RSS પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી અને શિવલિંગ પર મત પોતાનો મત વ્યક્ત કરતાં શું કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મુદ્દો, મસ્જિદોમાં શિવલિંગ મળવા પર અને મંદિર આંદોલન જેવા ઘણા મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે.

નાગપુરમાં સંઘશિક્ષાવર્ગ, તૃતીય વર્ષ 2022ના સમાપન સમારોહ દરમિયાન સર સંઘચાલકે જ્ઞાનવાપી મામલે કહ્યું કે આપણે ઈતિહાસ બદલી શકતા નથી.

તેમણે કહ્યું, "જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. જે ઇતિહાસ છે આપણે તેને બદલી શકતા નથી. ઇતિહાસને ન તો આજના હિન્દુઓએ બનાવ્યો છે, ન તો આજના મુસલમાનોએ. એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે."

"ઇસ્લામ હુમલાખોરો દ્વારા બહારથી આવ્યો. તેમના હુમલામાં ભારતની આઝાદી ઇચ્છનારા લોકોનું મનોબળ તોડવા માટે દેવસ્થાનોને તોડવામાં આવ્યાં. હિન્દુ સમાજનું ધ્યાન જેના પર છે, વિશેષ શ્રદ્ધા જેના પર છે, તેવા મુદ્દા ઊઠે છે પરંતુ હિન્દુ, મુસલમાનો વિરુદ્ધ વિચારતા નથી. આજના મુસલમાનોના પૂર્વજ પણ હિન્દુ હતા. તેમને અંતઃકાળ સુધી સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે આમ કરવામાં આવ્યું. જેથી હિન્દુઓને લાગે છે કે તેને (ધાર્મિક સ્થળોને) પુનર્સ્થાપિત કરવા જોઈએ."

તેમણે કહ્યું, "હળીમળીને સમહમતિથી કોઈ રસ્તો કાઢો, પરંતુ દર વખતે રસ્તો નથી નીકળી શકતો. જેથી કોર્ટમાં જવું પડે છે. કોર્ટમાં જઈએ તો કોર્ટ જે ચુકાદો આપે તેને માન્ય પણ રાખવો પડે. આપણી ન્યાયવ્યવસ્થાને સર્વશ્રેષ્ઠ માનીને તેના નિર્ણય માનવા જોઈએ. ન કે તેના પર પ્રશ્નાર્થચિહ્ન લગાવવાં જોઈએ."

'રોજ એક નવો મુદ્દો જરૂરી નથી'

આ દરમિયાન સંઘ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે રોજ એક નવો મુદ્દો ઊભો કરવો જરૂરી નથી.

તેમણે આગળ કહ્યું, "એ વાત ઠીક છે કેટલાક પ્રતીકાત્મક સ્થાનોને લઈને અમારી વિશેષ શ્રદ્ધા હતી પરંતુ રોજ એક નવો મુદ્દો ઊભો ન કરવો જોઈએ. આપણે ઝઘડો કેમ વધારવો?"

"જ્ઞાનવાપીને લઈને અમારી કેટલીક શ્રદ્ધા છે, જે વર્ષોથી ચાલતી આવી છે. ત્યાં ઠીક છે પણ દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ શોધવું?"

"તે પણ એક પૂજા છે, ઠીક છે કે બહારથી આવી છે પરંતુ જે લોકોએ તેને અપનાવી છે, તે મુસલમાન તો બહારથી સંબંધ ધરાવતા નથી. આ વાત જાણવી જરુરી છે. આ તેમની પૂજા છે અને તેઓ તે કરવા માગે છે. જે સારી વાત છે. આપણે ત્યાં કોઈ પણ પૂજાનો વિરોધ નથી. સૌની માન્યતા અને સૌના પ્રત્યે પવિત્રતાની ભાવના છે પરંતુ આપણે સમાન પૂર્વજોના વંશજ છે. સૌને પરંપરા સમાન મળી છે."

આ દરમિયાન ભાગવતે કહ્યું કે હવેથી સંઘ આગળ જતાં ક્યારેય મંદિરોને લઈને કોઈ આંદોલન નહીં કરે.

તેમણે કહ્યું, "એક રામજન્મભૂમિનું આંદોલન હતું. જેમાં અમે પોતાની પ્રકૃતિ વિરુદ્ધ કોઈ ઐતિહાસિક કારણથી જોડાયા અને તેને પૂર્ણ કર્યું. હવે અમારે કોઈ આંદોલન કરવું નથી. હવે ભવિષ્યમાં સંઘ કોઈ મંદિરઆંદોલનમાં સામેલ નહીં થાય."

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગે શું કહ્યું?

યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પણ ભાગવતે ભારતના વલણનાં વખાણ કર્યાં.

તેમણે કહ્યું, "રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ કોઈ પણ યુક્રેનમાં જઈને રશિયાને રોકવા તૌયાર નથી. રશિયા પાસે તાકાત છે, તેઓ ધમકી આપે છે કે અહીં આવશો તો પરમાણુ બૉમ્બ ચલાવી દઈશું. ડરવું પડે છે."

"જે લોકો આ મુદ્દે કંઇક કરવા માગે છે એ લોકો પણ યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. "

"આ તો એવી વાત થઈ કે એક જમાનામાં પશ્ચિમી દેશો પાકિસ્તાન અને ભારતને લડાવીને બન્ને તરફથી પોતાના શસ્ત્રોનું પરિક્ષણ કરતા હતા. "

"ભારત એકમાત્ર દેશ છે જે સત્ય બોલી રહ્યો છે પણ તેના માટે પણ સંતુલન સાધીને ચાલવું પડે તેમ છે અને સૌભાગ્યથી ભારતની ભૂમિકા સંતુલિત રહી છે."

"ભારત જો પર્યાપ્ત શક્તિશાળી હોત તો તે ખુદ આ યુદ્ધને રોકતું, પણ તેમ થઈ શકે તેમ નથી. આપણે પ્રયાસો વધારવા પડશે. શક્તિસંપન્ન થવું પડશે. જો આપણે પણ શક્તિશાળી થઈ જઈશું તો આવી ઘટના બનશે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો