You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પૈસા કોણ આપે છે અને ભાજપ સાથે તેનો શું સંબંધ છે?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
વર્ષ 2025માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
આ સો વર્ષમાં ભાગ્યે જ એવો કોઈ સમય હશે, જ્યારે સંઘ, તેની વિચારધારા કે તેની પ્રવૃત્તિઓ સમાચારોમાં ન રહી હોય.
ઈ.સ. 2014માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછીથી સંઘનો રાજકીય પ્રભાવ અનેક ગણો વધી ગયો છે અને સંઘ અત્યાર સુધીની પોતાની સૌથી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
પરંતુ, સંઘનો ઇતિહાસ, તેના ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા પરના ભાર અને અલ્પસંખ્યકો પ્રત્યેના તેના વલણને લઈને સવાલ થઈ રહ્યા છે.
ચાલો શોધીએ સંઘ સાથે સંકળાયેલા કેટલાક અગત્યના સવાલોના જવાબ.
1. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ?
સામાન્ય રીતે આરએસએસ કે સંઘના નામથી ઓળખાતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન છે, જેની સ્થાપના ઈ.સ. 1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. એવું મનાય છે કે, હેડગેવાર હિંદુ રાષ્ટ્રવાદી વિચારક વિનાયક દામોદર સાવરકરના વિચારોથી પ્રભાવિત હતા.
થોડો સમય કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પછી હેડગેવારે વૈચારિક મતભેદોના કારણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી અને સંઘની સ્થાપના કરી. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા પરિચય, માધવ ગોવિંદ વૈદ્ય, પેજ 11-13)
સંઘને ઘણી વાર દુનિયાનું સૌથી મોટું સ્વૈચ્છિક અથવા વૉલન્ટરી સંગઠન કહેવામાં આવે છે; પરંતુ, આરએસએસ સાથે કેટલા લોકો જોડાયેલા છે તેની સત્તાવાર સંખ્યાની કશી માહિતી નથી. આરએસએસ પોતાને બિનરાજકીય સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે; પરંતુ, રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની 'માતૃસંસ્થા'ની ભૂમિકા ભજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. આરએસએસનો મુખ્ય ઉદ્દેશ અને લક્ષ્ય શું છે?
આરએસએસ અનુસાર, તે એક સાંસ્કૃતિક સંગઠન છે, જેનો ઉદ્દેશ હિંદુ સંસ્કૃતિ, હિંદુ એકતા અને આત્મનિર્ભરતાનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે.
સંઘનું કહેવું છે કે, તે રાષ્ટ્રસેવા તેમ જ ભારતીય પરંપરાઓ અને વારસાનું જતન જેવા વિષયો પર ભાર આપે છે.
બિનરાજકીય હોવાના દાવા છતાં સંઘના અનેક લોકો ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય રહ્યા છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી ઘણાં બધાં નામ ગણાવી શકાય તેમ છે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પોતાના પુસ્તક 'આરએસએસઃ 21મી સદી કે લિયે રોડમૅપ' (પેજ 9)માં કહ્યું છે કે, સંઘ સમાજ પર શાસન કરનારી એક જુદી શક્તિ બનવા નથી માંગતો અને તેનો મુખ્ય હેતુ સમાજને મજબૂત બનાવવાનો છે.
આ જ પુસ્તકમાં આંબેકરે લખ્યું છે કે, 'સંઘ સમાજ બનશે' એક સૂત્ર છે, જે આરએસએસમાં વારંવાર બોલવામાં આવે છે. અત્યારના સમયના સરસંઘચાલક મોહન ભાગવત કહે છે કે, સંઘ એક 'કાર્યપદ્ધતિ છે, બીજું કશું નહીં'. તેમના અનુસાર, આરએસએસ "વ્યક્તિનિર્માણનું કામ કરે છે". (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 19)
3. શાખા શું છે અને આરએસએસનો સભ્ય કોણ અને કેવી રીતે બની શકે?
શાખા સંઘનો આધારભૂત સંગઠનાત્મક એકમ છે, જે પાયાના સ્તરે તેની હાજરી નોંધાવે છે. શાખા એ જગ્યા છે, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને વૈચારિક અને શારીરિક રીતે કેળવવામાં આવે છે.
મોટા ભાગની શાખાઓ દરરોજ સવારે અથવા ક્યારેક સાંજે ચલાવવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ શાખાઓ અઠવાડિયાના કેટલાક દિવસ ચાલે છે.
આરએસએસ અનુસાર, ભારતમાં 83,000થી વધારે શાખાઓ છે. શાખામાં શારીરિક વ્યાયામ અને રમતગમતની સાથોસાથ ટીમવર્ક અને નેતૃત્વ કૌશલ્ય સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ થાય છે અને 'માર્ચિંગ' અને 'સ્વ-બચાવ'ની તકનીક પણ શિખવાડવામાં આવે છે.
શાખામાં જ સંઘના સભ્યોને વૈચારિક શિક્ષણ આપવામાં આવે છે. શાખામાં જ તેમને હિંદુત્વ, હિંદુ રાષ્ટ્રવાદ અને આરએસએસના અન્ય મૂળભૂત સિદ્ધાંતો વિશે શીખવવામાં આવે છે. આરએસએસ આખા દેશમાં પોતાની હાજરી વધારવા અને તેને ટકાવી રાખવા શાખાઓ પર જ આધાર રાખે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કહેવું છે કે, ઔપચારિક રીતે તેના એક પણ સભ્ય નથી. જે લોકો આરએસએસની શાખાઓમાં ભાગ લે છે, તેમને સ્વયંસેવક કહેવામાં આવે છે અને સંઘ અનુસાર, કોઈ પણ હિંદુ પુરુષ સ્વયંસેવક બની શકે છે.
આરએસએસ અનુસાર, કોઈ પણ વ્યક્તિ પોતાની નજીક આવેલી સંઘની શાખાનો સંપર્ક કરી શકે છે અને સ્વયંસેવક બની શકે છે. સ્વયંસેવક બનવા માટે કોઈ ફી, નોંધણી ફૉર્મ કે ઔપચારિક અરજી કરવાની નથી હોતી. સંઘનું કહેવું છે કે, જે કોઈ વ્યક્તિ સવારે કે સાંજે દૈનિક શાખામાં ભાગ લેવાનું શરૂ કરે તે સંઘના સ્વયંસેવક બની જાય છે.
સાથે જ, સંઘ એમ પણ કહે છે કે, જો કોઈને તેમની નજીકમાં ચાલતી શાખા અથવા સ્વયંસેવક વિશે માહિતી ન હોય, તો તેઓ તેની વેબસાઇટ પર એક ફૉર્મ ભરી શકે છે; ત્યાર પછી સંઘમાં જોડાવા માટે નજીકની શાખા અથવા સ્વયંસેવક વિશે માહિતી આપવામાં આવે છે.
4. શું મહિલાઓ આરએસએસનાં સભ્ય બની શકે?
મહિલાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભ્ય નથી બની શકતી. પોતાની વેબસાઇટ પર 'ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ' અથવા 'વારંવાર પૂછવામાં આવતા સવાલો'ના વિભાગમાં સંઘે લખ્યું છે કે, તેની સ્થાપના હિંદુ સમાજને સંગઠિત કરવા માટે કરવામાં આવી હતી અને વ્યાવહારિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તેમાં ફક્ત પુરુષોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.
આરએસએસ અનુસાર, જ્યારે હિંદુ મહિલાઓ માટે પણ આ પ્રકારના સંગઠનની જરૂરિયાત અનુભવાઈ ત્યારે મહારાષ્ટ્રના વર્ધાનાં એક સામાજિક કાર્યકર્તા લક્ષ્મીબાઈ કેલકરે આરએસએસના સંસ્થાપક ડૉ. હેડગેવારનો સંપર્ક કર્યો અને તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી ઈ.સ. 1936માં રાષ્ટ્રીય સેવિકા સમિતિ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સંઘનું કહેવું છે કે, તેનો અને રાષ્ટ્રીય સેવિકા સમિતિનો હેતુ એક જ હતો, તેથી મહિલાઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં જોડાઈ શકે છે.
જોકે, સંઘ એમ પણ કહે છે કે, પોતાના શતાબ્દી વર્ષે મહિલા સમન્વય કાર્યક્રમો દ્વારા તે ભારતીય ચિંતન અને સામાજિક પરિવર્તનમાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધારવા માગે છે.
5. આરએસએસને ફંડિંગ કેવી રીતે મળે છે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક રજિસ્ટર કે નોંધાયેલું સંગઠન નથી. આ કારણે ઘણી વાર એવી ટીકા કરવામાં આવે છે કે, તેમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વની ખામી છે. એવો આરોપ પણ કરવામાં આવે છે કે, સંઘને મળતાં દાનની બાબતમાં સહેજે પારદર્શિતા નથી, કેમ કે, સંઘ ઇન્કમ ટૅક્સ કે આવકવેરા રિટર્ન ફાઇલ નથી કરતો.
સંઘનું કહેવું છે કે તે એક આત્મનિર્ભર સંગઠન છે અને સંઘના કામ માટે બહારથી ક્યાંયથી પૈસા લેવામાં નથી આવતા, ભલે ને તે સ્વેચ્છાથી આપવામાં આવ્યા હોય. સંઘ એવો પણ દાવો કરે છે કે, તે પોતાના ખર્ચ એ ગુરુદક્ષિણામાંથી પૂરા કરે છે, જે સંઘના સ્વયંસેવક ભગવા ધ્વજને ગુરુ માનીને વર્ષમાં એક વખત આપે છે.
સંઘ એમ પણ કહે છે કે, તેના સ્વયંસેવકો સમાજસેવાની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને તેમને સમાજમાંથી સહાય મળે છે; અને આ સામાજિક કાર્યો માટે સ્વયંસેવકોએ ટ્રસ્ટ બનાવ્યું છે, જે કાયદાની મર્યાદામાં રહીને પૈસા ભેગા કરે છે અને પોતાનાં ખાતાં ચલાવે છે.
ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં કેટલીક વિવાદાસ્પદ જમીનના સોદાના સંદર્ભમાં આરએસએસ રજિસ્ટર્ડ ન હોવાનો અને ઇન્કમ ટૅક્સના કાર્યક્ષેત્રની બહાર હોવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આરએસએસ રજિસ્ટર્ડ ન હોવા વિશે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતનું કહેવું છે કે, જ્યારે સંઘ શરૂ થયો હતો ત્યારે સ્વતંત્ર ભારતની સરકાર નહોતી, અને સ્વતંત્રતા પછી એવો કોઈ કાયદો ન બન્યો જેમાં કહેવામાં આવ્યું હોય કે દરેક સંસ્થાએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ભાગવત અનુસાર સંઘ એક 'બૉડી ઑફ ઇન્ડિવિડ્યૂઅલ્સ' એટલે કે, વ્યક્તિઓનો સમૂહ છે અને આ કારણે તેના પર ટૅક્સ ન લગાડી શકાય.
ભાગવત એમ પણ કહે છે કે, ભલે ને સરકાર સંઘ પાસે હિસાબ ન માગતી હોય, પરંતુ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સંઘ એક એક પૈસાનો હિસાબ રાખે છે, દર વર્ષે ઑડિટ કરાવે છે અને જો સરકાર ક્યારેક માંગે, તો સંઘનો હિસાબ તૈયાર છે. (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 105)
આરએસએસનું સંગઠનાત્મક માળખું શું છે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સર્વોચ્ચ પદ સરસંઘચાલકનું છે. સરસંઘચાલક પછી સૌથી મહત્ત્વનું પદ સરકાર્યવાહનું છે, જે સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી હોય છે અને તેમની પાસે સંઘના રોજિંદા વિષયો અંગેના નિર્ણયો લેવાની શક્તિ હોય છે. અત્યારે દત્તાત્રેય હોસબલે સંઘના સરકાર્યવાહ છે.
ઇતિહાસ પર દૃષ્ટિ કરીએ તો, સંઘમાં ડૉ. હેડગેવાર પછી જે પાંચ સરસંઘચાલક બન્યા, તેમાંથી ચાર, સરસંઘચાલક બનતાં પહેલાં સરકાર્યવાહ હતા અને એક સહ-સરકાર્યવાહ.
સહ-સરકાર્યવાહની ભૂમિકા સંયુક્ત સચિવની હોય છે. એક સમયે સંઘમાં ઘણા સહ-સરકાર્યવાહ હોઈ શકે છે.
સંઘની સંગઠનાત્મક વ્યવસ્થામાં આખા દેશમાં 46 પ્રાંત, ત્યાર પછી વિભાગ, જિલ્લા અને પછી ખંડ છે. સંઘ અનુસાર, 922 જિલ્લા, 6,597 ખંડ અને 27,720 મંડળમાં 73,117 દૈનિક શાખાઓ છે. દરેક મંડલ [ડિવિઝન]માં 12થી 15 ગામ સામેલ છે.
આરએસએસ એ ઘણાં સંગઠનોનો સમૂહ છે. આ સંગઠનોને સંઘનાં આનુષંગિક સંગઠન કહેવાય છે. આ સમગ્ર સમૂહને સંઘ પરિવાર કહેવામાં આવે છે. સંઘ પરિવારમાં ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સ્વદેશી જાગરણ મંચ, વનવાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્રીય શીખ સંગત, હિંદુ યુવા વાહિની, ભારતીય કિસાન સંઘ અને ભારતીય મજદૂર સંઘ જેવાં સંગઠન સામેલ છે.
7. આરએસએસના અત્યાર સુધી કેટલા સરસંઘચાલક થયા છે અને સરસંઘચાલક કેવી રીતે પસંદ કરાય છે?
સંઘમાં અત્યાર સુધીમાં છ સરસંઘચાલક થયા છે. સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર સંઘના પ્રથમ સરસંઘચાલક હતા. તેઓ 1925થી 1990 સુધી આ પદ પર રહ્યા. હેડગેવારના નિધન પછી ઈ.સ. 1940માં માધવ સદાશિવરાવ ગોલવલકર સંઘના બીજા સરસંઘચાલક બન્યા અને 1973 સુધી આ પદ પર રહ્યા.
ઈ.સ. 1973માં ગોલવલકરના નિધન પછી બાલાસાહેબ દેવરસ સરસંઘચાલક બન્યા અને 1994 સુધી આ પદ પર રહ્યા. ઈ.સ. 1994માં ખરાબ સ્વાસ્થ્યના કારણે દેવરસે રાજેન્દ્ર સિંહ (રજ્જુભૈયા)ને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા. રાજેન્દ્ર સિંહ ઈ.સ. 2000 સુધી સંઘના સરસંઘચાલક રહ્યા.
ઈ.સ. 2000માં કેએસ સુદર્શન સંઘના નવા સરસંઘચાલક બન્યા અને 2009 સુધી આ પદ પર રહ્યા. ઈ.સ. 2009માં સુદર્શને મોહન ભાગવતને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા. ભાગવત સંઘના છઠ્ઠા સરસંઘચાલક છે.
સરસંઘચાલક પસંદ કરવા માટે સંઘમાં કશી પ્રક્રિયા અપનાવવામાં નથી આવતી અને એ વાત માટે પણ તેની ટીકા થાય છે. ડૉ. હેડગેવાર પછી જેટલા પણ સરસંઘચાલક બન્યા તેમને તેમની પહેલાંના સરસંઘચાલકે જ નીમ્યા હતા. સરસંઘચાલકનો કાર્યકાળ આજીવન હોય છે અને તેઓ પોતાના ઉત્તરાધિકારી પસંદ કરે છે.
મોહન ભાગવત કહે છે કે, આવું એટલા માટે છે, કેમ કે, ડૉ. હેડગેવાર અને ગોલવલકર જેવા "મહાનુભાવો દ્વારા સુશોભિત પદ અમારા માટે શ્રદ્ધાનો વિષય છે". ભાગવત કહે છે, "મારા પછી સરસંઘચાલક કોણ હશે, એ મારી ઇચ્છા પર આધારિત છે અને હું ક્યાં સુધી સરસંઘચાલક રહીશ એ પણ મારી મરજી પર આધારિત છે. પરંતુ, હું આવો છું, એટલે સંઘે એ વાતનું ધ્યાન રાખ્યું કે સંઘમાં મારો અધિકાર કેટલો છે; જરાય નથી. હું માત્ર મિત્ર, માર્ગદર્શક અને દર્શન રજૂ કરનારો છું. સરસંઘચાલકને બીજું કશું કરવાનો અધિકાર નથી. સંઘના મુખ્ય કાર્યપાલક અધિકારી સરકાર્યવાહ છે. બધા અધિકાર તેમના હાથમાં છે. જો તેઓ મને કહે કે આ બંધ કરો અને તરત નાગપુર ચાલો; તો અત્યારે જ મારે ઊભા થઈને જવું પડશે. અને તેની વિધિવત્ ચૂંટણી દર ત્રણ વર્ષે થાય છે." (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 105-106,)
8. આરએસએસ પર ક્યારે ક્યારે પ્રતિબંધ લગાવાયો અને કેમ?
આરએસએસ પર પહેલો પ્રતિબંધ ઈ.સ. 1948માં મહાત્મા ગાંધીની હત્યા પછી મૂકવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરી 1948એ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તત્કાલીન સરકારને શંકા હતી કે, મહાત્મા ગાંધીની હત્યામાં સંઘની ભૂમિકા હતી અને ગોડસે આરએસએસના સભ્ય હતા. આરએસએસને સાંપ્રદાયિક વિભાજનને પ્રોત્સાહિત કરનારું સંગઠન માનીને સરકારે ફેબ્રુઆરી 1948માં તેના પર પ્રતિબંધ મૂકી દીધો અને સંઘના સરસંઘચાલક ગોલવલકરની ધરપકડ કરી.
પછીના એક આખા વર્ષ સુધી ગોલવલકર અને સરકાર વચ્ચે આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અનેક વાર ચર્ચા થઈ. સરકારનું કહેવું હતું કે, આરએસએસએ લિખિત અને પ્રકાશિત બંધારણ મુજબ કામ કરવું જોઈએ, પોતાની પ્રવૃત્તિઓને સાંસ્કૃતિક ક્ષેત્ર સુધી સીમિત રાખવી જોઈએ, હિંસા અને ગોપનીયતા છોડવી જોઈએ અને ભારતનાં બંધારણ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવી જોઈએ. (ધ આરએસએસઃ એ મેનેસ ટૂ ઇન્ડિયા, એજી નૂરાની, પેજ 375)
આ દરમિયાન સરદાર પટેલ અને ગોલવલકર વચ્ચે અનેક પત્રોની આપ-લે થઈ. તેમાંના એક પત્રમાં સરદાર પટેલે ગોલવલકરને લખ્યું કે, "સંઘનાં બધાં ભાષણ સાંપ્રદાયિક વિષથી ભરેલાં હતાં અને એ વિષના અંતિમ પરિણામ સ્વરૂપે દેશે ગાંધીજીનું બલિદાન સહન કરવું પડ્યું".
સરદાર પટેલે એમ પણ લખ્યું કે, તેમને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ માહિતી આપી કે "આરએસએસના લોકોએ ગાંધીજીના મૃત્યુ પછી ખુશી મનાવી અને મીઠાઈઓ વહેંચી".
આખરે, 11 જુલાઈ 1949એ સરકારે એક જાહેરાત દ્વારા કહ્યું, "આરએસએસ નેતા દ્વારા કરવામાં આવેલા સુધારા અને આપવામાં આવેલા સ્પષ્ટીકરણને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એવા નિર્ણય પર પહોંચી છે કે, આરએસએસ સંગઠનને ભારતીય બંધારણ પ્રતિ નિષ્ઠા રાખીને અને ગોપનીયતાથી અળગા રહીને તથા હિંસાથી દૂર રહીને રાષ્ટ્રીય ધ્વજને માન્યતા આપતાં એક લોકશાહી સાંસ્કૃતિક સંગઠન તરીકે કાર્ય કરવાની તક આપવી જોઈએ." (ધ આરએસએસઃ એ મેનેસ ટૂ ઇન્ડિયા, એજી નૂરાની, પેજ 390)
તેની સાથે જ 1948માં લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવાયો, પરંતુ, આરએસએસનું કહેવું છે કે, આ પ્રતિબંધ કોઈ પણ પ્રકારની શરત વગર હટાવવામાં આવ્યો હતો.
'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા દૃષ્ટિકોણ' શીર્ષક ધરાવતા પુસ્તકનું સંપાદન આરએસએસના અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુરે કર્યું છે. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે 14 ઑક્ટોબર 1949એ મુંબઈ વિધાનસભાના એક સત્ર દરમિયાન આ વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે સરકારે કહ્યું કે, આરએસએસ પરનો પ્રતિબંધ બિનશરતી હટાવવામાં આવ્યો છે અને સંઘના નેતૃત્વએ સરકારને કશું વચન નથી આપ્યું. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા દૃષ્ટિકોણ, નરેન્દ્ર ઠાકુર, પેજ 25)
આરએસએસ પર બીજી વખત 1975માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી (ઇમરજન્સી)ની ઘોષણા કરી હતી. આ પ્રતિબંધ ઈ.સ. 1977માં કટોકટી સમાપ્ત થવાની સાથે જ હટી ગયો.
ઈ.સ. 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા પછી આરએસએસ પર ત્રીજી વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ, જૂન 1993માં બાહરી પંચે આ પ્રતિબંધને અયોગ્ય માન્યો અને સરકારે તે હટાવવો પડ્યો.
9. શું સંઘે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લીધો?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક મોટી ટીકા એવી કરવામાં આવે છે કે તેણે બ્રિટિશ શાસન વિરુદ્ધના ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિય રીતે ભાગ નહોતો લીધો. ઈ.સ. 1925માં જ્યારે આરએસએસ અસ્તિત્વમાં આવ્યું, તે સમયે સ્વતંત્રતા આંદોલન પહેલાંથી જ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ગોલવલકરનાં નિવેદનોનો આધાર ટાંકીને ઘણી વાર કહેવાયું છે કે, આરએસએસએ ઈ.સ. 1942ના ભારત છોડો આંદોલનમાં ભાગ નહોતો લીધો.
જ્યારે બીજી બાજુ, સંઘનું કહેવું છે કે, તેણે આઝાદીની લડાઈમાં આગળ વધીને ભાગ લીધો હતો. સુનીલ આંબેકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, સંઘે પોતાની દરેક શાખાઓમાં 26 જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવ્યો હતો અને હજારો સ્વયંસેવકોએ જોશભેર સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો અને સંઘે તેનું ખુલ્લું સમર્થન કર્યું હતું. આંબેકરે કહ્યું છે કે, આરએસએસએ સવિનય કાનૂનભંગ આંદોલન અને ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
ધીરેન્દ્ર ઝા એક જાણીતા લેખક છે, જેમણે આરએસએસ પર ગહન સંશોધન કર્યું છે. તાજેતરમાં જ સંઘના બીજા સરસંઘચાલક ગોલવલકર પરનું તેમનું પુસ્તક પ્રકાશિત થયું છે. આની પહેલાં તેઓ નાથુરામ ગોડસે અને હિંદુત્વના વિષયો પર પણ પુસ્તક લખી ચૂક્યા છે.
તેમણે કહ્યું છે કે, આઝાદીના આંદોલનમાં આરએસએસના ભાગ લેવાનો સવાલ જ ઊભો થતો નથી. કેમ કે, આરએસએસનો મૂળભૂત સિદ્ધાંત તેને બ્રિટિશ વિરોધી સંઘર્ષથી દૂર લઈ જતો હતો. ધીરેન્દ્ર ઝા અનુસાર, આરએસએસનો આધાર હિંદુત્વની વિચારધારા હતો, જે "હિંદુઓને એ જણાવવાની કોશિશ કરી રહી હતી કે તેમના સૌથી મોટા દુશ્મન મુસલમાન છે, નહીં કે બ્રિટિશ સરકાર".
ઝાએ કહ્યું છે કે, "ઈ.સ. 1930માં જ્યારે ગાંધીએ સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ કર્યું ત્યારે આરએસએસમાં પણ હલચલ શરૂ થઈ. આરએસએસનું એક જૂથ આ આંદોલનમાં ભાગ લેવા માગતું હતું. હેડગેવાર સામે સમસ્યા હતી. સંગઠનને તેઓ બ્રિટિશ વિરોધી લાઇન પર નહોતા લઈ જઈ શકતા. અને ન તો તેઓ પોતાના સભ્યો સામે નબળા દેખાવા માંગતા હતા. એટલે તેમણે સ્પષ્ટ કહી દીધું કે, સંગઠન એ આંદોલનમાં ભાગ નહીં લે. જો કોઈને ભાગ લેવો હોય તો તેઓ વ્યક્તિગત રીતે લે. ઉદાહરણ રૂપે તેમણે પોતે પદ પરથી રાજીનામું આપી દીધું અને એલબી પરાંજપેને સરસંઘચાલક બનાવી દીધા. અને પોતે જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો અને પકડાયા."
ધીરેન્દ્ર ઝાએ કહ્યું છે કે, ઈ.સ. 1935માં જ્યારે આરએસએસ પોતાની સ્થાપનાની 10મી વર્ષગાંઠ ઊજવી રહ્યું હતું ત્યારે હેડગેવારે પોતાના એક ભાષણમાં બ્રિટિશ શાસનને 'ઍક્ટ ઑફ પ્રૉવિડેન્સ' (ઈશ્વરીય કામ) કહ્યું.
ઝાએ કહ્યું છે કે, "આરએસએસનો મૂળ તર્ક બ્રિટિશ વિરોધી બિલકુલ નહોતો, પરંતુ, એક સ્તરે તે બ્રિટિશ સમર્થક થઈ રહ્યું હતું. કેમ કે, તે બ્રિટિશ વિરોધી આંદોલનમાં ભાગલા પાડી રહ્યું હતું, તે એવું આંદોલન હતું, જેમાં હિંદુ–મુસલમાન બંને સામેલ હતા, અને આરએસએસ ફક્ત હિંદુનાં હિતોની વાત કરતું હતું."
વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોટાં નામો પર 'ધ આરએસએસઃ આઇકન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ' નામનું પુસ્તક લખ્યું છે. તેમણે કહ્યું છે, "આરએસએસનું લક્ષ્ય સંસ્થાનવાદી શાસનથી આઝાદી મેળવવાનું નહોતું. આરએસએસની સ્થાપના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મોની સરખામણીએ હિંદુ સમાજને મજબૂત કરવાના વિચારોથી કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ અંગ્રેજોને બહાર કાઢવાનો નહોતો. તેમનું લક્ષ્ય હિંદુ સમાજને એકજૂથ કરવાનું હતું, તેમને એક અવાજમાં બોલવા માટે તૈયાર કરવાનું હતું."
એ મુદ્દે પણ સંઘની ટીકા કરવામાં આવે છે કે, ઈ.સ. 1939માં જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે કૉંગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યા પછી ડૉ. હેડગેવાર સાથે મુલાકાતની કોશિશ કરી અને તે માટે સંઘના એક મોટા નેતા ગોપાલ મુકુંદ હુદ્દારને બોઝના દૂત તરીકે મોકલ્યા, પરંતુ હેડગેવારે પોતાની તબિયત ખરાબ હોવાનું કહીને મળવાનો ઇનકાર કરી દીધો. ઈ.સ. 1979માં ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયામાં ગોપાલ મુકુંદ હુદ્દારે એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
આરએસએસના મુખપત્ર 'ધ ઑર્ગેનાઇઝર'માં ઈ.સ. 2022માં છપાયેલા ડમરૂ ધર પટનાયકના એક લેખમાં એમ કહેવાયું છે કે, 20 જૂન 1940એ નેતાજી સુભાષચંદ્ર બોઝ ડૉ. હેડગેવારને મળવા પહોંચ્યા.
પટનાયકે લખ્યું છે, "તે સમયે ડોક્ટરજી આરએસએસના એક મુખ્ય પદાધિકારી બાબાસાહેબ ઘટાટેના ઘરે બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. જ્યારે તેઓ (નેતાજી) પહોંચ્યા ત્યારે હેડગેવારજી સૂતા હતા. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી હતી.
પટનાયક અનુસાર, જ્યારે બે પ્રચારકોએ ડૉ. હેડગેવારને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી તો નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમને એમ કહીને અટકાવ્યા કે તેઓ ફરી કોઈ દિવસ તેમને મળી લેશે અને ત્યાંથી ચાલ્યા ગયા. પટનાયકે લખ્યું છે કે, જાગ્યા પછી ડૉ. હેડગેવારને જ્યારે ખબર પડી કે બોઝ તેમને મળવા આવેલા તો તેમણે ચિંતિત થઈને પોતાના લોકોને એ જોવા માટે દોડાવ્યા કે કદાચ બોઝ હજુ એટલામાં જ હશે.
પટનાયકે લખ્યું છે, "પરંતુ, તેઓ (બોઝ) ખરેખર જતા રહ્યા હતા અને બીજા દિવસે ડોક્ટરજીનું મૃત્યુ થઈ ગયું. ખરેખર એક આઘાત આપનારી વિડંબના!"
ઈ.સ. 2018માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ડૉ. હેડગેવાર નેતાજી બોઝને મળ્યા હતા, પરંતુ ક્યારે અને ક્યાં મળ્યા હતા તેનું કશું વિવરણ તેમણે ન કર્યું. ભાગવત અનુસાર, "ક્રાંતિકારીઓની સાથે પણ તેમણે (હેડગેવારે) કામ કર્યું. તે સમયે "તેમણે સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો" અને "તેઓ સુભાષબાબુને પણ મળ્યા હતા, સાવરકરજીને પણ મળ્યા હતા. ક્રાંતિકારીઓ સાથે તેમના સંબંધ હતા જ." (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 17-18)
10. નાથુરામ ગોડસે અને આરએસએસ વચ્ચે શો સંબંધ હતો?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકાઓમાં સૌથી ગંભીર ટીકા એ છે કે, મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે આરએસએસના સભ્ય હતા. આરએસએસએ સતત ગોડસેથી અંતર જાળવી રાખવાની કોશિશ કરી છે અને એમ પણ કહ્યું છે કે, જ્યારે ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી ત્યારે તેઓ સંઘનો ભાગ નહોતા, તેથી ગાંધીની હત્યા માટે આરએસએસને દોષિત ગણવું તે ખોટું છે.
હત્યા પછી ચાલેલા કેસમાં નાથુરામ ગોડસેએ પોતે પણ અદાલતમાં કહ્યું હતું કે, તેઓ એક સમયે આરએસએસમાં હતા, પરંતુ પછી તેઓ આરએસએસને છોડીને હિંદુ મહાસભામાં જોડાઈ ગયા હતા.
ધીરેન્દ્ર ઝાએ ગોડસે પર 'ગાંધીઝ અસૅસિનઃ ધ મેકિંગ ઑફ નાથુરામ ગોડસે ઍન્ડ હિઝ આઇડિયા ઑફ ઇન્ડિયા' નામનું પુસ્તક લખ્યું છે.
તેમણે કહ્યું છે કે, સવાલ બે જ છેઃ ગોડસેએ આરએસએસ ક્યારે છોડ્યું અને તેઓ હિંદુ મહાસભામાં ક્યારે જોડાયા?
ઝાએ કહ્યું છે, "આપણી સામે જે આર્કાઇવલ (અભિલેખીય) રેકૉર્ડ છે તે ઇંગિત કરે છે કે, 1938માં ગોડસે હૈદરાબાદમાં નિઝામના વિસ્તારમાં થયેલા આંદોલનમાં હિંદુ મહાસભાના નેતા તરીકે ગયા, તો હવે જ્યારે તેઓ હિંદુ મહાસભાના નેતા તરીકે ત્યાં ગયા તો શું તેનો મતલબ એ છે કે તેઓ આરએસએસ છોડી ચૂક્યા હતા? મહાત્મા ગાંધીની હત્યા પછી જે રેકૉર્ડ આરએસએસના નાગપુરના મુખ્ય મથકમાંથી જપ્ત કરવામાં આવ્યા, તેમાં એવા પુરાવા ઉપલબ્ધ છે કે ઈ.સ. 1939 અને 1940માં આરએસએસની ઘણી સભાઓમાં ગોડસેની હાજરી હતી. તે દિવસોમાં આરએસએસના ઘણા બધા લોકો હિંદુ મહાસભામાં પણ હતા અને હિંદુ મહાસભાના ઘણા બધા લોકો આરએસએસમાં હતા. ઈ.સ. 1947માં જ્યારે બૉમ્બે પોલીસે હિંદુ મહાસભા અને આરએસએસના લોકોનું લિસ્ટ તૈયાર કર્યું, ત્યારે તેમણે જોયું કે ઓવરલૅપિંગ છે."
ઝા અનુસાર, નાથુરામ ગોડસેના ભાઈ અને ગાંધી હત્યાકાંડના સહ-આરોપી ગોપાલ ગોડસે જેલમાંથી મુક્ત થયા પછી આજીવન એવી વાત કહેતા રહ્યા કે, નાથુરામ ગોડસેએ આરએસએસ નહોતું છોડ્યું.
ભૂતકાળમાં કેટલાક પ્રસંગોએ ગોડસે પરિવારના લોકોનાં નિવેદનો ઉજાગર થયાં, જેમાં તેમણે કહ્યું કે, નાથુરામ ગોડસે છેલ્લે સુધી આરએસએસ સાથે જોડાયેલા હતા. આ નિવેદનોમાં એ વાત સામે પણ નારાજગી પ્રકટ કરવામાં આવી કે આરએસએસએ નાથુરામ ગોડસેથી અંતર જાળવી રાખ્યું.
નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું છે, "આરએસએસ સભ્યપદ આધારિત સંગઠન નથી, તેથી તેમાં જોડાવાનો કશો નિયમ નથી, નથી રાજીનામું આપવાની કોઈ પ્રક્રિયા. ગોડસે આરએસએસમાં હતા અને ફાંસીએ ચડતાં પહેલાં જે છેલ્લું કામ કર્યું તે આરએસએસની પ્રાર્થના ગાવાનું હતું. આરએસએસ માટેની તેમની નિષ્ઠાનો સૌથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? ગોડસે પોતાની યુવાવસ્થામાં, પોતાની આધેડ વયે, પોતાના જીવનના અંત સુધી આરએસએસની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ એક સ્વયંસેવક હતા. ભલે તેઓ આરએસએસના જુદા જુદા કાર્યક્રમોમાં સક્રિય ન રહ્યા હોય, પરંતુ, બધા વ્યાવહારિક ઉદ્દેશો માટે તેઓ આરએસએસના વ્યક્તિ બની રહ્યા."
11. આરએસએસ અને ભાજપ વચ્ચે શો સંબંધ છે?
આરએસએસને ભાજપની કરોડરજ્જુ માનવામાં આવે છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી અને ઘણી વિધાનસભા ચૂંટણીઓમાં એ ચર્ચા સામાન્ય રહી કે સંઘના કાર્યકર્તાઓની જમીની સ્તરની હાજરીના કારણે ભારતીય જનતા પાર્ટીને રાજકીય લાભ મળ્યો અને પાર્ટી ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં સફળ રહી.
સંઘના નેતાઓએ વારંવાર કહ્યું કે, તેઓ પક્ષીય રાજકારણમાં સામેલ નથી. પરંતુ, એ વાત પણ કોઈથી છાની નથી કે, સંઘ સાથે સંકળાયેલા ઘણા લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને સક્રિય રાજકારણનો એક ભાગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી જેવા બધા નેતા પોતાના શરૂઆતના તબક્કાથી જ આરએસએસના ભાગ રહ્યા છે.
સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના નિકટના સંબંધની એક ઝલક ઈ.સ. 2015માં જોવા મળી હતી, જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યાના એક વર્ષ પછી દિલ્હીના વસંતકુંજમાં આવેલા મધ્યાંચલ ભવનમાં સતત ત્રણ દિવસ સુધી મોદી સરકારના ટોચના મંત્રીઓએ આરએસએસની એક બેઠકમાં ભાગ લીધો અને પોતપોતાનાં મંત્રાલયોનાં કામકાજ વિશે વિસ્તારથી માહિતી આપી. તે સમયે છપાયેલા સમાચાર અનુસાર, રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષમા સ્વરાજ, મનોહર પર્રિકર અને જેપી નડ્ડા જેવા દિગ્ગજ નેતા આ બેઠકમાં સામેલ થયા હતા.
એ વાતની પણ ચર્ચા થતી હતી કે, આ બેઠકમાં આરએસએસએ ભાજપને અર્થવ્યવસ્થા, શિક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા પર નીતિગત સૂચનો પણ આપ્યાં. ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ગયા અને તે સમયના મીડિયામાં છપાયેલા સમાચારો અનુસાર, તેમણે બેઠકમાં કહેલું કે, તેમને સ્વયંસેવક હોવાનો ગર્વ છે.
આ ત્રિ-દિવસીય આયોજનની એમ કહીને ટીકા કરવામાં આવી કે, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના મંત્રી એક બિનસરકારી સંસ્થા સમક્ષ પોતાનાં કામકાજનો રિપોર્ટ કઈ રીતે રજૂ કરી શકે. ટીકાકારોનું કહેવું હતું કે, આ દેશની અર્થવ્યવસ્થા, બંધારણ અને નિયમોની રીતે આ ખોટું છે.
આ બેઠક પછી મીડિયા રિપોર્ટમાં આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેનું એવું નિવેદન પણ છપાયું, જેમાં તેમણે કહ્યું, ગોપનીયતા ક્યાં છે? અમે પણ અન્ય લોકોની જેમ દેશના નાગરિક છીએ. મંત્રી સંમેલનોમાં વાત કરીએ છીએ, મીડિયાને માહિતી આપીએ છીએ, બિલકુલ એ જ રીતે તેમણે અમારી સાથે વાત કરી."
થોડાંક વર્ષ પહેલાં આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે, જો સંઘ અને રાજકારણને સંબંધ નથી, તો ભાજપમાં સંગઠન મંત્રી હંમેશાં સંઘ જ કેમ આપે છે? તેના જવાબમાં ભાગવતે જણાવ્યું કે, જે કોઈ રાજકીય પક્ષ તેમની પાસે સંગઠન મંત્રી માગે છે, સંઘ તેને આપે છે. ભાગવતે કહ્યું, "અત્યાર સુધી બીજા કોઈએ માગ્યા નથી (ભાજપ સિવાય). માગશે તો અમે વિચાર કરીશું. કામ સારું હશે, તો અમે જરૂર આપીશું."
સાથે જ, ભાગવતે કહ્યું કે, સંઘની એક નીતિ છે અને સંઘની વધતી તાકાતનો લાભ એવા રાજકીય પક્ષોને મળે છે જે એ નીતિનું સમર્થન કરે છે. "જેઓ તેનો લાભ લઈ શકે છે, લઈ જાય છે. જે નથી લઈ શકતા, તેઓ રહી જાય છે."
સંઘનું કહેવું છે કે, ચૂંટણી દરમિયાન જ્યારે ઉમેદવારોને ટિકિટ આપવા બાબતે ભાજપ સંઘના મૂલ્યાંકનની માગણી કરે છે, ત્યારે સંઘ ચોકસાઈ પૂર્વક તે માહિતી આપે છે. કેમ કે, સ્વયંસેવક જમીની સ્તરે કામ કરે છે. પરંતુ, તેના સિવાય સંઘ ચૂંટણી પરિણામો પર કશી અસર નથી કરતું કે નથી ચૂંટણીની રણનીતિ નક્કી કરતું. (ધ આરએસએસઃ રોડમૅપ્સ ફૉર ધ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી, પેજ 220)
સુનીલ આંબેકર અનુસાર, "માત્ર એટલા માટે કે કોઈ પણ ભાજપ સરકારમાં ઘણા સ્વયંસેવક છે, તેનો અર્થ એ નથી કે સંઘ તેમનાં રોજબરોજનાં કામમાં હસ્તક્ષેપ કરે છે."
સંઘ એ વાતનું પણ ખંડન કરે છે કે, તે ભાજપની સરકારોને રિમોટ કંટ્રોલથી ચલાવે છે. આંબેકર કહે છે કે, સંઘ "ભાજપનાં કામકાજમાં નથી તો હસ્તક્ષેપ કરતું અને નથી એવું કરવાની તેની કોઈ ઇચ્છા. કોને કયું પદ મળશે? કયાં સ્થળોએ રેલીઓ કઢાશે? સંઘને આ બાબતો સાથે કશી લેવાદેવા નથી."
12. ભારતના ધ્વજ અંગે આરએસએસ વિવાદમાં કેમ રહ્યો?
આરએસએસના બીજા સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકર ભારતના તિરંગા ધ્વજના ટીકાકાર હતા. પોતાના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માં તેમણે લખ્યું છે, "આ ધ્વજ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન ફ્રેન્ચોએ પોતાના ઝંડા પર ત્રણ રંગની પટ્ટીઓ લગાવી, જેથી 'સમાનતા', 'બંધુત્વ' અને 'સ્વતંત્રતા'ના ત્રણ વિચાર વ્યક્ત કરી શકાય. ત્રણ રંગની પટ્ટીઓ આપણા સ્વતંત્રતાસેનાનીઓ માટે પણ એક પ્રકારનું આકર્ષણ હતી, તેથી કૉંગ્રેસે તેને અપનાવી."
ગોલવલકરે એમ પણ લખ્યું, તિરંગો "આપણા રાષ્ટ્રીય ઇતિહાસ અને વારસા પર આધારિત કોઈ રાષ્ટ્રીય દૃષ્ટિ કે સત્યથી પ્રેરિત નહોતો."
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભગવા ઝંડાને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. મોહન ભાગવતે કહ્યું છે કે, તેનું કારણ એ છે કે ભગવો ઝંડો અનાદિકાળથી લઈને આજ સુધી સંઘના વારસાનું પ્રતીક છે.
તેમણે કહ્યું છે કે, "જ્યારે જ્યારે આપણા ઇતિહાસની વાત આવે છે, આ ભગવો ઝંડો ક્યાંક ને ક્યાંક હોય છે. એટલે સુધી કે સ્વતંત્ર ભારતનો ધ્વજ કયો હોય? એ સંબંધમાં ફ્લૅગ કમિટીએ જે રિપોર્ટ આપ્યો હતો, તે તો એ જ આપ્યો કે સર્વત્ર સુપરિચિત, સુપ્રતિષ્ઠિત ભગવો ઝંડો હોય. પછીથી તેમાં પરિવર્તન થયું, તિરંગો ધ્વજ આવી ગયો. તે આપણો રાષ્ટ્રધ્વજ છે. અમે તેનું પણ સંપૂર્ણ સન્માન કરીએ જ છીએ." (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 31)
આજે સંઘ કહે છે કે, તે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરે છે, પરંતુ, આઝાદી પહેલાં અને ત્યાર પછી ઘણા દાયકા સુધી તિરંગા પ્રત્યેના તેના વલણ અંગે સવાલ થતા રહ્યા છે.
નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું છે, "1929માં જ્યારે કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની વાત કહેવામાં આવી ત્યારે એવો નિર્ણય કરવામાં આવ્યો કે 26 જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવામાં આવશે અને તિરંગો ઝંડો ફરકાવવામાં આવશે. આરએસએસએ તે દિવસે પણ તિરંગાની જગ્યાએ ભગવો ઝંડો ફરકાવ્યો હતો."
ધીરેન્દ્ર ઝાનું પણ કહેવું છે કે, ડૉ. હેડગેવારે 21 જાન્યુઆરી 1930એ લખેલા પત્રમાં સંઘની શાખાઓમાં તિરંગો નહીં, પરંતુ ભગવો ઝંડો લહેરાવવાની વાત કરી હતી.
એક ટીકા એ પણ છે કે, 26 જાન્યુઆરી 1950 પછી આરએસએસએ આગામી પાંચ દાયકા સુધી પોતાના મુખ્ય કાર્યાલય પર તિરંગો ઝંડો ફરકાવ્યો નહીં. સંઘે પહેલી વાર 26 જાન્યુઆરી 2002એ પોતાના મુખ્ય મથક પર તિરંગો લહેરાવ્યો.
આના જવાબમાં આરએસએસના સમર્થક અને નેતા કહે છે કે, સંઘે 2002 સુધી રાષ્ટ્રીય ધ્વજ એટલા માટે નહોતો ફરકાવ્યો, કેમ કે, 2002 સુધી સામાન્ય નાગરિકોને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી નહોતી.
પરંતુ, આ તર્કના જવાબમાં કહેવાય છે કે, 2002 સુધી જે ફ્લૅગ કોડના નિયમ અમલમાં હતા, તે કોઈ પણ ભારતીય વ્યક્તિ કે સંસ્થાને પ્રજાસત્તાક દિન, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતીએ ઝંડો ફરકાવતાં રોકતા નહોતા.
નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું છે કે, 1950-60 અને 70ના દાયકામાં પ્રાઇવેટ કંપનીઓ પણ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે તિરંગો ફરકાવતી હતી. "ફ્લૅગ કોડનો હેતુ માત્ર એ હતો કે રાષ્ટ્રીય ધ્વજ સાથે રમત ન થાય."
26 જાન્યુઆરી 2001એ નાગપુરમાં આરએસએસ સ્મૃતિભવન ખાતે ત્રણ યુવકોએ જબરજસ્તીથી તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. 14 ઑગસ્ટ 2013ના પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, "પરિસરમાં પ્રભારી સુનીલ કાઠલેએ પહેલાં તેમને પરિસરમાં દાખલ થતા રોકવાની કોશિશ કરી અને ત્યાર પછી તેમને તિરંગો ફરકાવતાં રોકવાની કોશિશ કરી."
આ ત્રણેય લોકો વિરુદ્ધ બળજબરીપૂર્વક પ્રવેશ (ટ્રેસ પાસિંગ)નો કેસ દાખલ કરવામાં આવ્યો, પરંતુ, પૂરતા પુરાવા ન હોવાથી 2013માં નાગપુરની એક અદાલતે તેમને છોડી દીધા.
13. ભારતમાં ધાર્મિક લઘુમતી ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મુદ્દે આરએસએસનો શો દૃષ્ટિકોણ છે?
આરએસએસના અત્યારના સરસંઘચાલક મોહન ભાગવત જુદા જુદા પ્રસંગે કહી ચૂક્યા છે કે, ભારતના બધા લોકો હિંદુ છે અને જે કોઈ પણ ભારતને પોતાનું ઘર માને છે, તેઓ હિંદુ છે, ભલે તેમનો ધર્મ કોઈ પણ હોય. સાથે જ, ભાગવત અનેક વાર એમ પણ કહી ચૂક્યા છે કે, ભારત એક હિંદુ રાષ્ટ્ર છે.
આરએસએસના અલ્પસંખ્યક સમુદાયો, ખાસ કરીને મુસલમાનો અને ખ્રિસ્તીઓ પ્રત્યેના દૃષ્ટિકોણ સામે સવાલ થતા રહ્યા છે.
આ વિષયમાં સંઘની વિચારસરણીની એક ઝલક સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકરના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માં જોવા મળે છે.
ગોલવલકરે લખ્યું છે કે, "દરેક જાણે છે કે અહીં ભારતમાં માત્ર મુઠ્ઠીભર મુસલમાન જ દુશ્મન અને આક્રમણકારીની જેમ આવ્યા હતા. એ જ રીતે, અહીં ફક્ત થોડાક વિદેશી ખ્રિસ્તી મિશનરી જ આવ્યા. હવે મુસલમાનો અને ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઈ છે. તેઓ માછલીઓની જેમ ફક્ત ગુણાકારથી નથી વધ્યા; તેમણે સ્થાનિક લોકોનું ધર્માંતરણ કર્યું. આપણે આપણા પૂર્વજોની માહિતી એક જ સ્રોત દ્વારા મેળવી શકીએ છીએ, જ્યાંથી એક ભાગ હિંદુ ધર્મથી અલગ થઈને મુસલમાન બની ગયો, અને બીજો ખ્રિસ્તી બની ગયો. બાકીના લોકોનું ધર્માંતરણ ન થઈ શક્યું અને તેઓ હિંદુ જ રહ્યા." આ જ પુસ્તકમાં ગોલવલકરે મુસલમાનો, ખ્રિસ્તીઓ અને કોમ્યુનિસ્ટોને 'દેશના આંતરિક દુશ્મન' ગણાવ્યા હતા.
ઈ.સ. 2018માં જ, જ્યારે ભાગવતને ગોલવલકરના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માં મુસલમાનોને શત્રુ કહેવા બાબતે પૂછવામાં આવ્યું હતું, તો તેમણે કહેલું કે, "જે કંઈ વાતો બોલવામાં આવે છે, તે સ્થિતિવિશેષ, પ્રસંગવિશેષના સંબંધમાં બોલવામાં આવે છે, તે શાશ્વત નથી રહેતી."
હવે ગોલવલકરના વિચારોના સંકલનની નવી આવૃત્તિમાં આંતરિક દુશ્મનવાળો પ્રસંગ કાઢી નાખવામાં આવ્યો છે.
ભાગવતે કહેલું કે, "સંઘ બંધ સંગઠન નથી કે ડૉક્ટર હેડગેવારે કંઈક વાક્ય બોલી નાખ્યાં, હવે એ જ વાક્યોને લઈને અમે ચાલીશું. સમય બદલાય છે, સંગઠનની સ્થિતિ બદલાય છે. અમારા વિચારો, વિચારવાની રીત પણ બદલાય છે અને બદલવાની મંજૂરી અમને ડૉક્ટર હેડગેવાર પાસેથી મળતી રહી છે." (ભવિષ્ય કા ભારત – સંઘ કા દૃષ્ટિકોણ, પેજ 90)
જુલાઈ 2021માં ભાગવતે કહ્યું, "આપણે સમાન પૂર્વજોના વંશજ છીએ. એ વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થઈ ચૂક્યું છે. 40,000 વર્ષ પહેલાંથી આપણા ભારતના બધા લોકોના ડીએનએ સમાન છે. જો હિંદુ કહે છે કે અહીં એક પણ મુસલમાન ન રહેવો જોઈએ, તો હિંદુ પણ હિંદુ નહીં રહે."
14. શું સરકારી કર્મચારી આરએસએસમાં સામેલ થઈ શકે?
ઈ.સ. 1966માં ભારત સરકારના ગૃહમંત્રાલયે એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં એ યાદ અપાવાયું કે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ રાજકીય પક્ષ અથવા કોઈ એવા સંગઠનનો સભ્ય ન બની શકે જે રાજકારણમાં ભાગ લેતું હોય.
સાથે જ, એમ પણ કહેવામાં આવ્યું કે, સરકારી કર્મચારીઓના કોઈ રાજકીય આંદોલન કે પ્રવૃત્તિમાં ભાગ લેવા, મદદ માટે ફાળો આપવા કે કોઈ અન્ય રીતે મદદ કરવા ઉપર પ્રતિબંધ છે.
આ જ આદેશમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમાત-એ-ઇસ્લામીના સભ્ય હોય અથવા તેની સાથે જોડાયેલા હોય, તો સિવિલ સર્વિસ આચરણ નિયમો અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ વાતનો ઈ.સ. 1970 અને 1980માં જાહેર કરવામાં આવેલા આદેશોમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
જુલાઈ 2024માં કેન્દ્ર સરકારે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ ઍન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)માં એક સર્ક્યુલર બહાર પાડીને કહ્યું કે, ઈ.સ. 1966, 1970 અને 1980માં આપવામાં આવેલી સૂચનાઓની સમીક્ષા કર્યા પછી તે આદેશોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરળ શબ્દોમાં કહીએ તો આજની તારીખે કોઈ પણ સરકારી કર્મચારી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાવા કે તેના માટે કામ કરવા પર હવે કશો પ્રતિબંધ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન