You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અભરામ ભગત : 'જય આદ્યા શક્તિ...' આરતીને ગુજરાતમાં ઘેરઘેર ગૂંજતી કરનાર મુસ્લિમ ભજનિકની કહાણી
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
'આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.'
ગુજરાતના જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ 'મિસ્કીન'નો આ શેર ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક અભરામ ભગતના જીવનને બંધબેસતો આવે છે.
કારણ કે માત્ર કંઠના જોરે દેશ-વિદેશમાં નામના મેળવનાર અભરામ ભગતનું જીવન પણ ઘણું સંઘર્ષમય રહ્યું છે.
દાયકાઓથી નવરાત્રીમાં તેમના કંઠે ગવાયેલી "જય આદ્યા શક્તિ..." આરતીનો રણકાર આપણા સૌના કાને જાણે-અજાણ્યે પહોંચ્યો જ હશે.
સેંકડો ભજનો થકી ગુજરાતની ભજનિક પરંપરાને લગભગ ત્રણ દાયકા સુધી દીપાવનાર અભરામ ભગતનાં ભજનો આજે પણ હજારો લોકોનાં જીવન સાથે વણાયેલાં છે. આ અહેવાલમાં અભરામ ભગતના જીવન પર એક નજર...
અભરામ ભગતે નાની ઉંમરે જ પગ ગુમાવ્યો
અભરામ ભગત (ઇબ્રાહીમ કરીમ સુમરા)નો જન્મ જેતપુરના નવાગઢ ગામે 24 ઑક્ટોબર, 1920ના રોજ મુસ્લિમ સિપાઈ પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ લાડુબાઈ હતું. તેમના પિતા પોલીસ ખાતામાં હતા અને પરિવાર મોટો હોવાને કારણે ભરણપોષણ મુશ્કેલ થઈ જતું હતું.
અભરામ ભગતના પુત્ર મિહિર સાથે બીબીસીએ વાત કરી હતી અને તેમણે તેમના પ્રારંભિક જીવન વિશે માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પ્રમાણે 15 વર્ષના હતા ત્યારે જ ઇબ્રાહીમનાં માતાનું અવસાન થઈ ગયું હતું. તેમના પિતાએ બીજાં લગ્ન કર્યાં એ પછી નવાં માતાએ કહ્યું કે ઇબ્રાહીમને કામે મોકલો. એક ફૅક્ટરીમાં તેઓ કામ કરતા હતા અને તેમનો પગ ઍક્સપેલરમાં આવી જતા એક પગ કાપવો પડ્યો હતો.
મિહિરભાઈ કહે છે, "જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેઓ ખૂબ રડ્યા હતા અને એવું કહેતા કે રડી રડીને આખો ઝભ્ભો ભીંજાઈ ગયો હતો. સતત વિચારતા રહેતા કે હવે મારું શું થશે?"
પણ કદાચ આટલેથી એમના જીવનનો સંઘર્ષ અટકવાનો નહોતો.
મિહિરભાઈ જણાવે છે એ પ્રમાણે, "તેમને ઘરમાંથી કાઢી મૂક્યા પછી તેઓ ગામના એક ખેડૂતને ત્યાં રોટલા ખાઈને મોટા થયા હતા. ગામની મસ્જિદના ઓટલે તેમણે પાનની દુકાન ખોલી હતી. એમાં પણ કોઈ મદદ કરે ત્યારે કામ થઈ શકતું."
"દુકાનની નજીકમાં આવેલા શિવમંદિરમાં સવાર-સાંજ ધૂન-ભજન થતાં એ ખૂબ સાંભળતા. તેમના કાકાને એવું લાગ્યું કે ઇબ્રાહીમનો અવાજ સારો છે. આથી, તેમને થોડી ટ્રેનિંગ આપી એમ થોડું થોડું ગાતા થયા."
જાહેરમાં તેમણે કોઈ મંચ પર ગાયું હોય તેવું પહેલી વાર રાજકોટના શિવરાત્રિના મેળામાં બન્યું હતું.
તેમના પુત્ર યાદ કરતા જણાવે છે કે, "રાત્રે 12 વાગ્યે તેમણે હાથ-ચક્ર ત્રિશૂળ સદાશિવ ભજન ઉપાડ્યું અને જાણે કે આસપાસ બધું થંભી ગયું. લોકો દુકાનો બંધ કરીને ત્યાં તેમને સાંભળવા ઊભા રહી ગયા."
તેમનું નામ ઇબ્રાહીમમાંથી અભરામ કેવી રીતે થયું તે અંગે કોઈ વિશેષ માહિતી મળતી નથી, પરંતુ તે અપભ્રંશ થઈ ગયું હોય તેવું પ્રતીત થાય છે. તેઓ ભજન ગાતા હોવાથી લોકો તેમને ભગત તરીકે બોલાવતા અને 'અભરામ ભગત' તરીકે જાણીતા થયા.
જ્યારે કાર્યક્રમમાં અભરામ ભગતને લઈ જવા હેલિકૉપ્ટર બોલાવાયું
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતનો સમૃદ્ધ વાગ્મય વારસો'માં ડૉ. નિરંજન રાજ્યગુરુએ અભરામ ભગત વિશે લખ્યું છે.
તેઓ લખે છે, "પોતાના કંઠના માધુર્યથી ભજનિકોની મંડળીમાં તેમનું નામ ગાજવા લાગ્યું. વડિયા દરબાર સુરગવાળાના આગ્રહથી તેઓ 21-22 વર્ષની વયે જ વડિયા રહેવા આવી ગયેલા. તેમને ભજનની પ્રેરણા તેમના કાકા હસન મીરાંજીભાઈ પાસેથી તથા ખીરસરાના ભજનિક રામભાઈ વાંક અને ખીરસરાની આજુબાજુના જૂના ભજનિકો પાસેથી પ્રાપ્ત થઈ હતી."
તેમના પુત્ર જણાવે છે એ પ્રમાણે વડિયાના દરબારસાહેબે તેમને દસ્તાવેજ સહિત ઘર લખી આપ્યાં હતાં.
સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા તેમના પડોશમાં રહેતા હતા. તેમણે અભરામ ભગત વિશે ઘણું લખ્યું છે.
તેઓ લખે છે, "નિભાવના પ્રશ્નની ચિંતામાં કાકા હસનભાઈને વાદેવાદે ભજન ગાવા માંડ્યા. પોતાને તો ઠીક, સાંભળનારાઓને પણ મઝા પડવા માંડી. 'મુસલમાન થઈને આમ હિંદુનાં ભજન ગા મા...' એમ કોઈકે કહ્યું, પણ એમણે કાનસરો ન આપ્યો અને ભજનોની પાતાળસરવાણી ફૂટી. લોકપરંપરામાંથી ઊતરી આવેલા, સાંભરણ અને શ્રવણમાં ઘોળાઈ ગયેલાં ભજનોની અભરામ ભગતના ગળામાંથી હેલી વરસી. જાણે કે પગ ગયા અને પાંખો ફૂટી..."
74 વર્ષીય મનસુખભાઈ અગ્રાવતે અભરામ ભગત સાથે તબલાવાદક તરીકે બાવીસ વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હતું.
તેઓ અભરામ ભગત સાથેનાં સંસ્મરણો વાગોળતાં કહે છે, "અમે એક વાર બોરીવલી (મુંબઈ) ગયા હતા. અમે જ્યાં જ્યાં ઊતરતા ત્યાં અમારા હારતોરા થતાં, એટલું ભગતજીનું નામ હતું."
"એક વાર અમારો કાર્યક્રમ કર્ણાટકમાં હતો અને અમે હૈદરાબાદમાં ઊતર્યા હતા. જેમનું આયોજન હતું એ કંપની અમને હેલિકૉપ્ટરમાં કર્ણાટક લઈ ગઈ હતી. કર્ણાટકમાં એ પ્રોગ્રામની પાંચ, દસ અને વીસ રૂપિયા ટિકિટ હતી અને આખો પાંચ-સાત હજાર લોકોનો હૉલ ભરાઈ ગયો હતો."
'અભરામ ભગતે સૂર રેલાવ્યા અને નહેરુએ દોઢ કલાક સાંભળ્યા'
1960માં દિલ્હીમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. તેમાં ભાગ લેવા માટે અભરામ ભગત પણ ગયા હતા.
મિહિરભાઈ આ કિસ્સો યાદ કરતાં કહે છે કે, "દિલ્હીના પ્રગતિ મેદાનમાં જવાહરલાલ નહેરુ આવ્યા હતા અને તેમને કોઈએ કહ્યું કે આ અભરામ ભગત બહુ સારું ગાય છે. ત્યારે નહેરુએ કહ્યું કે સંભળાવો, મારી પાસે દસ મિનિટ છે."
"અભરામ ભગતે સૂર રેલાવ્યો અને પહેલું ભજન ગાયું - "હે રામ તેરે નામ કા મુઝે હે આધાર…" પછી તો નહેરુજી એટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે લગભગ દોઢ કલાક તેમને સાંભળ્યા હતા."
આ કિસ્સાની નોંધ એ સમયનાં અખબારોમાં પણ લેવાઈ હતી.
વડિયા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ ગટુભાઈ મિરાણી અભરામ ભગત સાથેના તેમનાં સંસ્મરણો વાગોળે છે.
તેઓ કહે છે, "ભગતજીને અમે બહુ સાંભળ્યા છે. ભગતજી વડિયાનું અમારું ગૌરવ, અમારો હીરો કહેવાય. વડિયામાં તેઓ લગભગ છ મહિને આવતા અને અહીં રોકાઈને પછી બહાર પ્રોગ્રામો આપવા માટે જતા."
તેઓ યાદ કરતાં કહે છે, "એ વખતે સિલોન રેડિયો સ્ટેશનનું ખૂબ નામ હતું. રાત્રે આઠ વાગ્યે પ્રખ્યાત ગીતકાર કેએલ સહેગલનું ગીત પૂરું થાય અને આઠ વાગ્યા ને પાંચ મિનિટે સિલોન રેડિયો સ્ટેશન પર અભરામ ભગતનું ભજન વાગતું."
"તેઓ જ્યાં જતાં ત્યાં લોકો 'કાનજી તારી મા કહેશે...' એ ભજન ગાવાનો લોકો આગ્રહ રાખતા. તેમના વ્યક્તિત્વને ખૂબ બારીકાઈથી જોઈએ તો એવું કહી શકાય કે તેઓ ખૂબ સંગીતપ્રિય માણસ હતા અને જાણે કે એ જ એમની ઓળખ હતી."
રાજકોટ આકાશવાણી કેન્દ્રના હેડ ઑફ પ્રોગ્રામ પ્રેરક વૈદ્યે એ વાતની પુષ્ટિ કરી છે કે આકાશવાણી પર અભરામ ભગતનાં ભજનો ખૂબ વાગતાં. તેમણે જૂના રેકૉર્ડ્સ ચેક કરીને બીબીસીને જણાવ્યું હતું કે અભરામ ભગતનાં લગભગ પચ્ચીસેક ભજનો રેડિયો પર પ્રસારિત થતાં હતાં.
ભારત જ નહીં, દેશ-વિદેશમાં તેમના કાર્યક્રમો થતા
રાજકોટસ્થિ વરિષ્ઠ લેખક રમેશ પી. જોશી સાથે બીબીસીએ વાત કરી હતી.
રમેશ જોશી કહે છે, "આજથી સાતેક દાયકા પહેલાં 1954માં એ પહેલી વાર વિદેશ ગયા હતા. એ જમાનામાં કોઈ કલાકાર આવી રીતે વિદેશ જતો અથવા તો તેમને કોઈ વિદેશ કાર્યક્રમો માટે બોલાવે એવું ભાગ્યે જ બનતું. તેમણે યુગાન્ડા, કેન્યા, ટાંગાન્યિકા ( હાલમાં આ વિસ્તાર ટાન્ઝાનિયા દેશમાં આવે છે ) જેવા આફ્રિકાના દેશોમાં કાર્યક્રમો કર્યા હતા. એ જમાનામાં ખૂબ મોટી વાત ગણાય."
અભરામ ભગતના પુત્ર મિહિર જણાવે છે એ પ્રમાણે, "અમદાવાદના હસમુખભાઈ પાવાવાળાએ તેમને સ્પોન્સર કરીને 1972માં ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા. ત્યાં ઠંડીથી તેમનું ગળું બેસી ગયું અને તેઓ પાછા આવવાનું નક્કી કરી રહ્યા હતા. પણ ત્યાં જ ટ્રેનમાં એક ગુજરાતી કુટુંબ ભેગું થયું અને તેમના ઘરે લઈ ગયા, સારવાર કરી અને પછી તો અભરામ ભગતે એક પછી એક કાર્યક્રમોમાં ઇંગ્લૅન્ડ, અમેરિકામાં સતત ચાર વર્ષ કાઢ્યાં. મારાં માતા (અભરામનાં પત્ની) અહીં ચિંતામાં રડતાં કે તેઓ પાછા આવશે કે નહીં."
તેમના વિશે લખેલા એક લેખમાં રજનીકુમાર પંડ્યા લખે છે, "જે જમાનામાં ધનવંતો માટે પણ પરદેશ પ્રવાસ મૂછે તાવ દેવા જેવો એક ખોંખારો ગણાતો હોય તે જમાનામાં પણ ભાંગલા પગે વિદેશના અનેક પ્રવાસ નિમંત્રણોથી અને માત્ર કંઠના જોરે કરનારા ગાયક કલાકાર અભરામ ભગત હતા. બહાર પડતાં જ તેમની રેકૉર્ડ્સ ચપોચપ ઊપડી જતી હતી."
મનસુખભાઈ અગ્રાવત અભરામ ભગતનો એક કિસ્સો સંભળાવે છે.
તેઓ કહે છે, "ભગત જે રસનું ભજન ગાય એમાં પોતાને એટલા ખૂંપાવી દેતા કે સાંભળનાર લોકો ઓતપ્રોત થઈ જતાં. એક વાર એવું બન્યું કે અમારા ગામમાં એક વ્યક્તિની પ્રાર્થનાસભા હતી અને ભગતજીને તેને અનુરૂપ ગાવાનું કહેવામાં આવ્યું. એ વખતે તેમણે એટલું કરુણ ભજન ગાયું કે બધાં લોકો રડવાં લાગ્યાં અને તેમને ભજન વચ્ચેથી અટકાવી દેવું પડ્યું હતું."
'જય આદ્યા શક્તિ...' આરતીને નવી ઓળખ આપી
વરિષ્ઠ લેખક રમેશ જોશી કહે છે, "અભરામ ભગતની સૌથી મોટી લાક્ષણિકતા એ હતી કે તેમણે મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મની ભક્તિરચનાઓને આત્મસાત્ કરીને પ્રસ્તુત કરી હતી, અને એ પણ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં. અને આ બધું એમણે એ સમયમાં કર્યું જ્યારે કોઈ રચનાઓ પણ લખેલી ન મળે, પુસ્તકો પણ ન મળે, પરંતુ તેઓ શોધી શોધીને અલગ-અલગ રચનાઓનું ગાયન કરતા હતા."
ખાસ કરીને શિવાનંદસ્વામી રચિત આરતીથી તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા છે.
તેઓ કહે છે, "આદ્યાશક્તિની આરતીને ઘેર ઘેર લોકપ્રિય બનાવવામાં જો સૌથી મોટું પ્રદાન કોઈનું હોય તો એ અભરામ ભગતનું છે."
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "એ સમયે નવરાત્રી સિવાય પણ તેમના કંઠે આદ્યાશક્તિની આરતી આકાશવાણી પરથી પ્રસારિત થતી હતી. એ સમયે સોશિયલ મીડિયા નહોતું, એટલે એમને ક્યારેય જોયા નહોતા, પરંતુ એમનો અવાજ જ તેમની ઓળખ હતો. આકાશવાણી પર જે ભજનો આવતાં તેમાં કોઈનો અસરદાર અવાજ હોય તો એ અભરામ ભગતનો હતો."
જ્યારે રાજકોટમાં તેમના કંઠે 'જય આદ્યા શક્તિ…' આરતીનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું ત્યારે મનસુખભાઈ તેમની સાથે હતા.
તેમનું કહેવું છે કે, "અભરામ ભગતના અવાજમાં 'જય આદ્યાશક્તિ'ની આરતીનું રાજકોટ અંધ વિદ્યાલયમાં સૌથી પહેલાં રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. દાદરમાં એચએમવી સ્ટુડિયોમાં પણ આ આરતીનું અમે રેકૉર્ડિંગ કર્યું હતું. એ સિવાય ત્યાં 12 ગીતનું પણ રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. 1982માં ફરી વાર મુંબઈમાં ભજનો રેકૉર્ડ કરાયાં હતાં."
મિહિરભાઈ કહે છે, "અત્યારે પણ મોટા ભાગની ગરબીઓમાં, અંબાજીના મંદિરમાં તેમના જ સ્વરમાં આરતી વગાડવામાં આવે છે. શિવાનંદસ્વામી રચિત આ ગરબીને તેમણે પ્રથમ વાર ઢાળ, લય આપવાનું કામ કર્યું હતું. કોલકાતાની મ્યુઝિક કંપની કોલંબિયા તથા એચએમવી અને સારેગમ સાથે પણ તેમનું જોડાણ હતું."
'કાનજી તારી મા કહેશે…'થી લઈને 'કર્મના સંગાથી' સુધી
રમેશ જોશીનું કહેવું છે કે અભરામ ભગતે ગાયનકળામાં પારંગતતા તો હાંસલ કરી, પરંતુ તેમણે લોકવાણી, સંતવાણીમાં જે વૈવિધ્ય પ્રસ્તુત કર્યું એ અજોડ છે.
તેઓ કહે છે, "કુંતા-અભિમન્યુનું લોકગીત, ગંગાસતી કે દાસી જીવણનાં ભજનો હોય, મીરા-નરસિંહનાં પદ હોય, રહીમ કે કબીરના દુહા હોય કે પછી કુંવરબાઈનું મામેરું જેવું આખ્યાન, તેમણે આ બધું રજૂ કર્યું છે. વળી, તેમણે આ બધું એ રીતે રજૂ કર્યું કે જે રીતે ભાગ્યે જ રજૂ થાય."
તેઓ કહે છે, "અભરામ ભગતની 60-65 જેટલી રેકૉર્ડ કોલંબિયા કંપનીએ બહાર પાડી હતી, જે પણ એક રેકૉર્ડ છે. આકાશવાણી રાજકોટની સ્થાપના પછી એ જમાનામાં હેમુ ગઢવી, અવિનાશ વ્યાસ જેવા કલાકારોની અપાર લોકપ્રિયતાની વચ્ચે પણ ભગતે એક ખૂણામાં બેસીને સંગીતની સાધના કરી હતી, અને તેમ છતાં દેશ-વિદેશમાં કાર્યક્રમો આપ્યા હતા."
તેમના પુત્રનું કહેવું છે કે, 'કર્મનો સંગાથી' અને 'કાનજી તારી મા કહેશે…' એ બે ભજન ખૂબ લોકપ્રિય પણ થયાં અને તેમને પણ આ ગાવાથી ખૂબ આનંદ આવતો હતો.
ડૉ. નિરંજન રાજ્યગુરુ લખે છે, "કોલંબિયા કંપની દ્વારા તેમની કેટલીક ગ્રામોફોન રેકર્ડ પણ બહાર પાડવામાં આવી હતી. આ રેકર્ડમાં 'એવાં મોઢાં મોરી જોગ રે, ચોકડ એને ક્યાંથી ચડે?, 'હરિઓમ તતસત જપાકર જપાકર, જુલમ કરે કાળો કેર તો કરે, ગુરુજી!, 'તમે એવી ખોટી કલ્પના શીદ કરો રે, ધણીએ ધાર્યું હોય ઈ થાય...', 'વડલો ક્યે છે વનરાઈ સળગી', 'તારું ધન જોબન ધૂળ થાશે', 'કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે...' તથા જય આદ્યાશક્તિ... (શિવાનંદસ્વામીકૃત આરતી) મુખ્ય છે."
ડૉ. નિરંજન રાજ્યગુરુ લખે છે એ પ્રમાણે, "રેડિયો પર તેમનું ભજન – મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો... ખૂબ જ લોકપ્રિય બનેલું. તેમણે 1950માં 'ભક્તિસાગર' નામે ભજન સંગ્રહને સંપાદન કરીને પ્રકાશન કર્યું હતું જેમાં 160 જેટલાં લોકપ્રિય ભજનો છે. એ પછી 'ભક્તિસાગર ભાગ-2' તથા 'શારદા ભજન સિંધુ' નામે પણ ભજન સંગ્રહો અભરામ ભગત દ્વારા પ્રકાશિત થયા છે."
સતત ત્રણ દાયકા સુધી લોકોનાં હૃદયમાં રાજ કર્યું
અભરામ ભગતના પુત્ર જણાવે છે એ પ્રમાણે એક સમયે તેમને લગભગ વર્ષની છ હજાર જેટલી રૉયલ્ટી આવતી, પરંતુ પછી પાઇરેટેડ કૅસેટો ખૂબ વેચાવા લાગી હતી."
રજનીકુમાર પંડ્યાનું કહેવું છે કે આટલી પ્રસિદ્ધિ મળી હોવા છતાં તેઓ પોતાને 'લઘુ' કલાકાર ગણાવતા હતા.
તેઓ લખે છે, "આવા સુવિખ્યાત ભજનિક કલાકાર 'લઘુ' શા માટે? કારણ કે તેઓ સૌરાષ્ટ્રના લઘુ શહેર જેતપુરમાં, લઘુમતીમાં ગણાય તેવી મુસ્લિમ સુમરા (સિપાઈ) કોમમાં જન્મ્યા હતા. એમનાં સગાંવહાલાં પણ ઘોડાગાડી હંકારવી, બળદ જોડેલી પાણીની નીતરતી ટાંકીઓ લઈને ફેરા કરવા, ગૂણી ઊંચકવી જેવી સમાજમાં 'લઘુ' ગણાતી કામગીરી કરતા હતા."
"પરંતુ લગભગ ત્રણ દાયકા સુધી અભરામ ભગતે લોકોના હૃદય પર રાજ કર્યું. 'બાલા જોગી આયો...' 'ધણીએ ધાર્યું હોય ઈ થાય...' જેવાં ગળાની અનુપમ હલકવાળાં ભજનો તેમના કંઠેથી સર્યાં. એ પછી એ પ્રકારનાં ભજનો અને ભક્તિગીતો કોઈએ ગાયાં નથી."
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "એ જમાનામાં અવિનાશ વ્યાસ, હેમુ ગઢવી, હંસા દવે જેવાં અનેક ગાયકો થયાં. અભરામ ભગત પણ તેમના જ સમકાલીન હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમની આટલી ચર્ચા નથી થઈ. એ વખતે મુસ્લિમ છે અને કેમ હિન્દુઓનાં ભજન ગાય છે કે આરતી થાય છે એવો કોઈ મુદ્દો જોવા મળતો નહોતો. 'હિન્દુત્વવાદી લહેર'માં ગુજરાતમાં આવા અનેક મુસ્લિમ કલાકારોને ભુલાવી દેવામાં આવ્યા છે જે કમનસીબી છે."
ઇનપુટ્સ : જૂનાગઢથી બીબીસી સહયોગી હનીફ ખોખર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન