ગુજરાત : અડાલજ લૂંટ અને હત્યાના આરોપીનું ગાંધીનગર પોલીસે 'ઍન્કાઉન્ટર' કેમ કર્યું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગાંધીનગરના અંબાપુર ગામ પાસે કૅનાલ પર લૂંટના ઇરાદાથી યુવકની હત્યા કરવાના મામલામાં આરોપી નીલ ઉર્ફે વિપુલ પરમારનું 'પોલીસ ઍન્કાઉન્ટર'માં મોત થયું છે.

અડાલજ પાસેના હત્યાના આ બનાવ બાદ નાસતા ફરતા આરોપીની રાજકોટના કાગદડી ગામથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ પ્રમાણે બનાવની વિગત એવી છે કે 20 તારીખે રાત્રે 1.15 વાગ્યાની આસપાસની અમદાવાદના વૈભવ મનવાણી અને તેમનાં એક મહિલા મિત્ર ગાડીમાં હતાં ત્યારે આરોપી વિપુલ પરમારે લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં વૈભવનું મોત થયું હતું. હુમલામાં વૈભવનાં મહિલા મિત્રને ગંભીર ઈજાઓ થતાં તે હાલ સારવાર હેઠળ છે.

વૈભવનાં આ મિત્રએ અડાલજ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજકોટથી પકડીને અડાલજ પોલીસને સોંપ્યો હતો. પોલીસ આ કેસ મામલે તપાસની કાર્યવાહી કરી રહી હતી.

દરમિયાન બુધવારે સાંજે ચાર કલાકની આસપાસ પોલીસ આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે ગઈ હતી અને ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 'આરોપી વિપુલ પરમારે પોલીસનું હથિયાર લઈને ભાગવાની કોશિશ કરી હતી અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કર્યો હતો અને તેમાં વિપુલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.'

બુધવારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અડાલજ પોલીસ સાથે મળીને આરોપી વિપુલ પરમારને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ગુનાના સ્થળે લઈ ગઈ હતી.

પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ દરમિયાન વિપુલ પરમારે કથિત રીતે એક પોલીસ અધિકારી પાસેથી સર્વિસ રિવૉલ્વર છીનવી લીધી હતી અને ભાગી જવાના પ્રયાસમાં ગોળીબાર કર્યો હતો.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગાંધીનગર LCBના કર્મચારીઓએ 'સ્વબચાવ'માં ગોળીબાર કર્યો હતો. જેમાં વિપુલ પરમારને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વિપુલ પરમારના 'ઍન્કાઉન્ટર' બાદ પોલીસે શું કહ્યું?

આરોપી વિપુલ પરમારના 'ઍન્કાઉન્ટર' અંગે ગાંધીનગરના રેન્જ આઇજી વીરેન્દ્રસિંહ યાદવે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે "આરોપી નિલ ઉર્ફે વિપુલ પરમાર જે કેસનો આરોપી હતો તેની તપાસ કરવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ(એલસીબી)ની ટીમ દ્વારા બે વાહનો સાથે લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ હાજર પોલીસકર્મી પાટડિયાની રિવૉલ્વર છીનવી ફાયરિંગ કર્યું હતું. તેની જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. તેમાં આરોપીનું મોત થયું છે. ઘટના સમયે આરોપીને હાથકડી પહેરાવેલી હતી."

વીરેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે "આરોપીએ કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યુંં હતું અને જવાબી કાર્યવાહીમાં પોલીસે કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેની જાણકારી હથિયારના એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ જ મળી શકશે. આરોપીને કેટલી ગોળી વાગી છે તે અંગે પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં જ જાણી શકાશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે "મૃતક આરોપીનું પોસ્ટમૉર્ટમની કરવામાં આવશે. હાલ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મૃતક આરોપીનું પોસ્ટમૉર્ટમ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ ઍન્કાઉન્ટરની કાયદેસરની તપાસ કરશે."

ફાયરિંગ કોણે કર્યુ હતું તે અંગે વિગતો આપતાં વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે "ઘટના સ્થળ પર ગાંધીનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દિવાનસિંહ વાળા અને હાર્દિક પરમારની ટીમ હાજર હતી. આ બન્ને પીઆઇ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આરોપીએ કરેલા ફાયરિંગમાં એક પોલીસ કર્મી ઘાયલ છે. જેમનું હૉસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યુ છે."

તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપી હતી કે "મૃતક આરોપીના પરિવારને જાણ કરવામાં આવી છે."

જોકે, જેમની હત્યા થઈ હતી તે પીડિત વૈભવનો પરિવાર ઘટનાસ્થળ પર કેવી રીતે પહોંચ્યો હતો તે અંગે તેમણે જવાબ આપ્યો હતો કે પોલીસે તેમને જાણ કરી ન હતી.

આ ઘટનામાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહને ઇજા થઈ છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પીડિત પરિવારે શું કહ્યું?

ઍન્કાઉન્ટર જે જગ્યા પર થયું ત્યાં મૃતક વૈભવના પરિવારના લોકો પહોંચ્યા હતા.

તેમના પરિવારના લોકોએ ઘટનાસ્થળ પરથી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અમારો દીકરો જન્મદિવસની ઉજવણી માટે જઈ રહ્યો હતો. આ ઘટનાથી અમે તૂટી ગયા છીએ."

"આરોપીનું મોત થયું તેનાથી અમારો દીકરો પરત આવવાનો નથી પરંતુ આ આરોપીને કારણે અન્ય દીકરાઓ બચી ગયા છે, તેથી અમે પોલીસની કાર્યવાહીથી ખુશ છે."

હત્યાની રાત્રે શું બન્યું હતું?

આ ઘટના અંગે વૈભવની મિત્રએ 20 તારીખે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૃતક વૈભવનો 19 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસની ઉજવણી બાદ મિત્રોને ઘરે ઉતારી વૈભવ અને તેમનાં મહિલા મિત્ર તપોવન સર્કલથી ગાંધીનગર તરફ જતાં રોડ પર અંબાગામ પાસે આવેલ નર્મદા કૅનાલની બાજુમાં રોડ પર ગાડીમાં બેસીને વાત કરી રહ્યાં હતાં. તે સમયે આ ઘટના ઘટી હતી.

ઘટના અંગે વૈભવનાં મહિલા મિત્રએ ફરિયાદમાં જણાવ્યું છે, "ગાડીની પાછળની સીટ પર બેસીને અમે બન્ને વાત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એક અજાણ્યા યુવકે ગાડીનો દરવાજો ખોલી નાખ્યો હતો. અમે ગભરાઈ ગયાં હતાં. આ અજાણ્યા માણસે અમારી પાસે ઘરેણાં અને મોબાઇલ- જે પણ વસ્તુ હોય તે આપી દેવા કહ્યું હતું."

ફરિયાદમાં જણાવ્યા અનુસાર વૈભવે આરોપી સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ. ત્યાર પછી આરોપીએ તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે વૈભવને પહેલા માથાના ભાગે અને પછી શરીરના અલગ-અલગ ભાગમાં ઈજા પહોંચાડી હતી.

હુમલા બાદ વૈભવ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.

ફરિયાદમાં વૈભવનાં મહિલા મિત્રે લખાવ્યું છે કે "હું વૈભવને બચાવવા માટે વચ્ચે પડી તો તેણે મને ગળે અને હાથના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા."

પોલીસ ફરિયાદ પ્રમાણે વૈભવનાં આ મિત્ર પાસેથી આરોપીએ બધું લૂંટી લીધું હતું અને તે વૈભવની ગાડી લઈને ભાગી ગયો હતો.

પછી વૈભવનાં મહિલા મિત્રએ હાઇવે પાસે જઈને કોઈનો ફોન માગીને પરિવારમાંથી મદદ માગી હતી. ઘટનાની જાણ થતાં તેમનાં માતાપિતા ઘટનાસ્થળે આવ્યાં હતાં અને વૈભવને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં.

સારવાર દરમિયાન વૈભવનું મોત થયું હતું. દરમિયાન વૈભવની ગાડી પણ કૅનાલ પાસેથી મળી આવી હતી.

આરોપી વિપુલ પરમારને પોલીસે કેવી રીતે પકડ્યો?

પોલીસના જણાવ્યા અનુસાર વૈભવ હત્યા કેસના આરોપી વિપુલ પરમાર સામે 10થી વધુ કેસો નોંધાયેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર વિપુલની સામે હત્યાનો પણ એક ગુનો નોંધાયેલો હતો. જોકે, કોર્ટે તેને જામીન પર છોડ્યો હતો અને તેથી તે બહાર હતો.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ડીસીપી અજિત રાજ્યએ મીડિયાને આ વિશે વાતચીત કરતાં જણાવ્યું હતું, "પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે આરોપી આ વિસ્તારમાં રોજ ફરતો રહેતો હતો. બનાવના દિવસે તે ગાડી જોઈ ગયો અને લૂંટના ઇરાદે તે વૈભવની કાર પાસે આવ્યો હતો અને લૂંટ મચાવી હતી. દરમિયાનમાં તેણે વૈભવ અને તેમનાં મહિલા મિત્ર પર હુમલો પણ કર્યો હતો."

અજિત રાજ્યએ વધુમાં જણાવ્યું કે "આરોપીને શોધવા માટે પોલીસ તમામ પ્રયત્નો કરી રહી હતી. દરમિયાન તેને મીડિયા મારફતે ખબર પડી ગઈ હતી કે પોલીસ તેને શોધી રહી છે. તેથી તે અલગ-અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો."

પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપી વિપુલ સાથે પરિવારના લોકોએ સંબંધ તોડી નાખ્યો હતો અને તે એકલો જ રહેતો હતો.

દરમિયાન પોલીસને જાણકારી મળી કે આરોપી રાજકોટ છે તેથી ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન