UPSC ઇન્ટરવ્યૂમાં નાપાસ થવા છતાં શું સરકારી નોકરી મળી શકે, શું કરવું જોઈએ?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

5,83,000 કરતાં વધુ ઉમેદવાર.

જેમણે ગત વર્ષે સંઘીય લોક સેવા પંચ એટલે કે યુપીએસસીની સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા આપી હતી.

14,627 ઉમેદવાર.

આટલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટે પસંદગી કરાઈ.

2,845 ઉમેદવાર.

માત્ર આટલા જ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાય.

1,009 ઉમેદવાર.

આ એ ઉમેદવાર હતા, જેઓ ઇન્ટરવ્યૂમાં સફળ રહ્યા અને ઑફિસર બનવાની દિશામાં આગળ વધી ગયા.

આનો અર્થ એ છે કે જે પરીક્ષા પાંચ લાખ કરતાં વધુ ઉમેદવારોએ આપી, તેમાં લગભગ એક હજાર ઉમેદવાર જ સફળ થઈ શક્યા. અને આ હાલત માત્ર સિવિલ સેવા પરીક્ષાની છે.

આ સિવાય યુપીએસસી ઍન્જિનિયરિંગ સર્વિસિઝ, ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ અને કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિઝ જેવી પણ ઘણી પરીક્ષાઓનું આયોજન કરે છે.

આ બાકી બચેલા ઉમેદવારો કદાચ ફરીથી પરીક્ષા આપે અથવા તો એવું પણ બની શકે કે આ તેમનો પ્રથમ પ્રયાસ હોય.

આમાં પણ જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરી ગયા, પરંતુ અંતિમ તબક્કો એટલે કે ઇન્ટરવ્યૂ પાર ન કરી શક્યા, જરા એમના વિશે વિચારો.

આજે તેમની અને તેમના કામની એક પૉલિસીની વાત કરવાના છીએ.

આ પૉલિસીનું નામ છે પ્રતિભા સેતુ, જે ઇન્ટરવ્યૂ સુધી પહોંચનાર ઉમેદવારોને સારી કારકિર્દી ઘડવાની તક આપે છે અને તેમાં સરકાર નોકરીની પણ સંભાવના છે.

નામથી જ સ્વયંસ્પષ્ટ એવી આ પૉલિસી, અમુક માર્ક્સથી ચૂકી જનાર ઉમેદવારો અને પ્રખ્યાત કંપનીઓ વચ્ચે પુલનું કામ કરે છે.

પ્રતિભા (પ્રોફેશનલ રિસોર્સ ઍન્ડ ટેલેન્ટ ઇન્ટિગ્રેશન) સેતુ એટલા માટે બનાવાયો છે, જેથી સિવિલ સેવા, ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ, ઍન્જિનિયરિંગ સર્વિસ, કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસના અંતિમ તબક્કામાં ચૂકી જનાર ઉમેદવારોને વધુ વિકલ્પ મળે અને તેઓ પણ એવી સંસ્થાઓમાં, જેમને આ પ્રકારના જ લોકોની દરકાર છે.

પ્રતિભા સેતુ શું છે?

આ પહેલ એકદમ નવી છે, એવું નથી. આ પહેલને યુપીએસસીની પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ (પીડીએસ)નું રિબ્રાન્ડેડ કે અપગ્રેડેડ વર્ઝન કહી શકાય.

પીડીએસ સ્કીમ વર્ષ 2018થી ચાલી રહી છે.

વર્ષ 2018થી જ યુપીએસસીટ પીડીએસ સ્કીમ અંતર્ગત એ ઉમેદવારોની પ્રોફાઇલ વેબસાઇટ પર જાહેર કરે છે, જેમણે લેખિત પરીક્ષા પાસ કરી લીધી, પરંતુ ઇન્ટરવ્યૂમાં તેઓ સફળ ન રહી શક્યા. પરંતુ અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે માત્ર એવા જ ઉમેદવારો જેઓ આના માટે પોતાની પરવાનગી આપી ચૂક્યા છે, તેમની જ પ્રોફાઇલ વેબસાઇટ પર મુકાય છે.

આ સ્કીમ ઑગસ્ટ 2018થી ચાલી રહી છે અને પહેલી વાર આની અંતર્ગત કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિઝ એક્ઝામિનેશ, 2017ના ઉમેવદારોની માહિતી જાહેર કરાઈ હતી.

હવે આ જ સ્કીમનું નામ બદલીને પ્રતિભા સેતુ કરી દેવાયું છે, નામની સાથોસાથ જ આમાં અન્ય પણ કેટલીક પરીક્ષાઓ જોડી દેવાઈ છે.

કઈ પરીક્ષાઓને આ સ્કીમમાં સામેલ કરાઈ?

  • સિવિલ સર્વિસિઝ એક્ઝામિનેશન
  • ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઍક્ઝામિનેશન
  • સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિઝ ઍક્ઝામિનેશન
  • ઍન્જિનિયરિંગ સર્વિસિઝ ઍક્ઝામિનેશન
  • કમ્બાઇન્ડ જિયો-સાયન્ટિસ્ટ ઍક્ઝામિનેશન
  • કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ ઍક્ઝામિનેશન
  • ઇન્ડિયન ઇકૉનૉમિક સર્વિસ/ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ ઍક્ઝામિનેશન
  • કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિઝ ઍક્ઝામિનેશન

એ પરીક્ષાઓ જે પ્રતિભા સેતુનો ભાગ નથી

  • નૅશનલ ડિફેન્સ ઍકેડેમી (એનડીએ) અને નેવલ ઍકેડેમી (એનએ) પરીક્ષાઓ
  • સીબીઆઈ ડીએસપી એલસડીસીઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન ડિપ્ટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કૉમ્પિટિટિવ ઍક્ઝામિનેશન)
  • સીઆઈએસએફ એસી (ઈએક્સઈ) એલસીડીઈ
  • સ્ટેનો (જીઈ-બી/જીડી-1) એલસીડીઈ ઍક્ઝામ

પીડીએસ કરતાં કેવી રીતે અલગ પડે?

પબ્લિક ડિસ્કોલઝર સ્કીમ અંતર્ગત માત્ર અમુક માર્ક્સથી યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવાથી ચૂકી ગયેલા ઉમેદવારનાં નામ પીડીએસની વેબસાઇટ પર મુકાતાં હતાં.

હવે યુપીએસસી અન્ય પરીક્ષાઓના ઉમેદવારની સંમતિથી તેમના લૉગઇન પણ પ્રતિભા સેતુ સાથે સંકળાયેલી સંસ્થાઓને આપે છે.

એટલે કે હવે આ સંસ્થાઓ જાતે જ આ ઉમેદવારો પૈકી કોઈને પસંદ કરી શકે છે. આ સિવાય હવે ખાનગી કંપનીઓ પણ કમિશનના પૉર્ટલ મારફતે આ સ્કીમ સાથે જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

કેન્દ્રીય શ્રમ મંત્રાલય અંતર્ગત આવતા એમ્પ્લૉયી સ્ટેટ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન એટલે કે ઈએસઆઈસીએ યુપીએસસસીના પ્રતિભા સેતુ પૉર્ટલ મારફતે 451 ઉમેદવારોની ઇન્સ્યૉરન્સ મેડિકલ ઑફિસરના પદ પર ભરતી કરી છે.

આ ઉમેદવારોને વર્ષ 2022 અને 2023માં યોજાયેલી કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિઝ ઍક્ઝામિનેશનની ડિસ્ક્લોઝર લિસ્ટમાંથી પસંદ કરવામાં આવ્યા.

નિશ્ચય આઈએએસ ઍકેડેમીમાં ફૅકલ્ટી વિનયકુમાર જણાવે છે કે, "આ પોર્ટલ પર અત્યાર સુધી દસ હજાર કરતાં પણ વધુ લોકોનો ડેટા મોજૂદ છે, જેઓ ફાઇનલ સુધી પહોંચ્યા, પરંતુ મેરિટ લિસ્ટમાં ન આવી શક્યા. જોકે, એ પૈકી કેટલા ઉમેદવારોને કોઈ સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી મળી, એ વિશે નિશ્ચિત જાણકારી ઉપલબ્ધ નથી."

યુપીએસસીના ચૅરમૅન ડૉ. અજયકુમારે કહ્યું કે આ મંચ માત્ર સરકારી જ નહીં, બલકે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓનું પણ ધ્યાન ખેંચી રહ્યો છે. ઘણાં ખાનગી સંગઠનોએ આ પોર્ટલનો ભાગ બનવા માટે કમિશનનો સંપર્ક સાધ્યો છે.

તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "દર વર્ષે પ્રતિભાશાળી ઉમેદવાર યુપીએસસી પરીક્ષાના સૌથી કપરા તબક્કાને પાર કરી લે છે, પરંતુ મેરિટ લિસ્ટથી ચૂકી જાય છે. પ્રતિભા સેતુ ભરોસાપાત્ર માધ્યમ વડે પોતાની પ્રતિભાને દેશની સેવામાં લાવવા માટેનું એક સુવ્યવસ્થિત માધ્યમ આપે છે."

ફાયદો શું છે?

વિનયકુમાર કહે છે કે પીડીએસ સ્કીમ માત્ર યુપીએસસી સિવિલ સર્વિસિઝના ઇન્ટરવ્યૂ સુધી પહોંચનારા માટે હતી.

જ્યારે પ્રતિભા સેતુ અંતર્ગત યુપીએસસી દ્વારા આયોજિત ઍન્જિનિયરિંગ, મેડિકલ સર્વિસિઝ સહિતની બીજી ઘણી પરીક્ષાઓના અંતિમ તબક્કા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા છે.

હવે સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓને નોકરી ક્યાં ક્યાં મળે છે.

આ લોકો નીતિ આયોગમાં પણ જઈ શકે છે, અમુક સરકારી કંપનીમાં પણ જઈ શકે છે, કોઈ થિંક ટૅન્કમાં રિસર્ચર તરીકે અને સરકારનાં મંત્રાલયોમાં પણ સલાહકાર તરીકે તેમની નિયુક્તિ થઈ શકે છે.

સાથે જ રાજ્ય સરકારોના પણ કેટલાક પ્રોજેક્ટ્સ હોય છે, જેમાં તેમની નિમણૂક પ્રોજેક્ટ ડાયરેક્ટર, ડેવલપમેન્ટ ફેલો તરીકે પણ કરી શકાય છે.

વિનયકુમાર કહે છે કે, "ખાનગી સેક્ટરમાં પણ નિમણૂક મળી શકે છે, પરંતુ આવું માત્ર એ કંપનીઓમાં જ થઈ શકશે, જે પહેલાંથી પૉર્ટલ સાથે સંકળાયેલી છે. પ્રાઇવેટ કંપનીઓની વેરિફિકેશન પ્રોસેસ અલગ છે."

આવી સ્થિતિમાં ડેટાની પ્રાઇવસી અંગે શું કોઈ ચિંતા હોવી જોઈએ? આ સવાલના જવામાં તેઓ કહે છે કે, "પૉર્ટલ પર રહેલી ઉમેદવારોની જાણકારીને કોઈ પણ ઍક્સેસ કરી લે એવું નથી. પ્રાઇવેટ કંપનીઓમાં પણ આ ડેટા માત્ર એ લોકો જ ઍક્સેસ કરી શકશે, જેમનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે."

જો કોઈ વિદ્યાર્થીએ યુપીએસસીની પરીક્ષા પોતાના અંતિમ પ્રયાસમાં પણ ક્લિયર ન કરી હોય અને તેના એક વર્ષ બાદ પણ તેમને જો કોઈ સરકારી નોકરી ન મળે, તો શું આ સ્કીમ તેમના માટે ફાયદાકારક છે?

વિનયકુમાર કહે છે કે, "હા, જો કોઈ ફાઇનલ સુધી પહોંચ્યો હોય અને તેનો ડેટા પૉર્ટલ પર હોય, તો તેમને આના મારફતે એક વર્ષ બાદ પણ નિમણૂક મળી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન