લદ્દાખ : સોનમ વાંગચુકની ધરપકડ, ઇનોવેટરથી આંદોલનકારી સુધીની કહાણી

લદ્દાખના વિખ્યાત શિક્ષણવિદ અને પર્યાવરણ સોનમ વાંગચુકની તેમના ગામ ઉલે ટોક્પો ખાતે ધરપકડ કરવામાં આવી છે. લેહમાં બુધવારે ફાટી નીકળેલી હિંસા સંદર્ભે વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે.

વાંગચુકે તાજેતરમાં 35 દિવસની ભૂખ હડતાલ શરૂ કરી હતી, જેના 15મા દિવસે લેહમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.

લેહ ઍપેક્સ બૉડીના વકીલ હાજી મુસ્તફાએ બીબીસી સાથેની વાતચીતમાં વાંગચુકની ધરપકડની પુષ્ટિ કરી છે.

એંજિનિયર, ઇનોવેટર, શિક્ષણવિદ અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક છેલ્લા એકાદ વર્ષથી લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ સાથે આમરણ અનશન તથા દિલ્હી સુધીની કૂચ કરી ચૂક્યા છે.

વાંગચુકે માર્ચ-2024માં 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી અને ઑક્ટોબર-2024માં દિલ્હી સુધીની પદયાત્રા કરી હતી. જોકે, દિલ્હી પોલીસે સિંઘુ બૉર્ડર ખાતે વાંગચુકની અટકાયત કરી હતી.

નરેન્દ્ર મોદીના વખાણ

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ-370ને નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીર રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યું હતું.

લદ્દાખવાસીઓ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરથી અલગ થવાની માગ કરી રહ્યા હતા, એટલે તેમણે આ વિભાજનને આવકાર્યું હતું.

સોનમ વાંગચુકે પણ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના કાર્યાલયનો આભાર પણ માન્યો હતો.

સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું, "વડા પ્રધાન આભાર. લદ્દાખ લાંબા સમયથી જે સપનું જોઈ રહ્યું હતું, તેને પૂર્ણ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વડા પ્રધાન કાર્યાલયનો આભાર માનું છું."

"30 વર્ષ અગાઉ પહેલી ઑગસ્ટ 1989ના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાની માંગ સાથે લદ્દાખી નેતાઓએ આંદોલન હાથ ધર્યું હતું. લોકશાહીનાં વિકેન્દ્રીકરણમાં મદદ કરનારા તમામ લોકોનો આભાર."

સોનમ વાંગચુક ગત વર્ષે છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાની માંગ સાથે ભૂખહડતાલ ઉપર ઊતર્યા હતા. એ સમયે સોનમ વાંગચુકે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા પ્રશંસક છે. વાંગચુક અનેક વખત દેશભક્તિ તથા ભારતીય સેના પ્રત્યેનો પ્રેમ દેખાડતા રહ્યા છે.

જોકે, બુધવારે લેહમાં હિંસા ફાટી નીકળી, એ પછી સોશિયલ મીડિયા ઉપર વાંગચુકની ભારે ટીકા થઈ રહી છે. કેટલાક લોકો તેમની દેશભક્તિ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેમને 'ચીનના એજન્ટ' કહી રહ્યા છે.

વાંગચુક આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાન ગયા હતા, તે અહેવાલ અને બાંગ્લાદેશના વચગાળાના વડા પ્રધાન મોહમ્મદ યુનુસને ગળે મળતા હોય, તેવી જૂની તસવીર વ્યાપકપણે શૅર થઈ રહી છે.

ફિલ્મ 'થ્રી ઇડિટ્સ' રિલીઝ થઈ, એ પછી પણ સોનમ વાંગચુક ચર્ચામાં આવ્યા હતા. એવી વ્યાપકપણે ચર્ચા હતી કે ફિલ્માં આમિર ખાને ભજવેલું 'રેંચો'નું પાત્ર તેમનાથી પ્રેરિત છે.

જોકે, ન્યૂઝ વેબસાઇટ 'લલ્લનટૉપ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનમ વાંગચુકે આ વાતને નકારી કાઢી હતી. એ ઇન્ટરવ્યૂમાં વાંગચુકે પોતાનાં જીવન વિશેની અનેક વાતો કહી હતી.

નવ વર્ષ સુધી શાળાએ નહોતા ગયા

લદ્દાખના છેવાડાના ગામડાથી શરૂ કરીને વિખ્યાત શિક્ષણવિદ તરીકેની સફર કેવી રીતે ખેડી, તેના વિશે વાંગચુકે ઉપરોક્ત ઇન્ટરવ્યૂમાં ખુલાસા કર્યા હતા.

વાંગચૂકનો જન્મ વર્ષ 1966માં લેહના દુર્ગમ ગામડા ઉલે ટોક્પોમાં થયો હતો. તેમણે નવ વર્ષની ઉંમર સુધી સ્કૂલ નહોતી જોઈ, જેના કારણે તેઓ અલગ રીતે વિચારી શકતા હતા.

વાંગચુકના કહેવા પ્રમાણે, તેમનાં માતાએ ઘરે જ સ્થાનિક ભાષામાં ભણતર આપ્યું અને પ્રારંભિક જ્ઞાન તેમણે જાતે જ હાંસલ કર્યું હતું.

સોનમ વાંગચુકના પિતા સોનમ વાંગ્યાલ રાજકારણી હતા. નવ વર્ષની ઉંમરે સોનમ વાંગચુકને શ્રીનગરની સ્થાનિક શાળામાં ભણવા માટે બેસાડવામાં આવ્યા.

ઇન્ટરવ્યૂમાં સોનમ વાંગચુકે કહ્યું કે તેમને ભણવા માટે અંગ્રેજી ચોપડીઓ આપવામાં આવી, જે તેમને સમજાતી ન હતી. સોનમ વાંચુકના કહેવા પ્રમાણે, શાળાના શિક્ષકો કાં તો તેમને પાછલી પાટલીએ બેસાડી દેતા અથવા તો ક્લાસની બહાર ઊભા કરી દેતા.

સોનમ વાંગચુકના કહેવા પ્રમાણે, આ 'ત્રાસ'થી બચવા માટે તેઓ દિલ્હી આવી ગયા. તેઓ લદ્દાખનાં બાળકો માટેના વિશેષ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાના હેતુથી દિલ્હી આવ્યા હતા.

સોનમ વાંગચુકના કહેવા પ્રમાણે, ત્યાં બાળકોની બહુ મોટી ભીડ હતી. પ્રવેશ મેળવવા માટે અનેક દિવસો સુધી કૅમ્પમાં રાહ જોવી પડી.

સોનમ વાંગચુકના કહેવા પ્રમાણે, આ બધું જોઈને એક દિવસ તેઓ શાળાના પ્રિન્સિપાલની ઑફિસમાં જતા રહ્યા અને પ્રવેશ આપવા માટે કહ્યું. સોનમ વાંગચુકની ઝઝુમવાની વૃત્તિ જોઈને પ્રિન્સિપાલે તેમને દાખલો આપી દીધો.

બીટૅકમાં પ્રવેશ અને કોચિંગ

સોનમ વાંગચુકે એ પછી એંજિનિયરિંગ માટે તૈયારી કરી અને શ્રીનગર રિજનલ એંજિનિયરિંગ કૉલેજની (હાલની એનઆઈટી) લેખિત પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા.

સોનમ વાંગચુકના કહેવા પ્રમાણે, ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે પિતાએ પ્રિન્સિપાલનું નામ વાંચ્યું, તો પૂછ્યું કે તમારા પિતા શું કરે છે ? ત્યારે સોનમે કહ્યું કે તેમના પિતા ખેડૂત છે. વાસ્તવમાં એ સમયે સોનમના પિતા જમ્મુ-કાશ્મીરમાં મંત્રી હતા.

સોમના કહેવા પ્રમાણે, બિટૅકમાં એક વર્ષ કાઢ્યા બાદ તેઓ મિકેનિકલ એંજિનિયરિંગ કરવા માંગતા હતા, કારણ કે તેમને ઑપ્ટિક્સમાં રસ હતો. જોકે, પિતા તેમને સિવિલ એંજિનિયરિંગ લેવા માટે દબાણ કરી રહ્યા હતા.

સોનમના કહેવા પ્રમાણે, જ્યારે તેમણે મિકેનિકલ એંજિનિયરિંગ પસંદ કર્યું, તો પિતાએ તેમના ભણતરનો ખર્ચો આપવાનો ઇન્કાર કરી દીધો. સોનમ વાંગચુકે એ પછી પોતાનો અને ભણતરનો ખર્ચ કાઢવા માટે બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું.

19 વર્ષની ઉંમરે સોનમે હોટલનો રૂમ ભાડે લીધો અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. બે મહિનામાં જ તેમણે ત્રણ વર્ષની એંજિનિયરિંગની ફીસ જેટલા પૈસા એકઠા કરી લીધા.

સકમોલની શરૂઆત અને રેમન મૅગ્સેસે પુરસ્કાર

સોનમ વાંગચુક કહે છે કે આ સમયે તેઓ શિક્ષણજગતમાં કામ કરવા માટે પ્રેરિત થયા.

સોનમ વાંગચુકે કૉલેજ પાસ કરીને વર્ષ 1988માં સ્ટુડન્ટ્સ ઍજ્યુકેશન ફંડ કલ્ચરલ મૂવમેન્ટ ઑફ લદ્દાખની (એસઈસીએમઓએલ કે સેકમોલ) શરૂઆત કરી.

સેકમોલે સરકારી શાળાઓની વ્યવસ્થામાં ફેરફાર આવે તે માટે વર્ષો સુધી કામ કર્યું. સેકમોલના કૅમ્પસમાં મોટાભાગે એવાં બાળકો ભણતાં હતાં કે જેઓ શાળાકીય શિક્ષણમાં ફેઈલ થયા હોય.

સેકમોલમાં પરંપરાગત શાળાકીય શિક્ષણથી ઇત્તર ભણતર આપવામાં આવે છે. અહીં પ્રકૃત્તિ સાથે રહીને પ્રૅક્ટિકલ ભણતર આપવામાં આવે છે.

સોનમ વાંગચુકે વર્ષ 1994માં 'ઑપરેશન ન્યૂ હૉપ'ની (ઓએનએચ) શરૂઆત કરી. જેણે વર્ષ 2025ની સ્થિતિ પ્રમાણે, 700 જેટલા શિક્ષક તથા એક હજાર જેટલી ગ્રામ શિક્ષણ સમિતિઓને તાલીમ આપી છે.

લદ્દાખના શાળાકીય શિક્ષણમાં પણ તેનું પરિવર્તન જોવા મળ્યું. વર્ષ 1996 સુધી લગભગ પાંચ ટકા છોકરા જ ધો. 10ની પરીક્ષામાં પાસ થતાં હતાં. વર્ષ 2015માં આ ટકાવારી વધીને 75 આસપાસ પહોંચી ગઈ.

સોનમ વાંગચુકને વર્ષ 2018માં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપવા બદલ રેમન મૅગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન