You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ આઇડિયા જેણે એક ખેડૂતનું ભાવિ બદલી નાખ્યું, લાખો રૂપિયાની થાય છે કમાણી
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, ટેક્નૉલૉજી રિપોર્ટર
દિલ્હીના છેવાડાના વિસ્તારમાં ખેતર ધરાવતા હરપાલ ડાગર કહે છે, "ખેડૂત તરીકે તમે હંમેશાં હવામાનની રહેમ પર હોવ છો."
તેઓ કહે છે, "અણધારી સ્થિતિને કારણે ઘણી વાર અમારે અમારો પાક ગુમાવવાનો વારો આવે છે."
પરંતુ પાંચ વર્ષ પહેલાં દિલ્હીસ્થિત સોલાર પાવર કંપની 'સન માસ્ટરે' તેમનો સંપર્ક સાધ્યો. આ સોદાથી તેમને વધુ સ્થિર આવક થવાની હતી.
'સન માસ્ટરે' ડાગરના ખેતરમાં સોલાર પૅનલ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો, આ પૅનલ ઘણી ખરી ઊંચાઈએ લાગવાની હતી કે જેથી ડાગર તેની નીચે ખેતી કરવાનું ચાલુ રાખી શકે.
25 વર્ષના આ સોદામાં ડાગરને અમુક ચોક્કસ રકમ વાર્ષિક ધોરણે મળવાની હતી અને કંપની સોલાર પૅનલો મારફતે પેદા થયેલી વીજળીની આવક રાખવાની હતી.
ડાગરે કહ્યું, "જ્યારે સોલાર કંપનીએ પ્રથમ વખત અમારો સંપર્ક સાધ્યો ત્યારે અમને અમારી જમીન ગુમાવી દેવાની બીક લાગી હતી. એ એટલો સારો સોદો હતો કે વિશ્વાસ ન બેસે. કદાચ કૌભાંડ જેવો પણ લાગી શકે."
તેઓ કહે છે કે, "પરંતુ આજે, મને લાગે છે કે એ મારો સૌથી સારો નિર્ણય હતો. મારી આવક ત્રણ ગણી થઈ ગઈ છે. હું હવામાન કે પાક નિષ્ફળ જવાની ચિંતા વગર શાંતિથી સૂઈ શકું છું."
'સન માસ્ટર' કંપની તેમને એક એકર જમીન માટે વાર્ષિક લગભગ 1.07 લાખ રૂ. ચૂકવે છે. આ સિવાય સોલાર પૅનલનાં દેખરેખ અને ઑપરેટિંગ કામ માટે દર મહિને લગભગ 15 હજાર રૂપિયા ચૂકવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ જમીન પર વાવેલી હળદરને પણ હું વેચી શકું છું, હું કેવી રીતે ફરિયાદ કરું?"
પાક પર સોલાર પૅનલ બેસાડવાની વ્યવસ્થાને 'ઍગ્રોવૉલ્ટૅક્સ' નામ અપાયું છે.
ભારત આ પ્રકારના નવપરિવર્તન માટે યોગ્ય ગણાશે. ભારતના ઘણા ખેડૂતોનાં નસીબ અનિયમિત અને કળી ન શકાય તેવા ચોમાસા પર આધારિત હોય છે, તેથી સોલાર ઍનર્જી કંપનીઓ પાસેથી સ્થિર આવક મળવાની વાત તેમને નાણાકીય સુરક્ષા આપી શકે છે.
આ લાભો છતાં, આ પ્રકારની યોજના માટે રાજી થવાનો દર ધીમો છે, ભારતની સૌર ઊર્જા ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધત્વ કરતી સંસ્થા, 'નૅશનલ સોલાર ઍનર્જી ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનએસઇએફઆઇ)' અનુસાર ભારતમાં હાલ 40 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
સોલાર પૅનલ નીચે ખેતીના પ્રોજેક્ટ માટે કયા કયા પડકાર છે?
આમાં ઘણા પડકારો છે.
સોલાર પૅનલ નીચે બધા પાક લઈ શકાતા નથી. લે-આઉટ મુજબ પૅનલ્સ જમીન પર પડતા સૂર્યપ્રકાશમાં 15થી 30 ટકા સુધીનો ઘટાડો કરે છે. કેટલાક ગાઢ લે-આઉટ ઘઉં, ચોખા, સોયાબીન અને દાળો જેવા પાકો સુધી પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પહોંચવા નથી દેતા.
દિલ્હીસ્થિત ઍગ્રોવૉલ્ટૅક્સમાં વિશેષતા ધરાવતી 'સનસીડ' નામની કંપનીના સ્થાપક અને સીઇઓ વિવેક સરાફે કહ્યું કે, "ઊંચી કિંમતવાળા પરંતુ ઓછા કે મધ્યમ પ્રકાશમાં ઊગતા પાકો આના માટે યોગ્ય છે. જેમાં લીલાં પાનવાળી શાકભાજી, હળદર, આદુ જેવા મસાલા અને કેટલાંક ફૂલ સામેલ છે."
આ સિવાય ખર્ચનો પણ મુદ્દો છે.
જમીન પર ખેતી થઈ શકે એ માટે સોલાર પૅનલ જમીનથી ઓછામાં ઓછી 11 ફૂટની ઊંચાઈએ લાગેલી હોવી જોઈએ. આના કારણે રેગ્યુલર સોલાર ફાર્મ કરતાં આ પ્રકારે પૅનલ લગાડવાનું કામ 20થી 30 ટકા વધુ ખર્ચાળ હોય છે. નોંધનીય છે કે રેગ્યુલર સોલાર ફાર્મમાં પૅનલોની ઊંચાઈ વધુ રખાતી નથી.
સરાફે કહ્યું, "નાના ખેડૂતો આ પ્રકારની સિસ્ટમના માલિક ન બની શકે. તેમની પાસે આટલું જોખમ ખેડવાની શક્તિ કે મૂડી નથી."
સોલાર પૅનલ નીચે ખેતી કરવાના પ્રોજેક્ટ માટે સરકારી સહાયની માગ
સોલાર પાવર કંપનીઓ ઍગ્રોવૉલ્ટૅક્સ વધુ આકર્ષક બનાવવા માટે સરકારી સબસિડી પૂરી પાડે એવું ઇચ્છે છે.
એનએસઇએફઆઇના સીઇઓ સુબ્રમણ્યમ પુલિપાકા કહે છે, "ભારત જેવા દેશમાં કે જ્યાં 55 ટકા વસતી ખેતી પર નભે છે અને જ્યાં ખેડી શકાય એવી જમીન પરનું દબાણ વધતું જઈ રહ્યું છે, ત્યાં ઍગ્રોવૉલ્ટૅક્સ પરિવર્તનકારી મૉડલ રજૂ કરે છે."
તેઓ કહે છે, "આનાથી સિંચાઈની જરૂરિયાત ઘટે છે, પાકને તડકાથી રક્ષણ મળે છે અને ખેડૂતો માટે આવકના પ્રવાહને વધુ વૈવિધ્ય આપવાની સાથે એ આવકની સ્થિરતા આપે છે. વરસાદ પર નભતા અને હવામાનના વધુ જોખમવાળાં ક્ષેત્રોમાં ઍગ્રોવૉલ્ટૅક્સ હવામાન અનુકૂલન માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જેથી હવામાનની અનિશ્ચિતતાની પૅટર્ન સામે ખેતીને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે."
'સનસીડ' ખેડૂતોને ઘણા વિકલ્પો આપે છે, જેમાં નિયમિત પગારે ખેતરમાં કામ કરવાનું ચાલુ રાખવાનો અને ખેતી સંબંધી તમામ જવાબદારીઓ 'સનસીડ'ને સોંપી દેવા સહિતના વિકલ્પો સામેલ છે.
તેઓ કહે છે કે, "અમારું મૉડલ ખેડૂતે કોઈ જાતનું જોખમ ન ખેડવું પડે એ સુનિશ્ચિત કરે છે. જો પાક નિષ્ફળ જાય કે બજારની કોઈ મુશ્કેલી સર્જાય તો, નુકસાન અમારું છે - ના કે ખેડૂતનું."
આ દરમિયાન સનસીડ જુદાં જુદાં પાક અને સ્થિતિ માટે તેમની સિસ્ટમ કામ કરી શકે એ માટેના પ્રયાસોમાં પણ લાગેલી છે.
તેઓ કહે છે કે, "અમે આધુનિક ઍગ્રોવૉલ્ટૅક્સ સિમ્યુલેશન સૉફ્ટવૅર વિકસાવ્યું છે."
"એ ડિજિટલી પૅનલની રૂપરેખા અને જુદા જુદા પાકની નકલ કરે છે અને સિમ્યુલેશન મારફતે દરેક પાનને સુધી કેટલો સૂર્યપ્રકાશ પહોંચી રહ્યો છે એ જણાવે છે. એ જણાવે છે કે આનાથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પર કેવી અસર પડે છે એ અને છેલ્લે કેટલા પાકની અપેક્ષા કરવી એ બતાવે છે."
સોલાર પૅનલ નીચે ખેતીમાં ભારત ચીનથી આગળ નીકળી શકે?
સોલાર પાવર અને ખેતી બંનેના સંયોજન અંગે સરકારી વર્તુળો હજુ સાવચેતી રાખી રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે.
મધ્યપ્રદેશ ખાતે ઍગ્રોવૉલ્ટૅક્સ અને સોલાર પ્રોજેક્ટ જોતા મનુ શ્રીવાસ્તવ કહે છે, "ઍગ્રોવૉલ્ટૅક્સ આશાસ્પદ છે, પરંતુ આપણે ખેડૂત અને ડેવલપર બંનેનાં હિતોનું રક્ષણ કરવું પડશે."
તેઓ ઍગ્રોવૉલ્ટૅક્સ સિસ્ટમ પરંપરાગત સોલાર ફાર્મ કરતાં વધુ મોંઘી હોવાની વાત તરફ ધ્યાન દોરે છે. તેઓ કહે છે કે આ કારણોસર રોકાણ સામે વળતર મેળવવું એ વધુ પડકારજનક બની જાય છે.
તેઓ કહે છે કે, "જો ખેડૂત જમીન માટે બહુ ઝાઝા પૈસાની માગણી કરવા લાગે અને ડેવલપરે માળખું ઊભું કરવાની ઊંચી કિંમત ચૂકવવી પડે, તો આ મૉડલ અવ્યવારિક બની જાય છે."
વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે ભારત હાલ ચીનથી પાછળ રહી રહ્યું છે. નોંધનીય છે કે ચીનમાં આવા 500 ચાલુ પ્રોજેક્ટ છે.
શ્રીવાસ્તવ કહે છે કે, "આ એક નાની શરૂઆત છે. પરંતુ જો ખેડૂતનાં આર્થિક હિતોનું રક્ષણ થાય, જો યોગ્ય પાકની પસંદગી થાય, અને જો કરારો સ્પષ્ટ અને વાજબી હોય તો કોઈ કારણ નથી કે ભારત ઍગ્રોવૉલ્ટૅક્સ ક્ષેત્રે આગળ પડતું નામ ન બની શકે."
નાના ખેડૂતો માટે કેટલું વ્યવારિક છે આ મૉડલ
આનંદ જૈન એક ખેડૂત કુટુંબમાંથી આવે છે. તેઓ પોતાના ખેતરમાં ઔષધીય પાકો લેતા હતા. પરંતુ વર્ષ 2024માં તેમની નજરમાં એક વીજળી વગરની જમીન આવી.
"ત્યારે આ આઇડિયા ક્લિક થયો. જરૂરિયાત એ શોધની જનની છે, અને કંઈક આ રીતે મેં ઍગ્રોવૉલ્ટૅક્સ ક્ષેત્રે પ્રયોગો કરવાની શરૂઆત કરી."
આજે તેઓ સોલાર પૅનલ નીચે 14 એકર જમીનમાં ખેતી કરે છે. આ ખેતરની કુલ ઉત્પાદક્ષમતા 4.5 મેગાવૉટ્સ છે. નોંધનીય છે કે આટલી જ ઉત્પાદનક્ષમતા એક મધ્યમ કદની પવનચક્કીની પણ હોય છે.
સોલાર પૅનલની નીચે તેઓ હજુ પણ પાકોમાં પ્રયોગ કરી રહ્યા છે, તેમણે હજુ સુધી પોતાના પાક બજારમાં તો નથી વેચ્યા, પરંતુ તેમના મતે પાકની ગુણવત્તા 'આશાસ્પદ' છે.
"મને સ્ટ્રૉબેરી અને ટામેટાં ઉગાડવામાં તો સફળતા મળી છે. જોકે, ફુલેવરની ખેતી એટલી સારી નહોતી થઈ."
તેમના આ પ્રોજેક્ટ માટે બૅન્ક લોન અને સરકારી સહાય મારફતે નાણાં મેળવવામાં આવ્યાં હતાં. જેનું કુલ રોકાણ 20.14 કરોડ રૂ. હતું.
તેઓ કહે છે કે, "હું સ્પષ્ટ કરી દઉં કે નાના ખેડૂતો માટે હજુ સુધી ભારતમાં ઍગ્રોવૉલ્ટૅક્સ વ્યવહારિક નથી."
"આ મૉડલ સરકાર અને ખાનગી સેક્ટર વચ્ચે મજબૂત ભાગીદાર હશે તો જ સફળ થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન