You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ દવા પર 100 ટકા ટેરિફ નાખ્યો, ભારત પર શું અસર થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે નવા ટેરિફની જાહેરાત કરી.
ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની બહાર ઉત્પાદિત બ્રાન્ડેડ દવા પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણયનો તારીખ 1 ઑક્ટોબર, 2025થી અમલમાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર જે નવી વસ્તુઓ પર ટેરિફની જાહેરાત કરી હતી તેમાં હેવી-ડ્યુટી ટ્રક, રસોડું અને બાથરૂમ કૅબિનેટનો પણ સમાવેશ થાય છે.
હેવી-ડ્યુટી ટ્રક પર 25 ટકા ટેરિફ અને રસોડા અને બાથરૂમ કૅબિનેટ પર 50 ટકા ટેરિફ રહેશે.
ભારત અમેરિકાના બજારમાં ફાર્માસ્યુટિકલ્સનો મોટો નિકાસકાર છે. અમેરિકાએ ભારતીય નિકાસ પર પહેલાંથી જ 50 ટકા ટેરિફ લાદી દીધો છે.
'મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરોને બચાવવા પડશે'
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "1 ઑક્ટોબર, 2025થી અમે તમામ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. અહીં ઉત્પાદિત દવાઓ બાકાત રાખવામાં આવશે."
તેમણે લખ્યું, "1 ઑક્ટોબર, 2025થી અમે બધા રસોડાનાં કૅબિનેટ, બાથરૂમ વેનિટી અને સંબંધિત ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદીશું. વધુમાં અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30 ટકા ટેરિફ લાદવામાં આવશે, કારણ કે આ ઉત્પાદનો અન્ય દેશોમાંથી આવી રહ્યા છે. આ અન્યાયી છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરને બચાવવા પડશે.''
હેવી ટ્રકો પર ટેરિફ લાદવાના નિર્ણયને વાજબી ઠેરવતા તેમણે કહ્યું, "આપણા મહાન ટ્રક ઉત્પાદકોને અન્યાયી વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે, હું 1 ઑક્ટોબર, 2025થી વિશ્વના અન્ય ભાગોમાં ઉત્પાદિત તમામ ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યો છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ રીતે, આપણા હેવી ટ્રક ઉત્પાદકો, જેમ કે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેઇટલાઇનર, મેક ટ્રક્સ અને અન્ય, બાહ્ય અવરોધોથી સુરક્ષા મળશે."
ભારતીય દવા કંપનીઓ પર અસર
ટ્રેડ રિસર્ચ એજન્સી GTRI (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ) અનુસાર, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક નિકાસ છે.
ભારત દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં આશરે 12.7 બિલિયન ડૉલરની મૂલ્યના ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરે છે.
પરંતુ આમાંની મોટા ભાગની દવાઓ જેનેરિક દવાઓ છે.
ભારતમાંથી બ્રાન્ડેડ દવાઓ પણ અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે, જોકે આ વેપાર જેનેરિક દવાઓ કરતાં ઘણો ઓછો છે.
ડૉ. રેડ્ડીઝ, લ્યુપિન અને સન ફાર્મા જેવી ભારતીય કંપનીઓ અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓની નિકાસ કરે છે.
ટ્રમ્પે થોડા કલાકો પહેલાં જ નવા ટેરિફની જાહેરાત કરી હતી. ભારતીય કંપનીઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જ્યારે ટ્રમ્પે ભારતીય આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારે જીટીઆરઆઇએ કહ્યું હતું કે યુએસ ટેરિફથી જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓની કિંમતમાં વધારો થશે.
જીટીઆરઆઇ મુજબ, અમેરિકાને મોટા પાયે દવાઓ વેચતી ભારતીય કંપનીઓ ખૂબ જ ઓછા માર્જિન પર કામ કરે છે.
ઉત્તર અમેરિકા ભારતીય દવા કંપનીઓ માટે આવકનો મુખ્ય સ્રોત છે, જે તેમની મોટા ભાગની આવક અને તેમના નફાના ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.
શું આયર્લૅન્ડ બ્રાન્ડેડ દવાઓ પર ટેરિફનું લક્ષ્ય છે?
શું આયર્લૅન્ડ બ્રાન્ડેડ દવાઓ પર ટેરિફનું લક્ષ્ય છે?
ટ્રમ્પના નિર્ણયથી આ પ્રશ્ન પણ થાય છે.
આયર્લૅન્ડ બ્રાન્ડેડ દવાઓના મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે.
વિશ્વની એક ડઝનથી વધુ સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આયર્લૅન્ડમાં ફૅક્ટરીઓ ધરાવે છે, જેમાંથી કેટલીક દાયકાઓ જૂની છે.
ઘણી કંપનીઓ 630 અરબ ડૉલરના યુએસ બજાર માટે દવાઓનું ઉત્પાદન કરે છે.
મર્ક ફાર્મા આઇરિશ રાજધાની ડબલીન નજીક, વિશ્વની સૌથી વધુ વેચાતી પ્રિસ્ક્રિપ્શન કૅન્સર દવા કીટ્રુડાનું ઉત્પાદન કરે છે.
એબવી વેસ્ટપોર્ટમાં બોટોક્સ ઇન્જેક્શન બનાવે છે, જ્યારે એલી લિલીનો કિન્સેલ પ્લાન્ટ સ્થૂળતાની દવાઓની વધતી જતી માગને પહોંચી વળવામાં મદદ કરે છે.
રૉઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વારંવાર આયર્લૅન્ડ પર જૉન્સન ઍન્ડ જૉન્સન અને ફાઇઝર જેવી અમેરિકન કંપનીઓને ઓછા કૉર્પોરેટ ટૅક્સ દરો આપીને લલચાવવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
રૉઇટર્સના અહેવાલ મુજબ, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પણ આયર્લૅન્ડની નીતિઓને "કૌભાંડ" ગણાવી હતી જેના પર ટ્રમ્પ વહીવટીતંત્ર રોક લગાવશે.
ભારત: અમેરિકાને જેનેરિક દવાઓનો મુખ્ય સપ્લાયર પણ છે
યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાતી જેનરિક દવાઓમાંથી લગભગ અડધી માત્ર ભારતમાં જ વેચાય છે. જેનેરિક દવાઓ બ્રાન્ડ દવાઓની સસ્તી આવૃત્તિઓ છે.
આવી દવાઓ ભારત જેવા દેશોમાંથી અમેરિકામાં આયાત કરવામાં આવે છે અને 10માંથી 9 પ્રિસ્ક્રિપ્શન આ દવાઓ માટે હોય છે.
આનાથી અમેરિકાના હેલ્થ કેર ખર્ચમાં અબજો ડૉલરની બચત થાય છે. કન્સલ્ટિંગ ફર્મ આઇક્યુવીઆઇએના અભ્યાસ મુજબ, 2022માં ભારતીય જેનેરિક દવાઓથી 219 અરબ ડૉલરની બચત થઈ હતી.
વેપાર કરાર વિના, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે કેટલીક ભારતીય જેનેરિક દવા કંપનીઓ બજારમાંથી બહાર નીકળવા મજબૂર બની શકે છે.
જેનાથી અમેરિકામાં હાલની દવાની અછત વધુ ખરાબ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન