મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની સ્થિતિ કેટલી મજબૂત, જો વરસાદ પડે તો કઈ ટીમ જીતશે?

બીજી સેમિફાઇનલ મૅચ પૂરી થવામાં નવ બૉલ બાકી હતા કે ભારતનાં અમનજોતકોરે ચોગ્ગો ફટકાર્યો અને ઑસ્ટ્રેલિયાની ટીમ મહિલા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ.

અમનજોતકોરે વિજયી ફટકો માર્યો હતો કે સામે છેડે ઊભેલાં જેમિમા રૉડ્રિગ્સની (અણનમ 127) આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યાં. તેઓ દોડતાં અમનજોતને વળગી પડ્યાં.

કૅપ્ટન હરમનપ્રીત (89 રન) પણ ડગઆઉટમાં ઊછળી પડ્યાં. ગુરુવારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મૅચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાઈ ત્યારે દર્શકોએ આ દૃશ્યો જોયાં હતાં.

આ સાથે જ નક્કી થઈ ગયું કે મહિલા ક્રિકેટને નવી 'વર્લ્ડ ચૅમ્પિયન ટીમ' મળશે. પહેલી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતની મહિલા ટીમે પણ ક્યારેય આ ટુર્નામેન્ટ જીતી નથી.

રવિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે ફાઇનલ મૅચ રમાશે અને મેઘરાજા રમતની મજા બગાડી શકે છે. જો મૅચની ઉપર વરસાદનું વિઘ્ન નડ્યું તો કઈ ટીમ વિજેતા થશે તથા આ અંગેના નિયમ શું કહે છે?

હારીને જીતનાર બાજીગર ટીમ

ભારતીય ટીમે શરૂઆતની બે મૅચ જીતી. પરંપરાગત હરીફ પાકિસ્તાનને દરેક મૅચમાં હરાવવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો. જોકે, એ પછી ત્રણ મૅચ ગુમાવ્યા પણ ખરા.

પાકિસ્તાને ભારતમાં મૅચ રમવાનો ઇન્કાર કર્યો હોવાથી શ્રીલંકા આ ટુર્નામેન્ટનું 'કૉ-હોસ્ટ' હતું. કોલંબો ખાતે યોજાયેલી મૅચમાં ભારતની ટીમ 247 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દાવ લેવા ઊતરેલી પાકિસ્તાનની સમગ્ર ટીમ 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને હજુ સાત ઓવર ફેંકાવાની બાકી હતી.

ગુરુવારની (તા. 30 ઑક્ટોબર) મૅચ પણ ખૂબ જ દિલધડક રહી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમે 338 રનનો જંગી કહી શકાય એવો સ્કોર ખડક્યો હતો. જોકે, રૉડ્રિગ્સ અને હરમનપ્રીત સહિતનાં ખેલાડીઓની મદદથી તેને પાર કર્યો હતો.

વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગ્રૂપ લેવલની મૅચ (12 ઑક્ટોબર) રમાઈ, ત્યારે ભારતની ટીમે 330 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ મૅચની છેલ્લી ઓવર ફેંકાવાની બાકી હતી, ત્યારે સાત વિકેટ ગુમાવીને 331 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. એટલે જ ગુરુવારની મૅચ ભારતીય ટીમ માટે મૉરલ બૂસ્ટર બની રહેશે.

ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવરમાં 289 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને ચાર રને તેનો પરાજય થયો હતો. ફરી એક વખત ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટુર્નામેન્ટમાં આ પહેલાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થઈ (નવમી ઑક્ટોબર) છે, જેમાં મહેમાન ટીમનો ત્રણ વિકેટે વિજય થયો હતો અને હજુ સાત બૉલ ફેંકાવાના બાકી હતા. ભારતીય ટીમ એ વાતને ભૂલીને ફાઇનલ ઉપર ફોકસ કરવા ઇચ્છશે.

વરસાદ વિઘ્ન બનશે તો?

તા. 23 ઑક્ટોબરના ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે નવી મુંબઈના જ ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ લેવલની મૅચ રમાઈ હતી. જેમાં ડકવર્થ લૂઇસ પદ્ધતિથી ભારતનો 53 રને વિજય થયો હતો.

ભારતે 49 ઓવરમાં ત્રણ વિકેટે 340 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમને 44 ઓવરમાં 325 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, આ ટીમ આઠ વિકેટના ભોગે 271 રન જ બનાવી શકી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટુર્નામેન્ટની 28મી મૅચ ઉપરોક્ત સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારે બાંગ્લાદેશ ટીમે 27 ઓવરમાં નવ વિકેટના ભોગે 119 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઊતરેલી ભારતીય ટીમે આઠ ઓવર અને ચાર બૉલમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 57 રન બનાવ્યા હતા.

જોકે, એ પછી ભારે વરસાદ પડવા લાગ્યો હતો. 20 ઓવર ફેંકાઈ ન હોવાથી મૅચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

ફાઇનલ મૅચ પણ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાવાની છે, ત્યારે શનિવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને છૂટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે નવી મુંબઈ ખાતે પણ મહદંશે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, વિભાગ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની ચેતવણી રવિવાર માટે આપવામાં નથી આવી. દિવસનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ઓછામાં ઓછું 25 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

ખાનગી હવામાન સંસ્થા ઍક્યૂવેધરના અહેવાલ પ્રમાણે, રવિવારે હળવા જેવો વરસાદ પડવાની શક્યતા 63 ટકા જેટલી છે. સાથે જ વાદળછાયું વાતાવરણ 62 ટકા રહેવાની શક્યતા છે.

જો રવિવારે અસામાન્ય વરસાદ પડ્યો, તો સોમવારનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.

જો કદાચ રવિવારે ટૉસ થઈ જાય અને મૅચ ન રમાય, તો સોમવારે 'આગળના દિવસની સ્થિતિએ'થી મૅચને આગળ ધપાવવામાં આવશે. મૅચની ઓવરો ઘટાડવાનો વિકલ્પ પણ રેફરી પાસે રહેશે.

જો કોઈ એક ટીમનો દાવ થઈ જાય અને બીજી ટીમ 20 ઓવર (કે તેથી વધુ) રમી લે, તો 'ડકવર્થ લૂઇસ પદ્ધતિ'થી મૅચનું પરિણામ આપવામાં આવશે. ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારતની સ્થિતિ મજબૂત હતી, આમ છતાં પરિણામ આ પદ્ધતિથી જ નીકળ્યું હતું.

વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન

ટુર્નામેન્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ભારત, ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પરાજય આપ્યો હતો. જોકે, બે મૅચમાં ટીમ ત્રણ આંકડાનો સ્કોર પણ ખડકી શકી ન હતી.

બુધવારે (તા. 29 ઑક્ટોબર) ગૌહાટી ખાતે ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી સેમિફાઇનલ મૅચ રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લૅન્ડની સામે સાત વિકેટે 319 બનાવ્યા હતા. કૅપ્ટન લૌરા વોલવૉર્ડે 143 બૉલમાં 169 રન બનાવ્યા હતા.

જવાબમાં દાવ લેવા ઊતરેલી ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ 194 રનમા ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅપે 20 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક હતું.

કારણ કે ટુર્નામેન્ટની શરૂઆતમાં આ મેદાન ઉપર જ ઇંગ્લૅન્ડની પહેલી મૅચ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 69 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. લિન્સે સ્મિથે સાત રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 14 ઓવર અને એક બૉલમાં 73 રન બનાવ્યા હતા.

પહેલી સેમિફાઇનલના ચારેક દિવસ પહેલાં જ (તા. 25 ઑક્ટોબર) દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅચ રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર મહિલા ટીમ માત્ર 97 રનમાં (24 ઓવર) આઉટ થઈ ગઈ હતી. અલાના કિંગે 18 રન આપીને સાત વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ 17મી ઓવરનો એક બૉલ બાકી હતો કે ત્રણ વિકેટના ભોગે 98 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ પૉઇન્ટ્સના ટેબલમાં ટોચ ઉપર હતાં, પરંતુ બંને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયાં છે.

ભારતીય ખેલાડીઓ ઉપર નજર

સ્વાભાવિક રીતે જ રવિવારની મૅચમાં જેમિમા રૉડ્રિગ્સ ઉપર ક્રિકેટચાહકોની નજર રહેશે, જેમણે સેમિફાઇનલની મૅચમાં વિપરીત સંજોગોમાં ટકી રહીને ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તેઓ 'પ્લેયર ઑફ ધ મૅચ' પણ બન્યાં હતાં.

જેમિમા ટી-20 વર્લ્ડકપમાં સામેલ ન હતાં. ચાલુ વર્લ્ડકપની દરેક મૅચમાં જેમિમાને સ્થાન નથી મળ્યું, ત્યારે જેમિમા પાસે ફરી એક વખત પોતાની 'અનિવાર્યતા' સાબિત કરવાની તક હશે.

આ સિવાય હરમનપ્રીતકોર પાસેથી પણ અપેક્ષા રહેશે કે તેઓ ટીમને નેતૃત્વ તો પૂરું પાડે જ, સાથે જ સેમિફાઇલ મૅચ જેવું પ્રદર્શન બૅટથી કરે. રવિવારે હરમનપ્રીત પાસે તક હશે કે તેઓ દેશને વર્લ્ડકપ અપાવીને કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થાય, જેમણે દેશને આઈસીસીની સર્વોચ્ચ ટ્રૉફી અપાવી હોય.

ઑસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2022થી વર્લ્ડકપની સતત 16 મૅચમાં વિજયી રહી હતી, પરંતુ ભારતીય ટીમે આ વિજયકૂચને અટકાવી હતી.

શેફાલી વર્મા સુરત ખાતે ટી-20 (સિનિયર વુમન) ટીમની કપ્તાની કરી રહ્યાં હતાં ત્યારે તેમને વર્લ્ડકપ ટીમમાં સામેલ થવાનું તેડું આવ્યું હતું, કારણ કે ભારતનાં મજબૂત બલ્લેબાજ પ્રતીકા રાવલને પગમાં ઈજા થવાથી તેઓ બાકીની ટુર્નામેન્ટ રમી શકે તેમ ન હતાં.

સેમિફાઇનલમાં શેફાલી નોંધપાત્ર પ્રદાન આપી શક્યાં ન હતાં, પરંતુ ઑક્ટોબર-2024થી એક પણ આંતરરાષ્ટ્રીય મૅચ નહીં રમનારાં શેફાલી માટે ફાઇનલમાં ઉત્તમ પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવાની તક છે.

સ્મૃતિ મંધાના પણ જોરદાર ફૉર્મમાં છે. તેઓ ગુરુવારની મૅચમાં નિષ્ફળ રહ્યાં હતાં, પરંતુ રવિવારની મૅચમાં તેમની પાસેથી સારાં પ્રદર્શનની આશા રાખવામાં આવે છે.

ભારત અને દ. આફ્રિકા ફૂલ સ્ક્વૉડ

ભારતની ફૂલ સ્ક્વૉડ: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોતકોર, હરમનપ્રીતકોર (કૅપ્ટન), જેમિમા રૉડ્રિગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ (વિકેટ કીપર), રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકાસિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, હરલીન દેઓલ, ઉમા છેત્રી (વિકેટ કીપર)

દક્ષિણ આફ્રિકા ફૂલ સ્ક્વૉડ: લૌરા વોલવૉર્ડ (કૅપ્ટન), તાજમિન બ્રિટ્સ, સુને લુસ, એનેરી ડર્કસન, એનેકે બૉશ, મારિજાને કૅપ, સિનાલો જાપ્તા (વિકેટ કીપર), ક્લો ટ્રાયોન, નાદિન ડિક્લર્ક, અયાબોંગા ખાકા, નૉનકુલુલેકો મ્લાબા, તુમી સેખુખુને, નોંદુમિસો શાંગસે, કરાબો મેસો, મસાબાતા ક્લાસ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન