You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગામમાં જ નોકરી અને મેગા સિટી જેવો પગાર, ભારતમાં નાનાં શહેરોમાં ડ્રીમ જૉબ કોણ આપી રહ્યું છે?
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, ટૅક્નૉલૉજી સંવાદદાતા, મુંબઈ
દક્ષિણ-પૂર્વ ભારતમાં આવેલા વિરુધુનગર શહેરમાં હજારો વર્ષો જૂનાં મંદિરો છે, પરંતુ હવે એ પ્રાચીન સ્થળોની નજીકમાં લોકો નવીનતમ ટૅક્નૉલૉજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર કામ કરી રહ્યા છે.
આ કામ કરતા લોકો પૈકીના એક મોહનકુમાર છે.
તેઓ કહે છે, "મારું કામકાજ એઆઈ ઍનૉટેશનમાં છે. હું વિવિધ સ્રોતોમાંથી ડેટા એકત્ર કરું છું. તેને લેબલ કરું છું અને એઆઈ મૉડલ્સને તાલીમ આપું છું, જેથી તે વસ્તુઓને ઓળખી શકે અને આગાહી કરી શકે. સમય જતાં આ મૉડલ્સ સેમિ-સુપરવાઇઝ્ડ બને છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે."
ભારત લાંબા સમયથી આઉટસોર્સ્ડ ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી (આઈટી) સપોર્ટનું કેન્દ્ર બની રહ્યું છે. આવા કામ માટે બૅંગ્લુરુ અથવા ચેન્નાઈ જેવાં શહેરો પરંપરાગત કેન્દ્રો છે.
તાજેતરનાં વર્ષોમાં કંપનીઓ એ કામને વધુ દૂરના એવા વિસ્તારોમાં ખસેડી રહી છે, જ્યાં કર્મચારીઓ અને જગ્યા માટે ઓછો ખર્ચ કરવો પડે છે.
આ ટ્રૅન્ડને ક્લાઉડ ફાર્મિંગ નામે ઓળખવામાં આવે છે તથા એઆઈએ તેને વધુ વેગ આપ્યો છે, કારણ કે વિરુધુનગર જેવાં અસંખ્ય શહેરોમાં એઆઈનું કામ કરતી કંપનીઓ કાર્યરત થઈ છે.
'ગુણવત્તાયુક્ત કામ ગમે ત્યાંથી થઈ શકે'
મોટા શહેરમાં ન રહીને તમને કશુંક ગુમાવવાની લાગણી થાય છે કે કેમ, એવો સવાલ અમે મોહનકુમારને કર્યો.
તેઓ કહે છે, "વ્યાવસાયિક રીતે કોઈ વાસ્તવિક તફાવત નથી. નાનાં શહેરો હોય કે મહાનગરો, અમે અમેરિકા અને યુરોપના સમાન વૈશ્વિક ગ્રાહકો સાથે કામ કરીએ છીએ. જરૂરી તાલીમ તથા કૌશલ્ય પણ સમાન જ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહનકુમાર દેસી-ક્રૂ કંપની માટે કામ કરે છે. 2005માં સ્થાપવામાં આવેલી આ કંપની ક્લાઉડ ફાર્મિંગમાં પ્રણેતા છે.
દેસી-ક્રૂના ચીફ ઍક્ઝિક્યૂટિવ મનીવનન જે. કે. કહે છે, "લોકોએ નોકરીની શોધમાં મોટાં શહેરોમાં સ્થળાંતર કરવું પડે તેના બદલે તેઓ જ્યાં રહે છે ત્યાં જ નોકરીઓ લાવવી જોઈએ, એવું અમને સમજાયું હતું."
"તકો ઘણા લાંબા સમયથી શહેરોમાં જ કેન્દ્રિત રહી છે. એ કારણે ગ્રામ્ય યુવાનો પાછળ રહી ગયા છે. ગુણવત્તાયુક્ત કાર્ય ગમે ત્યાં બેસીને કરી શકાય છે, એવું પૂરવાર કરવાની સાથે અમારું ધ્યેય ઘરની નજીક વિશ્વસ્તરીય કારકિર્દી બનાવવાનું રહ્યું છે."
દેસી-ક્રૂ સ્ટાર્ટ-અપ કંપનીઓ માટે સૉફ્ટવૅર ટેસ્ટિંગ, એઆઈ ટ્રેનિંગ માટે ડેટાસેટ્સનાં નિર્માણ અને સામગ્રી નિયંત્રણનું તમામ આઉટસોર્સ્ડ કામ કરે છે.
હાલ કંપનીનું 30થી 40 ટકા કામકાજ એઆઈ સંબંધી છે, "પરંતુ તે ટૂંક સમયમાં જ વધીને 75થી 100 ટકા થશે," એમ મનીવનન જે. કે. કહે છે.
તેમનું મોટાભાગનું કામ ટ્રાન્સક્રિપ્શનનું, ઑડિયોને ટેક્સ્ટમાં ફેરવવાનું છે.
"મશીનો ટેક્સ્ટને વધુ સારી રીતે સમજે છે," એમ સમજાવતાં તેઓ ઉમેરે છે, "એઆઈ સાહજિક રીતે કામ કરી શકે એટલા માટે મશીનોને લોકોના બોલવાની રીતમાંના વૈવિધ્યની તાલીમ આપવી જરૂરી છે. એટલે ટ્રાન્સક્રિપ્શન એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તે મશીનોને ભાષાઓ, બોલીઓ અને સંદર્ભો સમજવા તથા પ્રતિક્રિયા આપવાનો પાયો છે."
'અમારાં આઈટી સેન્ટર્સ શહેરો જેવાં જ છે'
મનીવનન જે. કે.ના કહેવા મુજબ, નાના શહેરમાં આવું કામ કરવાથી કોઈ નુકસાન નથી.
તેઓ ઉમેરે છે, "ગ્રામીણ એટલે અવિકસિત એવું લોકો મોટાભાગે ધારી લેતા હોય છે, પરંતુ અમારાં કેન્દ્રો અદ્દલ શહેરી આઈટી કેન્દ્રો જેવાં જ છે. તેમાં સલામત ડેટા ઍક્સેસ, ભરોસાપાત્ર કનેક્ટિવિટી અને અવિરત વીજપૂરવઠો બધું જ છે. ફરક માત્ર ભૂગોળનો છે."
આ કંપનીના વર્કફોર્સમાં લગભગ 90 ટકા મહિલાઓ છે. મનીવનન જે. કે. કહે છે, "એ પૈકીના ઘણા લોકો માટે તેમની આ પહેલી પગારવાળી નોકરી છે. તેમના પરિવારોને નાણાકીય સલામતીથી માંડીને બાળકોના શિક્ષણ સુધીના અનેક પરિવર્તનકારી લાભ થાય છે."
2008માં સ્થાપવામાં આવેલી નેક્સ્ટવેલ્થ પણ ક્લાઉડ ફાર્મિંગ ક્ષેત્રે વહેલી પ્રવેશેલી કંપની છે.
બૅંગ્લુરુમાં ઑફિસ ધરાવતી આ કંપની દેશનાં નાનાં શહેરોમાં 11 ઑફિસોમાં 5,000 કર્મચારીઓને રોજગારી આપે છે.
નેક્સ્ટવેલ્થનાં સહ-સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર મૈથિલી રમેશ કહે છે, "દેશના કુલ પૈકીના 60 ટકા સ્નાતકો નાનાં શહેરોમાંથી આવે છે, પરંતુ મોટાભાગની આઈટી કંપનીઓ મહાનગરોમાંથી જ લોકોની ભરતી કરે છે. એ કારણે ફર્સ્ટ જનરેશન ગ્રૅજ્યુએટ્સનો એક સ્માર્ટ સમૂહ બાકી રહી જાય છે."
મૈથિલી રમેશ ઉમેરે છે, "આમાં ઘણા વિદ્યાર્થીઓ ફર્સ્ટ જનરેશન ગ્રૅજ્યુએટ્સ છે. તેમનાં માતાપિતા ખેડૂત, વણકર, દરજી કે પોલીસ છે. એ પરિવારોએ તેમના શિક્ષણ ખર્ચ માટે લોન લીધી હોય છે."
નેક્સ્ટવેલ્થે મોટી કંપનીઓની બૅક ઑફિસમાંથી આઉટસોર્સ્ડ કામ મેળવવા સાથે શરૂઆત કરી હતી, પરંતુ પાંચ વર્ષ પહેલાં કંપની આર્ટિફિશ્યલ ઇન્જેલિજન્સ ક્ષેત્રે પ્રવેશી હતી.
મૈથિલી રમેશ કહે છે, "વિશ્વની સૌથી અત્યાધુનિક અલ્ગોરિધમની ટ્રેનિંગ તથા વૅલિડેશન નાનાં ભારતીય શહેરોમાં કરવામાં આવી રહ્યું છે."
કંપનીનું લગભગ 70 ટકા કામ અમેરિકામાંથી આવે છે.
"ચૅટજીટીપી જેવી સિસ્ટમથી માંડીને ફેસિયલ રેકગ્નિશન સુધીના દરેક એઆઈ મૉડલ માટે જંગી હ્યુમન લેબલ્ડ ડેટાની જરૂર પડે છે અને તે ક્લાઉડ ફાર્મિંગના કામની કરોડરજ્જૂ છે," મૈથિલી રમેશ કહે છે.
તેઓ માને છે કે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
"આગામી ત્રણથી પાંચ વર્ષમાં એઆઈ અને જનરેટિવ એઆઈ ક્ષેત્રે ટ્રેનિંગ, વૅલિડેશન અને રીઅલ ટાઇમ હૅન્ડલિંગ માટે લગભગ દસ કરોડ નોકરીઓનું સર્જન થશે. ભારતનાં નાનાં શહેરો આ વર્કફોર્સનો આધાર બની શકે છે."
મૈથિલી રમેશને આશા છે કે ભારત આવા કામ માટેનું કેન્દ્ર બની રહેશે.
કે. એસ. વિશ્વનાથન એક ટૅક્નૉલૉજી સલાહકાર છે. તેઓ દેશના નૅશનલ ઍસોસિએશન ઑફ સૉફ્ટવૅર એન્ડ સર્વિસ કંપનીઝ ખાતે કામ કરી ચૂક્યા છે. આ સંગઠન આઉટસોર્સિંગ કંપનીઓનું ટ્રેડ ઍસોસિએશન છે.
કે. એસ. વિશ્વનાથન કહે છે, "સિલિકોન વેલી એઆઈ એન્જિન્સ બનાવતી હશે, પરંતુ એ એન્જિનોને ભરોસાપાત્ર બનાવતું વધુને વધુ રોજિંદુ કામ ભારતીય ક્લાઉડ ફાર્મિંગ ઉદ્યોગમાં આવી રહ્યું છે."
તેઓ ઉમેરે છે, "આપણે ખરેખર અત્યંત મહત્ત્વના તબક્કે છીએ. ક્લાઉડ ફાર્મિંગનું પ્રમાણ વધતું રહેશે તો નાનાં ભારતીય શહેરો એઆઈ કામગીરી માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. બે દાયકા પહેલાં આઈટી સર્વિસીસ માટે આવું જ થયું હતું."
'લોકો એવું ધારી લે છે કે નાનાં શહેરોમાં સંતોષકારક કામ નહીં થાય'
જોકે, સફળતાની કોઈ ગૅરંટી નથી.
નેક્સ્ટવેલ્થ અને દેસી-ક્રૂ બન્ને જણાવે છે કે તેમની પાસે ભરોસાપાત્ર તથા સલામત ઇન્ટરનેટ કનેક્શન્શ છે, પરંતુ વિશ્વનાથન જણાવે છે કે નાનાં ભારતીય શહેરોમાં કાયમ એવું હોતું નથી.
તેઓ કહે છે, "વિશ્વસનીય હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને સુરક્ષિત ડેટા સેન્ટર મેટ્રો શહેરોમાંનાં ડેટા સેન્ટર્સ જેટલાં સક્ષમ હોતાં નથી. એ કારણે ડેટા પ્રોટેક્શન ચિંતાનો વિષય બની રહે છે."
કનેક્શન્સ સારાં હોય તો પણ ગ્રાહકોને ખાતરી કરાવવા માટે કામ કરવું પડે છે.
"ટૅક્નૉલૉજી કરતાં ધારણા વધારે મોટો પડકાર છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો મોટાભાગે એવું ધારી લેતા હોય છે કે નાનાં શહેરો ડેટા સિક્યૉરિટીનાં ધારાધોરણોને સંતોષી શકતા નથી, ભલે તેમની સિસ્ટમ્સ મજબૂત હોય. ડિલિવરી દ્વારા વિશ્વાસ કેળવવો પડે છે."
નેક્સ્ટવેલ્થમાં ધનલક્ષ્મી વિજય એઆઈને ફાઇનટ્યૂન કરે છે. દાખલા તરીકે, એઆઈ બ્લૂ ડૅનિમ જૅક્ટ અને નેવી શર્ટ જેવી બે સમાન વસ્તુઓમાં ગૂંચવાતું હોય તો ધનલક્ષ્મી વિજય તે મૉડલમાં સુધારા કરે છે.
ધનલક્ષ્મી વિજય કહે છે, "એ સુધારાઓ ફરીથી સિસ્ટમમાં ફીડ કરવામાં આવે છે, મૉડલને ફાઇનટ્યૂન કરવામાં આવે છે, જેથી બીજી વખત સમાન પરિસ્થિતિ સર્જાય ત્યારે મૉડલ સારું પ્રદર્શન કરે. સમય જતાં એઆઈ મૉડલ વધુ અનુભવી બને છે. સૉફ્ટવૅરને નિયમિત પૅચ સાથે અપડેટ કરીને તેને વધુ સચોટ તથા વિશ્વસનીય બનાવે છે."
આવા કામનો વાસ્તવિક દુનિયામાં પ્રભાવ પડે છે.
ધનલક્ષ્મી વિજય ઉમેરે છે, "તમારા ઑનલાઇન શોપિંગ અનુભવને સરળ તથા મુશ્કેલીમુક્ત બનાવવા માટે હું અને મારી ટીમ એઆઈ મૉડલ્સને પરોક્ષ રીતે તાલીમ આપીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન