ગુજરાત : ભારે વરસાદથી કચ્છના રણમાં પાણી ઘૂસ્યાં, ઘુડખર સહિત મીઠું પકવતા અગરિયાને શું અસર થઈ?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત અને તેની નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

આ વિસ્તારોની લૂણી, બનાસ અને રેલ વગેરે નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં. તેને કારણે કચ્છનાં નાના અને મોટા રણમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ હતી.

આ વર્ષે રણમાં ઘસી આવેલાં પાણીનું સ્તર વધારે હતું તેથી સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પૂરને કારણે આ વખતે મીઠું પકવતા અગરિયા અને ખેતી કરતા ખેડૂતોને પણ ગંભીર અસર પહોંચી છે.

નિષ્ણાતો એવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે કચ્છના નાના રણમાં પાણીના ઊંચા સ્તરને કારણે મીઠું પકવવાની સિઝન મોડી શરૂ થઈ શકે છે. પરિણામે હજારો અગરિયા પરિવારોની રોજીરોટી પર ગંભીર અસર પડી શકે છે.

બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં પથરાયેલા કચ્છના મોટા રણમાં તથા પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પથરાયેલા નાના રણમાં દર વર્ષે પાણી ભરાય છે. આ પ્રકારે પાણી ભરાય ત્યારે બંને રણમાં બે વિશાળ જળપ્લવિત વિસ્તારોનું નિર્માણ થાય છે, પરંતુ આ વખતે પાણીનું સ્તર વધારે છે.

નિષ્ણાતોના મત પ્રમાણે બંને રણમાં પાણીનું સ્તર વધારે હોવાને કારણે રણમાં રહેતાં પશુ-પંખીને પણ અસર પહોંચી છે. ખાસ કરીને ઘુડખર અને ફ્લેમિંગો પક્ષીને.

કચ્છના અભયારણ્યમાં કેટલાં ઘુડખરનાં મોત થયાં?

વિશ્વમાં જો કોઈ જગ્યાએ ઘુડખર તેના કુદરતી રહેઠાણમાં જોવા મળતા હોય તો તે છે ઘુડખર અભયારણ્ય અને કચ્છનું મોટું રણ.

બનાસકાંઠા (હવે વાવ-થરાદ નામનો નવો જિલ્લા)ના સુઈગામ નજીક આવેલા કચ્છના મોટા રણનો ઉત્તર છેડો ઘુડખર અભયારણ્ય હેઠળ આવે છે.

સુઈગામ નજીક આવેલા નડાબેટ વિસ્તારમાં ઘણાં ઘુડખર સ્થાયી થયાં હોવાનું વનવિભાગના અધિકારીઓ બીબીસી ગુજરાતીને જણાવે છે.

બનાસકાંઠા વનવિભાગના નાયબ વનસંરક્ષક ચિરાગ અમીને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભારે વરસાદને કારણે સુઈગામ તાલુકાના જલોયા ગામેથી નડાબેટ તરફ જતા રોડ પર આવેલા બીએસએફની ચેકપોસ્ટ નજીકના બે ઘુડખરનાં મૃત્યુ થયાં હતાં.

ચિરાગ અમીન વધુમાં જણાવે છે, "ભારે વરસાદને કારણે રણમાં પાણીનું સ્તર ઘણું વધી ગયું હતું. રણમાં આવેલા નડાબેટને જલોયા ગામ સાથે જોડતા રોડ ઉપર પણ પાણી ભરાયાં હતાં. જ્યારે પાણી ઘડ્યું ત્યારે 13 સપ્ટેમ્બરના રોજ અમારા સ્ટાફને બીએસએફ ચેકપોસ્ટ નજીક બે ઘુડખરનાં મૃત શરીર મળી આવ્યાં હતાં. તે પૈકી એક માદા હતી અને એક બચ્ચું હતું."

તેઓ કહે છે કે ડૂબી જવાને કારણે બંનેનાં મોત થયાં હોવાનું અમારું પ્રાથમિક તારણ છે.

વરુઓને કેટલું નુકસાન?

નડાબેટ એ ભારત-પાકિસ્તાનની સરહદ નજીક આવેલું છે અને તે હવે લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. અહીં નજીકમાં આવેલા ઝીરો પૉઇન્ટ તરીકે ઓળખાતા સ્થળે પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે ભારત દ્વારા ઊભી કરવામાં આવેલી તારની વાડ સુધી જઈ શકે છે.

ચિરાગ અમીન વધુમાં જણાવે છે "પૂરને કારણે નડાબેટમાં આવેલા વરુ માટેની સોફ્ટ રિલીઝ ફેસિલિટીની દીવાલને પણ નુકસાન થયું છે.

જોકે, તેમણે કહ્યું હતું, "પૂરને કારણે સોફ્ટ રિલીઝ ફેસિલિટીમાં રાખવામાં આવેલા વરુ તથા આ ફેસિલિટીમાં તાલીમ આપ્યા બાદ વનવિસ્તારમાં છોડી મુકાયેલા વરુઓને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી."

સુરેન્દ્રનગરમાં પૂરને કારણે ઘુડખરોનું સ્થળાંતર

ઘુડખર અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલો છે. ઘુડખર અભયારણ્યનું મુખ્ય મથક પણ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં છે.

ઘુડખર અભયારણ્યના નાયબ વનસંરક્ષક ભરત પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કચ્છના નાના રણમાં પણ આ વર્ષે પાણીનું સ્તર ઘણું વધારે છે.

ભરત પટેલે વધુમાં જણાવ્યું, "ધ્રાંગધ્રા નજીક આવેલા વિસ્તારમાં હજુ પણ ત્રણેક ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં આટલું પાણી ભરાતું નથી. અહીં અચાનક પૂર આવતું નથી. પાણી ફેલાય છે અને તેના સ્તરમાં ધીમે ધીમે વધારો થાય છે. પરિણામે ઘુડખર અને અન્ય વન્ય જીવોને સલામત જગ્યાએ જવાનો સમય મળી રહેતો હોય છે. જોકે, હાલનાં પૂર બાદ અહીં ઘુડખરના મૃત્યુના કોઈ સમાચાર નથી."

ભરત પટેલે એ વાત સ્વીકારી કે આ વર્ષે રણમાં પાણી ભરાવાને કારણે ઘુડખર બીજી જગ્યાએ ખસી ગયા છે.

આ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "પાણી ભરાવાને કારણે ઘુડખર રણમાં આવેલા વચ્છરાજ, પુંગ, નંદા બેટ, માદક જેવા બેટ પર જતાં રહ્યા છે. ઘુડખર રણના કાંઠે આવેલા અભયારણ્યના એક લાખ હેક્ટરના વિસ્તારમાં પણ ઘુડખર સલામતી માટે જતાં રહ્યાં છે."

ખેડૂતો સાથે ઘુડખરોના સંઘર્ષની શક્યતા વધી

ઘુડખરો હવે કાંઠાના વિસ્તારોમાં આવી જતાં તેમનો ખેડૂતો સાથે સંઘર્ષ વધવાનો ભય ઊભો થયો છે.

આ વિશે ભરત પટેલે વાતચીત કરતાં કહ્યું, "અભયારણ્યમાં હાલ તો ઘાસચારો છે, પરંતુ અભયારણ્ય નજીક ખેતીની જમીનો આવેલી છે તેથી તેઓ ક્યારેક ત્યાં પણ ઊભો પાક ચરવા માટે જતાં રહે છે, જેને કારણે તેમની ખેડૂતો સાથેના સંઘર્ષની સંભાવના વધારે પ્રબળ બની છે. ખાસ કરીને લખતર તાલુકામાંથી ખેડૂતોની વધુ ફરિયાદો આવી રહી છે."

ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતી ઇન્ટરનૅશનલ યુનિયર ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર નામની સંસ્થાએ ઘુડખરને લુપ્ત થઈ જવાનો ભયનો સામનો કરતી પ્રાણીઓની શ્રેણીમાં મૂક્યું છે.

ગુજરાત સરકારના સંરક્ષણના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહયોગને કારણે ઘુડખરની વસ્તી છેલ્લાં 50 વર્ષમાં વધી છે. વનવિભાગની માહિતી પ્રમાણે ઘુડખરની વસ્તી જે વર્ષ 2020માં 6,082 હતી જે વધીને 7,672 થઈ ગઈ છે.

કચ્છમાં પૂરને કારણે ફ્લેમિંગોને કેટલી અસર?

ગ્રેટર ફ્લેમિંગો એટલે કે મોટો હંજ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.

ગુજરાતમાં લેસ્સર ફ્લેમિંગો એટલે કે નાનો હંજ પણ વિશાળ સંખ્યામાં ચોમાસાના અંત સમયે અને શિયાળા દરમિયાન દેખાય છે.

ફ્લેમિંગોની આ બંને પ્રજાતિઓ માટે કચ્છનું નાનું રણ અને મોટું રણ સ્વર્ગ સમાન છે.

નાના રણમાં લેસ્સર ફ્લેમિંગો અને મોટા રણમાં ગ્રેટર ફ્લેમિંગો ચોમાસું પૂર્ણ થયા બાદ માળા બાંધે છે અને તેમાં ઈંડાં મૂકે છે. તેઓ તેમનાં બચ્ચાંને પણ અહીં જ ઉછેરે છે.

લાખ્ખો ફ્લેમિંગો નડાબેટ વિસ્તારમાં પોતાનો શિયાળો પસાર કરે છે, પરંતુ અહીં પૂર આવવાને કારણે તેને પણ અસર થઈ છે.

જોકે, હાલ પાણી ભરાવાને કારણે ફ્લેમિંગોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ નથી.

ભરત પટેલ આ વિશે જણાવે છે, "જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો ફ્લેમિંગો ઑગસ્ટમાં જ અહીં આવી જાય છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં તેમનાં બચ્ચાં પણ ઈંડાંમાથી બહાર આવી જાય છે. ફ્લેમિંગોને દોઢ ફૂટ સુધીનું પાણી અનુકૂળ હોય છે, પરંતુ હાલ ઘણા વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયેલાં છે. તેથી ફ્લેમિંગોના પ્રજનન માટે આ સ્થિતિ સાનુકૂળ નથી."

કચ્છ વિસ્તારમાં આવેલા ફૉરેસ્ટ સર્કલના મુખ્ય વનસંરક્ષક સંદીપકુમારે કહ્યું કે "હાલમાં આવેલા પૂરને કારણે કચ્છના પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર તથા બન્ની ગ્રાસલૅન્ડ વિભાગોમાં કોઈ પશુપંખીનાં મોત થયાં હોવાના અહેવાલો નથી."

કચ્છના પૂર્વ વનવિભાગમાં આવતા કચ્છના મોટા રણમાં આવેલા ફ્લેમિંગો સિટી તરીકે વિશ્વવિખ્યાત થયેલા અંડા બેટ અને રાપર નજીકના કુડાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગ્રેટર ફ્લેમિંગો માળા બાંધે છે.

કચ્છના પૂર્વ વનવિભાગના નાયબ વનસંરક્ષક આયુષ વર્માએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "પૂરને કારણે કોઈ ફ્લેમિંગોનાં મૃત્યુ નથી, પરંતુ ફ્લેમિંગો સિટીમાં આ વર્ષે હજુ સુધી ફ્લેમિંગોના માળા ધ્યાને આવ્યા નથી. જોકે, કુડાના રણમાં આ પક્ષીઓએ માળા બાંધ્યા છે અને તેમનો પ્રજનનનો પ્રયાસ સફળ રહ્યો છે."

વડોદરાનાં પક્ષી નિરીક્ષક અનિકા તેરેએ ફ્લેમિંગો પર પીએચ.ડી. કર્યું છે.

અનિકા તેરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "પાણીનું લેવલ જો અનુકૂળ લાગે તો જ ફ્લેમિંગો પ્રજનન કરવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં પહેલાં ચોમાસું જૂન મહિનાના આવી જતું તેથી ફ્લેમિંગો પહેલો સારો વરસાદ થયા બાદ રણમાં પાણી ભરાય એટલે ત્યાં આવી જતા અને માળા બાંધતા."

"પરંતુ તાજેતરનાં વર્ષોમાં ચોમાસુ મોડું આવે છે અને વિદાય પણ મોડું લે છે. તેથી શક્ય છે કે ફ્લેમિંગોના માળા બાંધવાના સમયમાં પણ તે મુજબ ફેરફાર થયો હોય. 2003માં મેં ફ્લેમિંગો સિટીમાં ઓક્ટોબર મહિનામાં માળા જોયેલા છે."

"તેથી એવું નથી કે વધારે પાણી આવી જાય તો ફ્લેમિંગો પ્રજનન કરવાનો પ્રયાસ જ ન કરે. જો પાણીનું સ્તર અનુકૂળ થાય તો ફ્લેમિંગો માળા બાંધવાનો પ્રયાસ કરી શકે છે."

મીઠું પકવતા અગરિયાઓને નુકસાન થયું છે?

કચ્છના નાના રણમાં હજારો અગરિયા શિયાળા અને ઉનાળા દરમિયાન મીઠું પકવીને તેમની આજીવિકા કમાય છે.

આ વખતે રણમાં વધારે પાણી ભરાવાને કારણે તેમના પર પ્રતિકૂળ અસર પડે તેવી સંભાવના છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરતા અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરિણેશ પંડ્યાએ જણાવ્યું, "અગરિયા સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યારે મીઠાના અગર બનાવવા રણમાં જવાનું શરૂ કરે છે."

"દોઢ-બે મહિના સુધી પાટા (મીઠાના અગર) બનાવવા માટે માટીના પાળા બાંધે છે. આ વર્ષે રણમાં પાણીનું સ્તર ઘણું જ વધારે છે. તેથી અગરિયા રણમાં જઈ શકે તેમ નથી. તેને કારણે મીઠું પકવવાની સિઝન દોઢેક મહિનો મોડી શરૂ થશે."

હરિણેશ પંડ્યા વધુમાં ઉમેરે છે, "સિઝન મોડી શરૂ થતાં મીઠાના ઉત્પાદનમાં વીસેક ટકાનો ઘટાડો થશે, કારણ કે મીઠું બનાવવાનું કામ મોડું શરૂ કર્યું હોય તો એપ્રિલ મહિના સુધીમાં અગરિયાઓએ પાટા વાળી દેવા પડશે. જેથી મીઠું જેવું પાક્યું હોય તેવું લઈ લેવું પડશે."

"જો, અગરમાંથી મીઠું ઉપાડવામાં તેનાથી મોડું થાય તો તે વરસાદને કારણે નાશ પામવાની સંભાવના રહે છે. આ વર્ષે મે મહિનામાં વરસાદ થતાં અગરિયાઓને અને તેમની પાસે મીઠું ખરીદતા વેપારીઓને ઘણું નુકસાન થયું હતું."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન