You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છની નજીક ભારત અને પાકિસ્તાનનાં સૈન્યો યુદ્ધાભ્યાસ કેમ કરી રહ્યાં છે?
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ન્યૂઝ ઉર્દૂ, નવી દિલ્હી
ભારતે ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમ સરહદોએ પોતાની ત્રણેય સેનાઓનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 'ત્રિશૂલ' શરૂ કર્યો છે.
આ યુદ્ધાભ્યાસમાં પાકિસ્તાનને અડતી પશ્ચિમ સરહદ, પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્યની વચ્ચે આવેલા સર ક્રીક ક્ષેત્રથી લઈને અરબ સાગરના ક્ષેત્રનો સમાવેશ થાય છે.
અહીં ભારતીય નૌકાદળ અહીં હવાઈદળ અને ભૂમિદળ સાથે વ્યાપક રીતે સંયુક્ત અભ્યાસ કરી રહ્યાં છે.
સુરક્ષા નિષ્ણાતો આને 'ઑપરેશન સિંદૂર' પછીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ ગણાવે છે.
બીજી તરફ, પાકિસ્તાની નૌકાદળે પણ બીજી નવેમ્બર રવિવારથી ઉત્તર અરબ સાગરમાં નૌસૈનિક યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે અને તે 5 નવેમ્બર સુધી ચાલશે.
એક જ સમયે એક જ ક્ષેત્રમાં યુદ્ધાભ્યાસ
યુદ્ધ અભ્યાસ અને મિસાઇલ ટેસ્ટિંગ પર નજર રાખતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડેમિયન સાયમને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ મૂકી છે, "પાકિસ્તાને હવે એ જ ક્ષેત્રમાં ફાયરિંગ અભ્યાસ માટે નૌકાદળના નૌકાવહન (નેવલ શિપિંગ)ની ચેતવણી જાહેર કરી છે, જ્યાં ભારતે પોતાની ત્રણેય સેનાઓના ચાલી રહેલા સૈન્ય અભ્યાસ માટે હવાઈ ક્ષેત્ર અનામત કર્યું છે."
આ એ જ ક્ષેત્ર છે, જ્યાં ભારતે પોતાની સેનાઓના સંયુક્ત અભ્યાસ માટે બે અઠવાડિયાં માટે હવાઈ ક્ષેત્ર અનામત કર્યું છે.
બંને દેશોના યુદ્ધાભ્યાસના ભૌગોલિક ક્ષેત્રના આ ઓવરલૅપિંગ વિશે સાયમને લખ્યું, "ભલે અભ્યાસનું ભૌગોલિક ક્ષેત્ર એકબીજાના અભ્યાસ ક્ષેત્રમાં જ આવતું હોય, તેમ છતાં, બંને પક્ષો વચ્ચે કૉ-ઑર્ડિનેશનથી એ સુનિશ્ચિત થશે કે કોઈ પણ ઘટના વગર પ્રોફેશનલી કામ થઈ જાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનથી બીબીસીના સંવાદદાતા રિયાઝ સોહેલના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની નૌકાદળે અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. આ અભ્યાસ કરાચીમાં શરૂ થયેલા પાકિસ્તાન ઇન્ટરનૅશનલ મેરીટાઇમ ઍક્સ્પો ઍન્ડ કૉન્ફરન્સ (પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદ્રી ઍક્સ્પો અને સંમેલન)નો ભાગ છે.
પાકિસ્તાની નૌકાદળનું કહેવું છે કે આ ઍક્સ્પોમાં 44 દેશોના 133 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો છે કે કોઈ પણ પ્રકારનો અભ્યાસ થવાનો હોય, તો તેના માટે આજુબાજુના દેશોને ઉડ્ડયન ચેતવણી આપવામાં આવે; અને આ અભ્યાસોની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે પાકિસ્તાની નૌસેના પ્રમુખ ઍડમિરલ નવીદ અશરફે ક્રીક ક્ષેત્રમાં મુખ્ય ચોકીઓની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાની નૌસેનાના એક પ્રવક્તા અનુસાર, ઍડમિરલ નવીદ અશરફે ઑપરેશનલ તૈયારીઓ અને યુદ્ધક્ષમતાની ચકાસણી કરવા માટે આ મુલાકાત લીધી હતી.
તે દરમિયાન પાકિસ્તાની નૌકાદળના કાફલામાં ત્રણ આધુનિક 2400 ટીડી હોવરક્રાફ્ટ (જમીન અને પાણી ઉપર ચાલતાં વાહન) પણ સામેલ કરવામાં આવ્યાં, જેનાથી પાકિસ્તાની નૌસેનાની ક્ષમતાઓ અને ઘણાં ક્ષેત્રો સુધીની ઑપરેશનલ પહોંચમાં વધારો થયો છે.
પ્રવક્તા અનુસાર, પાકિસ્તાની નૌસેના પ્રમુખે પોતાના સંબોધનમાં કહ્યું કે સર ક્રીકથી લઈને જિવાની સુધી તેઓ પોતાના સાર્વભૌમત્વ અને સમુદ્રી સરહદોની એકેએક ઇંચની સુરક્ષા કરવાનું જાણે છે. અને પાકિસ્તાની નૌકાદળની ક્ષમતા સમુદ્રથી લઈને તટો સુધી તેમના અતૂટ મનોબળની જેમ જ મજબૂત છે.
પાકિસ્તાને 2થી 5 નવેમ્બર સુધી થનારા નૌસૈનિક અભ્યાસ માટે શનિવારે એલર્ટ જાહેર કરતાં કહ્યું, "આ અભ્યાસમાં યુદ્ધજહાજો હવામાં અને સમુદ્રની નીચે લગભગ 6,000 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફાયરિંગ અભ્યાસ કરશે. અભ્યાસ દરમિયાન આ ક્ષેત્ર સંકલિત દેખરેખમાં રહેશે. જહાજોને અભ્યાસ ક્ષેત્રથી દૂર રહેવા માટે ચેતવવામાં આવે છે."
બીજી તરફ, ભારત પણ પોતાની પશ્ચિમી સરહદે 'ત્રિશૂલ' નામનો સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે, જેમાં ભારતના ગુજરાતને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ પાડનાર સર ક્રીક ક્ષેત્ર પણ સામેલ છે.
ભારત અને પાકિસ્તાનનો સર ક્રીક વિવાદ
સર ક્રીક ક્ષેત્ર પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્યની વચ્ચે આવેલો 96 કિલોમીટર લાંબો કાદવ-કીચડવાળી જમીનનો વિસ્તાર છે, જેના પર બંને દેશોના દાવા છે.
ગયા મહિને ભારતના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સર ક્રીકની નજીકના વિસ્તારોમાં સૈન્યમાળખાં વિકસાવી રહ્યું છે.
રાજનાથ સિંહે કહેલું, "સર ક્રીક ક્ષેત્રમાં સરહદના વિવાદને સળગતો રાખવામાં આવે છે. ભારતે વાતચીત દ્વારા આ વિવાદને ઉકેલવાના ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ પાકિસ્તાનની નીયતમાં જ ખોટ છે, તેની દાનત ચોખ્ખી નથી."
"પાકિસ્તાની સેનાએ જે રીતે સર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં પોતાનાં સૈન્યમાળખાંનો વિસ્તાર કર્યો છે, તે તેનો ઇરાદો દર્શાવે છે."
રાજનાથ સિંહે કહેલું કે જો પાકિસ્તાન દ્વારા આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરવાનો પ્રયાસ કરાશે, તો તેનો એટલો નિર્ણાયક જવાબ આપવામાં આવશે કે 'ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે'.
તેમના નિવેદનના સંદર્ભમાં સર ક્રીક અને અરબ સાગરમાં ભારતીય સેનાઓના વર્તમાન સૈન્ય અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
સુરક્ષા નિષ્ણાત રાહુલ બેદીએ બીબીસીને કહ્યું, "આ અભ્યાસ ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં પણ કરવામાં આવી રહ્યો છે, જ્યાં સર ક્રીક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 96 કિલોમીટર લાંબી ક્રીકનો હજુ સુધી નિર્ણય નથી થયો. આ અભ્યાસ આ ક્ષેત્રની બહારના વિસ્તારો પર પણ કેન્દ્રિત છે."
તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ અહીં હવાઈદળ અને ભૂમિદળ સાથે વ્યાપક રીતે સંયુક્ત અભ્યાસ કરશે.
'ઑપરેશન સિંદૂર' પછી ત્રણેય સેનાઓનો યુદ્ધાભ્યાસ
ઘણા વિશ્લેષકો અને રિટાયર્ડ સૈન્ય અધિકારીઓનું માનવું છે કે ઑપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાનને એ બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે તેની સેના પૂર્ણ રૂપે તહેનાત અને તૈયાર છે. જોકે, એક પણ અથડામણનો કશો સંકેત નથી, તેમ છતાં આ અભ્યાસ એક સંદેશો આપવાની કોશિશ જરૂર છે.
ભારતના ડાયરેક્ટર જનરલ ઑફ નેવલ ઑપરેશન્સ વાઇસ ઍડમિરલ એએન પ્રમોદે ગયા શુક્રવારે કહેલું કે દક્ષિણી સૈન્ય ટુકડી, પશ્ચિમી નૌસેના ટુકડી અને દક્ષિણ-પશ્ચિમી હવાઈદળ ટુકડી આ અભ્યાસમાં ભાગ લઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આમાં 20થી 25 યુદ્ધજહાજ, 40 યુદ્ધવિમાન અને અન્ય વિમાનો સામેલ છે.
રાહુલ બેદીએ જણાવ્યું, "આ સૈન્ય અભ્યાસ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. તેમાં લગભગ 20 હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે."
"આ અભ્યાસમાં માત્ર ભૂમિદળ જ નહીં, પરંતુ હવાઈદળ અને નૌકાદળનાં ઍડ્વાન્સ વિમાન જેવાં કે, રફાલ, સુખોઈ 30 તથા નૌસેનાનાં આધુનિક યુદ્ધજહાજો અને સબમરીન્સ પણ સામેલ છે."
રાહુલ બેદીનું કહેવું છે, "આ અભ્યાસના બે હેતુ છે. પહેલો, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળની એકસાથે કામ કરવાની ક્ષમતા વધારવી; અને બીજો, સેનાનું એક સંકલિત નેટવર્ક બનાવવું."
"આની હેઠળ ભારતનાં હવાઈ અને સ્પેસ સંસાધનોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે, આ અભ્યાસ દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મેમાં થયેલા ઑપરેશન સિંદૂર પછી આ એક ખૂબ જ ઍડ્વાન્સ અભ્યાસ છે."
'આ યુદ્ધાભ્યાસ એક રૂટીન ઍક્સરસાઇઝ છે'
બીજી તરફ, સુરક્ષા બાબતો છાપતા 'ફૉર્સ' મૅગેઝીનના સંપાદક અને વિશ્લેષક પ્રવીણ સાહનીનું માનવું છે કે 'ત્રિશૂલ' દર વર્ષે થતો એક યુદ્ધાભ્યાસ છે અને ભારતમાં તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
પ્રવીણ સાહની કહે છે, "આ સૈન્ય અભ્યાસને સર ક્રીક વિવાદ સાથે કશો સંબંધ નથી. મોદી સરકાર એ દર્શાવવા ઇચ્છે છે કે ભારત એક ખૂબ શક્તિશાળી દેશ છે. આ અભ્યાસનો અહીં વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે પાકિસ્તાને પણ આવો અભ્યાસ શરૂ કરી દીધો છે."
તેઓ કહે છે, "પરંતુ, સમજવા જેવી વાત એ છે કે, આ આખા ક્ષેત્રમાં ઈરાન પણ એક શક્તિશાળી દેશ છે, પાકિસ્તાન પણ શક્તિશાળી દેશ છે. ચીન પોતાની શક્તિ સાથે જિબૂતી (પૂર્વ આફ્રિકામાં આવેલો એક દેશ)માં હાજર છે. હવે સમાચાર છે કે રશિયાએ પણ મડાગાસ્કર (આફ્રિકાના પૂર્વ તટ પર આવેલો ટાપુદેશ)માં પોતાનું થાણું બનાવી લીધું છે. આ ક્ષેત્રમાં કશું પણ કરવાનો અર્થ યુદ્ધ થશે."
પ્રવીણ સાહની ઉમેરે છે, "મોદી સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીમાં જેટલાં પણ યુદ્ધ કે અથડામણો થઈ છે—2016 અને ઑપરેશન સિંદૂર હેઠળ, એ બધી જ કાશ્મીર પર કેન્દ્રિત રહી છે, પરંતુ જો તમે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કશું પણ કરો છો, તો તેનો અર્થ ચોતરફી યુદ્ધ છે."
"ભારત હજુ એ સ્થિતિ માટે તૈયાર નથી. તેને ઘણી તૈયારીની જરૂર છે. પાકિસ્તાન આ ક્ષેત્રમાં એકલું નથી. અહીં મોટી શક્તિઓ બેઠી છે."
તેમનું કહેવું છે કે આ માત્ર એક રૂટીન ઍક્સરસાઇઝ છે.
અભ્યાસની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતાં દક્ષિણ-પશ્ચિમી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનજિંદરસિંહે કહેલું, "આ યુદ્ધાભ્યાસ જેને તમે જોઈ રહ્યા છો, ન્યૂ નૉર્મલ હેઠળ તૈયાર કરાયો છે. આ ન્યૂ નૉર્મલમાં જો આપણા દેશ પર ક્યારેક કોઈ આતંકવાદી હુમલો થાય, તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે."
તેમણે કહેલું, "તેનો અર્થ એ છે કે, આપણે યુદ્ધ માટે હંમેશાં તૈયાર રહેવું પડશે અને અસરકારક રીતે જવાબ આપવાની ક્ષમતા રાખવી પડશે. તેના હેઠળ અનેક નવી તકનીકો અને ઉપકરણો આવ્યાં છે."
"નવી ક્ષમતાવાળાં ઘણાં નવાં હથિયાર આવ્યાં છે, જેને આપણે આપણી સેનામાં સામેલ કર્યાં છે. ત્રણેય સેનાઓએ એકસાથે દુશ્મન પર હુમલો કરવાનો છે, અને તેનું પ્રદર્શન તમે અહીં આ અભ્યાસમાં જોશો."
દરમિયાનમાં, ભારતે દેશના પૂર્વોત્તર ક્ષેત્રમાં, જેની સરહદ ચીન, મ્યાનમાર, ભુતાન અને બાંગ્લાદેશને અડે છે, મોટા પાયે હવાઈ અભ્યાસ માટે શુક્રવારે એક 'નોટિસ ટૂ એરમૅન' (એનઓટીએએમ) ઍલર્ટ પણ બહાર પાડ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન