You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs SA મહિલા વર્લ્ડકપ ફાઇનલ : ભારતનાં આ ત્રણ ખેલાડીઓ સાઉથ આફ્રિકા પર ભારે પડી ગયાં
મહિલાઓના ક્રિકેટ વર્લ્ડકપને જીતીને ભારતીય મહિલાઓએ ઇતિહાસ રચી દીધો છે.
ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં જેમિમા રૉડ્રિગ્ઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં શેફાલી વર્મા, દીપ્તિ શર્મા અને અમનજોતના પ્રદર્શનની ચર્ચા થાય છે જેમણે બહુ મહત્ત્વના સમયે રન બનાવ્યા, વિકેટો ઝડપી અને કૅચ ઝડપ્યા.
શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ધીમે ધીમે મૅચને ભારતની તરફેણમાં કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતે બૅટિંગ કરી ત્યારે એક તબક્કે એવું લાગતું હતું કે ભારત આસાનીથી 325 રનથી વધારે સ્કોર બનાવશે.
પરંતુ વિકેટ હાથમાં હોવા છતાં ભારત 298 રન બનાવી શક્યું અને સાઉથ આફ્રિકા સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
શેફાલી વર્માએ ભારતને મજબૂતી આપી
શેફાલીના પ્રદર્શનને એટલા માટે ખાસ ગણવું પડે કારણ કે તેઓ શરૂઆતમાં વર્લ્ડકપની ટીમમાં જ સામેલ ન હતાં. વર્લ્ડકપની ફાઇનલથી સાત દિવસ અગાઉ તેઓ સુરતમાં હતાં અને હરિયાણાની ટીમની કમાન સંભાળતાં હતાં.
પરંતુ 26 ઑક્ટોબરે બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલને ઈજા થવાથી તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયાં. તેના કારણે શેફાલી વર્માને ચાન્સ મળ્યો.
30 ઑક્ટોબરે તેઓ સેમિફાઇનલ રમ્યાં ત્યારે તેમણે માત્ર પાંચ બૉલનો સામનો કર્યો હતો. પરંતુ બીજી નવેમ્બરે તેમણે જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાની ક્ષમતા સાબિત કરી.
માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર શેફાલી વર્માએ સાઉથ આફ્રિકા સામે શરૂઆતથી જ ફટકાબાજી શરૂ કરી દીધી. તેમણે સ્મૃતિ મંધાના સાથે મળીને પહેલી 10 ઓવરમાં 64 રન ઉમેર્યા. સ્મૃતિ આઉટ થયાં પછી પણ શેફાલીની ગતિમાં કોઈ ઘટાડો ન થયો અને 78 બૉલમાં 87 રન બનાવ્યાં જેમાં બે સિક્સર અને સાત ચોગ્ગા સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેફાલી આઉટ થયાં ત્યારે ભારતનો સ્કોર 27.5 ઓવરમાં 166 રન હતો.
મૅચ પછી શેફાલીએ કહ્યું કે, "મેં પહેલાં જ કહ્યું હતું કે ભગવાને મને કંઈક સ્પેશિયલ કરવા માટે મોકલી છે. આ મુશ્કેલ હતું. પરંતુ મેં મારા પર ભરોસો રાખ્યો. મેં મારી જાતને કહ્યું કે હું કંઈ પણ કરી શકું છું."
ભારતીય ટીમ ફિલ્ડિંગમાં આવી ત્યારે શેફાલીએ ફરી કમાલ કરી. સૌથી પહેલાં તો તેમણે સુને લૂઝને આઉટ કર્યાં જેઓ ખતરનાક બની શકે તેમ હતાં. ત્યાર પછી બીજી ઓવરના પહેલા બૉલ પર ઑલરાઉન્ડર મારિઝાન કાપની વિકેટ ઝડપી હતી. શેફાલીના કારણે સાઉથ આફ્રિકાએ માત્ર 13 બૉલના ગાળામાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
દીપ્તિ શર્માનો ધમાકેદાર દેખાવ
સાઉથ આફ્રિકા સામેના ફાઇનલ મુકાબલામાં શેફાલી વર્માએ જે કામ અધૂરું છોડ્યું, તેને દીપ્તિ શર્માએ પૂરું કર્યું તેમ કહી શકાય.
શેફાલી આઉટ થયાં પછી થોડી જ વારમાં જેમિમા પણ પેવિલિયનમાં પરત આવી ગયાં હતાં. પરંતુ દીપ્તિ શર્માએ કૅપ્ટન હરમનપ્રીતકોરની સાથે મળીને ઇનિંગને સ્થિરતા આપી.
ત્રણ ઓવરમાં બે વિકેટ પડવાના કારણે એક પ્રેશર પેદા થયું હતું, પરંતુ દીપ્તિ પર આ પ્રેશરની કોઈ અસર ન હતી. તેમણે 58 બૉલમાં 58 રન બનાવ્યા જેના કારણે ભારત 50 ઓવરમાં 298 રન સુધી પહોંચી શક્યું.
બૉલિંગમાં પણ દીપ્તિએ કમાલ કરી. સાઉથ આફ્રિકાનાં કૅપ્ટન લૉરાએ સિનાલો જાફ્ટા સાથે મળીને ઇનિંગને સ્થિરતા આપી હતી. પરંતુ દીપ્તિના કારણે સિનાલો જાફ્ટા માત્ર 16 રન પર આઉટ થઈ ગયાં. ત્યાર પછી લૉરાએ એનેરી ડર્કસન સાથે 61 રનની ભાગીદારી બનાવી ત્યારે આ પાર્ટનરશિપ તોડવાનું કામ પણ દીપ્તિ શર્માએ જ કર્યું.
દીપ્તિએ 40મી ઓવરમાં એનેરી ડર્કસનને આઉટ કર્યાં ત્યારે આફ્રિકાનો સ્કોર 209 રન હતો. ત્યાર પછીની ઓવરમાં તેમણે પહેલાં જ બૉલ પર કૅપ્ટન લૉરાને એક ઊંચો ફટકો મારવા મજબૂર કર્યાં અને અમનજોતના હાથે તેમનો કૅચ પકડાઈ ગયો.
તેમણે 42મી ઓવરમાં વધુ એક સાઉથ આફ્રિકન ખેલાડીને આઉટ કર્યાં. તેઓ છેલ્લી ઓવર ફેંકતાં હતાં ત્યારે ત્રીજા બૉલ પર છેલ્લી વિકેટ ઝડપી અને આ સાથે જ ભારત ચૅમ્પિયન બની ગયું. દીપ્તિએ 9.3 ઓવરમાં 39 રન આપીને સાઉથ આફ્રિકાની કુલ પાંચ વિકેટો ઝડપી અને તેમને શા માટે નંબર વન ઑલરાઉન્ડર ગણવામાં આવે છે તે સાબિત કરી દીધું.
ફાઇનલમાં શેફાલી વર્માને 'પ્લૅયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યાં, જ્યારે વર્લ્ડકપમાં 22 વિકેટ ઝડપવા બદલ દીપ્તિ શર્માને 'પ્લૅયર ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરાયાં હતાં.
અમનજોતના કૅચથી જીત નક્કી થઈ
વર્લ્ડકપની ફાઇનલમાં કોઈ એક કૅચને યાદગાર ગણવામાં આવે તો તે સાઉથ આફ્રિકાનાં કૅપ્ટન લૉરા વુલ્ફાર્ટનો કૅચ ગણી શકાય જેને અમનજોતકોરે ઝડપી લીધો હતો. આ કૅચ પછી ભારતની જીત સામે કોઈ શંકા રહી ન હતી.
કૅપ્ટન લૉરા વુલ્ફાર્ટે ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલમાં પણ સદી ફટકારી (169 રન) હતી અને ત્યાર પછી ફાઇનલમાં પણ 98 દડામાં 101 રન બનાવ્યા હતા. તેઓ ઓપનિંગમાં ઊતર્યાં હતાં અને એક છેડા પર વિકેટો પડતી જતી હતી ત્યારે બીજો છેડો જાળવી રાખ્યો હતો. તેઓ લગભગ 100ની સ્ટ્રાઇકરેટથી રમતાં હતાં, તેથી ગમે ત્યારે બાજી પલ્ટી નાખે તેવી સ્થિતિમાં હતાં.
42મી ઓવરમાં મૅચમાં ભારતનું પલડું ભારે હતું, પરંતુ લૉરા વુલ્ફાર્ટ એક અવરોધ હતાં. તે સમયે દીપ્તિ શર્માની બોલિંગમાં વિલ્ફાર્ટે એક શૉટ ફટકાર્યો જે સીધો મિડ-વિકેટમાં અમનજોતકોર તરફ ગયો હતો. આ બૉલ અમનજોતના હાથમાં તો આવી ગયો, પરંતુ તેઓ તેને બરાબર પકડી ન શક્યાં. લગભગ બે વખત બૉલ તેમના હાથમાંથી છટકી ગયો, પરંતુ પછી તેમણે એક હાથો બૉલ સુરક્ષિત પકડી લીધો. આખી ભારતીય ટીમ તેમની તરફ દોડી ગઈ અને ઉજવણી કરવા લાગી કારણ કે આ કૅચ પછી માત્ર ઔપચારિકતા બાકી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન