ધોરણ 12 પાસ યુવાનો માટે રેલવેમાં નોકરીની તક, પગાર સહિતની વિગત જાણો

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

16 એપ્રિલ,1853

આ એક ઐતિહાસિક દિવસ હતો જ્યારે પહેલી વખત પેસેન્જર ટ્રેન દોડી હતી.

તેને 172 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે.

આજે વર્ષ 2025માં ભારતમાં રોજના લગભગ બે કરોડ પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે.

પરંતુ આજે મુસાફરોની નહીં પણ રેલવેની નોકરીની વાત કરીએ.

ભારતીય રેલવેની ટૅગલાઇન છે - લાઇફલાઇન ટુ ધ નૅશન

પરંતુ તેને જૉબલાઇન પણ કહી શકાય. તેના કારણે ભારતીય રેલવેની ગણતરી દેશમાં સૌથી વધુ સરકારી જૉબ આપનાર તરીકે થાય છે.

તેમાં કામ કરનારાઓની સંખ્યા લગભગ 12 લાખ છે.

આ વર્ષે રેલવેની નોકરીમાં કેવી તક છે?

  • ટિકિટ કલેક્ટર
  • કૉમર્શિયલ ઍપ્રેન્ટિસ
  • આસિસ્ટન્ટ લોકો પાઇલટ
  • આરપીએફ કૉન્સ્ટેબલ

આ ઉપરાંત બીજા હોદ્દા પણ છે જેના માટે નિયમિત તક મળતી રહે છે.

દેખીતી રીતે જ આ નોકરીઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતની જરૂર પડે છે.

ભારતીય રેલવેમાં નોકરી માટે ઉમેદવારોએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) અથવા રેલવે રિક્રુટમેન્ટ સેલ (આરઆરસી) મારફત અરજી કરવાની હોય છે.

અથવા તો પોસ્ટ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરવી પડે છે.

પરંતુ માત્ર 12 ધોરણ પાસ કરીને પણ રેલવેમાં સારી કારકિર્દી શરૂ કરી શકાય. તેના વિશે જાણીએ.

ભારતીય રેલવેમાં હાલમાં 12થી 13 લાખ કાયમી કર્મચારી કામ કરે છે. વર્ષ 2014થી 2024 વચ્ચે રેલવેમાં પાંચ લાખથી વધારે ભરતી કરવામાં આવી.

અગાઉ 2004થી 2014 વચ્ચે રિક્રુટમેન્ટની સંખ્યા 4.11 લાખ હતી. પરંતુ આજે રેલવેના ગ્રૂપ 'સી'માં લગભગ 2.74 જગ્યાઓ ખાલી છે.

ગ્રૂપ 'સી'માં સુપરવાઇઝર, ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ ઑપરેટર પોસ્ટ જેમ કે સ્ટેશન માસ્ટર, લોકો પાઇલટ (ટ્રેન ડ્રાઇવર), જુનિયર એન્જિનિયર અને ક્લાર્કનો સમાવેશ થાય છે.

રેલવેને 18 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમ કે નૉર્ધન, સધર્ન, વેસ્ટર્ન અને ઇસ્ટર્ન રેલવે. આ ઝોનને કેટલાંય ડિવિઝનમાં વહેંચવામાં આવ્યા છે.

આ ઝોનમાં ભરતીઓ ટેક્નિકલ, ઍડમિનિસ્ટ્રેટિવ, મેડિકલ, ઑપરેશનલ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) જેવા વિભાગો હોય છે.

રેલવે નોકરીઓ મુખ્યત્વે ચાર જૂથોમાં વહેંચાયેલી છે

રેલવેમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને સ્કીલના આધારે ગ્રૂપ એ, બી, સી અને ડી માટે નોકરીઓની જાહેરાત થાય છે.

  • ગ્રૂપ A: UPSC પરીક્ષા મારફત (જેમ કે ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ, એકાઉન્ટ સર્વિસ, એન્જિનિયર સર્વિસ).
  • ગ્રૂપ B: આના મોટા ભાગના હોદ્દા પર લોકો ગ્રૂપ Cમાં પ્રમોશન મેળવીને પહોંચે છે.
  • ગ્રૂપ C: RRB પરીક્ષા મારફત (જેમ કે ટિકિટ કલેક્ટર, ક્લાર્ક, લોકો પાઇલટ).
  • ગ્રૂપ D: RRC પરીક્ષા મારફત (10 ધોરણ પાસ માટે પદ).

મોટા ભાગના ઉમેદવારો C અને D ના પદ માટે અરજી કરી શકે છે.

ધોરણ 10 અને 12 પાસ કરનારા યુવાનો માટે આ બંને ગ્રૂપમાં પોઝિશન હોય છે.

ધોરણ 12 પાસને કઈ નોકરીઓ મળી શકેઃ

  • જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • એકાઉન્ટ ક્લર્ક કમ ટાઇપિસ્ટ
  • કૉમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
  • જુનિયર ટાઇમકિપર
  • ટિકિટ કલેક્ટર (ટીસી)
  • રેલવે કૉન્સ્ટેબલ (આરઆરએફ)
  • સ્ટેશન માસ્ટર (કેટલાક નૉન-ટેક્નિકલ હોદ્દા)
  • ગૂડ્સ ગાર્ડ

તમારું સાયન્સનું બૅકગ્રાઉન્ડ હોય, તો આસિસ્ટન્ટ લોકો પાઇલટ (એએલપી) અને ટેક્નિશિયન જેવા હોદ્દા પણ છે.

ધોરણ 10 પાસ કર્યા પછી જે યુવાનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઈટીઆઈ)માં ભણે છે, તેમના માટે રેલવે એક ઉત્તમ વિકલ્પ છે.

કેટલો પગાર અને કેવી સુવિધાઓ મળે?

રેલવેની નોકરીમાં માત્ર સ્થિરતા નથી હોતી, પરંતુ બીજી સગવડો પણ મળે છે.

  • શરૂઆતનો પગારઃ દર મહિને 25થી 45 હજાર રૂપિયા
  • વાર્ષિક પૅકેજઃ 3.5 લાખથી 5.5 લાખ રૂપિયા

તેની સાથે મળવાપાત્ર છેઃ

  • મફત અથવા કન્સેસન દરે ટ્રેન પાસ
  • રેલવેના ક્વાર્ટરમાં રહેવાની સગવડ
  • મેડિકલ સુવિધાઓ
  • પેન્શન

અરજી કોણ કરી શકે?

શૈક્ષણિક યોગ્યતાઃ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ (કેટલાક પદ માટે ITI અથવા ગ્રૅજ્યુએશન જરૂરી છે).

ઓછામાં ઓછા ગુણઃ 50 ટકા અથવા વધારે

વયમર્યાદાઃ સામાન્ય રીતે 18થી 30 વર્ષ (SC/ST/OBC/PwDને વયમર્યાદામાં છૂટછાટ મળે છે).

રેલવે ભરતી માટે લોકો કેવી રીતે પસંદ થાય છે તેની ક્રોનોલૉજી સમજી લો.

  • ઑનલાઇન અરજી (RRB/RRC વેબસાઈટ)
  • કમ્પ્યુર બેઝ્ડ ટેસ્ટ (CBT) → GK, ગણિત, રિઝનિંગ, સાયન્સ, કરન્ટ અફેર્સ
  • સ્કીલ ટેસ્ટ /PET (ફિજિકલ એફિસિયન્સી ટેસ્ટ )
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ

આ તમામ પગલાં પાર કર્યા પછી મેરિટ લિસ્ટ બને છે. આ હિસાબે તક મળે છે.

અરજી કેવી રીતે કરવી?

આરઆરબીની સત્તાવાર વેબસાઇટ પર નૉટિફિકેશન આવી જાય છે.

કેટલી ફી હોયઃ 500 રૂપિયા (સીબીટી-1 આપ્યા પછી 400 રૂપિયા પરત મળે છે).

જરૂરી ડૉક્યુમેન્ટઃ શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખ પત્ર, ફોટો, અને બાકીના ડૉક્યુમેન્ટ.

અરજી કરવાની આખી પ્રક્રિયા ઑનલાઇન હોય છે.

કારકિર્દીનો વિકાસ કેવી રીતે થાય?

રેલવેની જૉબનો સૌથી મોટો ફાયદો તેમાં મળતું પ્રમોશન અને નોકરીની સ્થિરતા છે.

ક્લર્કથી લઇને સ્ટેશન માસ્ટર સુધી પ્રમોશનનો રસ્તો ખુલ્લો રહે છે.

એએલપીથી લોકો પાઇલટ અને સિનિયર લોકો પાઇલટ સુધી પ્રમોશન થઈ શકે છે.

રેલવે કૉન્સ્ટેબલથી ઇન્સ્પેક્ટર સુધી પ્રમોશન મળે છે.

કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા જીત રાણા કહે છે કે જે વિદ્યાર્થી આ પરીક્ષા આપવા માંગતા હોય, તેમણે સૌથી પહેલાં અગાઉનાં વર્ષોનાં પેપર સોલ્વ કરવા જોઈએ.

તેના પરથી અંદાજ આવી જશે કે આ પરીક્ષામાં કેવા સવાલો પૂછાય છે.

તેઓ કહે છે કે સ્ટુડન્ટ્સ પોતાનો સિલેબસ પૂરો કરે, પછી દરેક વિષયની અલગ અલગ પ્રૅક્ટિસ કરે. ખાસ કરીને ગણિતની પ્રૅક્ટિસ કરવી જરૂરી છે.

દરેક સ્ટુડન્ટે પરીક્ષામાં બેસતા પહેલાં ઓછામાં ઓછી 100 મૉક ટેસ્ટ આપવી જોઈએ.

તેનાથી પરીક્ષાના સમયે તેઓ અધીરા નહીં થઈ જવાય અને પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

તો રાહ જોવાની જરૂર નથી, પોતાનો મોબાઈલ ઉપાડો અને સર્ચ શરૂ કરી દો. કારણ કે ઢગલાબંધ જૉબ આવી રહી છે .

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન