You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આરએસએસના સ્વયંસેવકોના પરિવારની મહિલાઓ હિંદુત્વ વિશે શું માને છે?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, બાંસવાડા અને જયપુરથી
રાજસ્થાનના બાંસવાડાથી 35 કિલોમીટર દૂર દુખવાડા ગામના કનૈયાલાલ યાદવના ઘરે 1993માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક આવ્યા હતા.
એ વખતે કનૈયાલાલ માત્ર નવ વર્ષના હતા અને તેઓ આરએસએસ વિશે ખાસ કશું જાણતા ન હતા. કનૈયાલાલ એ જ વર્ષે આરએસએસમાં જોડાઈ ગયા હતા.
એ વાતને યાદ કરતાં કનૈયાલાલ જણાવે છે કે કોઈ અન્ય જ્ઞાતિની વ્યક્તિએ અમારા ઘરનું પાણી પીધું હોય એવી તે પહેલી ઘટના હતા. કનૈયાલાલ તેમના નામની સાથે યાદવ અટક લખે છે, પરંતુ તેઓ દલિત છે.
કનૈયાલાલ કહે છે, “અમે ચમાર જ્ઞાતિના છીએ. ચમાર જ્ઞાતિમાં જન્મવાના પડકારો અમે જોયા છે, પરંતુ આરએસએસે તે પડકારોને આસાન બનાવી દીધા. હું આરએસએસમાં ન હોત તો કદાચ નશાની લતનો શિકાર બન્યો હોત. અત્યારે મારી જે હેસિયત છે તેમાં આરએસએસનું સૌથી મોટું યોગદાન છે.”
કનૈયાલાલ યાદવ બાંસવાડાની સરકારી સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક છે. તેની સાથે તેઓ બાંસવાડામાં આરએસએસના જિલ્લા કાર્યવાહ પણ છે. તેમનાં પત્ની ચંદ્રિકા યાદવ પણ બાંસવાડાની સરકારી સ્કૂલમાં વિજ્ઞાનનાં શિક્ષિકા છે.
સંઘમાં દલિત હોવું એટલે શું?
ચંદ્રિકા યાદવ જ્ઞાતિગત ભેદભાવની એક ઘટના યાદ કરતાં કહે છે, “સ્કૂલના દિવસોની વાત છે. હું હૅન્ડપમ્પ પર પાણી પી રહી હતી. એ વખતે કેટલીક છોકરીઓએ કહ્યુઃ તમે તો ચમાર છોને? મારી અટક યાદવ હતી. એટલે મને થયું કે છોકરીઓએ મારી જ્ઞાતિ વિશે માહિતી મેળવી હશે એટલે પૂછપરછ કરી રહી છે. એ પળ મારા માટે શરમજનક હતી. હું મારા પિતા પાસે ગઈ. તેઓ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ હતા. મારા પિતાએ મને સમજાવતાં કહ્યું હતું કે બેટા, આપણા પૂર્વજો ચામડાનું કામ કરતા હતા એટલે આપણને ચમાર કહેવામાં આવે છે. તેમાં કશું શરમજનક નથી.”
ચંદ્રિકા યાદવ માને છે કે તેમના પતિ આરએસએસમાં સક્રિય થયા ત્યારથી તેમને જ્ઞાતિ સંબંધે મારવામાં આવતા ટોણા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા પણ વધી છે. ચંદ્રિકા યાદવ કહે છે, “મારા પતિના સંઘમાં ભલે ગમે તે જ્ઞાતિના લોકો હોય, તેઓ તેમને ભાઈસાહેબ કહે છે તે મને સારું લાગે છે.”
રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા નારાયણ ગમેતી આદિવાસી સમુદાયના છે. તેઓ આરએસએસમાં સહ પ્રાંત કાર્યવાહ છે. ગમેતીનાં પત્ની સુશીલા ઉદયપુરની જિલ્લા હૉસ્પિટલમાં નર્સ છે. અમે સુશીલાને સવાલ કર્યો હતો કે તમારા પતિ આરએસએસમાં હોવાની તમારી પર શું અસર થઈ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુશીલા કહે છે, “અત્યારે હું તમારી સાથે મોકળાશથી અને આત્મવિશ્વાસથી વાત કરી શકું છું તે ન કરી શકી હોત. તેઓ આરએસએસમાં હોવાને કારણે હું ઘર અને હૉસ્પિટલના દાયરામાંથી બહાર નીકળી શકી. સંઘમાં કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે સ્વયંસેવકોની પત્નીઓ પણ આવે છે. તેમની સાથે વાત કરવાનું ગમે છે. અહીં કોઈ કોઈની જ્ઞાતિ પૂછતું નથી. બધા એકસમાન હોય છે.”
પતિ સંઘમાં જોડાયા તેથી મહિલાઓ સશક્ત થઈ છે?
આરએસએસમાં દલિત અને આદિવાસી સમુદાયના જે સ્વયંસેવકો છે, તેમની પત્નીઓ માને છે કે તેમના પતિ આરએસએસમાં હોવાને લીધે તેઓ સશક્ત થઈ છે. સમાજમાં તેમને ઓળખ અને પ્રતિષ્ઠા મળી છે. સુશીલા ગમેતી અને ચંદ્રિકા યાદવ તે સશક્તિકરણની વાત કરી રહ્યાં છે તેને કેવી રીતે મૂલવી શકાય?
આ સવાલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા અને દલિત ઓળખ તથા તેના રાજકારણ વિશેના પુસ્તકના લેખક ઘનશ્યામ શાહને કર્યો ત્યારે તેમણે કહ્યું, “સુશીલા અને ચંદ્રિકા માટે આ સશક્તિકરણ છે, એવું પહેલી નજર લાગે, પરંતુ આરએસએસમાં દલિતો તથા આદિવાસીઓની હદ નિર્ધારિત છે તેમ આ સશક્તિકરણની પણ એક હદ છે. આરએસએસ એક બ્રાહ્મણવાદી અને હિન્દુવાદી સંગઠન છે. તેમાં દલિતો અને આદિવાસીઓનું સ્થાન, જે હિન્દુ વર્ણ વ્યવસ્થામાં છે તેવું જ હોય.”
પ્રોફેસર શાહ કહે છે, “ઉમા ભારતી, પ્રજ્ઞા ઠાકુર, સાધ્વી ઋતંભરા જેવી સંઘ સાથે જોડાયેલી મહિલાઓ પર નજર કરો. ભારતની કોઈ મહિલા તેમનામાંથી પ્રેરણા લઈને સશક્ત થઈ શકે? પ્રજ્ઞા ઠાકુર મારાં પ્રેરણાસ્રોત, એવું ભારતની કોઈ મહિલા કહે તેવું મને નથી લાગતું. હિન્દુત્વની વિચારધારા પોતાને સશક્ત બનાવી રહી હોવાનું જે મહિલાઓ માને છે તેઓ એ વિચારધારાને કદાચ સંપૂર્ણ રીતે સમજી શકી નથી.”
તેઓ ઉમેરે છે, “ભારતમાં દલિતો અને આદિવાસીઓ સાથે અત્યારે પણ સમાનતાભર્યો વ્યવહાર થતો નથી. કોઈ સંગઠન કે પક્ષ તેમની સાથે સામાન્ય માનવીય વ્યવહાર કરે તો પણ તેમને એવું લાગે છે કે આ વધારે પડતું છે. હકીકતમાં એ વધારે પડતું નથી, પણ તેમનો અધિકાર છે.”
સંઘમાં સવર્ણોનો દબદબો
આરએસએસમાં રાજસ્થાન ધર્મપ્રસાર પાંખના એક પદાધિકારી જણાવે છે કે છેલ્લાં દસ વર્ષોમાં ઘણું બદલાયું છે. તેઓ કહે છે, “દેશમાં સંઘના લગભગ 2,000 પ્રચારકો હશે અને તે પૈકીના લગભગ 20 ટકાથી વધારે દલિત છે. પહેલાં આવું ન હતું. કોઈ દલિત કે આદિવાસી સ્વયંસેવક સંઘનો સરસંચાલક બને એ દિવસો દૂર નથી. સંઘના વિચારધારા સાથે બહુજનોને જોડવા તે અમારા એજન્ડાનો હિસ્સો છે અને અમે તેમને જોડી રહ્યા છીએ.”
પ્રોફેસર શાહના કહેવા મુજબ, સત્તા પર ટકી રહેવું હોય તો બહુજનોને સંઘમાં લાવવા પડશે, એ વાત આરએસએસ સારી રીતે સમજી ગયો છે. તેઓ કહે છે, “દલિતો અને આદિવાસીઓને હિન્દુત્વની વિચારધારા પોતાની સાથે સાંકળવામાં સફળ થતી દેખાઈ રહી છે, પરંતુ તે સમાનતા, વિવેકશીલતા અને વૈજ્ઞાનિક વિચારસરણી માટે નથી.”
1925માં સ્થાપના બાદ અત્યાર સુધીમાં કુલ છ લોકો આરએસએસના સરસંઘચાલક બન્યા છે. તેમાં ચોથા સરસંઘચાલક રાજેન્દ્ર સિંહ એટલે કે રજ્જૂ ભૈયાને બાદ કરતાં બાકીના બધા બ્રાહ્મણો છે. રજ્જૂ ભૈયા પણ ઠાકુર હતા. એટલે કે અત્યાર સુધી બધા સવર્ણ જ આરએસએસના વડા થયા છે.
આદિવાસી સમુદાયમાંથી કોઈ વ્યક્તિ આરએસએસની સરસંઘચાલક બની શકશે કે કેમ, એવો સવાલ પૂછ્યો ત્યારે સુશીલાએ તેમના પતિ નારાયણ ગમેતી તરફ ઇશારો કરતાં કહે છે, “તેમણે લગ્ન ન કર્યાં હોત તો બની શક્યા હોત.” આટલું કહીને સુશીલા હસી પડે છે.
પરિવારની મહિલાઓની દ્વિધા
ગ્વાલિયરના સુરેશ ઉપાધ્યાય 1968માં આરએસએસમાં સામેલ થયા હતા. તેઓ રાજસ્થાન સરકારમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને આરએસએસમાં 2019 સુધી વિભાગ સંપર્ક પ્રમુખ તરીકે કાર્યરત હતા. હાલ તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં ક્ષેત્રિય મંત્રી છે.
સ્વયંસેવકની પત્ની હોવાનો અર્થ શું છે? એવો સવાલ સુરેશ ઉપાધ્યાયનાં પત્ની રેખાને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું, “સ્વયંસેવકની પત્ની થવાનું આસાન નથી. લગ્ન પછી ઉપાધ્યાયજી ત્રણ-ત્રણ મહિના પ્રવાસ કરતા હતા. તેથી ઘરની બધી જવાબદારી મારા પર આવી પડી હતી. હવે આદત પડી ગઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મેં એકલા લડવાનું અને ઝૂઝવાનું શીખી લીધું છે. ઘણીવાર નારાજગી થાય છે, પરંતુ સંઘમાં ન હોવા છતાં અમે સ્વયંસેવકોની પત્નીઓ તેની વિચારધારા સાથે જોડાઈ જઈએ છીએ.”
રેખા ઉપાધ્યાયનાં પુત્રી સુકૃતીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકોત્તર પદવી મેળવી છે. સુકૃતીએ સિવિલ સર્વિસીસની તૈયારી કરી હતી, પણ સફળતા મળી નથી. હવે તેઓ પણ આરએસએસની સંકલ્પ યોજનાઓ સાથે જોડાઈ ગયાં છે. સંકલ્પમાં ગરીબોનાં મેધાવી બાળકોને મફતમાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.
તમે તમારી દીકરીનાં લગ્ન કોઈ સ્વયંસેવક સાથે કરશો કે કેમ, એવા સવાલના જવાબમાં રેખા કહે છે, “નહીં, કારણ કે સમાન વિચારધારાવાળા લોકો સાથે રહી શકતા નથી. મારો આખો પરિવાર આ વિચારધારામાં ઢળી ગયો છે.”
રેખા ઉપાધ્યાય માને છે કે તેમના પતિ આરએસએસમાં હોવાને કારણે તેઓ રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ બાબતે વધારે જાગૃત થયાં છે. તેઓ કહે છે કે હિન્દુત્વ સાથે હોવાનો અર્થ રાષ્ટ્ર સાથે હોવું એ છે.
પુરુષોને અનુસરે છે મહિલાઓ
જે દલિત અને આદિવાસી મહિલાઓ સાથે અમે વાત કરી તેઓ માને છે કે તેમના પતિ આરએસએસમાં હોવાને કારણે તેમનું સન્માન વધ્યું છે, જ્યારે સવર્ણ સ્વયંસેવકોની પત્નીઓ માને છે કે હિન્દુત્વ સાથે હોવું તે રાષ્ટ્ર સાથે હોવા બરાબર છે.
સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઓલ્ટરનેટિવમાં અર્થશાસ્ત્રનાં પ્રોફેસર ઈંદિરા હીરવે કહે છે, “હિન્દુત્વ સાથે હોવું તે રાષ્ટ્ર સાથે હોવા બરાબર છે, એવું સવર્ણ સ્વયંસેવકોની પત્નીઓ કહે છે ત્યારે વાસ્તવમાં તેમને ખબર હોય છે કે સ્વહિત જ તેમના માટે રાષ્ટ્રહિત છે.”
ઈંદિરા હીરવે કહે છે, “હિન્દુત્વનું રાજકારણ વર્ણ વ્યવસ્થાની યથાસ્થિતિ, પુરુષોનાં વર્ચસ્વને તોડતું નથી. હિન્દુત્વનું રાજકારણ ધર્મની સત્તાને પડકારતું નથી, પરંતુ સવર્ણ મહિલાઓને ખબર છે કે વર્ણ વ્યવસ્થામાં તેઓ જ ઉપર છે અને પુરુષોનાં વર્ચસ્વમાં પણ વર્ચસ્વ તો તેમના પતિઓનું જ છે. ધર્મની સત્તામાં પણ સત્તા તો તેમના જ પુરુષો પાસે છે. તેથી આ રાજકારણને રાષ્ટ્રહિત સાથે જોડવું તેમના માટે કોઈ જોખમી કામ નથી.”
ભારતીય મુસલમાન અને ગાંધીજી બાબતે તેમનું મંતવ્ય
આરએસએસની બાંસવાડા પરિયોજના ભીલ આદિવાસીઓ માટે છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની 70 ટકા વસ્તી આદિવાસીઓની છે. તેમાં ભીલ આદિવાસીઓ સૌથી મોટો સમૂહ છે.
બાંસવાડાથી 50 કિલોમીટર દૂર જેરલાની ગામની ભીલ આદિવાસી મહિલા નિરમા કુમારી આરએસએસની બાંસવાડા પરિયોજનાની ઓફિસના કૅમ્પસમાં આવેલા ભારત માતા મંદિરમાં બેઠાં છે. તેમની સાથે સાત અન્ય ભીલ આદિવાસી મહિલાઓ પણ છે. બે સ્વયંસેવકો તેમને કશુંક જણાવી રહ્યા છે. આ મહિલાઓ પોતપોતાના વિસ્તારોમાં આરએસઆસની ‘સંસ્કાર શાળાઓ’નું સંચાલન કરે છે.
આ સંસ્કાર શાળાઓમાં તમે બાળકોને શું ભણાવો છો, એવો સવાલ કર્યો ત્યારે નિરમા કુમારીએ કહ્યું, “અમે બાળકોને જણાવીએ છીએ કે રોજ સવારે પથારીમાંથી ઊઠીને ધરતીને પ્રણામ કરવા જોઈએ. માતા-પિતાને ચરણસ્પર્શ કરવો જોઈએ. તિલક લગાવવું જોઈએ. અમે અમારી સંસ્કાર શાળાઓમાં ખ્રિસ્તી બાળકોને પણ બોલાવીએ છીએ અને તેમને તિલક લગાવીએ છીએ. ઘરે જતાં પહેલાં તેઓ તિલક ભૂંસી નાખે છે, જેથી પરિવારજનો તેમનાથી નારાજ ન થાય.”
નિરમા કુમારીનાં જણાવ્યા મુજબ, આરએસએસ સાથે જોડાવાથી તેમની ઓળખ બહેતર બની છે. લોકો તેમને ઓળખવા લાગ્યા છે. નિરમા કહે છે, “સંસ્કાર શાળાઓનાં કામ માટે હું ઓછામાં ઓછા 20 ગામમાં જાઉં છું અને તમામ 20 ગામના લોકો મને ઓળખે છે. અગાઉ કોઈ મને જાણતું ન હતું.”
આરએસએસના હિન્દુત્વમાં ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રવાદ, મહાત્મા ગાંધી, નથુરામ ગોડસે અને ભારતના મુસલમાનો વિશે સવાલો ઉઠતા રહે છે.
હિન્દુત્વના પક્ષધર વિનાયક દામોદર સાવરકરનું કહેવું હતું કે ભારતના મુસલમાનોની પિતૃભૂમિ ભારત છે, પરંતુ તેમની પુણ્યભૂમિ સુદૂર આરબ છે. તેથી તેમની નિષ્ઠા પિતૃભૂમિ અને પુણ્યભૂમિ વચ્ચે વિભાજિત છે. જે ધર્મોનાં મૂળિયાં ભારતમાં છે, તેમનું પાલન કરતા લોકોની પુણ્યભૂમિ ભારત જ છે. ભારતના હિન્દુઓ, બૌદ્ધો, જૈનો અને શીખોની પિતૃભૂમિ તથા પુણ્યભૂમિ બન્ને ભારતમાં જ છે. સાવરકરના જણાવ્યા મુજબ, તેમની નિષ્ઠા મુસલમાનોની માફક વિભાજિત નથી.
હિન્દુત્વની વિચારધારાને અનુસરતા લોકો આ તર્કના આધારે ભારતના મુસલમાનોની દેશભક્તિ પર ઘણીવાર શંકા કરે છે.
આ મહિલાઓ ભારતના મુસલમાનો, નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી વિશે શું વિચારે છે?
ગાંધી અને ગોડસે બન્નેનું સંમાન?
રેખા ઉપાધ્યાયને અમે પૂછ્યું હતું કે મહાત્મા ગાંધી વિશે તમે શું માનો છો? તમારા મનમાં ગાંધીજી પ્રત્યે આદર છે?
તેઓ કહે છે, “બાળપણમાં જે રીતે ભણાવવામાં આવ્યું હતું એ રીતે તો આદર છે, પરંતુ નથુરામ ગોડસે મારા માટે આદર્શ વ્યક્તિ છે. પોતે ગાંધીજીની હત્યા શા માટે કરી હતી એ જણાવતું નથુરામ ગોડસેનું ભાષણ મેં સાંભળ્યું છે. ગોડસેને સાંભળીને હું ઘણીવાર રડી પણ છું.”
નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. તમે તેને આદર્શ કેવી રીતે માની શકો, એવું હું કહેતો હતો ત્યારે રેખાના પતિ સુરેશ ઉપાધ્યાયે મને વચ્ચેથી અટકાવીને કહ્યું કે ગોડસેએ ગાંધીજીની હત્યા નહીં, વધ કર્યો હતો. હત્યા અને વધ વચ્ચે ફરક હોય છે.
આ ફરક સમજાવતાં સુરેશ ઉપાધ્યાય કહે છે, “મહાભારતમાં એક શ્લોક છેઃ અહિંસા પરમો ધર્મઃ ધર્મહિંસા તથૈવેચઃ એટલે કે અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે, પરંતુ ન્યાય અને સત્ય માટે હિંસા કરવી તેનાથી પણ શ્રેષ્ઠ છે. જે હિંસા ન્યાય અને સત્ય માટે કરવામાં આવે તેને હત્યા નહીં, વધ કહેવાય. જેમ કે રામે રાવણની હત્યા નહીં, પરંતુ વધ કર્યો હતો.”
ભારતના મુસલમાનો બાબતે નિરમા કુમારી કહે છે, “હિન્દુસ્તાન હિન્દુઓનું છે અને જેણે અહીં રહેવું હોય તેણે હિન્દુત્વ અપનાવી લેવું જોઈએ. અન્યથા કોઈ અન્ય દેશ શોધી લેવો જોઈએ.”
હિન્દુઓ વધારે દેશભક્ત હોય છે અને મુસલમાનો ઓછા દેશભક્ત હોય છે? તમે શું માનો છો?, એવું સુશીલા ગામેતીને પૂછ્યું. તેઓ કહે છે, “આવું લાગે તો છે. હિન્દુઓ માટે ધર્મ પહેલાં દેશ હોય છે, પરંતુ મુસલમાનો માટે ધર્મ પહેલાં અને દેશ પછી હોય છે. મુસલમાનો પોતાના ધર્મ માટે કંઈ પણ કરી શકે છે, જ્યારે હિન્દુઓ દેશ માટે કંઈ પણ કરી શકે છે.”
સુકૃતી ઉપાધ્યાયના કહેવા મુજબ, હિન્દુઓ માટે એકમાત્ર દેશ ભારત છે. તેથી તેઓ એકનિષ્ઠ છે.
પુણ્યભૂમિ અને પિતૃભૂમિ વચ્ચે વિભાજિત નિષ્ઠા બાબતે અમે જાણીતા ઇતિહાસકાર ઇમ્તિયાઝ અહમદનો અભિપ્રાય માગ્યો.
તેઓ કહે છે, “ધર્મ અને દેશને એકમેકની વિરુદ્ધ ઊભા કરવાના પ્રયાસ જાણીજોઈને કરવામાં આવે છે અને પછી આ તર્ક આપવામાં આવે છે. ધર્મ અને દેશ વચ્ચે કોઈ વિરોધાભાસ હોય કે પછી બન્ને એકમેક પ્રત્યેની વફાદારીને અટકાવતા હોય, તેવું હું માનતો નથી. એક ભારતીય હોવું મુસલમાન હોવામાં અડચણરૂપ નથી કે મુસલમાન હોવું ભારતીય હોવામાં અડચણરૂપ છે. આ વાહિયાત તર્ક છે.”
પુરુષપ્રધાન દેશમાં મહિલાઓ તેમના પુરુષોને અનુસરે છે, એ વાત ચોંકાવતી નથી. પરંતુ ઘણા લોકો માને છે કે જે વિચારધારા ધર્મની સત્તાને પડકારે નહીં તે વિચારધારા મહિલાઓને સશક્ત બનાવી શકે નહીં.
અમેરિકામાં મહિલાઓ રિપબ્લિકન પાર્ટીને પસંદ કરે છે ત્યારે ઘણા લોકો સવાલ કરે છે કે જે પક્ષ રૂઢિવાદી વિચારોની તરફેણ કરે છે તેને મહિલાઓ શા માટે પસંદ કરે છે? આ રીતે ભારતમાં પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં મહિલા મતદારોનું યોગદાન મહત્ત્વનું છે.
ભારતીય જનતા પાર્ટી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે અને હિન્દુ રાષ્ટ્ર હોવાનો અર્થ એ છે કે ધર્મની સત્તા મજબૂત થશે. તે સ્પષ્ટ છે. દુનિયાભરમાં ધર્મ આશ્રિત વ્યવસ્થાઓમાં ક્યાંય એવો દાખલો જોવા મળતો નથી, જ્યાં મહિલા સાચા અર્થમાં સશક્ત હોય.