RSS અંગે કેશુભાઈ પટેલે લીધેલો એ નિર્ણય જેને કારણે વાજપેયી સરકારને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર જ પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો છે અને તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.

આ મામલે ભાજપ અને કૉંગ્રેસ આમને-સામને છે. વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા છે જ્યારે ભાજપનું કહેવું છે કે તેમણે 58 વર્ષથી ચાલી આવેલો આ પ્રતિબંધ હઠાવીને કંઈ ખોટું કર્યું નથી.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, “વર્ષ 1966માં સરકારી કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિઓમાં સામેલ થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે યોગ્ય હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.”

આરએસએસે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. પણ શું તમને ખબર છે કે ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકતા આ આદેશને પરત લેવાનો પ્રયાસ થયો હતો? પરંતુ એવું તો શું થયું કે ગુજરાતની સરકારે પીછેહઠ કરવી પડી હતી?

કેશુભાઈ પટેલની સરકારે ઉઠાવ્યો હતો પ્રતિબંધ

3 જાન્યુઆરી, 2000. કેશુભાઈ પટેલ એ વખતે મુખ્ય મંત્રી હતા અને આ દિવસે તેમની સરકારે સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ ન લઈ શકે તે પ્રતિબંધને ઉઠાવી લીધો હતો.

ગુજરાત સરકારે ગુજરાત સિવિલ સર્વન્ટ કન્ડક્ટ રૂલ્સ, 1971માં સુધારો કર્યો હતો જેને કારણે સરકારી કર્મચારીને આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવાની છૂટ મળી હતી.

આ સમય પણ મહત્ત્વ અને સાંકેતિક પણ હતો, કારણ કે આરએસએસની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં અને અમદાવાદમાં 7 જાન્યુઆરી, 2000થી ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો.

30,000 જેટલા આરએસએસ સ્વયંસેવકો આ રાજ્યકક્ષાના સમારંભમાં ઉપસ્થિત હતા.

આ સમારોહમાં ખુદ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ ખાખી ચડ્ડી પહેરીને આવ્યા હતા જે આરએસએસનો ગણવેશ હતો. તેમાં લાલકૃષ્ણ અડવાણીએ પણ હાજરી આપી એટલું જ નહીં પરંતુ એ વખતના ગવર્નર સુંદરસિંહ ભંડારી પણ આ સમારોહમાં દેખાયા.

એક સમયે આરએસએસમાં પ્રાંત સંઘચાલકના હોદ્દા પર રહેલા અને ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ઇન્ચાર્જ ચૅરમૅન મૂળચંદ રાણા બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, “ખાસ કરીને જે કટોકટીકાળમાં જેલમાં ગયા હતા તેવા સંઘના સ્વયંસેવકોનો કેશુભાઈને આગ્રહ હતો કે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે. જેમાં અમૃતભાઈ કડીવાલા અને પ્રો. સુનીલભાઈ મહેતા જેવા સંઘના નેતાઓનો સમાવેશ થતો હતો.”

જોકે, બાદમાં મૂળચંદ રાણાનો આરએસએસથી અને ભાજપથી ‘મોહભંગ’ થયો હતો અને હાલ તેઓ આ બંને સંગઠનોમાં સક્રિય નથી.

ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તે વખતે દિવંગત નેતા હરેન પંડ્યા કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા. તેમણે નિર્ણયનો બચાવ કરતા મીડિયામાં જણાવ્યું હતું કે, “સુરતના સાંસદ અને વાજપેયી સરકારમાં મંત્રી કાશીરામ રાણાએ તથા અન્ય ભાજપના સાંસદોએ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની રજૂઆત કરી હતી”

ગુજરાત સરકારે આ રજૂઆતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી હતી. તે વખતે વાજપેયી સરકારમાં એલ. કે. અડવાણી ગૃહમંત્રી હતા. તેમના મંત્રાલયે ગુજરાત સરકારને વિવિધ કોર્ટના જજમૅન્ટ મોકલ્યા.

હરેન પંડ્યાએ આ જજમૅન્ટને ટાંકતા કહ્યું, “અમે ગૃહ મંત્રાલયને જે રજૂઆતો કરી હતી તેના જવાબમાં અમને ગૃહ મંત્રાલયનું સ્પષ્ટીકરણ મળ્યું. જેમાં અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન ટ્રિબ્યુનલે 1993માં જે રિપોર્ટ સુપ્રત કર્યો હતો તેમાં સ્પષ્ટ છે કે આરએસએસની પ્રવૃત્તિઓમાં કશુ ગેરકાયદે જોવા મળ્યું નહોતું.”

જ્યારે બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી હતી ત્યારે પી. વી. નરસિમ્હારાવની તત્કાલિન સરકારે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામેની તપાસ માટે આ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવામાં આવી હતી.

આ ટ્રિબ્યુનલના જજ જસ્ટિસ પી. કે. બાહરી હતા. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રતિબંધ યથાવત્ રાખવાનો અને આરએસએસ તથા બજરંગદળ પરના પ્રતિબંધને હઠાવી લેવાનો ચુકાદો આપ્યો હતો.

ગુજરાત સરકારના નિર્ણયનો વ્યાપક વિરોધ થયો

સરકારના આ નિર્ણયનો વિપક્ષ કૉંગ્રસે જોરદાર વિરોધ કર્યો. તેમના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેશુભાઈની સરકાર કર્મચારીઓનું ‘ભગવાકરણ’ કરી રહી છે.

એક સમયે આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા અને બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને નવી પાર્ટી 'રાષ્ટ્રીય જનતા પાર્ટી' બનાવી કૉંગ્રેસની મદદથી મુખ્ય મંત્રી બનનારા શંકરસિંહ વાઘેલા તે સમયે કૉંગ્રેસમાં આવી ગયા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે આ સરકાર આરએસએસના આદેશ પર ચાલે છે.

શંકરસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વિશે માહિતી આપતા કહ્યું, “કેશુભાઈ અને તેમના મંત્રીમંડળના સાથીઓ સંઘી હતા. સંઘનો પડ્યો બોલ ઝીલતા હતા.”

તેમણે સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં સામેલ થવાની આપેલી છૂટની ટીકા કરતાં કહ્યું, “સંઘનો વ્યાપ વધારવાના ઘણા અન્ય રસ્તાઓ છે પણ આ પ્રકારે સરકારી કર્મચારીઓની ઓથ લઈને સંગઠનનો વિસ્તાર કરવો વાજબી નથી. તેને કારણે પછી સંઘમાં જોડાનારને વ્યક્તિગત લાભ મળે, પ્રમોશન મળે. ન સામેલ થનારા સાથે ભેદભાવ થાય. સરકારનો ઉપયોગ આ પ્રકારે ન થવો જોઈએ.”

એવું નહોતું કે માત્ર કૉંગ્રેસ જ આ નિર્ણયનો વિરોધ કરતી હતી પરંતુ સિવિલ સોસાયટી તથા કેટલાક કર્મશીલોએ પણ તેનો વિરોધ કર્યો હતો.

જાણકારો એમ પણ કહે છે કે ભાજપમાં પણ કેટલાક નેતાઓ એવા હતા જેમને આરએસએસ સાથેની નજદીકી પસંદ નહોતી.

મૂળચંદ રાણા કહે છે, “ભાજપમાં જે લોકો બહારથી આવેલા હતા તેમને આ પસંદ નહોતું. જેમાં ઉત્તર ગુજરાતના નેતા લેખરાજ બચાણીનો પણ સમાવેશ થતો હતો.”

મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો. કર્મશીલ અને વકીલ એવા ગિરીશ પટેલ અને હારૂનભાઈ મહેતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને આ નિર્ણયને રદ કરવાની વિનંતી કરી.

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મામલો કોર્ટમાં ગયો, ભાજપના સાથીઓએ પણ તેનો વિરોધ કર્યો. એટલું જ નહીં તે વખતે કે. આર. નારાયણન રાષ્ટ્રપતિ હતા. તેમણે પણ આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.”

કૉંગ્રેસે રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું અને કે. આર. નારાયણને તેને વાજપેયી સરકારને મોકલ્યું હતું. જોકે તેમાં કોઈ ટિપ્પણી નહોતી પરંતુ છતાં વાજપેયી સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે તેમને સંતોષજનક જવાબ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં સિવિલ સોસાયટીના કર્મશીલોએ પણ રેલીઓ કરી. 'મૂવમૅન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રેસી'એ રાજ્યપાલને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા કેશુભાઈ પટેલની સરકાર પર દબાણ કરવાની વિનંતી કરી.

મૂવમૅન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીના કર્મશીલ મીનાક્ષીબહેન જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અમે ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાને મળ્યાં હતાં અને તેમને પણ આ નિર્ણય પરત લેવાની રજૂઆત કરી હતી.”

“કંડલા વાવાઝોડામાં નુકસાની, દુષ્કાળ, ડાંગમાં ખ્રિસ્તીઓ પર હુમલા અને ભાજપના નેતાઓની અંદરોઅંદર ખટપટને કારણે કેશુભાઈની સરકાર પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માગતી હતી તેને કારણે આ નિર્ણય લેવાયો.”

મૂવમૅન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીના વધુ એક કર્મશીલ દ્વારકાનાથ રથે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ નિર્ણયને કારણે ગુજરાત સરકારનો જાહેર વહીવટ કોમવાદથી ગ્રસ્ત થશે તેવો ભય ઉપસ્થિત થયો. આ નિર્ણયે સરકારી કર્મચારીઓમાં ભાગલા પાડવાનું કામ કર્યું. જે કર્મચારી સંઘ સાથે નહીં હોય તે ભાજપના દબાણ અને ભય હેઠળ રહેશે અને જે સંઘ સાથે છે તે લાભ મેળવશે જેને કારણે વહીવટી તંત્ર પ્રજાનો વિશ્વાસ ગુમાવશે. લઘુમતિ દ્વિતિય કક્ષાના નાગરિકો બનીને રહી જશે.”

રાજકીય વિશ્લેષક રાજીવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ગુજરાતમાં તેના વિરોધની બહુ અસર નહોતી પરંતુ કેન્દ્ર સરકાર સામે વધારે હતી. વિપક્ષે આ મામલાને સંસદમાં બહુ જોરશોરથી ઉછાળ્યો હતો.”

તેઓ કહે છે, “કેશુભાઈ પોતે વ્યક્તિગતરીતે આ પ્રકારનો નિર્ણય લઈ શકે તેમ નહોતા, જરૂરથી તેમને કોઈકે સલાહ આપી હશે. આ સલાહ કોણે આપી હશે તે વિશે આપણે માત્ર તર્ક જ કરી શકીએ.”

તે વખતે કેશુભાઈ પટેલની કૅબિનેટમાં મંત્રી રહી ચૂકેલા અને હાલમાં કૉંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “આ નિર્ણય કૅબિનેટનો મુદ્દો નહોતો, તે વહિવટી નિર્ણય હતો. તેમણે આ વહિવટી હુકમ જારી કર્યો તેમાં કૅબિનેટના તમામ મંત્રીઓને તેની જાણ હોય તે જરૂરી નથી.”

સંસદમાં હોબાળો

કેશુભાઈ પટેલના નિર્ણયનો પડઘો સંસદના બંને ગૃહોમાં પડ્યો. સંસદના બંને ગૃહોમાં હંગામો થયો.

હરેન પંડ્યાએ પત્રકારોને જણાવ્યું હતું, “અમે આ મામલે 17 જૂન, 1999થી કામ કરી રહ્યા છે. અમે ગૃહ મંત્રાલય પાસે આ મામલે સ્પષ્ટતા માગી હતી. અમને 13 જુલાઈ, 1999ના રોજ જવાબ મળ્યો. જેમાં જસ્ટિસ બાહરીના ચુકાદાનો હવાલો આપીને કહ્યું હતું કે આરએસએસ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી.”

આ ચુકાદો અનલૉફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન્સ) ઍક્ટ હેઠળ આપવામાં આવ્યો હતો.

પંડ્યાએ પત્રકારોને કહ્યું હતું કે ‘ઘણા સરકારી કર્મચારીઓ સંઘની શાખામાં જાય છે અને જ્યારે પણ તેમના પર કોઈ કાર્યવાહી થઈ ત્યારે ચુકાદો જે તે કર્મચારીના પક્ષમાં જ આવ્યો છે.’

આ ઉપરાંત હરેન પંડ્યાએ એ પણ જણાવ્યું હતું કે સંઘના કાર્યક્રમમાં જવાની છૂટ આઈએએસ અને આઈપીએસ તથા ગુજરાતમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નથી.

સંસદમાં વિપક્ષોએ આરોપ લગાવ્યો કે વાજપેયી સરકાર ગુજરાત સરકારના કર્મચારીઓની માફક કેન્દ્રીય કર્મચારીઓને પણ આરએસએસની પ્રવૃત્તિમાં મોકલવા માગે છે.

લાલકૃષ્ણ અડવાણીએ રાજ્યસભામાં આ મામલે જવાબ આપતા કહ્યું, “કેન્દ્ર સરકારના કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિમાં સામેલ થવા માટે છૂટ આપવાની વાજપેયી સરકારની કોઈ યોજના નથી.”

જ્યારે વિપક્ષોએ પૂછ્યું કે ગુજરાત સરકારે આ નિર્ણય લેતા પહેલાં શું તેમની સલાહ લીધી હતી?

ત્યારે અડવાણીએ જવાબ આપ્યો, “ન સહમતિ હતી, ન સ્વીકૃતિ.”

વિપક્ષોને અડવાણીના જવાબથી સંતોષ નહોતો. તેમણે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.

રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “વાજપેયીની એનડીએ સરકાર સાથીપક્ષો પર નિર્ભર હતી. છતાં વાજપેયીએ ગુજરાત સરકારના નિર્ણયનો બચાવ કરતા સૌપ્રથમ એવું નિવેદન આપ્યું કે આરએસએસ તો સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે. તે પૈકીના મુખ્ય સાથીપક્ષ ડીએમકેને આ નિર્ણયને કારણે સૌથી વધુ મુશ્કેલી હતી. તે વખતે ડીએમકે એનડીએ સાથે હતો. ડીએમકેના તત્કાલિન પ્રમુખ એમ. કરુણાનિધિએ વાજપેયી સમક્ષ પોતાનો વાંધો રજૂ કર્યો હતો. કરૂણાનિધિના વાંધા બાદ વાજપેયીના સૂર બદલાઈ ગયા હતા.”

જ્યારે આ મામલે ગૃહની કાર્યવાહી વારંવાર ખોરંભે ચડવા લાગી ત્યારે અડવાણીએ કહ્યું કે ‘ફેડરલ સ્ટ્રક્ચર પ્રમાણે ગુજરાત સરકાર આ નિર્ણયને પાછો લે છે કે નહીં તે માટે તે સંપૂર્ણ સ્વતંત્ર છે અને તે માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર કોઈ દબાણ નહીં કરી શકે.’

શંકરસિંહ વાઘેલાએ આ મામલે વાતચીતમાં કહ્યું, “સરકારી કર્મચારી પ્રજાના પ્રતિનિધિ હોય કોઈ રાજકીય પક્ષના નહીં. જનતા ટૅક્સ ચૂકવે છે તેમાંથી તેમને પગાર મળે છે. સંઘમાં જતા મળતિયા કર્મચારીઓને ફાયદો પહોંચાડવાનો અને સંઘમાં ન જાય તેની સાથે પક્ષપાત કરવાનો આ કારસો હતો.”

વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ડૉ. વલ્લભભાઈ કથીરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “આ મામલે સંસદમાં હંગામો થયો હતો એ વાત સાચી પણ વિપક્ષના આરોપોમાં કોઈ દમ નહોતો.”

વલ્લભભાઈ આ નિર્ણયનો બચાવ કરતા કહે છે, “ગુજરાત સરકારનો આશય સરકારી કર્મચારીઓમાં સંસ્કાર સિંચન કરવાનો હતો. તેને દેશના વિકાસની ભૂમિકા માટે તૈયાર કરવાનો હતો. જો સરકારી કર્મચારી નિષ્ઠાવાન હશે તો તેનો દેશને જ ફાયદો થશે”

વિપક્ષના આરોપો પર વલ્લભભાઈ જવાબ આપતા કહે છે, “સંઘમાં ઘડાયેલી વ્યક્તિ ચારણીમાંથી ચળાઈને આવે છે. યોગ્યતાને આધારે જ જે તે વ્યક્તિને આગળ કરવામાં આવે છે. એ આરોપો ખોટા છે કે શાખામાં જનારાની ભલામણ કરવામાં આવે છે.”

તેમણે માનીતા અને અણમાનીતાની થિયરીને પણ ફગાવી.

આખરે કેશુભાઈ પટેલે નિર્ણય પરત લીધો

સંસદ પર જે રીતે હોબાળો થતો હતો અને સાથીપક્ષોનું દબાણ વધતું હતું તે જોતા કેશુભાઈ પટેલ પર પણ દબાણ વધ્યું.

વાજપેયીની એનડીએ સરકાર સાથીપક્ષોની મદદથી ચાલતી હતી. તેમાં સમતા પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને ડીએમકે તથા તેલુગુ દેશમ્ પાર્ટીએ તેમની નારાજગી વ્યક્ત કરી. જેને કારણે વાજપેયીએ બૅકફૂટ પર આવવું પડ્યું.

સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું હતું. લોકસભામાં નાણામંત્રી યશવંત સિંન્હાએ 28 ફેબ્રુઆરીના રોજ આર્થિક સર્વે અને બીજે દિવસે બજેટ રજૂ કર્યું.

કૉંગ્રેસે ગૃહમાં આ મુદ્દે રુલ 184 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરી. સત્તાપક્ષ ચર્ચા માટે તૈયાર હતો પરંતુ તેણે રુલ 191 અંતર્ગત ચર્ચાનો આગ્રહ રાખ્યો. 184 અંતર્ગત ચર્ચા સાથે મતદાન હોય છે એટલે ભાજપ એ ટાળવા માગતો હતો. એનડીએ સરકારની રાજ્યસભામાં બહુમતિ નહોતી એટલે મતદાન થાય તો વાજપેયી સરકારને તકલીફ થાય એમ હતી.

ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન ત્યારે સંસદીય કાર્યમંત્રી હતા. તેમણે મેદાનમાં આવીને આ કટોકટીને ઉકેલવાના પ્રયાસો શરૂ કરી દીધા.

ભાજપમાં આ મામલે ચર્ચા થઈ. ભાજપે તેમના બે મહાસચિવ- કે. એન. ગોવિંદાચાર્ય અને વેંકૈયા નાયડુને ગુજરાત મોકલ્યા.

આખરે કેશુભાઈ પટેલે સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવાની આપેલી છૂટ ઉઠાવી દીધી.

આરએસએસના ગુજરાતના પૂર્વ પ્રવક્તા પ્રદીપ જૈન આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, “અમે સમજીએ છીએ કે એ તેમની રાજકીય મજબૂરી હતી.”

તેઓ વધુમાં જણાવે છે, “સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો છતાં સંઘનો વિસ્તાર વધ્યો છે. લોકશાહીમાં કાયદાનું મહત્ત્વ હોય છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ.”

ભાજપ અને આરએસએસનું શું કહેવું છે?

પ્રદીપ જૈન જણાવે છે, “સંઘ પરથી પ્રતિબંધ ઊઠી જાય તો આનંદ થાય અને ન ઊઠે તો નિરાશા જરૂર થાય પરંતુ સંઘની પ્રવૃત્તિ અને તેના કાર્યક્રમોમાં કોઈ ફેર પડતો નથી.”

વિપક્ષ ગુજરાતને સંઘ પરિવારની પ્રયોગશાળા હોવાનો આરોપ લગાવે છે તો તે વિશે તમારે શું કહેવું છે? આ સવાલના જવાબમાં પ્રદીપ જૈન કહે છે, “સંઘ પરિવારની પ્રયોગશાળા એ શબ્દ મીડિયાએ આપેલો છે.”

ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “સંઘ સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાવે છે. તેની ભાવના રાષ્ટ્રપ્રેમની છે. પહેલાં પણ સંઘ વિશે જે કોઈ નિર્ણય લેવાયા તે બીનરાજકીય હતા અને હાલમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓ સંઘની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે તેવી છૂટ આપી છે તે નિર્ણય પણ બીનરાજકીય જ છે.”

ડૉ. વલ્લભભાઈ કથીરિયા કહે છે, “કેશુભાઈ પટેલની સરકારે જે નિર્ણય પાછો ખેંચ્યો તે ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો નહોતો બનાવ્યો.”

શંકરસિંહ વાઘેલા આરોપ લગાવતા કહે છે, “ભાજપ એ સંઘની અધિકૃત રાજકીય પાંખ છે. એટલે સંઘ માત્ર સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે એવું કહેવું બહાનું છે.”