ગુજરાત સરકારે અચાનક રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી કેમ આપી?

તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવાઈ છે.

આ સાથે જ હવે રાજ્યમાં તાલુકાની સંખ્યા વધીને 265 થશે.

ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણય અંગે કહ્યું હતું કે વર્ષ 2013 પછી પ્રથમ વખત જિલ્લા તાલુકાની સંખ્યામાં મોટા ફેરફારનો નિર્ણય લેવાયો છે.

જાહેરાત પ્રમાણે રાજ્ય મંત્રીમંડળે આ બેઠકમાં બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો તેમજ 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચનાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

રાજ્ય સરકારે નવા તાલુકાની રચના માટે તર્ક આપતાં જણાવ્યું હતું કે 'આ નિર્ણયથી મુખ્ય મંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતાં નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ શક્ય બનશે.'

બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારે અચાનક રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપવાનાં નિર્ણય પાછળનાં સંભવિત કારણો અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, રાજકીય નિષ્ણાતો અને વિપક્ષના નેતા સરકારના આ તર્કને 'શંકાની દૃષ્ટિ'એ જુએ છે.

એ પહેલાં જાણીએ નવા નિર્ણય પ્રમાણે હવે રાજ્યમાં કયા તાલુકામાંથી આ નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવશે.

વર્તમાન 21 તાલુકામાંથી બનશે નવા 17 તાલુકા

રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અનુસાર ગુજરાતના કુલ 11 જિલ્લાના 21 તાલુકામાંથી આ 17 નવા તાલુકાની રચના કરાશે.

મહીસાગર અને પંચમહાલ જિલ્લાના હાલના સંતરામપુર અને શહેરા તાલુકામાંથી નવો તાલુકો - ગોધર બનાવવામાં આવશે.

આ સિવાય મહીસાગરના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો અસ્તિત્વમાં આવશે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાંથી ચીકદા નામનો નવો તાલુકો બનાવાશે.

વલસાડના વાપી ગ્રામ્ય, કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોંઢા તાલુકો અસ્તિત્વમાં આવશે.

બનાસકાંઠાના થરાદ, વાવ, કાંકરેજ, દાંતા તાલુકામાંથી અનુક્રમે રાહ, ધરણીધર, ઓગ અને હડાદ નામના નવા તાલુકા બનશે.

દાહોદના ઝાલોદ અને ફતેપુરામાંથી ગોવિંદ ગુરુ લિમડી અને સુખસર તાલુકા બનાવાશે.

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાંથી કદવાલ તાલુકો બનશે.

ખેડાના કપડવંજઅને કઠલાલમાંથી ફાગવેલ નામક તાલુકો અસ્તિત્વમાં આવશે.

અરવલ્લીના ભિલોડા અને બાયડમાંથી અનુક્રમે શામળાજી અને સાઠંબા તાલુકા બનશે.

તાપીના સોનગઢમાંથી ઉકાઈ અને સુરતના માંડવી અને મહુવામાંથી અનુક્રમે અરેઠ અને અંબિકા તાલુકા બનાવાશે.

શું કહે છે રાજકીય નિષ્ણાત?

નવા તાલુકાની રચનાના નિર્ણય અંગે વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, "આ બધું સત્તાના વિકેન્દ્રીકરણના નામે ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે લોકોએ સેવાઓ માટે પોતાના ઘરથી ઝાઝું દૂર જવું પડે નહીં. પરંતુ આ માત્ર ને માત્ર કાગળ પરની વાત છે. વાસ્તવિકતાથી દૂર છે."

"1997થી નવા બનેલા જિલ્લા અને અત્યાર સુધી બનેલા નવા તાલુકાઓમાં અનેક જગ્યાએ હજુ સુધી પૂરેપૂરી વહીવટી સેવાઓ પણ પહોંચી નથી. એટલે માત્ર નવા તાલુકા બનાવવાથી કે નવા જિલ્લા બનાવવાથી વહીવટી તંત્રનું વિકેન્દ્રીકરણ થાય, લોકો માટે સેવાઓ મેળવવાનું સરળ બને એ વાતમાં માલ નથી."

તેઓ આ નિર્ણય પાછળ રાજકીય હેતુ હોવાની વાત કરતાં કહે છે કે, "આ બધું રાજકીય હેતુથી કરાયું હોય એવું લાગે છે. જેથી લોકો આ પગલાંથી ખુશ થાય અને મત આપે. જોકે, આવું કરવાથી જે તે પક્ષને રાજકીય લાભ થાય એવું પણ બનતું નથી."

હરેશ ઝાલા કહે છે કે, "આ બહુ સાદી વાત છે. આ આખા ગુજરાતનું શહેરીકરણ કરવાની વાત છે. કારણ કે ગ્રામ્ય મતો સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં પડતા હોય છે. તેથી આવું પગલું લઈને ગણતરીની જગ્યાએ સાદાં કામ કરાવીને લોકોને ખુશ કરી શકાય છે. આ નિર્ણય ગુજરાતના સંપૂર્ણ શહેરીકરણ તરફ દોરી અને વોટ કંટ્રોલ કરવાની વાત છે."

નિર્ણય અંગે વિપક્ષનું શું કહેવું છે?

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ નિર્ણય અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "સરકારે લાંબા સમયથી નવા તાલુકાની રચનાનો નિર્ણય અટકાવી રાખ્યો હતો. તાલુકો મોટો હોય ત્યારે લોકો તાલુકા કક્ષાએ પોતાનાં કામ કરાવવા માટે વ્યાપક હેરાનગતિનો ભોગ બને છે. લોકશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ મહત્ત્વપૂર્ણ હોય છે. જોકે, આ સરકારમાં ભલે ગમે એટલાં નવા તાલુકા, નગરપાલિકા કે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવે, પરંતુ ગુજરાતમાં મૂળભૂત રીતે તો સત્તાનું કેન્દ્રીકરણ છે."

"હાલમાં ગુજરાતમાં દિલ્હીથી આવતા ફોન પર મળેલાં સૂચનો પ્રમાણે સરકાર ચાલે છે."

તેઓ નવા તાલુકાની રચનાની જાહેરાતનો હેતુ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 'જાણીજોઈને વિલંબ' કરવા માટેની વ્યૂહરચના હોવાની શક્યતાને નકારતા નથી.

મનીષ દોશી કહે છે કે, "એવી વાત સાચી છે કે જ્યારે સરકારને પોતાના વિરુદ્ધનો મત લાગે ત્યારે લાંબા સમય સુધી તે ચૂંટણીઓ પાછી ઠેલે છે. આવું જ તાજેતરમાં જોવા મળ્યું હતું. જેમાં ગુજરાત સરકારે પાંચ હજાર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી હતી. જેમાં ઓબીસી પંચના અહેવાલનું કારણ આગળ ધરાયું હતું."

"સરકારની મંશા સ્પષ્ટ છે. આ સરકાર પ્રજાલક્ષી નહીં, પરંતુ ચૂંટણીલક્ષી નિર્ણયો લે છે."

બીજી તરફ આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા કહે છે કે, "અમે એવું માનીએ છીએ કે સત્તાનું જેટલું વિકેન્દ્રીકરણ થાય અને જેટલાં નવાં યુનિટો અસ્તિત્વમાં આવે એટલું સારું."

"કેટલાક મોટા તાલુકામાં લોકો માટે તાલુકામથકે પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. અમે આ નિર્ણયથી સહમત છીએ."

જોકે, તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "પરંતુ મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે સરકાર કોઈ પણ કામ નીતિ અને વિઝન સાથે નથી કરતી. આવું જ આ નિર્ણયમાં પણ દેખાય છે. અહીં અચાનક જ તાલુકા બનાવવાની જાહેરાત કરી દેવાઈ છે. હવે આ નિર્ણય બાદ તંત્રને તેમાં જોતરી દેવાશે."

મનોજ સોરઠિયા આગળ કહે છે કે, "આના કારણે એવી પણ શક્યતા છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા હતી. જોકે, આ નિર્ણય બાદ હવે એ ચૂંટણીઓ યોજવામાં વિલંબ થાય એવી પણ શક્યતા છે."

તેઓ આગળ કહે છે કે, "આ સિવાય અહીં એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે આ નવા તાલુકાની યાદીમાં સૌરાષ્ટ્રના કોઈ તાલુકા કેમ નથી. મોટા ભાગના તાલુકા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જ કેમ છે?"

આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા કરાઈ રહેલા આરોપો અંગે ભાજપ અને રાજ્ય સરકારમાંથી કોઈ પ્રતિક્રિયા મેળવી શકાઈ નથી.

ગુજરાત સરકારે શું કહ્યું?

ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાની રચના અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાની રચનાનો નિર્ણય કર્યો છે."

"મુખ્ય મંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્ય મંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવાં બનનારાં તાલુકામથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે."

તેમણે કહ્યું હતું કે, "આ નવા 17 તાલુકાની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાની સંખ્યામાં દસ તાલુકાનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે."

"એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે."

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, "દેશમાં વિકાસના રોલ મૉડલ અને ગ્રોથ ઍન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાને પણ વિકાસના મૉડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્ત્વનો પુરવાર થશે. નવા તાલુકાની રચના અંગેનું વિધિવત્ જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન