ગુજરાતના પાટનગર ગાંધીનગરની સ્થાપનાનાં 55 વર્ષ બાદ પહેલી વખત પોલીસે 'ઍન્કાઉન્ટર' કરવું પડે એવું તો શું બન્યું હતું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેની સ્થાપનાનાં 55 વર્ષના ઇતિહાસમાં શહેર પહેલી વાર પોલીસ 'ઍન્કાઉન્ટર'નું સાક્ષી બન્યું છે.

બુધવારે સાંજે લૂંટ અને હત્યાનો આરોપી એવા વિપુલ પરમાર ઉર્ફે નીલનું નામ ગાંધીનગરમાં 'પોલીસ ઍન્કાઉન્ટર'માં મૃત્યુ પામેલી પ્રથમ વ્યક્તિ તરીકે નોંધાયું છે.

બુધવારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અડાલજ પોલીસની ટીમો એક સાથે મળીને આરોપીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ગુનાના સ્થળે લઈ ગઈ હતી.

પોલીસનો દાવો છે કે આ દરમિયાન 'ગુનાહિત ઇતિહાસ' ધરાવતા આ આરોપીને હાથકડી પહેરાવેલી હોવા છતાં તેણે પોલીસની સર્વિસ રિવૉલ્વર છીનવી લઈને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસના દાવા પ્રમાણે જવાબી કાર્યવાહીમાં પોલીસે કરેલા ગોળીબારમાં આરોપીનું મૃત્યુ થયું હતું.

ગત 20 સપ્ટેમ્બરના રોજ રાત્રે સવા એક વાગ્યે અમદાવાદના વૈભવ મનવાણી અને તેમનાં મહિલા મિત્ર તપોવન સર્કલથી ગાંધીનગર તરફ જતા રોડ પર અંબાગામ પાસે આવેલી નર્મદા કૅનાલની બાજુના રોડ પર એક સાથે કારમાં બેઠાં હતાં.

આરોપ છે કે એ સમયે આરોપી વિપુલે લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી વૈભવનું મોત નિપજાવ્યું હતું. જેમાં વૈભવનાં મહિલા મિત્રને પણ ગંભીર ઈજા થઈ હતી.

આ જ ઘાયલ થયેલાં મહિલા મિત્રએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર આરોપી મોબાઇલ અને રોકડ રૂપિયા લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

એક તરફ વૈભવના પરિવારજનોએ વિપુલના 'ઍન્કાઉન્ટર' બદલ 'પરિવાર માટે મળેલો ન્યાય' ગણાવી પોલીસનો 'આભાર' વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુએ વિપુલના પરિવારજનો આ કાર્યવાહીને દીકરાનાં 'કર્મોનું ફળ' ગણાવી રહ્યા છે.

જોકે, આ દરમિયાન કાયદાના નિષ્ણાતો રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી દરમિયાન વીડિયોગ્રાફરને હાજર નહીં રાખી પોલીસે 'ભૂલ' કરી હોવાની વાત કરી રહ્યા છે.

એવું શું થયું કે પોલીસને 'ઍન્કાઉન્ટર' કરવું પડ્યું?

વૈભવનાં મહિલા મિત્રએ ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે લખાવેલી ફરિયાદ મુજબ એ દિવસે તેમના મિત્ર અને મૉડલ વૈભવનો જન્મદિવસ હતો.

જેની પાર્ટી કરીને બંને ગાંધીનગરમાં અંબાપુર નર્મદા કૅનાલના રસ્તે બંને કારની પાછલી સીટમાં બેઠાં હતાં. ત્યારે અચાનક એક વ્યક્તિએ આવી કારનો દરવાજો ખોલીને લૂંટ ચલાવી. વૈભવે પ્રતિકાર કરતાં આ વ્યક્તિએ છરીના ઘા માર્યા હતા.

આ ઘટનામાં મહિલાને પણ ઈજા પહોંચતાં હાલ તેઓ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી હત્યા કરી રાજકોટમાં છુપાયેલા આરોપી વિપુલ પરમારની ગત 23 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી, 24 સપ્ટેમ્બરે તેને ગાંધીનગર પોલીસને સોંપી દેવાયો હતો.

વિપુલને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી માટે લઈ જતી વખતે શું બન્યું?

ગાંધીનગર રેન્જ આઇજી વીરેન્દ્રસિંહ યાદવે ધરપકડ બાદ કરાયેલી કાર્યવાહી અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી અમે કાનૂની પ્રક્રિયા મુજબ પહેલાં એનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. ત્યાર બાદ એને હત્યાના સ્થળે હાથકડી પહેરાવી લઈ જવામાં આવી રહ્યો હતો. બે અલગ અલગ કારમાં લગભગ છથી સાત પોલીસ અધિકારીઓ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવા ગયા હતા. એ સમયે ડ્રાઇવરની બાજુની સીટ પર એક પીએસઆઇ બેઠા હતા."

તેમના દાવા પ્રમાણે પોલીસના વાહનમાં પાછળ જમણી તરફ પીએસઆઇ પાટડિયા અને એની બાજુમાં આરોપી વિપુલ અને ડાબી બાજુ હેડ કૉન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બેઠા હતા.

તેઓ પોલીસની ટીમની વિગતો આપતાં આગળ કહે છે, "પાછળની કારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર દીવાનસિંહ વાળા અને હાર્દિક પરમાર હતા."

"હત્યાનું સ્થળ આવતાં પોલીસની કાર ધીમી પડી ત્યારે આરોપી વિપુલે પીએસઆઇ પાટડિયાની સર્વિસ રિવૉલ્વર ચાલાકીથી લઈ લીધી, પણ હેડ કૉન્સ્ટેબલ રાજેન્દ્રસિંહની નજર પડતાં એમને વિપુલને દબોચી રિવૉલ્વર પાછી લેવાનો પ્રયાસ કર્યો."

વીરેન્દ્રસિંહ વધુમાં જણાવે છે કે "આ ઝપાઝપીમાં વિપુલે ગોળીબાર કર્યો. જેમાં હેડ કૉન્સ્ટેબલ રાજેન્દ્રસિંહના ડાબા હાથની કોણી પર ઈજા થતાં આરોપી પોલીસની વાનમાંથી નીચે ઊતરીને ભાગવા લાગ્યો."

"એ સમયે પાછળની કારમાં આવી રહેલા પીઆઇ દીવાનસિંહે તેને રોકવાનો પ્રયાસ કરતાં એ પોલીસની બીજી કાર પર ગોળી છોડી કૅનાલની બાજુમાં ઝાડીમાં નાસી ગયો અને ત્યાંથી ગોળીબાર કરતો રહ્યો."

"એટલે પોલીસે પહેલાં એના પગમાં ગોળી મારી. જોકે, તેણે પ્રતિકાર કર્યો. બંને પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને વાળાએ ગોળીબાર કરતાં આરોપી અવાવરું ઝાડીમાં 30 મીટર જેટલું ભાગ્યો અને બાદમાં ઢળી પડ્યો હતો."

તેમના જણાવ્યા પ્રમાણે પોલીસે તાત્કાલિક ઍમ્બુલન્સ બોલાવી હતી. જોકે, ડૉક્ટરે વિપુલને તપાસતાં એ મૃત હોવાનું માલૂમ પડ્યું હતું.

હેડ કૉન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ડાબા હાથમાં ગોળી વાગતાં એમનું ઑપરેશન કરી સારવાર આપવામાં આવી રહી છે.

યાદવે આગળ કહ્યું કે, "પોલીસે રિકન્સ્ટ્રક્શન અને કાનૂની કાર્યવાહી શરૂ કરે એ પહેલાં આરોપીએ પોલીસની રિવૉલ્વર છીનવી ગોળીબાર કર્યો હતો. તેથી પંચનામાની અને રિકન્સ્ટ્રક્શનની વીડિયોગ્રાફી માંટે કોઈ આવે એ પહેલાં બધું બની ગયું."

આ સમગ્ર મામલાની તપાસ અંગે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "અમે હવે ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવી રહ્યા છીએ અને બેલેસ્ટિક રિપોર્ટ પણ મંગાવી રહ્યા છીએ. ત્યાર બાદ પોલીસે કેટલું ફાયરિંગ કર્યું અને આરોપીએ કેટલું ફાયરિંગ કર્યું એ તમામ વિગતો બહાર આવશે. અમે ઍન્કાઉન્ટરના કેસની તપાસ માંટે ડીવાયએસપી ડી. ટી. ગોહીલની અધ્યક્ષતામાં એક ટીમ પણ બનાવી છે."

આ ઘટના અંગે બીબીસી ગુજરાતીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાળા અને પરમાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પણ તપાસ ચાલુ હોવાથી તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

તો ડીવાયએસપી દિતિ ગોહીલે પોતે પોસ્ટમૉર્ટમ અને બેલેસ્ટિક રિપોર્ટ બાદ વધુ વિગતો આપી શકશે એવું કહીને કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

કોણ છે વિપુલ પરમાર?

અશોક મિલ પાસે આવેલી બંસીની ચાલમાં રહેતા વિપુલ પરમારના પિતા સીઆરપીએફમાં કામ કરતા હતા.

આ વિસ્તારના સામાજિક કાર્યકર અને શાંતિ સમિતિના સભ્ય ભરતસિંહ રાણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, " વિપુલના પિતા વિષ્ણુભાઈએ બીજાં લગ્ન કર્યાં હતાં. એમાં દીકરા વિપુલે ભણવાનું છોડી દીધું હતું. 35 વર્ષના વિપુલે 17-18 વર્ષની ઉંમરથી પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું. એ ચાલમાં રહેતી છોકરીઓ અને મહિલાઓને હેરાન કરતો."

"એ જેમ મોટો થતો ગયો એમ એ સગાંવહાલાંના ઘરે શુભ પ્રસંગમાં નાની-મોટી ચોરીઓ કરતો. એના પિતા વિષ્ણુભાઈ એને ઠપકો આપે તો એ હથિયાર બતાવતો. વાત એટલી હદે વણસી ગઈ હતી કે વિપુલની આવી હરકતોને કારણે વિષ્ણુભાઈનો એમના સમાજ અને બંસીની ચાલમાંથી બહિષ્કાર થાય એવી નોબત આવી ગઈ હતી."

"એટલે 2017માં એની હરકતોથી પરેશાન થઈને એમના પરિવારે અખબારમાં જાહેરાત આપી હતી કે એમનો વિપુલ સાથે કોઈ સંબંધ નથી. એ પછી વિપુલે અમદાવાદના શહેરકોટડા અને નારોલમાં પોતાની ગૅંગ બનાવવાનો પ્રયાસ કર્યો, પણ એમાં ફાવ્યો નહીં."

તેઓ વિપુલ અને તેમના પરિવાર અંગે વધુ વિગતો આપતાં કહે છે કે, "એટલે પરિવાર સાથે ઝઘડો કરી દહેગામના કડાદરા ગામમાં પોતાના પૈતૃક મકાનમાં રહેવા જતો રહ્યો હતો. એ પછી એ ગાંધીનગરની આસપાસ નર્મદા કૅનાલ પર લોકોને લૂંટતો હતો. 2021માં હત્યાના કેસમાં પકડાયા પછી એ જેલમાં હતો, પણ ઑક્ટોબર 2024માં પિતાનું અવસાન થતાં એને જમીન મળ્યા હતા અને એ પછી એ બહાર ફરતો હતો."

સામાજિક કાર્યકર રાણાની મદદથી બીબીસી ગુજરાતીએ વિપુલનાં માતા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે, "ભૂતકાળમાં એ ઘરે ઝઘડા કરતો હતો, એની બહેનો સાથે પણ ઝઘડતો હતો. એટલે અમે એની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. એની હરકતોને કારણે પોલીસ અમારી પાસે આવતી હતી, પણ દરેકને કર્મનું ફળ મળે છે. એટલે પોલીસે કરેલી કાર્યવાહી સામે અમે કોઈ વિરોધ કરવાના નથી."

વિપુલનો ગુનાહિત ઇતિહાસ

અમદાવાદના જૂના વાડજ દધીચિ બ્રિજ પાસે આવેલા સાબરનગરમાં રહેતાં સ્મિતા (નામ બદલ્યું છે) 2021માં પોતાના મિત્ર અજય સાગર સાથે ઝુંડાલ નર્મદા કૅનાલ પાસે ઍક્ટિવા લઈને ઊભાં હતાં ત્યારે વિપુલે એમને લૂંટવાના ઇરાદે છરીના ઘા માર્યા હતા. સ્મિતાએ બૂમાબૂમ કરતાં રસ્તે જતા લોકો આવી ગયા હતા.

જોકે, છરીના ઘા વાગવાને કારણે અજયનું મુત્યુ થયું હતું. આ કેસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી. ઝાલાએ ઉકેલ્યો હતો. ત્યારે વિપુલે કહ્યું હતું કે એનાં લાંબા સમયથી લગ્ન થતાં નથી અને અને કૅનાલ પર પ્રેમીપંખીડાઓને જોઈ એને ગુસ્સો આવતો હતો. એટલે એ એમની પર હુમલો કરી લૂંટી લેતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં સીસીટીવી ઓછા હોઈ અને પ્રેમીપંખીડાની અવરજવર હોવાને કારણે પોલીસ ફરિયાદ ઓછી થવાની શક્યતા હતી, તેથી વિપુલ આવા લોકોને જ નિશાન બનાવતો હતો.

વિપુલ આ હત્યાના કેસમાં જ જેલમાં હતો.

વિપુલના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ તેની સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ઘરફોડ ચોરીનો કેસ નોંધાયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ 2017થી 2019 સુધીમાં એની સામે અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને મારામારીના ત્રણ અને મેઘાણીનગર તથા નારોલમાં પોલીસ સ્ટેશનમાં પણ મારામારી, લૂંટના ગુના નોંધાયા હતા.

વિપુલ અમદાવાદમાં 'લિસ્ટેડ હિસ્ટ્રીશીટર' બનતાં એ ગાંધીનગરની નર્મદા કૅનાલ પર લૂંટ કરતો હતો. વૈભવની હત્યા એ કૅનાલ પર હત્યાનો વિપુલ સામે નોંધાયેલો બીજો ગુનો હતો.

શું કહે છે કાયદાના નિષ્ણાત?

માનવાધિકાર સંબંધિત કેસો લડતા વકીલ અને કાયદાના નિષ્ણાત શમશાદ પઠાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ઍન્કાઉન્ટર સાચું હતું કે ખોટું એની ઉપર હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પણ પોલીસે રિકન્સ્ટ્રકશન કરતાં પહેલાં પંચોને સાથે રાખવા જોઈએ. પોલીસ સ્ટેશનથી નીકળતાંની સાથે જ તેમને કાયદા મુજબ વીડિયોગ્રાફર સાથે રાખવો જોઈએ. આ પોલીસની મોટી ભૂલ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન