વૉશિંગટન સુંદરે 49 રન બનાવી ઑસ્ટ્રેલિયા સામે ભારતને જીત અપાવી પરંતુ જિતેશ શર્માની હાર્દિક પંડ્યા સાથે સરખામણી કેમ થઈ રહી છે?

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી20 સિરીઝની ત્રીજી મૅચ ભારતે પાંચ વિકેટે જીતી લીધી છે. હોબાર્ટના બેલેરીવ ઓવલમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતને જીત માટે 187 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.

ભારતે આ લક્ષ્યાંકને 18.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ભારત આ સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. સિરીઝની ચોથી મૅચ 6 નવેમ્બરે રમાશે.

ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી ટિમ ડૅવિડે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિકેટો અર્શદીપસિંહે લીધી હતી. તેણે ત્રણ વિકેટો ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે કૅનબરામાં રમાયેલી પહેલી ટી20 મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને બીજી મૅલબર્નની મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી હવે ત્રીજી હોબાર્ટની મૅચમાં ભારતે વિજય મેળવ્યો છે.

રવિવારે ભારતીય ક્રિકેટચાહકોનું ધ્યાન નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ તથા હોબાર્ટની વચ્ચે વહેંચાયેલું રહ્યું. નવી મુંબઈ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાઈ રહી હતી.

ત્યારે હજારો કિલોમીટર દૂર ઑસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે ભારત અને યજમાન દેશ વચ્ચે ત્રીજી ટી-20 મૅચ યોજાઈ અને ત્યાંથી ભારતીયો માટે સારા સમાચાર આવ્યા.

આ મુકાબલામાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. મૅચના નવ બૉલ ફેંકાવાના બાકી હતા કે ભારતે વિજયનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ છ વિકેટના ભોગે 186 રન બનાવ્યા હતા.

પાંચ ટી-20 મૅચોની સિરીઝમાં ત્રણ મૅચ રમાઈ છે, જેમાં ઑસ્ટ્રેલિયા અને ભારતે એક-એક મૅચ જીત્યા છે. જ્યારે સિરીઝની એક મૅચ અનિર્ણયિત રહી હતી.

આ પહેલાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાઈ હતી, જેની ઉપર 2-1થી ઑસ્ટ્રેલિયાએ કબજો કર્યો હતો.

આ મૅચ બાદ અર્શદીપસિંહને ત્રણ વિકેટ લેવા બદલ યર ઑફ ધી મૅચ બન્યા હતા.

ઑસ્ટ્રેલિયાની બેટિંગ

ભારતે ટૉસ જીતીને ઑલ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતનો આ નિર્ણય મોંઘો સાબિત થયો હોવાનું પહેલી ઇનિંગના અંતે જણાતું હતું.

ઑસ્ટ્રેલિયા તરફથી ટિમ ડૅવિડે 38 બૉલમાં 74 રન બનાવ્યા હતા. તેમણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા, જે તેમની ઇનિંગની આક્રમકતા દેખાડે છે. શિવમે ફેંકેલા બૉલ ઉપર તેઓ તિલકના હાથે કૅચ આઉટ થયા હતા.

આ સિવાય માર્ક્સ સ્ટૉયનિસે આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 64 રન (39 બૉલ) બનાવ્યા. અર્શદીપે ફેંકેલી બૉલમાં સબસિટ્યૂટ ખેલાડી રિંકૂસિંહના હાથે તેઓ કૅચ આઉટ થયા હતા.

મૅથ્યૂ શૉર્ટે 15 બૉલમાં અણનમ 26 રનનો ફાળો આપ્યો હતો. આ સિવાય ટ્રૅવિસ હેડે (ચાર બૉલ, છ રન), મિચેલ માર્શ (14 બૉલ,11 રન), જૉશ ઇંગ્લિશે (સાત બૉલ, એક રન) સ્કોરબોર્ડમાં પોતાનો ફાળો આપ્યો હતો.

ભારત તરફથી અર્શદીપસિંહે ચાર ઓવરના ક્વોટામાં 8.75ની ઍવરેજથી 35 રન આપ્યા હતા. જોકે, તેમણે ત્રણ ખેલાડીઓને (હેડ, સ્ટૉયનિસ તથા ઇંગ્લિશ) પેવોલિયન ભેગા કર્યા હતા. અર્શદીપ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.

અક્ષર પટેલે પણ તેમના ક્વૉટાની ઓવરોમાં 35 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ લઈ શક્યા ન હતા.

વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 33 રન આપીને બે ખેલાડીને (માર્શ, ઓવેન) આઉટ કર્યા હતા. તો શિવમ દુબેને (ત્રણ ઓવર, 43 રન) ટિમ ડૅવિડ સ્વરૂપે એકમાત્ર સફળતા મળી હતી. 14.33ની ઍવરેજ સાથે દુબે ભારત તરફથી સૌથી મોંઘા બૉલર સાબિત થયા હતા.

અભિષેક શર્માએ એક ઓવરમાં 13 રન આપ્યા, પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં કિફાયતી 26 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.

ભારતની ઇનિંગ

જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમની વિકેટ નિયમિત અંતરે પડતી રહી હતી અને નેથન એલિસે તેમના સ્પેલ દરમિયાન ભારતીય બૅટ્સમૅનોને કનડ્યા હતા.

અભિષેક શર્મા (16 બૉલ, 25 રન) સારા ફૉર્મમાં જણાતા હતા, શર્માએ બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવામાં એલિસની બૉલ પર ઇંગ્લિશને કૅચ આપી બેઠા હતા. એ સમયે ભારતીય ટીમનો સ્કોર 33 રન (3.3 ઓવર) હતો.

શુભમન ગિલ જામે એ પહેલાં 15 રન (12 બૉલ) બનાવીને આઉટ થઈ ગયા હતા. એલિસે તેમને એલબીડબલ્યુ કર્યા હતા. સૂર્યકુમાર યાદવ કપ્તાની ઇનિંગ રમી રહ્યા હતા. તેમણે બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 11 બૉલમાં 24 રન ફટકાર્યા હતા કે સ્ટૉયનિસના બૉલ પર એલિસના હાથે કૅચ આઉટ થયા હતા. 76 રનમાં (7.3 ઓવર) ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

એવામાં ફરી એલિસ ત્રાટક્યા હતા. તેમણે ફેંકેલી બૉલ પર અક્ષર પટેલ બાર્ટલેટને કૅચ આપી બેઠા. પટેલે 12 બૉલમાં 17 રન બનાવ્યા હતા.

મૅચનું નોંધપાત્ર આકર્ષણ વૉશિંગ્ટન સુંદરની ઇનિંગ રહી હતી. તેમણે અણનમ 49 રન (23 બૉલ) ફટકાર્યા. ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

જીતેશ શર્માએ પણ 13 બૉલમાં 22 રનનું મહત્ત્વપૂર્ણ પ્રદાન આપ્યું હતું.

ઑસ્ટ્રેલિયા તરફથી શૉન એબટ (3.3 ઓવર, 56 રન) સૌથી મોંઘા સાબિત થયા હતા અને કોઈપણ ખેલાડીને આઉટ કરી શક્યા ન હતા.

નેથન એલિસે ક્વોટાની ચાર ઓવરમાં ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી. મૅથ્યુ શૉર્ટે એક ઓવરમાં 13 રન આપ્યા હતા અને કોઈ સફળતા મળી ન હતી.

જિતેશ શર્માની 'હાર્દિક પંડ્યા સાથે સરખામણી'

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મૅચમાં વૉશિંગટન સુંદરે 23 બૉલમાં 49 રન બનાવીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જિતેશ શર્માએ 13 બૉલમાં 22 રન બનાવ્યા હતા. બંને છેલ્લે સુધી નૉટઆઉટ રહ્યા હતા.

આ મૅચ પૂર્ણ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ જિતેશ શર્માની હાર્દિક પંડ્યા સાથે શરૂ કરી છે.

વૉશિંગટન સુંદર છઠ્ઠા અને જિતેશ શર્મા સાતમા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. ભારતને છેલ્લે 18મી ઓવર પૂર્ણ થયા પછી 12 બૉલમાં 5 રન બનાવવાના હતા ત્યારે જિતેશ શર્મા 19મી ઓવરના પહેલા બૉલે સ્ટ્રાઇક પર હતા. તેમણે એક રન લઈને વૉશિંગટન સુંદરને સ્ટ્રાઇક આપી હતી. વૉશિંગટન સુંદર આ પછી એક રન લઈને જિતેશ શર્માને સ્ટ્રાઇક આપી હતી.

ભારતને હવે 10 બૉલમાં 3 રન બનાવવાના હતા અને વૉશિંગટન સુંદર પોતાની અડધી સદીથી 1 રન દૂર હતા. 19મી ઓવરના ત્રીજા બૉલે સ્ટ્રાઇક પર આવેલા જિતેશ શર્માએ બાઉન્ડ્રી ફટકારતા ભારતનો વિજય થયો હતો.

ભારતનો વિજય થયો હતો પરંતુ ભારતને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર વૉશિંગટન સુંદરની અડધી સદી પૂર્ણ ન થતાં લોકો જિતેશ શર્માની સરખામણી હાર્દિક પંડ્યા સાથે કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ 2023માં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં તિલક વર્મા 49 રન પર હતા ત્યારે સિક્સ ફટકારીને ટાર્ગેટ પૂરો કર્યો હતો અને ભારત મૅચ જીત્યું હતું. ભારતને એ મૅચમાં 18 બૉલમાં છ રન કરવાના હતા ત્યારે 18મી ઓવરમાં પહેલાં ચાર બૉલમાં હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ મળીને ચાર રન દોડીને લીધા હતા. ઓવરના પાંચમાં બૉલે હાર્દિક પંડ્યાએ સિક્સ ફટાકરીને ટાર્ગેટ પૂરો કરી દીધો હતો.

હાર્દિક પંડ્યાએ પૂર્ણ કરેલા ટાર્ગેટના કારણે તિલક વર્માની અડધી સદી થઈ શકી ન હતી અને લોકોએ હાર્દિક પંડ્યાની ટીકા કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન