You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs SA મહિલા વર્લ્ડકપ ફાઇનલ: પહેલી વખત ભારતીય ટીમ બની ચૅમ્પિયન, દીપ્તિ શર્માની પાંચ વિકેટ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. આઈસીસી વન-ડે વર્લ્ડકપનો ખિતાબ પહેલી વખત ભારતે પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં હરમનપ્રીતકોરની ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રને પરાજય આપ્યો છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 299 રનનું લક્ષ્યાંક રાખ્યું હતું. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. ભારત વતી દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લીધી હતી.
ઑલરાઉન્ડર દીપ્તિ શર્માના ઑલરાઉન્ડ દેખાવને કારણે ભારત ચૅમ્પિયન બની શક્યું છે. ભારત માટે દીપ્તિ શર્માએ 9.2 ઓવરમાં 39 રન આપીને પાંચ વિકેટ હાંસલ કરી હતી.
ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા જેમાં દીપ્તિ શર્માએ 58 રન બનાવ્યા હતા. છેલ્લે તેઓ રનઆઉટ થયાં હતાં.
આ પહેલાં આઇસીસી મહિલા વન-ડે વિશ્વકપ 2025ની ફાઇનલ મૅચ નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે 299 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને યજમાન દેશને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે સાત વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા તથા દીપ્તિ શર્માએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મૅચનાં સ્ટાર પર્ફૉર્મર જેમિમા રોડ્રિગ્સ 24 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. કૅપ્ટન હરમનપ્રીતકોર પણ કંઈક ખાસ કરી શક્યાં ન હતાં.
ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત એટલે કે 2005 અને 2017 બાદ વન-ડે વિશ્વકપની ફાઇનલમાં રમી રહી હતી. જ્યારે કે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પહેલી વખત ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ કેમ 300 રન ન બનાવી શકી?
ભારતીય ટીમ ફાઇનલમાં સારી શરૂઆત બાદ પણ 300નો આંકડો ક્રૉસ નહીં કરી શકી હતી. ભારત માટે આ મહત્ત્વની ફાઇનલ મૅચમાં સૌથી વધુ રન શેફાલી વર્માએ બનાવ્યા અને દીપ્તિ શર્માએ અર્ધશતકીય પારી રમી.
નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્પૉર્ટ્સ સ્ટેડિયમ ઍકેડેમીમાં થયેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાનાં કપ્તાન લૉરા વોલપાર્ટે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતની ટીમની શરૂઆત સારી રહી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 17.4 ઓવરમાં 104 રનની ભાગેદારી નોંધાવી. ત્યારે લાગતું હતું કે ભારત આ મૅચમાં ઓછામાં ઓછા 300 રનની ઉપર તો જરૂર બનાવશે. પરંતુ આમ ન થયું અને ભારત માત્ર 298 રન જ બનાવી શક્યું.
કૅપ્ટન હરમનપ્રીતકોરની આગેવાનીમાં ટીમે 50 ઓવરમાં સાત વિકેટના ભોગે 298 રન બનાવ્યા. મિડલ ઑર્ડરના ધબડકાને કારણે ભારતીય ટીમ સ્કોર 300 પાર નહીં કરી શકી.
શેફાલી વર્માએ ભારતીય ટીમ તરફથી ધમાકેદાર બેટિંગ કરતાં સાત ચોક્કા અને બે છક્કાની મદદથી 78 બૉલમાં 87 રન બનાવ્યા.
ત્યાં સ્મૃતિ મંધાનાએ પણ સારી શરૂઆત કરતાં 8 ચોક્કાની મદદથી 58 બૉલમાં 45 રનનું યોગદાન આપ્યું. પરંતુ ત્યારબાદ આવેલાં બેટરો ફટાફટ આઉટ થઈ ગયાં. જેમિમા રૉડ્રિગ્સ માત્ર 24 રન બનાવીને આઉટ થઈ ગયાં. કૅપ્ટન હરમનપ્રીતકોરે 20 રન બનાવ્યા અને અમનજોત માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયાં. ત્રણ પૈકી કોઈ એક બેટર સારી ઇનિંગ રમ્યાં હોત તો ભારતનો સ્કોર 300 પાર થઈ શક્યો હોત.
શેફાલી વર્માના 87 રન
ભારતનાં ઓપનર બેટર શેફાલી વર્મા સદીથી ચૂકી ગયાં હતાં. તેમણે 78 બૉલમાં 87 રનની ઇનિંગ રમી. શેફાલીએ પોતાની ઇનિંગમાં સાત ચોક્કા અને બે છક્કા માર્યા હતા.
ઉલ્લેખનીય છે કે શેફાલી સુરત ખાતે સિનિયર ટી-20 વુમન ટુર્નામેન્ટમાં હરિયાણાની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં, ત્યારે તેમને વર્લ્ડકપ રમવા માટે બોલાવવામાં આવ્યાં હતાં. ભારતનાં ધુંઆદાર બલ્લેબાજ પ્રતીકા રાવલ ઈજાગ્રસ્ત થતાં શેફાલીને તક આપવામાં આવી હતી.
સ્મૃતિ મંધાના પણ સારી શરૂઆત બાદ પોતાની અર્ધસદી ચૂક્યાં હતાં. તેમણે 58 બૉલમાં 45 રનની પારી રમી.
ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મૅચનાં સ્ટાર ખેલાડી જેમિમા 37 બૉલમાં 24 રન બનાવીને આઉટ થયાં હતાં. જેમિમાએ એક ચોગ્ગો ફટકાર્યો હતો.
કૅપ્ટન હરમનપ્રીતકોરે બે ચોગ્ગા સાથે 20 રન (29 બૉલ) ફટકાર્યાં હતાં. ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં હરમનપ્રીતે 89 રનનું નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું.
ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં 'વિનિંગ શૉટ' ફટકારનારાં અમનજોત પણ 12 રન પર આઉટ થયાં હતાં. ઋચા ઘોષે દીપ્તિ શર્માનો સાથ આપવાનો પ્રયાસ (24 બૉલ, 34 રન) પ્રયાસ કર્યો હતો.
દિપ્તી શર્માએ 58 બૉલમાં 58 રન બનાવ્યાં હતાં અને ઇનિંગનાં છેલ્લા બૉલે રનઆઉટ થયાં હતાં.
અયાબોંગા ખાકાએ દક્ષિણ આફ્રિકા વતી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે નૉનકુલુલેકો મ્લાબા ક્લો ટ્રાયોન નાદિન ડિ ક્લર્કને એક-એક સફળતા મળી હતી.
અત્રે યાદ રાખવું ઘટે કે અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ સાત વખત મહિલા વન-ડે વિશ્વકપ જીત્યો છે. અત્યારસુધીમાં મહિલા ક્રિકેટનાં કુલ 12 વિશ્વકપ રમાઈ ચૂક્યા છે, એટલે સુધી કે પુરુષોનો વર્લ્ડકપ શરૂ થયો, એ પહેલાંથી રમાય છે. ઇંગ્લૅન્ડે ચાર વખત ટ્રૉફી જીતી છે અને ન્યૂઝીલૅન્ડે એક વાર આ ટ્રૉફી પોતાના નામે કરી છે.
ઋચા ઘોષની તોફાની પારી
હરમનપ્રીત અને દીપ્તિ શર્મા વચ્ચે ચોથી વિકેટ માટે 52 રનની ભાગેદારી થઈ. કૅપ્ટન હરમનપ્રીત જ્યાં સુધી ક્રિઝ પર હતાં ત્યાં સુધી લાગતું હતું કે ભારત મોટો સ્કોર કરવામાં સફળ થશે. પરંતુ તેમનુ આઉટ થવું ભારત માટે યોગ્ય ન રહ્યું.
દીપ્તિ શર્માએ એક છોડ પકડીને જવાબદારીભરી બેટિંગ કરી હતી. તેમણે 100ની સ્ટ્રાઇક રેટ સાથે 58 રન બનાવ્યા. જેમાં ત્રણ ચોક્કા ઉપરાંત એક છક્કો પણ હતો. સાથે દીપ્તિએ પાંચ વિકેટો પણ લીધી હતી.
ઋચા ઘોષે ત્રણ ચોક્કા અને બે છક્કાની મદદથી 24 બૉલમાં 34 રન બનાવ્યા. તેમણે સ્કોરને 300 નજીક લઈ જવામાં મોટો ફાળો ભજવ્યો. જોકે, છેલ્લી ઓવરમાં તેઓ કે દીપ્તિ શર્મા ફાંકડી બેટિંગ ન કરી શક્યા.
કુલ મળીને ભારતનાં બેટરોની સારી શરૂઆત થતાં વચ્ચેની ઓવરમાં તેમની લય તૂટી જવાને કારણે દક્ષિણ આફ્રિકા માટે ધારવા કરતાં ઓછું લક્ષ્યાંક મળ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન