You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
H-1B વિઝાની ફી એક લાખ ડૉલર થતાં વધારે નુકસાન ભારતને કે અમેરિકાને?
- લેેખક, સૌતિક બિસ્વાસ અને નિખિલ ઈનામદાર
- પદ, બીબીસી ન્યૂઝ
ગભરાટ, મૂંઝવણ અને પછી વ્હાઇટ હાઉસનાં ઉતાવળિયાં પારોઠનાં પગલાં. અમેરિકાના H-1B વિઝા પરના લાખો ભારતીયો માટે આ આંચકાદાયક સપ્તાહાંત હતો.
સ્કિલ્ડ વર્કર પરમિટ્સના ખર્ચને 50 ટકા વધારીને સીધો એક લાખ ડૉલર સુધીનો કરવાનો નિર્ણય શુક્રવારે જાહેર કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેકનોલૉજી જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. એ પછી અંધાધૂંધી સર્જાઈ હતી.
સિલિકોન વૅલીની કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશની બહાર પ્રવાસ ન કરવા વિનંતી કરી હતી. વિદેશી કામદારોએ ફ્લાઇટ પકડવા દોટ મૂકી હતી અને ઇમિગ્રેશન વકીલોએ ટ્રમ્પના આદેશનો મર્મ પામવા માટે ઓવરટાઇમ કામ કર્યું હતું.
વ્હાઇટ હાઉસે શનિવાર સુધીમાં તોફાનને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, સ્પષ્ટતા કરી હતી કે નવી ફી ફક્ત નવા અરજદારોને જ લાગુ પડશે અને તે એક જ વખત લેવામાં આવશે. તેમ છતાં H-1B પ્રોગ્રામનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે. અમેરિકન શ્રમિકોનું મહત્ત્વ ઓછું આંકવા બદલ H-1B પ્રોગ્રામની ટીકા થઈ છે, પરંતુ વૈશ્વિક પ્રતિભાઓ આકર્ષવા માટે તેનાં વખાણ પણ કરવામાં આવ્યાં છે.
સુધારા પછીની નીતિએ પણ H-1Bની પાઇપલાઇન અસરકારક રીતે બંધ કરી દીધી છે. H-1B વિઝાએ લાખો ભારતીયોના અમેરિકન ડ્રીમને લગભગ ત્રણ દાયકા સુધી શક્તિ આપી હતી અને અમેરિકન ઉદ્યોગોને પ્રતિભાશાળી કામદારો પૂરા પાડ્યા હતા.
અમેરિકા અને ભારતીયો
આ નીતિને બંને દેશોને પણ નવો આકાર મળ્યો હતો. ભારત માટે H-1B વિઝા મહત્ત્વાકાંક્ષાનું વહન કરનાર બન્યા હતા. નાનાં શહેરોમાં રહેતા કૉડર્સ ડૉલક કમાતા થયા હતા, ગરીબ પરિવારો મધ્યમ વર્ગીય બની ગયા હતા અને ઍરલાઇન્સથી માંડીને રિયલ એસ્ટેટ સુધીના ઉદ્યોગોએ સમગ્ર વિશ્વભરમાં ફરતા આ વર્ગની જરૂરિયાતો સંતોષી હતી.
તે અમેરિકા માટે પ્રતિભાનો પ્રવાહ હતો, જેણે પ્રયોગશાળાઓ, વર્ગખંડો, હૉસ્પિટલો અને સ્ટાર્ટ-અપ્સ સ્થાનો ભરી દીધાં હતાં.
ભારતીય મૂળના ઍક્ઝિક્યુટિવ્સ આજે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને આઈબીએમ જેવી કંપનીઓ ચલાવે છે. ભારતીય ડૉક્ટર્સ અમેરિકન ફિઝિશિયન વર્કફોર્સનો લગભગ 6 ટકા હિસ્સો બની ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેક્નોલૉજી ક્ષેત્રે તેમની હાજરી વધારે બળવતર છે. માહિતી મેળવવાની સ્વતંત્રતાના કાયદા હેઠળની એક અરજીનો જવાબ જણાવે છે કે 80 ટકાથી વધુ 'કમ્પ્યુટર' નોકરીઓ ભારતીય નાગરિકો પાસે ગઈ છે અને ઉદ્યોગનાં આંતરિક સુત્રો કહે છે કે આ હિસ્સામાં કોઈ ફેરફાર થયો નથી.
તબીબી ક્ષેત્રે હિસ્સેદારી નોંધપાત્ર છે. 2023માં જનરલ મેડિસિન અને સર્જિકલ હૉસ્પિટલોમાં કામની મંજૂરી માટે 8,200થી વધુ H-1B વિઝા આપવામાં આવ્યા હતા.
શ્રમિકોની અછત સર્જાવાની શક્યતા
અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મેડિકલ સ્નાતકો (જેઓ સામાન્ય રીતે H-1B વિઝા પર અમેરિકામાં હોય છે) સૌથી મોટો એકમાત્ર સ્રોત ભારત છે અને તમામ આંતરરાષ્ટ્રીય ડૉક્ટરોમાં તેમનો હિસ્સો લગભગ 22 ટકા છે. કુલ અમેરિકન ડૉક્ટરોમાં આંતરરાષ્ટ્રીય તબીબોનો હિસ્સો 25 ટકા જેટલો છે અને તેમાં ભારતીય H-1B વિઝા ધારકોનો હિસ્સો પાંચથી છ ટકા હોવાની શક્યતા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ટ્રમ્પની નવી એક લાખ ડૉલરની ફીથી કશું થવાનું નથી તે પગારના આંકડા દર્શાવે છે. 2023માં નવા H-1B કર્મચારીઓ માટે સરેરાશ પગાર 94,000 ડૉલર હતો. પહેલેથી જ સિસ્ટમમાં હોય તેવા લોકો માટે તે 1,29,000 ડૉલર હતો. ફી વધારાનું નિશાન નવી ભરતીઓ છે, પરંતુ હવે ભરતી થનારા લોકોનો પગાર આ રકમ ચૂકવી શકે તેટલો નથી.
નિસ્કાસેન સેન્ટરના ઇમિગ્રેશન નીતિ વિશ્લેષક ગિલ ગુએરાએ બીબીસીને કહ્યું હતું, "ફી માત્ર નવા H-1B ધારકોને જ લાગુ પડશે, એવા વ્હાઇટ હાઉસના તાજેતરના નિર્દેશને પગલે તત્કાળ વિક્ષેપને બદલે મધ્યમ તથા લાંબા ગાળામાં શ્રમિકોની અછત સર્જાવાની શક્યતા વધુ છે."
ભારતને શરૂઆતમાં આંચકો લાગી શકે, પરંતુ તેની અસર અમેરિકામાં વધારે ઊંડી થઈ શકે છે. ટીસીએસ અને ઇન્ફોસિસ જેવા આઉટસોર્સિંગના ભારતીય દિગ્ગજોએ સ્થાનિક સ્તરે કર્મચારી દળનું નિર્માણ કરીને તથા ડિલિવરી ઑફશોર ખસેડીને લાંબા સમયથી આ સંબંધે તૈયારી કરી છે.
H-1B ધરાવતા લોકોમાં ભારતીયો કેટલા છે?
આંકડાઓ પણ કથા કહે છે. H-1B ધરાવતા લોકોમાં ભારતીયોની સંખ્યા આજે પણ 70 ટકા છે, પરંતુ ટોચના દસ H-1B નોકરીદાતાઓ પૈકીના માત્ર ત્રણ જ 2023માં ભારત સાથે જોડાયેલા હતા. 2016માં એ સંખ્યા છ હતી, એવું પ્યુ રિસર્ચે જણાવ્યું છે.
ભારત પોતાના 283 અબજ ડૉલરના આઈટી ક્ષેત્રના કુશળ કર્મચારીઓને અમેરિકા મોકલવાની પોતાની નિર્ભરતાને કારણે ગંભીર કટોકટીનો સામનો નિશ્ચિત રીતે કરી રહ્યું છે, જે ભારતની મહેસૂલી આવકમાં અડધાથી વધુ યોગદાન આપે છે.
આઈટી ઉદ્યોગનું સંગઠન નાસકોમ માને છે કે વિઝા ફીમાં વધારાથી "ચોક્કસ ઓનશોર પ્રોજેક્ટ્સના વ્યાવસાયિક સાતત્યમાં વિક્ષેપ સર્જાઈ શકે છે." કાયદાકીય સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ગ્રાહકો પ્રોજેક્ટ્સની કિંમત નક્કી કરવા અથવા તો વિલંબ માટે દબાણ કરે તેવી શક્યતા છે, જ્યારે કંપનીઓ – કામ ઑફશોર શિફ્ટ કરવું, ઓનશોર કામ ઘટાડવું અને સ્પોન્સરશિપ નિર્ણય વધારે પસંદગીયુક્ત બનવા જેવા સ્ટાફિંગ મોડેલ પર પુનર્વિચાર કરી શકે છે.
અમેરિકાના ઇનોવેશન પર અસર
અગ્રણી સ્ટાફિંગ કંપની સીઆઈઈએલના એચઆર આદિત્ય નારાયણ મિશ્રાના કહેવા મુજબ, ભારતીય કંપનીઓ પણ વધેલો વિઝા ખર્ચ તેના અમેરિકન ક્લાયન્ટ્સને માથે નાખે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું, "નોકરીદાતાઓ સ્પોન્સરશિપનો મોટો ખર્ચ કરવા રાજી ન હોવાથી રિમોટ કૉન્ટ્રાક્ટિંગ, ઓફશોર ડિલિવરી અને ગિગ વર્કર્સ પર નિર્ભરતા વધી શકે છે."
અમેરિકા પરની તેની વ્યાપક અસર ગંભીર હોઈ શકે છે. ડૉક્ટરોની અછતનો સામનો કરતી હૉસ્પિટલો, STEM વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સંઘર્ષ કરતી યુનિવર્સિટીઓ અને ગૂગલ અથવા એમેઝોનના લૉબિંગ વિના સ્ટાર્ટ-અપ્સને સૌથી વધુ ફટકો પડવાની શક્યતા છે.
કેટો ઇન્સ્ટિટ્યૂટના ઇમિગ્રેશન સ્ટડીઝના ડિરેક્ટર ડેવિડ બિયરે બીબીસીને કહ્યું હતું, "(વિઝા ફીમાં વધારો) અમેરિકન કંપનીઓને તેમની ભરતી નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવા તેમજ મોટા ભાગનું તેમનું કામ વિદેશમાં કરાવવા મજબૂર કરશે.
અમેરિકાસ્થિત બિઝનેસીસનું સંચાલન કરવા આવતા સ્થાપકો અને સીઈઓ પર પણ તે પ્રતિબંધ મૂકશે. તેનાથી અમેરિકાના ઇનોવેશન અને સ્પર્ધાત્મકતાને વિનાશક ફટકો પડશે.
આવી ચિંતા અન્ય નિષ્ણાતોએ પણ વ્યક્ત કરી છે. ગિલ ગુએરાએ કહ્યું હતું, "(અમેરિકામાં) ટેક્નોલૉજી અને મેડિસિન જેવાં ક્ષેત્રોમાં નવા કામદારોની માંગ (અસમાન રીતે) વધવાનો અંદાજ છે. આ ક્ષેત્રો બહુ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ છે. તેને જોતાં વર્ષો સુધી અછત રહે તો તેની માઠી અસર અમેરિકન અર્થતંત્ર તથા રાષ્ટ્રીય સુખાકારી પર થઈ શકે છે."
"આ કારણે વધુ ભારતીય કુશળ કામદારો આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટે અન્ય દેશો ભણી નજર કરવા પ્રોત્સાહિત થશે અને તેની વ્યાપક અસર અમેરિકન યુનિવર્સિટી સિસ્ટમ્સ પર પણ થશે."
ભારતીય વિદ્યાર્થીઓને શું અસર થશે?
વાસ્તવમાં ભારતીય વિદ્યાર્થીઓ તેની અસર સૌથી વધુ તીવ્રપણે અનુભવશે. અમેરિકામાં પ્રત્યેક ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં એક ભારતીય વિદ્યાર્થી હોય છે.
120 યુનિવર્સિટીઓમાંના 25,000 સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા નોર્થ અમેરિકન ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સના સ્થાપક સુધાંશુ કૌશિકે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરની નોંધણી પછીના સમયે નવા આવનારા ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
સુધાંશુ કૌશિકે બીબીસીને કહ્યું હતું, "આ સીધો હુમલો હોય એવું લાગે છે, કારણ કે ફી ચૂકવી દેવામાં આવી છે. તેથી પ્રતિ વિદ્યાર્થી કોસ્ટમાં 50,000થી એક લાખ ડૉલરની વચ્ચે મોટો ઘટાડો થયો છે અને અમેરિકન કાર્યબળમાં પ્રવેશવાનો સૌથી નફાકારક માર્ગ હવે બંધ થઈ ગયો છે."
પ્રસ્તુત નિયમની આવતા વર્ષના અમેરિકન યુનિવર્સિટી પ્રવેશ પર પણ અસર થશે, કારણ કે મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ, પોતે "કાયમી ધોરણે સ્થાયી થઈ શકે" એવા દેશોમાં જવાનું પસંદ કરતા હોય છે.
કરવધારાની સંપૂર્ણ અસર હાલ પૂરતી તો અનિશ્ચિત છે.
ઇમિગ્રેશન વકીલોને આશા છે કે ટ્રમ્પના નિર્ણયે ટૂંક સમયમાં કાનૂની પડકારોનો સામનો કરવો પડશે. પરિણામ અસમાન હોઈ શકે છે, એવી ચેતવણી આપતાં ગિલ ગુએરાએ કહ્યું હતું, "મને લાગે છે કે નવી H-1B નીતિ અમેરિકા માટે ઘણાં નકારાત્મક પરિણામ લાવશે. એ શું હશે તે જોવા માટે થોડો સમય લાગશે."
"દાખલા તરીકે, ઍક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ચોક્કસ કંપનીઓને બાકાત રાખવામાં આવે. એમેઝોન, એપલ, ગૂગલ અને મેટા જેવી કેટલીક H-1B વિઝાનો જંગી પ્રમાણમાં ઉપયોગ કરતી કંપનીઓ ફી નીતિમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ શોધી કાઢે તે શક્ય છે. એ બધાને મુક્તિ મળશે તો ફી વધારાનો વ્યાપક હેતુ માર્યો જશે."
પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે H-1B નીતિમાં પરિવર્તન વિદેશી કામદારો પરના કર જેવું ઓછું અને અમેરિકન કંપનીઓ તથા અર્થતંત્રના સ્ટ્રેસ ટેસ્ટ જેવું વધારે લાગે છે.
H-1B વિઝાધારકો અને તેમના પરિવારો અમેરિકન અર્થતંત્રમાં વર્ષે આશરે 86 અબજ ડૉલરનું યોગદાન આપે છે. તેમાં ફેડરલ પેરોલ ટેક્સના 24 અબજ ડૉલર અને રાજ્ય તથા સ્થાનિક કરના 11 અબજ ડૉલરનો સમાવેશ થાય છે.
અમેરિકા ઇનોવેશન અને ટેલેન્ટ ક્ષેત્રે મોખરે રહેશે કે પછી વધારે આવકાર્ય અર્થતંત્રો માટે મોકળાશ સર્જશે, એ તો કંપનીઓનો પ્રતિભાવ જ નક્કી કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન