઠભૂમિ

અત્યારસુધીમાં મહિલા ક્રિકેટનાં કુલ 12 વિશ્વકપ રમાઈ ચૂક્યા છે, એટલે સુધી કે પુરુષોનો વર્લ્ડકપ શરૂ થયો, એ પહેલાંથી રમાય છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ સાત વખત મહિલા વન-ડે વિશ્વકપ જીત્યો છે. ઇંગ્લૅન્ડે ચાર વખત ટ્રૉફી જીતી છે અને ન્યૂઝીલૅન્ડે એક વાર આ ટ્રૉફી પોતાના નામે કરી છે.

ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત એટલે કે 2005 અને 2017 બાદ વન-ડે વિશ્વકપની ફાઇનલમાં રમી રહી છે. જ્યારે કે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પહેલી વખત ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થઈ હતી. જોકે, તેને ફાઇનલમાં હાર ખમવાનો વારો આવ્યો.

એટલે જ જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડકપ માટે ટકરાશે, એવું નક્કી થયું, ત્યારે જ મહિલા ક્રિકેટને 'નવી વર્લ્ડ ચૅમ્પિયન ટીમ' મળશે, એ વાત પણ પાક્કી થઈ ગઈ હતી. જોકે, ચૅમ્પિયન બનનારી ટીમ ભારત છે, એ વાત રવિવારે મૅચ પત્યા બાદ જ નક્કી થઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન