શૅમ્પૂ કેટલું કારગત હોય છે, વાળ ઠંડા પાણીથી ધોવા કે ગરમથી, શું ધ્યાન રાખવું?

    • લેેખક, એમિલી હોલ્ટ અને યાસ્મિન રૂફો
    • પદ, બીબીસી ન્યૂઝ

આપણે બધા ઇચ્છીએ છીએ છે કે આપણા વાળ સ્વચ્છ અને ચમકદાર દેખાય.

પછી ભલે તમારા વાળ હવામાં ઊડતા સીધા હોય કે વાંકળિયા.

અગણિત પ્રોડક્ટ્સ, ટ્રેન્ડ્સ અને સોશિયલ મીડિયા પર એવું ઘણું કન્ટેન્ટ ઉપલબ્ધ છે, જેની અસરને લીધે આપણે ઘણી વાર પાયાની બાબતો ભૂલી જઈએ છીએ.

પરંતુ સત્ય તો એ છે કે સ્વસ્થ વાળ માટે ખૂબ ખર્ચો કરવો કે જટિલ દિનચર્યા અનુસરવાની કોઈ જરૂર નથી.

આના માટે માત્ર સાદી વસ્તુઓને યોગ્ય રીતે કરવું જરૂરી છે.

યુકે હેર કન્સલ્ટન્ટ ટ્રાઇકોલૉજિસ્ટ ઈવા પ્રાઉન્ડમૅન અને હેર ઍન્ડ સ્કેલ્પ ક્લિનિકનાં ટ્રેસી વૉકર વાળની દેખરેખ સાથે સંકળાયેલી ચાર ગેરમાન્યતાઓને તોડે છે અને જણાવે છે કે આના માટેની યોગ્ય રીતે શું છે.

ઠંડું પાણી તમારા વાળને ચમકદાર નથી બનાવતું

શું તમે તમારા વાળને ચમકદાર બનાવવા માટે બરફ જેવા ઠંડા પાણીમાં નહાયા છો.

જો હા, તો તમારે આવું કરવાની કોઈ જરૂર નથી. તમે આરામથી ગરમ કે ઠંડું ન હોય એવા પાણીથી નહાઈ શકો છો.

પ્રાઉડમૅન કહે છે કે ઠંડા પાણીથી નહાવાથી તમારા વાળ વધુ ચમકદાર નથી બની જતા.

તેઓ કહે છે કે, "તમારા વાળને બરફ જેવા ઠંડા પાણી વડે ધોવાની કોઈ જરૂર નથી, કારણ કે આનાથી કોઈ લાભ નથી થતો."

તેમનું કહેવું છે કે, "ખરેખર તો એ જરૂરી છે કે તમે તમારા વાળને કેમિકલ, ગરમી અને તમારી આસપાસના વાતાવરણથી કેવી રીતે બચાવો છો."

જોકે, ઈવા પ્રાઉડમૅન એવું પણ કહે છે કે વાળને અત્યંત ગરમ પાણી વડે પણ ન ધોવા જોઈએ. કારણ તેનાથી તમારા વાળ શુષ્ક થઈ જાય છે.

આ ગરમ પાણી શરીરના અન્ય સ્થાનની ત્વચાની જેમ જ માથાની ત્વચાને એવી જ રીતે બાળે છે.

કોઈ પણ પ્રોડક્ટ ડૅમેજ વાળને ઠીક ન કરી શકે

જો તમે એવી વ્યક્તિ છો, જે હેરડ્રેસર વગર જ પોતાની ફાંટા પડેલા વાળની ઠીક કરવા માગો છો તો તમને એ વાત જાણીને નિરાશા થશે કે આનું એકમાત્ર સમાધાન એ વાળ કપાવવું જ છે.

પ્રાઉડમૅન કહે છે કે તેને ઠીક કરવાની અન્ય કોઈ રીત નથી.

વૉકર કહે છે કે, "જો તૂટેલા અને ફાંટા પડેલા વાળાને માઇક્રોસ્કોપની નીચે મૂકીને જોવામાં આવે તો એવું લાગે છે કે જાણે વાળમાં બે કે ત્રણ વધુ ઊભા ફાંટા પડી ગયા હોય."

"બજારમાં રહેલાં ઉત્પાદનો એક પ્રકારે ગુંદરની માફક કામ કરે છે, જે વાળને ફરીથી જોડી દે છે, જેથી એ સારા દેખાય."

તેઓ કહે છે કે આ ઉપાય અસ્થાયી છે અને ચેતવે છે કે આવાં ઉત્પાદનો પર વધુ પૈસા ખર્ચ કરવાની જાળમાં ન ફસાવું જોઈએ. એવી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો, જે આ સમસ્યાનું નિરાકરણ હોવાનો દાવો કરે છે.

પ્રાઉડમૅન કહે છે કે કટિંગ વડે વાળ ઝડપથી ઊગતા હોવાનો દાવો પણ યોગ્ય નથી.

તેઓ કહે છે કે, "પોતાના વાળને જલદી વધારવું એ શક્ય નથી. તેથી કોઈ પણ પ્રોડક્ટ જે આવો દાવો કરે છે, એ જૂઠ છે."

વાળ આપમેળે સાફ નથી થતા

કેટલાક લોકો એવો દાવો કરે છે કે તેમણે પોતાના વાળને એ પ્રકારે તાલીમ આપી છે કે તેની 'સેલ્ફ ક્લિનિંગ' એટલે કે આપમેળે સફાઈ થઈ જાય છે. આવા લોકો દાવો કરે છે કે તેમણે પોતાના વાળ ઓછા ધોવા પડે છે અથવા બિલકુલ ધોવા પડતા નથી.

પરંતુ પ્રાઉડમૅન કહે છે કે આવું કરવું એ તમારા વાળ માટે બિલકુલ સારું નથી.

તેઓ કહે છે કે, "તમારી ખોપરીમાં 1.8 લાખ તેલ ગ્રંથિઓ હોય છે અને જો તેને નિયમિતપણે ન ધોવામાં આવે તો માથું મેલું થઈ જાય છે."

વૉકર પણ કહે છે કે માત્ર પાણી વડે કપડાં પર લાગેલા ઑઇલ કે ગંદકીના ડાઘ ન હઠી શકે, તેના માટે ડિટર્જેન્ટની જરૂર હોય છે, આવી જ રીતે વાળ પણ ધોવા પડે છે.

તેઓ કહે છે કે વાળને નિયમિતપણે ન ધોવાથી તેમાં બદબૂ આવી શકે છે અને ખોડો પણ વધી શકે છે. કારણ કે "વાળ વધુ પડતા તૈલી હશે કે ખોપરીમાં વધુ તેલ હશે તો બૅક્ટેરિયા વધી શકે છે, જેનાથી ખોપરીમાં ખંજવાળની સમસ્યા વધી શકે છે."

પ્રાઉડમૅન સલાહ આપતાં કહે છે કે જો તમારા વાળ બહુ તૈલી હોય કે તમે તેમાં ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો, તો દર બીજા દિવસે વાળ ધોવો.

હડર્સફીલ્ડ યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ્સ ઍનાલિસિસનાં પ્રોફેસર લૉરા વૉટર્સ કહે છે કે એક તરફ જ્યાં વધુ તૈલી વાળ રાખનારને મજબૂત ક્લીનિંગનો લાભ મળી શકે છે. તો બીજી તરફ જેમના વાળ રૂક્ષ હોય તેઓ સલ્ફેટ-ફ્રી શૅમ્પૂનો ઉપયોગ કરી શકે છે. એ મોંઘું હોઈ શકે છે,પરંતુ એ વાળના તેલને સંપૂર્ણપણે નથી કાઢતું.

ડ્રાય શૅમ્પૂ વાળ ધોવાનો વિકલ્પ નથી

આખા વાળ ધોવાનો, બ્લો-ડ્રાય કે સ્ટાઇલ કરવાનો સમય હંમેશાં મળી શકે એ સરળ વાત નથી.

તેથી કામ, વર્કઆઉટ અને સોશિયલ પ્લાન વચ્ચે આપણા પૈકી ઘણા લોકો વાળની તૈલી જડોને તાજી કરવા અને વાળને રિફ્રેશ કરવા માટે ડ્રાય શૅમ્પૂનો ઉપયોગ કરે છે. આવા લોકો એ દરમિયાન નહાતા પણ નથી.

પ્રાઉડમૅન જણાવે છે કે ડ્રાય શૅમ્પૂનો ઉપયોગ ઠીક છે, પરંતુ તેનો વાળ ધોવાના સમયગાળા દરમિયાન માત્ર એક જ વખત ઉપયોગ કરવો જોઈએ.

સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તેનો સતત ઘણા દિવસો સુધી વાળ ધોયા વગર ઉપયોગ કરવામાં આવે.

પ્રાઉડમૅન કહે છે કે, "જો તમે સાવધ નહીં રહો તો તમને ખંજવાળ થઈ શકે છે અને તમારી ખોપરીમાં પોપડા જામી શકે છે."

તેમની સલાહ છે કે પોતાની ખોપરીની દેખરેખ પર એટલું જ ધ્યાન આપો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન