ટ્રમ્પે એચ-1બી વિઝાની ફી 88 લાખ રૂપિયા કરી, અમેરિકા જવું હવે કેટલું મુશ્કેલ બનશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ આદેશ પર સહી કરી દીધી છે, જેમાં એચ-1બી વિઝાની અરજી ફી વધારીને વાર્ષિક એક લાખ ડૉલર એટલે કે 88 લાખ રૂપિયા કરી દીધી છે.

આ સાથે જ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામના આદેશ પર પણ સહી કરી દીધી. કેટલીક વ્યક્તિઓ માટે આની કિંમત દસ લાખ ડૉલર એટલે કે લગભગ નવ કરોડ રૂપિયા અને કંપનીઓ માટે 20 લાખ ડૉલર એટલે કે 18 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

અમેરિકન એચ-1બી વિઝાની શરૂઆત 1990માં થઈ હતી. આ વિઝા કુશળ કર્મચારીઓને અપાય છે. સૌથી વધુ એચ-1બી વિઝા ભારતીયોને મળે છે. એ બાદ ચીનના લોકોને આ વિઝા અપાય છે.

ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અમેરિકા જવાનું સપનું સેવતા હોય છે. અને ગુજરાતીઓ પણ એચ-1બી વિઝા માટે અરજી કરીને ત્યાં જવા આતુર હોય છે.

ટ્રમ્પ પ્રશાસને એચ-1 બી વિઝા પર આ પગલું પોતાની નવી ઇમિગ્રેશન નીતિ અંતર્ગત લીધું છે. અમેરિકન રાષ્ટ્રપતિ સતત એવા આરોપ લગાડતા રહ્યા છે કે બિનઅમેરિકન લોકો અમેરિકન લોકોની નોકરીઓ ખાઈ જઈ રહ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પે વારંવાર એવું કહ્યું હતું કે તેઓ વિદેશીઓને અમેરિકન નોકરીઓ નહીં ખાવા દે.

'ટેક કંપનીઓ હવે ખૂબ ખુશ થશે'

ટ્રમ્પે આ આદેશ પર સહી કરતાં અમેરિકન ટેક કંપનીઓની સંભવિત પ્રતિક્રિયા વિશે કહ્યું, "મને લાગ્યું કે તે આનાથી અત્યંત ખુશ છે."

વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું, "એચ-1બી વિઝા સિસ્ટમનો સૌથી વધુ દુરુપયોગ થઈ રહ્યો છે. આ વિઝા એવા અત્યંત કુશળ કર્મચારી માટે છે જેઓ એવાં ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં અમેરિકાના લોકો કામ નથી કરતા. એવા લોકો આ કામ કરવા અમેરિકા આવે છે."

તેમણે કહ્યું, "હવે કંપનીઓનો એચ-1બી સ્પૉન્સર કરવા માટે એક લાખ ડૉલર આપવાના રહેશે. આનો અર્થ એ છે કે હવે કંપનીઓ આવા અત્યંત કુશળ કર્મચારીઓને જ મોકલશે, જેમનો કોઈ વિકલ્પ નથી."

ખરેખર એચ-1બી વિઝા અંતર્ગત એવા કર્મચારી અમેરિકા પહોંચવા લાગ્યા હતા, જેઓ વાર્ષિક 60 હજાર ડૉલર (લઘુતમ) પર કામ કરવા માટે તૈયાર છે, જ્યારે અમેરિકન ટેકનૉલૉજી કંપનીઓમાં કામ કરનારા સ્થાનિક કર્મચારીઓને સરેરાશ વાર્ષિક વેતન એક લાખ ડૉલર છે.

આ નિર્ણય બાદ વાણિજ્યમંત્રી હૉવર્ડ લટનિકે કહ્યું, "હવે તમે ટ્રેનીઝને એચ-1બી વિઝા પર નહીં રાખી શકો. હવે એ આર્થિકપણે શક્ય નથી. જો તમારે લોકોને તાલીમ આવી હોય તો તમે અમેરિકન નાગિરકોને પ્રશિક્ષિત કરશો, પરંતુ જો તમારી પાસે કોઈ અત્યંત કુશળ એન્જિનિયર છે અને તેમને તેને લાવવા માગો છો તો તમારે એચ-1બી વિઝા માટે વાર્ષિક એક લાખ ડૉલરની ચુકવણી કરવાની રહેશે."

ગત વર્ષે ટ્રમ્પે એચ-1બી વિઝાનું સમર્થન કર્યું હતું, પરંતુ તેમના સમર્થક તેનાથી નારાજ થઈ ગયા હતા.

જોકે, આ વિઝાના સમર્થકોનું કહેવું આ કારણે અમેરિકન ઇન્ડસ્ટ્રીને સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓનો લાભ મળે છે.

ઇન્ડસ્ટ્રીના લોકો શું કહી રહ્યા છે?

ઇ-માર્કેટ વિશ્લેષક જેરેમી ગોલ્ડમૅને સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "કેટલાક સમય માટે અમેરિકાને અભૂતપૂર્વપણે ઘણી સારી કમાણી થશે. પરંતુ લાંબા ગાળે તેને નુકસાન ઉઠાવવું પડી શકે છે. આનાથી તેઓ ઇનોવેશન પર પોતાની સરસાઈ ગુમાવી દેશે. આનાથી અમેરિકા સંરક્ષણવાદને પ્રોત્સાહન આપશે."

વેન્ચર કૅપિટલ ફર્મ મેનલો વેન્ચર્સના પાર્ટનર ડીડીડેસે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે નવી ફી લગાડવાથી અમેરિકા હવે વિશ્વની સૌથી સારી પ્રતિભાઓને આમંત્રિત કરવામાં તકલીફનો અનુભવ કરશે.

તેમણે કહ્યું, "જો અમેરિકા સૌથી સારી પ્રતિભાઓને આકર્ષવાનું બંધ કરી દે છે, તો આ તેની ઇનોવેશન કૅપિસિટી અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની તાકતને ઘણી ઘટાડી દેશે."

એચ-1બી વિઝા શું છે અને એ કોને મળે?

કુશળ કર્મચારીઓ માટે 1990માં શરૂ થયેલા એચ-1બી વિઝા કાર્યક્રમ અંતર્ગત મળતા વિઝાની સંખ્યા 2004માં 84 હજાર કરી દેવાઈ હતી.

આ વિઝા લૉટરી મારફતે ઇસ્યૂ કરાય છે.

અત્યાર સુધી એચ-1બી વિઝાની કુલ પ્રશાસનિક ફી દોઢ હજાર ડૉલર હતી.

યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝના આંકડા પ્રમાણે આગામી નાણાકીય વર્ષ માટે એચ-1બી વિઝાની સંખ્યા ઘટીને 3.59 લાખ રહી ગઈ છે. આ ચાર વર્ષનો સૌથી ઓછો આંકડો છે.

ખરેખર ટ્રમ્પની કઠોર ઇમિગ્રેશન નીતિના કારણે વિઝા અરજીની સંખ્યામાં આ ઘટાડો થયો છે.

અમેરિકન સરકારના આંકડા પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં આનો સૌથી મોટો ફાયદો ટેક કંપનીઓ એમેઝોન, ટાટા, મેટા, ઍપલ અને ગૂગલને થયો હતો.

એચ-1બી વિઝા મેળવનાર લોકોમાં સૌથી વધુ ભારતીયો છે. હાલના આંકડા અનુસાર આ 71 ટકા વિઝા ભારતીય નાગરિકોને અપાયા. એ બાદ 11.7 ટકા વિઝા ચાઇનીઝ નાગરિકોને અપાયા.

ફિલિપાઇન્સ, કૅનેડા અને દક્ષિણ કોરિયાના નાગરિકોને એક-એક ટકા વિઝા મળ્યા.

શું છે ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ?

ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ સાથે સંકળાયેલા જે આદેશ પર સહી કરી છે, તેના અંતર્ગત પ્રથમ તબક્કામાં લગભગ દસ લાખ ગોલ્ડ કાર્ડ જાહેર કરવાની યોજના તૈયાર કરાઈ હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ગોલ્ડ વિઝા માટે રોકાણકારો જે ચુકવણી કરશે, તેનાથી અમેરિકાના રાષ્ટ્રીય દેવાની ચુકવણી ઝડપથી કરી શકાશે. ગોલ્ડ કાર્ડ વિઝા મારફતે લોકો મોટી રકમ ચૂકવીને અહીં રહી શકે છે અને કંપનીઓ કારોબાર કરી શકે છે. તેને ગ્રીન કાર્ડની માફક ગણાવવામાં આવી રહ્યો છે, જે સ્થાયી નાગરિકો પાસે હોય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યોજના ભારતીય પ્રવાસીઓને મોંઘી પડી શકે છે. યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન (યુએસસીઆઇએસ) અનુસાર લગભગ દસ લાખ ભારતીય ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ત્યાં લગભગ 50 લાખ ભારતીયો રહે છે.

આ પગલાથી ભારતને નુકસાન થઈ શકે છે. ભારતીય ધનિક અને રોકાણકારો મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. વિશ્વના જુદા-જુદા દેશોની નાગરિકતા લઈ રહ્યા છે. અમેરિકાએ તેમના માટે મોટો દરવાજો ખોલી દીધો છે.

એપિકલ ઇમિગ્રેશનના નિદેશક અને વિઝા મામલાના જાણકાર મનીષ શ્રીવાસ્તવે બીબીસી સંવાદદાતા આનંદમણિ ત્રિપાઠીને જણાવ્યું હતું કે, "ભારતમાં વ્યવસાય સરળ નથી. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં પણ ભારત ઘણું નીચે છે. આવી સ્થિતિમાં અમેરિકાનું નાગરિકત્વ ઇચ્છતા મોટા ધંધાદારીઓ માટે આ એક મોટો અવસર છે."

તેઓ કહે છે કે આનાથી ગ્રીન કાર્ડ જેવી સુવિધાઓ મળશે. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ નિ:શુલ્ક બનશે. બાળકોનું ભવિષ્ય ઉત્તમ હશે. આના કારણે કરોડપતિઓના પલાયનમાં વધારો થઈ શકે છે.

ભારતનું નાગરિકત્વ છોડનારાની સંખ્યામાં વધારો થયો છે. આ પ્રકારે વિશ્વના ઘણા દેશો નાગરિકત્વ આપી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન