You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SSC શું છે, તે કઈ નોકરીઓ માટે પરીક્ષા લે છે, દર વર્ષે કેટલી તકોનું સર્જન થાય છે?
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
"સારા પગાર સાથેની કેન્દ્ર સરકારની નોકરી કોણ ન ઇચ્છે? સ્થિરતા મળવાની સાથે સાથે સુવિધાઓ તો મળે જ છે. મારી ઇચ્છા ઇન્કમ ટૅક્સ ઑફિસર બનવાની છે."
આવું કહેતી વખતે માલવિકાની આંખોમાં આશાની ચમક દેખાય છે.
ચંદીગઢ યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યા પછી માલવિકા છેલ્લાં બે વર્ષથી એસએસસી ઍક્ઝામની તૈયારી કરી રહ્યાં છે.
હરિયાણાના ભિવાનીમાં રહેતાં માલવિકા દિલ્હીમાં કોચિંગ પણ લીધું છે અને હવે તેઓ સેલ્ફ સ્ટડી કરી રહ્યાં છે. એસએસસીની તૈયારી કરતા હોય એવા તેઓ એકલાં નથી.
દર વર્ષે દસમી, બારમી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરતા લાખો વિદ્યાર્થીઓ એસએસસી દ્વારા લેવામાં આવતી અલગ-અલગ પરીક્ષાઓની તૈયારી કરે છે.
એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન. એ ભારત સરકારની મહત્ત્વની પરીક્ષાઓ લેતું પંચ છે. જે ઉમેદવારો આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય છે તેમને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં મળતી નોકરીઓ સુધી પહોંચતા હોય છે.
વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ સારો વિકલ્પ સાબિત થઈ શકે? આજે આ સવાલનો જવાબ મેળવીએ.
1. દર વર્ષે કેટલી નોકરીની તક સર્જાય છે?
ભારતમાં દર વર્ષે એક કરોડથી વધારે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કરીને જૉબ માર્કેટમાં આવે છે, પરંતુ એમની સંખ્યાની સરખામણીએ નોકરીઓ બહુ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીરિયૉડિક લેબર ફોર્સ સરવે (2025) અનુસાર, ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં 15થી 29 વર્ષની વયના 13.7 ટકા યુવાઓ બેરોજગાર છે, જ્યારે શહેરોમાં આ આંકડો 18 ટકા છે.
એવા અનેક યુવાઓ માટે એસએસસી મારફત કરવામાં આવતી હજારો ભરતી બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
2025માં કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને ઑફિસોમાં અલગ-અલગ પદો પર એસએસસીના કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (સીજીએલ) મારફત 14,582 જગ્યાઓની ભરતીની જાહેરાત થઈ હતી.
2024માં 17,000થી વધારે, 2023માં 8,000થી વધારે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, પરંતુ ત્રણ વર્ષ પહેલાં 2022માં આવી જૉબનું પ્રમાણ સૌથી વધારે એટલે કે 37,000થી વધુ હતું.
આ માત્ર સીજીએલ પરીક્ષા મારફતની વેકેન્સી હતી. એસએસસી એ સિવાય પણ અનેક પરીક્ષાઓ લે છે.
સવાલ એ છે કે વિદ્યાર્થીઓ માટે એસએસસી મારફતની ભરતીની સંખ્યા જ આકર્ષણનું કારણ હોય છે?
જીત રાણા એસએસસીની સીજીએલ તથા એમટીએસ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે અને હવે તેઓ એ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવે છે.
નોકરી શોધતા યુવાઓ માટે એસએસસી કેવી રીતે સારો વિકલ્પ હોઈ શકે એ બાબતે તેઓ ત્રણ મુખ્ય વાતો જણાવે છે.
- તેમાં અલગ-અલગ લેવલ પર ઍન્ટ્રી થઈ શકે છે. તમે દસમું પાસ હો કે ગ્રેજ્યુએટ હો, યોગ્યતાના અલગ-અલગ માપદંડના આધારે તમે ઍન્ટ્રી લઈ શકો છો.
- તેમાં ઇંગ્લિશ, રીઝનિંગ, જીકે-જીએસ અને મૅથ્સ એમ ચાર બાબતો પર ફોકસ કરવાનું હોય છે. એસએસસી જીડી એટલે કે જનરલ ડ્યુટી કૉન્સ્ટેબલ ઍક્ઝામમાં કોઈને હિન્દી અથવા ઇંગ્લિશમાંથી એક વિષય મળી શકે છે. બાકી બધામાં અભ્યાસક્રમ લગભગ એકસરખો હોય છે.
- તમે એસએસસીનો અભ્યાસ શરૂ કરી રહ્યા હો તો તેમાં ભરતીની પ્રક્રિયા લાંબી હોતી નથી. એટલે કે જીડી કૉન્સ્ટેબલમાં એક લેખિત પરીક્ષા, પછી ફિઝિકલ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન-મેડિકલ થાય છે અને નોકરીમાં જોડાઈ જવાનું હોય છે. ગ્રેજ્યુએટ સ્તરની પરીક્ષામાં પ્રી અને મેઇન્સ એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. એ પછીની પ્રક્રિયા એક વર્ષની અંદર પૂર્ણ થઈ જાય છે.
સરકારી પરીક્ષાઓની તૈયારી કરાવતી ઍક્ઝામપુર વેબસાઇટ સાથે જોડાયેલા શિક્ષક વિવેક પણ જણાવે છે કે એસએસસીની વેકેન્સી માટે દિલચસ્પી હોવાનું કારણ એ છે કે તેની મારફત દસમીથી માંડીને ગ્રેજ્યુએટ સ્તર સુધી શૈક્ષણિક યોગ્યતાના આધારે અનેક તકો મળતી હોય છે. તેમાં ગ્રૂપ ડીથી માંડીને ગ્રૂપ બી સુધીની તકો હોય છે.
2. એસએસસીની મુખ્ય પરીક્ષાઓ અને પગાર
ધોરણ દસમાં ઉત્તીર્ણ થવાથી માંડીને ગ્રેજ્યુએટ થયેલા લાખો ઉમેદવારો દર વર્ષે એસએસસીની પરીક્ષાઓ આપે છે.
એસએસસી મારફત ગ્રૂપ બી અને ગ્રૂપ સી લેવલની નોકરીઓ મેળવી શકાય છે. તેમાં ક્લાર્ક, આસિસ્ટન્ટ, ઇન્સપેક્ટર, ઍન્જીનિયર અને કૉન્સ્ટેબલની નોકરીઓ હોય છે.
આ પદો પર ભરતી માટે એસએસસી વાર્ષિક અલગ-અલગ પરીક્ષાઓ લે છે. તેમાં સામાન્ય રીતે જનરલ નૉલેજ, મૅથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગ સંબંધી સવાલો હોય છે.
ક્યા પદ માટે અરજી કરવામાં આવી છે તેના આધારે પરીક્ષાઓ પણ અલગ-અલગ સ્તરની હોય છે. ઉમેદવારો તેની સંપૂર્ણ માહિતી ssc.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.
4. એસએસસીની મુખ્ય પરીક્ષાઓ
એસએસસી સીજીએલ એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ ઍક્ઝામિનેશનઃ આ પરીક્ષા ગ્રેજ્યુએટ લેવલના ઉમેદવારોની ગ્રૂપ બી અને ગ્રૂપ સીના પદો પર ભરતી માટે લેવામાં આવે છે.
આ પરીક્ષા મારફત ઇન્ક્મ ટૅક્સ ઑફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઑફિસર, ઑડિટર અને ઇન્સપેક્ટર કે આવાં પદો પર ભરતી કરવામાં આવે છે. તેમાં પગાર રૂ. 25,000થી માંડીને રૂ. દોઢ લાખ સુધીનો હોઈ શકે છે.
એસએસસી સીએચએસએલ એટલે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ ઍક્ઝામિનેશનઃ આ પરીક્ષા અલગ-અલગ સરકારી ઑફિસોમાં ક્લાર્ક તથા ડેટા ઍન્ટ્રી સંબંધી ભૂમિકાઓમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની ભરતી માટેની હોય છે. આ પરીક્ષા મારફત સામાન્ય રીતે લોઅર ડિવિઝન ક્લાર્ક, જૂનિયર સેક્રેટરિયેટ આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ અને ડેટા ઍન્ટ્રી ઑપરેટર જેવાં પદો માટે ભરતી કરવામાં આવે છે.
આ પરીક્ષા મારફત જે પદો માટે ભરતી કરવામાં આવે છે એ લેવલના હિસાબે પગાર રૂ. 20,000થી માંડીને રૂ. 90,000 સુધી હોઈ શકે છે.
એસએસસી એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ ઍક્ઝામ : આ પરીક્ષા દસમું પાસ ઉમેદવારોની નૉન-ગેઝેટેડ ગ્રૂપ સી એટલે કે પટાવાળા, ચોકીદાર, માળી વગેરે જેવાં પદો પર ભરતી માટે લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયેલા લોકોનો પગાર તેમના પદ તથા લેવલના હિસાબે રૂ. 25,000થી રૂ. 35,000ની વચ્ચે હોય છે.
એસએસસી જનરલ ડ્યુટી (જીડી) કોન્સ્ટેબલ : આ પરીક્ષા બીએસએફ, સીઆઈએફએસ, સીઆરપીએફ, આઈટીપીબી, એસએસબી અને આસામ રાઇફલ્સ જેવા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં કૉન્સ્ટેબલની ભરતી માટે હોય છે. તેમાં પગારનું ધોરણ રૂ. 20,000થી માંડીને રૂ. 90,000 સુધીનું હોય છે.
એ સિવાય જેઈ, સીપીઓ, સ્ટેનોગ્રાફર અને જૂનિયર હિન્દી ટ્રાન્સલેટરની ભરતી પણ એસએસસી મારફત કરવામાં આવે છે.
5. કોણ અરજી કરી શકે?
એસએસસી – સીજીએલઃ કોઈ પણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીની બૅચલર્સ ડિગ્રી.
એસએસસી – સીએચએચએલઃ આ માટે ઉમેદવાર કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડનું બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાનું સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.
એસએસસી – એમટીએસઃ ઉમેદવારે કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી દસમું પાસ કર્યું હોવું જરૂરી છે.
એસએસસી – જૂનિયર ઍન્જીનિયરઃ સંબંધિત પદ માટે માન્ય ઍન્જીનિયરિંગ ડિગ્રી અથવા ડિપ્લોમા.
એસએસસી સીપીઓઃ કોઈ પણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીની બૅચલર્સ ડિગ્રી.
આ પરીક્ષાઓ માટે અરજી કરવા સામાન્ય રીતે ઉમેદવારની વયમર્યાદા 18થી 32 વર્ષની વચ્ચેની હોય છે. તે અલગ-અલગ પદો પર નિર્ભર હોય છે.
અલબત, નિર્ધારિત વયમર્યાદામાં ઓબીસી ઉમેદવારો માટે ત્રણ વર્ષ અને એસસી-એસટી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ હોય છે.
અરજી કરનાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે, પરંતુ પહેલી જાન્યુઆરી, 1962 પહેલાં ભારત આવેલા નેપાળ, ભૂતાન તથા તિબેટીયન શરણાર્થીઓ તેમજ પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાંમાર અને ઈસ્ટ આફ્રિકન દેશોમાંથી માઇગ્રેટ થઈને આવેલા ભારતીય મૂળના ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
ssc.gov.in વેબસાઇટ પર ઍપ્લાય કરવાનું હોય છે. જે પદ માટે અરજી કરવાની હોય એ માટે જરૂરી માહિતી, ફોટોગ્રાફ અને સિગ્નેચર આ વેબસાઇટ પર અપલોડ કર્યા બાદ ફી જમા કરાવવાની હોય છે. જનરલ કૅટેગરી માટેની ફી રૂ. 100 છે.
6. કેવી રીતે કરવાની તૈયારી?
આ પરીક્ષા અલગ-અલગ લેવલના હિસાબે લેવાતી હોય છે. તેથી કોઈ વિદ્યાર્થીએ તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ, એવો સવાલ થવો સ્વાભાવિક છે.
આ સવાલના જવાબમાં જીત રાણા જણાવે છે કે તેમાં ઉમેદવારની પારિવારિક પૃષ્ઠભૂમિ મોટી ભૂમિકા હોય છે.
તેમના કહેવા મુજબ, "કોઈ ઉમેદવારના ઘરની પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો તૈયારી ધોરણ દસ પછી જ શરૂ કરવી બહેતર છે. સારો વિકલ્પ તો ધોરણ બાર પછી જ તૈયારી શરૂ કરવાનો છે. તેનું કારણ એ છે કે ગ્રેજ્યુએશનની સાથે તૈયારી પણ કરી શકાય છે. કોઈને હ્યુમૅનિટીઝનો વિષય હોય તો જીએસ પેપરની તૈયારી આસાન બની જાય છે."
તેઓ જણાવે છે કે સામાન્ય રીતે એસએસસીની પરીક્ષા માટે છ મહિનાની તૈયારી પૂરતી હોય છે, પરંતુ તેનો આધાર વિદ્યાર્થીની ભણવાની અને તૈયારી કરવાની રીત કેવી છે તેના પર હોય છે.
કોઈ વિદ્યાર્થી પહેલા પ્રયાસમાં એસએસસી પરીક્ષા પાસ ન કરી શકે તો તેણે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થઈ હતી. પછી એ ભૂલ ફરી ન થાય એ દિશામાં કામ કરવું પડે છે. મૉક ઍક્ઝામની ભૂમિકા બહુ મોટી હોય છે.
પરીક્ષા પહેલાં મોક ટેસ્ટ આપીએ તો ખબર પડી જાય છે કે તૈયારી કેવી છે અને શું-શું કરવાની જરૂર છે. સફળતા ન મળે તો વિદ્યાર્થીઓ બીજાં રાજ્યોની સરકારી પરીક્ષાઓ આપી શકે છે, કારણ કે તેમના અને એસએસસીના અભ્યાસક્રમમાં થોડી સમાનતા હોય છે.
વિવેક જણાવે છે કે વિદ્યાર્થી કોઈ કારણસર છેલ્લા પ્રયાસ સુધી સફળ ન થઈ શકે તો પણ તેમના માટે પ્રાઇવેટ સેક્ટરથી માંડીને પ્રાઇવેટ કોચિંગ કે ટીચર બનવા સુધીના અનેક વિકલ્પો હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન