You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાદેનને મારવા અમેરિકા જ્યારે 150 માઇલ અંદર ઘૂસી ગયું અને પાકિસ્તાને ખબર પણ ના પડી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
એ કહાની ઘણાં પુસ્તકો, લેખો અને ફિલ્મો દ્વારા ઘણી વખત જણાવાઈ ચૂકી છે કે કઈ રીતે અમેરિકન સૈનિકોએ 2 મે 2011એ પાકિસ્તાનના એબટાબાદમાં ઓસામા બિન લાદેનને માર્યો હતો.
ઓસામાના મૃત્યુ પછી તરત પાકિસ્તાનમાં સત્તાનાં વર્તુળોમાં શું ચાલી રહ્યું હતું, તેના વિશે ખૂબ ઓછી ચર્ચા થઈ છે.
તાજેતરમાં પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પ્રવક્તા રહેલા ફરહતઉલ્લાહ બાબરનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, 'ધ ઝરદારી પ્રેસિડેન્સી, નાઉ ઇટ મસ્ટ બી ટોલ્ડ'. જેમાં તેમણે એ દિવસોનું ક્રમબદ્ધ વર્ણન કર્યું છે.
2 મે 2011ની સવારે 6:30 વાગ્યે રાષ્ટ્રપતિ ઝરદારીના એડીસીએ ફરહતઉલ્લાહ બાબરને ફોન કરીને કહ્યું કે તેઓ એક મહત્ત્વપૂર્ણ બેઠક માટે તરત જ એવાન-એ-સદર એટલે કે રાષ્ટ્રપતિ ભવન પહોંચે.
બાબર લખે છે, "સામાન્ય રીતે, રાષ્ટ્રપતિ બપોરે કચેરીમાં પહોંચતા હતા. મને આટલી વહેલી સવારે બોલાવવો, એ થોડુંક વિચિત્ર હતું. મને અંદાજ તો આવી ગયો હતો કે ક્યાંક કશીક ગરબડ થઈ છે, પરંતુ મને એ નહોતી ખબર કે શું અને ક્યાં? મેં વિદેશમંત્રી હિના રબ્બાની ખાર અને વિદેશ સચિવ સલમાન બશીરનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ મને સફળતા ન મળી."
દરમિયાનમાં, બાબરના મોબાઇલ પર કરાચીથી એક પત્રકાર મઝહર અબ્બાસનો ફોન આવ્યો.
ફરહતઉલ્લાહ લખે છે કે, "મઝહર અબ્બાસે ફોન પર કહ્યું, 'બાબરસાહબ, મારું માનવું છે, અમેરિકનોને ખબર પડી ગઈ હતી કે ઓસામા એબટાબાદમાં સંતાયો છે.' મેં જેવા આ શબ્દ સાંભળ્યા, મને પહેલી વાર અંદાજ આવ્યો કે આટલી સવારે આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે."
સૌથી પહેલાં કોને ખબર પડી?
પછીથી ફરહતઉલ્લાહ બાબરને ખબર પડી કે રાષ્ટ્રપતિના એડીસી સ્ક્વૉડ્રન લીડર જલાલ રાષ્ટ્રપતિ ભવનથી પાછા ફર્યા પછી જાગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાત્રે અઢી વાગ્યે તેમને જાણ થઈ કે થોડી વાર પહેલાં એબટાબાદની પાસે એક હેલિકૉપ્ટર ક્રેશ થયું છે.
પાકિસ્તાની હવાઈદળના પાઇલટ હોવાના લીધે તેમના મનમાં અનેક સવાલ થયા. પહેલો એ કે એબટાબાદ જેવા પહાડી વિસ્તારમાં આટલી રાત્રે હેલિકૉપ્ટર શા માટે ઊડી રહ્યું હતું? બીજું, હવાઈદળમાં હોવાના કારણે તેમને ખબર હતી કે પાકિસ્તાની પાઇલટોને રાત્રે હેલિકૉપ્ટર ઉડાડવાની મનાઈ હતી.
તેમણે પોતાને જ સવાલ કર્યો કે જો તે પાકિસ્તાની હેલિકૉપ્ટર નહોતું, તો તે હેલિકૉપ્ટર કોનું હતું? આ મૂંઝવણમાં તેઓ ફરીથી પોતાની ઑફિસે જતા રહ્યા. તે વખતે રાતના ત્રણ વાગી રહ્યા હતા. તેમણે પાકિસ્તાની વાયુસેનામાં પોતાના સંપર્કોને ફોન કરવાનું શરૂ કરી દીધું.
રાષ્ટ્રપતિના સ્ટાફમાં તેઓ પહેલી વ્યક્તિ હતા, જેમને જાણ થઈ કે હકીકતમાં શું થયું હતું?
કયાની રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થયા
તેમ છતાં તેમણે આ સમાચાર રાષ્ટ્રપતિ ઝરદારીને ન જણાવ્યા. તેમને ખબર હતી કે થોડી વારમાં રાષ્ટ્રપતિ ભવનની હૉટલાઇનની ઘંટડી વાગવા લાગશે. તેઓ સાચા હતા. તેમની ઑફિસની ઘંટડી વાગી. આર્મી હાઉસના ઑપરેટર લાઇન પર હતા.
તેમણે માહિતી આપી કે રાષ્ટ્રપતિને જણાવી દેવામાં આવે કે સેના અધ્યક્ષ જનરલ અશફાક કયાની રાષ્ટ્રપતિ ભવન માટે નીકળી ચૂક્યા છે. આની પહેલાં કયાની સીધી હૉટલાઇન પર ઝરદારી સાથે વાત કરી ચૂક્યા હતા.
ફરહતઉલ્લાહ બાબર લખે છે, "જ્યારે હું સવારે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો ત્યારે તેમના એડીસી જલાલ સિવાય રાષ્ટ્રપતિનો કોઈ પણ સ્ટાફ ત્યાં હાજર નહોતો.
ત્યાં હાજર ગાર્ડ્સ અને સહાયકો ધીમા અવાજે અંદરોઅંદર વાત કરતા હતા, તેથી અંદાજ આવ્યો કે ક્યાંક કશુંક અસામાન્ય બન્યું છે. ત્યાં જ મને જાણ થઈ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા ઝરદારી સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે."
ઓબામાનો ઝરદારીને ફોન
ઓબામાએ આ ફોનકૉલનું વિવરણ આપતાં પોતાની આત્મકથા 'અ પ્રોમિસ્ડ લૅન્ડ'માં લખ્યું, "મારા માટે સૌથી મુશ્કેલ કામ હતું પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ફોન કરવાનું."
"મને ખબર હતી કે પાકિસ્તાની હવાઈસીમાના ઉલ્લંઘન માટે તેમણે પોતાના દેશમાં ઘણી સારી-નરસી વાતો સાંભળવી પડશે, પરંતુ જ્યારે મેં તેમને ફોન કર્યો, ત્યારે તેમણે મને અભિનંદન આપ્યા અને પોતાનું સમર્થન આપ્યું."
"તેમણે કહ્યું, 'આનું જે કંઈ પણ પરિણામ આવે, પરંતુ આ એક સારા સમાચાર છે'. તેઓ એ યાદ કરીને થોડાક ભાવુક થઈ ગયા કે તેમનાં પત્ની બેનઝીર ભુટ્ટોને એ ચરમપંથીઓએ માર્યાં હતાં જેમનો અલકાયદા સાથે સંબંધ હતો."
એડમિરલ મલેને કયાનીને ફોન જોડ્યો
ઓબામાએ ઝરદારીને ફોન કર્યો તેની પહેલાં સવારે ત્રણ વાગ્યે એડમિરલ માઇક મલેન પાકિસ્તાની સેના અધ્યક્ષ જનરલ કયાનીને ફોન કરી ચૂક્યા હતા. તેમણે કયાનીને સમાચાર આપ્યા કે અમેરિકાએ ઓસામા બિન લાદેનના ઠેકાણા પર કાર્યવાહી કરી છે.
ત્યાર પછી તરત એબટાબાદમાં આઇએસઆઇના એક કર્નલે પોતાના બૉસ જનરલ પાશાને ફોન કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી.
સીઆઇએના પૂર્વ પ્રમુખ લિઓન પનેટા પોતાની આત્મકથા 'વર્દી ફાઇટ્સ'માં લખે છે, "સમાચાર સાંભળતાં જ કયાનીનું પહેલું વાક્ય હતું, 'સારું થયું તમે તેની ધરપકડ કરી લીધી'. મલેને કહ્યું, 'લાદેન મરી ચૂક્યો છે'. તે સાંભળીને અને એ જાણીને કે લાદેન એબટાબાદના એ ઘરમાં છેલ્લાં પાંચ વર્ષથી રહેતો હતો, કયાની થોડા અચંબિત થઈ ગયા."
ખૈબર પખ્તૂનખ્વાના પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી)ને કહેવામાં આવ્યું કે તેઓ આ મામલાથી પોતાને અલગ રાખે; કેમ કે, આઇએસઆઇ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે.
સીઆઈએ પ્રમુખની આઇએસઆઇ પ્રમુખ સાથે વાતચીત
મલેનના ફોન પછી રાષ્ટ્રપતિ ઓબામાએ રાષ્ટ્રપતિ ઝરદારી અને અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝઈને ફોન કર્યો. પનેટાએ પણ આઈએસઆઈના પ્રમુખ અહમદ શુઝા પાશાને એવો જ ફોન કર્યો.
પનેટા લખે છે, "ત્યાં સુધીમાં પાશાને પોતાનાં સૂત્રો પાસેથી તેના સમાચાર મળી ગયા હતા. મેં તેમને કહ્યું, અમે સમજીવિચારીને તમારી એજન્સીને અમારા અભિયાનથી દૂર રાખી છે, જેથી તમારા પર અમને સાથ-સહકાર આપ્યાનો આરોપ ન થઈ શકે."
"તેમણે ખૂબ નિરાશાભર્યા સ્વરમાં જવાબ આપ્યો, 'અમારા માટે કહેવા જેવું ખાસ કશું નથી. અમને આનંદ છે કે લાદેન તમારા હાથમાં આવી ગયો'. અમને ખબર હતી કે હવે આપણી બંને દેશોની દોસ્તી પહેલાં જેવી નહીં રહે અને આપણા સંબંધમાં તણાવ આવશે, પરંતુ આ પ્રકારના અભિયાન માટે અમારે એ કિંમત તો ચૂકવવાની જ હતી."
પાકિસ્તાની સમય અનુસાર સવારે 8 વાગ્યા ને 35 મિનિટે રાષ્ટ્રપતિ ઓબામા ટેલિવિઝન પર લાઇવ આવી ગયા. તેમણે એમ કહીને પાકિસ્તાનને થોડો મલમ લગાડવાની કોશિશ કરી કે 'અમને આશા છે કે અલકાયદા સાથેની લડાઈમાં પાકિસ્તાન અમારો સાથ આપવાનું ચાલુ રાખશે.'
ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના પ્રમુખ જનરલ અતહર અબ્બાસે કયાની અને પાશા સમક્ષ એક નિવેદન જાહેર કરવાની મંજૂરી માગી, પરંતુ તેમને એ મંજૂરી આપવામાં ન આવી.
પાકિસ્તાનના ટોચના નેતાઓની બેઠક
બીજી તરફ, ફરહતઉલ્લાહ બાબર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાની થોડીક મિનિટોમાં વડા પ્રધાન, વિદેશ સચિવ અને આઇએસઆઇના પ્રમુખ પણ ત્યાં પહોંચી ગયા હતા. વિદેશમંત્રી હિના રબ્બાની ખાર થોડી વાર પછી આવ્યાં, કેમ કે, તેઓ વિદેશયાત્રાથી થોડા સમય પહેલાં જ પાછા ફર્યાં હતાં.
કૉન્ફરન્સ રૂમમાં થનારી બેઠક 90 મિનિટ સુધી ચાલી. બાબર લખે છે, "રાષ્ટ્રપતિ ઝરદારીએ મને એક બાજુ લઈ જઈને પૂછ્યું, 'તમે આ વિશે શું વિચારો છો?' મેં સંકોચ વગર જવાબ આપ્યો, 'કાં તો આ મિલીભગત છે, કાં તો નાલાયકી. આની તરત તપાસ કરાવવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે સેના અને આઈએસઆઈ પ્રમુખની વિરુદ્ધ કંઈક કાર્યવાહી કરવામાં આવી છે."
ઝરદારીએ આ સાંભળ્યું, પરંતુ તેઓ એક પણ શબ્દ ન બોલ્યા. પછી થોડું વિચારીને તેઓ બોલ્યા, "આપણે આના વિશે પછી વાત કરીશું."
પાકિસ્તાની વહીવટી તંત્રની ચુપકીદી
પાકિસ્તાન અને વિદેશનાં મીડિયા આ સમગ્ર પ્રકરણ પર પાકિસ્તાની સરકારની પ્રતિક્રિયા ઇચ્છતાં હતાં, પરંતુ સરકારમાં એ પ્રકારની અરાજકતા અને ભ્રમની સ્થિતિ હતી કે સરકારનું કોઈ પણ અંગ એક શબ્દ પણ કહેવા માટે તૈયાર નહોતું.
દરેક જગ્યાએ આઘાત, ઊહાપોહ અને શિથિલતાનું વાતાવરણ હતું.
ફરહતઉલ્લાહ બાબર લખે છે, "ઘટનાના 14 કલાક પછી પહેલી સરકારી પ્રતિક્રિયા આવી. તેમાં કહેવામાં આવ્યું, 'આપણી ઘણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે ગુપ્ત માહિતીઓની આપ-લે કરવાની ખૂબ અસરકારક વ્યવસ્થા છે. તેમાં અમેરિકા પણ સામેલ છે.' પાકિસ્તાન ખૂબ જ શરમમાં મુકાય તેવી સ્થિતિમાં હતું."
"તે ન તો અભિયાનની સફળતાનો દાવો કરી શકતું હતું અને ન તો પોતાની ઇન્ટેલિજન્સી નિષ્ફળતા અને સેના તૈયાર ન હોવાની વાત ખુલ્લેઆમ સ્વીકારી શકતું હતું. સ્પષ્ટ હતું કે આખું વહીવટી તંત્ર અસમંજસ અને અનિર્ણયની સ્થિતિમાં ફસાયેલું હતું અને અંધારામાં તીર ચલાવી રહ્યું હતું."
સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને બચાવવાની કોશિશ
બાબર લખે છે, "હવે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને જણાવ્યા વગર ગુપ્ત રીતે પાકિસ્તાનની અંદર ઘૂસીને તેને મારી નાખ્યો હતો, એટલે પાકિસ્તાન દ્વારા બહાર પડાયેલી પ્રેસ રિલીઝમાં એવો સંકેત આપવો કે અમેરિકાને ગુપ્ત માહિતી આપવાના કારણે આવું થયું છે તે ખોખલું અને અવિશ્વસનીય લાગત. જૂઠના પોટલાની પોલ ખૂલી ગયા પછી લોકો તેના પર વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતા."
ઇન્ટેલિજન્સ અને સૈનિક નેતૃત્વ એવી પરિસ્થિતિમાં પહોંચી ગયાં હતાં, જેમાં તેમના પર આ સમગ્ર મામલામાં સહ-ગુનેગાર કે અક્ષમ હોવાનો આરોપ સરળતાથી કરી શકાતો હતો.
કેટલાક રિટાયર્ડ જનરલોએ પછીથી આ મામલામાં એમ કહીને નવો વળાંક આપવાની કોશિશ કરી કે પાકિસ્તાની સેનાના ટોચના નેતૃત્વને આ અભિયાન વિશે પહેલાંથી માહિતી હતી. તેઓ પાકિસ્તાની સેના અપમાનિત થયાની વાત સ્વીકારવા તૈયાર નહોતા.
તેમણે એટલે સુધી દાવો કરવાની કોશિશ કરી કે સેનાના ટોચના નેતૃત્વએ આ અભિયાનમાં અમેરિકાને સાથ-સહકાર આપ્યો, પરંતુ તેને માનનારા લોકો ખૂબ ઓછા હતા.
પાકિસ્તાની સેનાની છબી ખરડાઈ
તત્કાલીન અમેરિકન સુરક્ષા મંત્રી રૉબર્ટ ગેટ્સે પણ પોતાની આત્મકથા 'ડ્યૂટી'માં લખ્યું, "આ સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાની સેનાએ સૌથી વધુ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું. જે રીતે અમે પાકિસ્તાનની સીમામાં 150 માઇલ અંદર જઈને તેમની સૈનિક છાવણીની વચ્ચોવચ આ અભિયાન પાર પાડ્યું અને તેમની સેનાને તેની ગંધ આવે તે પહેલાં અમે સુરક્ષિત બહાર પણ નીકળી ગયા, તે તેમની છબી પર ખૂબ મોટો ડાઘ લગાડવા માટે પૂરતું હતું."
પછીથી પાકિસ્તાને જે તપાસ સમિતિ બનાવી તેનો ભાર એ વાત પર નહોતો કે કઈ રીતે દુનિયાનો સૌથી મોટો ચરમપંથી પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની રોકટોક વગર પાકિસ્તાનમાં રહી શક્યો, પરંતુ એ વાત પર હતો કે પાકિસ્તાનમાં કયા લોકોએ આ અભિયાનમાં અમેરિકાની મદદ કરી છે.
ઝરદારીએ વૉશિંગ્ટન પોસ્ટમાં લેખ લખ્યો
2 મેનો દિવસ પૂરો થતાં પહેલાં એવો નિર્ણય લઈ લેવાયો હતો કે આ સમગ્ર પ્રકરણમાં આઈએસઆઈ અને સૈનિક નેતૃત્વની ભૂમિકાનો બચાવ કરવામાં આવશે.
તેનો પહેલો સંકેત ત્યારે જોવા મળ્યો જ્યારે વૉશિંગ્ટન પોસ્ટમાં 'પાકિસ્તાન ડિડ ઇટ્સ પાર્ટ' શીર્ષક સાથે રાષ્ટ્રપતિ ઝરદારીનો એક લેખ છપાયો.
ઝરદારીએ લખ્યું, "જોકે, રવિવારે કરવામાં આવેલું અભિયાન અમેરિકા અને પાકિસ્તાનનું સંયુક્ત અભિયાન નહોતું, પરંતુ બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા સહયોગ અને ભાગીદારીના કારણે જ ઓસામા બિન લાદેનનો અંત થઈ શક્યો છે."
"પાકિસ્તાનમાં અમે એ વાત માટે સંતોષ લઈ શકીએ છીએ કે શરૂઆતમાં જ અલકાયદાના સંદેશવાહકની ઓળખ કરી લીધી હોવાના કારણે અમારે આ દિવસ જોવો પડ્યો છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈ જેટલી અમેરિકાની છે, તેટલી જ પાકિસ્તાનની પણ છે."
ફરહતઉલ્લાહ બાબરનું માનવું છે કે આ લેખની કોઈ જરૂર નહોતી. તેઓ લખે છે, "એ વાત પર સંતોષ વ્યક્ત કરવો અને પાકિસ્તાનની જમીન પર કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સૈનિક અભિયાનનું શ્રેય લેવું, આ લેખના લેખકને શોભતું નથી. આ લેખ એ બાબતનો બચાવ કરતો હતો જેનો બચાવ કરી જ નહોતો શકાતો."
બાબરે લખ્યું, "મેં મારા લૉબિઇસ્ટને ઈ-મેલ કરીને કહ્યું હતું, "કાશ, આટલા સંવેદનશીલ વિષય પર એક અમેરિકન અખબારમાં રાષ્ટ્રપતિ ઝરદારીના નામથી લખાયેલા લેખને છપાવ્યા પહેલાં અંદરોઅંદર થોડાં સલાહ-સૂચન મેળવી લેવાયાં હોત."
આ લેખથી એવું લાગ્યું કે રાષ્ટ્રપતિ અમેરિકન જનમતને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી રહ્યા છે, એ પણ પોતાના દેશના જનમતની વિરુદ્ધ જઈને. લૉબિઇસ્ટે આ ઈ-મેલનો કશો જવાબ ન આપ્યો.
ઇન્ટેલિજન્સ એજન્સીઓની નિષ્ફળતા છુપાવવાની કોશિશ
ઓસામા બિન લાદેન ઑપરેશન પછી રાષ્ટ્રપતિ ઝરદારીને આઈએસઆઈ અને સેનાનું ઉત્તરદાયિત્વ નક્કી કરવાની સારી તક મળી હતી, પરંતુ એવી શક્યતા પર વિચાર કરવા માટે પણ તૈયાર નહોતા.
‘વૉશિંગ્ટન પોસ્ટ’માં ઝરદારીએ લખેલા લેખમાં આત્મનિરીક્ષણ તો દૂર, દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓના ઉત્તરદાયિત્વ પર એક શબ્દ પણ નહોતો.
ઑપરેશનના ત્રણ દિવસ પછી 5 મેએ વિદેશ સચિવે પહેલી વાર એક પત્રકાર પરિષદને સંબોધી. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની સમીક્ષા કરવામાં આવશે, પરંતુ તેની કોઈ તપાસ નહીં થાય.
માત્ર તપાસની સંભાવનાનો ઇનકાર ન કરાયો, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીઓની નિષ્ફળતાને એમ કહીને છુપાવવાની કોશિશ કરવામાં આવી કે આ પ્રકારની નિષ્ફળતા અસામાન્ય વાત નથી.
જાણી જોઈને પાકિસ્તાનથી ઑપરેશનનું વિવરણ છુપાવવામાં આવ્યું
સીઆઈએના પ્રમુખ લિયોન પનેટાએ 3 મેએ ટાઇમ મૅગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “અમેરિકાએ લાદેન સંતાયો હતો તે જગ્યા વિશે પાકિસ્તાનને જાણી જોઈને એટલા માટે જાણ ન કરી, કેમ કે, તેને તેના પર વિશ્વાસ નહોતો. તેનો જૂનો અનુભવ કહેતો હતો કે જ્યારે પણ ઇસ્લામાબાદને કોઈ આતંકવાદી વિશે પહેલાંથી માહિતી આપવામાં આવી, ત્યારે તેમણે તેને જ ચેતવી દીધો. એ વિશ્વાસ કરવા જેવી વાત નથી કે લાદેનના એબટાબાદના ઘર વિશે પાકિસ્તાનમાં કોઈને ખબર નહોતી.”
જનરલ કયાનીને પનેટાની આ સ્પષ્ટ વાત ગમી નહોતી. જ્યારે સીનેટ ફૉરેન રિલેશન કમિટીના પ્રમુખ સીનેટર જૉન કૅરી પાકિસ્તાનના પ્રવાસે આવ્યા હતા ત્યારે કયાની ઇચ્છતા હતા કે બંને દેશના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવે કે અમેરિકાને પાકિસ્તાન પર વિશ્વાસ હતો.
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત હુસૈન હક્કાનીએ સલાહ આપી કે સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવે કે ઓસામા બિન લાદેનના ઑપરેશનને સુરક્ષાના કારણે પાકિસ્તાનથી છૂપું રખાયું હતું, નહીં કે પાકિસ્તાન પર અવિશ્વાસના કારણે. પરંતુ કૅરી માત્ર એટલું જ કહેવા માટે તૈયાર થયા કે ઓસામા ઑપરેશનને ઓબામા વહીવટી તંત્રના ઘણા મહત્ત્વપૂર્ણ લોકોથી પણ છૂપું રાખવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના સૂચનથી એબટાબાદ કમિશન બન્યું
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઓસામા બિન લાદેનના મૃત્યુની તપાસ માટે જસ્ટિસ જાવેદ ઇકબાલના નેતૃત્વમાં એક ન્યાયિક પંચ રચવાનો આદેશ આપ્યો. તેને એબટાબાદ કમિશન નામ આપવામાં આવ્યું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સેના અધ્યક્ષે આ કમિશન સમક્ષ ઉપસ્થિત થવાનો ઇનકાર કરી દીધો. માત્ર આઈએસઆઈના પ્રમુખ જનરલ પાશા તેમની સામે હાજર થયા. તેમણે ઓસામાને ન પકડી શક્યાનો આરોપ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, મિલિટરી ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો પર કર્યો.
તેમણે સ્પેશિયલ બ્રાન્ચને પણ તેના માટે જવાબદાર ઠરાવી. સ્પેશિયલ બ્રાન્ચને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની યાત્રાના સમયે એબટાબાદમાં પાકિસ્તાન મિલિટરી અકૅડમીની આસપાસના વિસ્તારની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી.
કૅથી સ્કૉટ ક્લાર્ક અને એડ્રિયાન લેવી પોતાના પુસ્તક ‘ધ એક્સાઇલ’માં લખે છે, “જ્યારે એબટાબાદ પંચે જનરલ પાશાને પૂછ્યું કે અમેરિકા એબટાબાદ રેડમાં એકલું ગયું તે વિશે તમે શું વિચારો છો? ત્યારે પાશાએ હસીને જવાબ આપ્યો હતો, ‘રાષ્ટ્રપતિ ઓબામા નહોતા ઇચ્છતા કે લાદેનને શોધવાનું શ્રેય આઈએસઆઈને મળે.’ 4જાન્યુઆરી 2013નો આ રિપોર્ટ પાકિસ્તાનના વડા પ્રધાનને સોંપી દેવાયો.”
રિપોર્ટ સાર્વજનિક ન કરાયો
એબટાબાદ કમિશનના રિપોર્ટને ટૉપ સીક્રેટ રિપોર્ટની સંજ્ઞા આપવામાં આવી હતી. પંચના એક સભ્ય અશરફ જહાંગીર કાજીએ, જેઓ ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂક્યા હતા, પોતાની અંતિમ ટિપ્પણીમાં કહ્યું હતું, “અમને એ વાતની શંકા છે કે આ રિપોર્ટને નજરઅંદાજ કરવામાં આવશે અને તેને દબાવી દેવામાં આવશે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તેને સાર્વજનિક કરવામાં આવે.”
પરંતુ, ઘણી વિનંતીઓ પછી પણ આ રિપોર્ટને પ્રકાશિત કરવામાં ન આવ્યો, પરંતુ આ રિપોર્ટની એક નકલને અલ જઝીરા પર લીક કરી દેવામાં આવી. પરંતુ પ્રકાશિત થયાની થોડીક મિનિટોમાં જ પાકિસ્તાનમાં અલ જઝીરાની વેબસાઇટને બ્લૉક કરી દેવામાં આવી.
લીક થયેલા રિપોર્ટમાં દાવો કરાયો કે આમાં આઈએસઆઈ અને સેનાની ભૂમિકાની આકરી ટીકા કરવામાં આવી હતી.
એબટાબાદ કમિશનમાં જુબાની આપ્યા પછી જનરલ પાશાએ ઓસામા બિન લાદેન પ્રકરણ પર ક્યારેય સાર્વજનિક રીતે વાત ન કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન