You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભોજન પછી ચાલવાથી અને 'વાછૂટ' કરવાથી સ્વાસ્થ્ય સુધરી જાય?
- લેેખક, સારાહ બૅલ
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
'ફાર્ટિંગ' એટલે કે 'વાછૂટ' એવી વસ્તુ છે, જેની આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેય કબૂલાત કરતા નથી. 'ફાર્ટ વૉક' એટલે કે ભોજન પછી પેટમાંનો વધારોનો વાયુ મુક્ત કરવા માટેની કસરત સોશિયલ મીડિયા પર એક વૅલનેસ ટ્રેન્ડ બની ગયું છે.
પણ શું આપણે બધાએ ફાર્ટ વૉક કરવું જોઈએ?
ફાર્ટ વૉકના પ્રણેતાઓમાં મેરલિન સ્મિથનો પણ સમાવેશ થાય છે. મેરલિન એક પ્રોફેશનલ હોમ ઇકૉનૉમિસ્ટ અને અભિનેત્રી છે. મેરલિનની તેમના પતિ સાથેની રીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર લાખો વ્યૂઝ મળ્યા છે.
મેરલિન કહે છે, "ઘણાં, ઘણાં વર્ષો પહેલાં અમે રાત્રિભોજન પછી અમારા કૂતરાને આંટો મરાવવા લઈ જતાં હતાં."
"અમે તેને ફાર્ટ વૉક કહેવાનું શરૂ કર્યું હતું, કારણ કે અમે બહાર જતાં હતાં, અમે વાછૂટ કરતાં હતાં અને તેનો દોષ કૂતરા પર મૂકતાં હતાં."
'ફાર્ટ વૉક' શા માટે સારું ગણાય છે?
તેનો વિચાર અને નામ મજાકિયું હોઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ફાર્ટ વૉક ખરેખર ફાયદાકારક છે. તે મુખ્યત્વે ભોજન પછી પેટમાં ફસાયેલા વાયુની મુક્તિમાં મદદ કરે છે.
તેનું કારણ એ છે કે તમે ખોરાક, પાણી અથવા લાળ ગળો છો ત્યારે તમે પાચનતંત્રમાં એકઠી થતી હવે પણ ગળી જતા હોવ છો.
પાચન દરમિયાન પણ વાયુ બની શકે છે. પચવામાં મુશ્કેલ ખોરાક, ચોક્કસ દવાઓ અને અમુક પ્રતિકૂળ આહાર વધુ વાછૂટનું કારણ બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઠ બેસ્ટ સેલિંગ કૂકબૂક્સનાં ટૉરન્ટો, કૅનેડાનિવાસી લેખિકા મેરલિન કહે છે, "તમે ચાલો છો ત્યારે ખરેખર તમારા જઠરાંત્રીય માર્ગની માલિશ કરતા હો છો. તેથી એ બધું ગૅસને બહાર કાઢવામાં મદદ કરે છે અને તે તમારા માટે ખરેખર સારું છે."
આ કસરત મોટા આંતરડામાં જોવા મળતા સુક્ષ્મ જીવાણુઓની (માઇક્રોબ્સ) સંખ્યામાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે. ખાસ કરીને શૉર્ટ-ચેઇન ફેટી ઍસિડ ઉત્પન્ન કરતા માઇક્રોબ્સ પર તેની સારી અસર થાય છે. તે આંતરડાંના સ્વાસ્થ્યની રક્ષા માટે ફાયદાકારક પદાર્થ છે.
પાચનતંત્ર સંબંધી બીમારીઓ માટેની યુનાઇટેડ કિંગ્ડમની સખાવતી સંસ્થા ગટ્સ યુકેનાં માહિતી અધિકારી જુલી થૉમ્પસન સમજાવે છે, "આંતરડાંમાં કુદરતી રીતે જોવા મળતા બાઇલ ઍસિડ્સ નામના અન્ય પદાર્થોને પણ માઇક્રોબ્સ બદલી નાખે છે."
"આ બંને ફેરફારો આંતરડાંની ગતિશીલતામાં વધારો કરે છે. તેનાથી કબજિયાત થતી નથી અને સરળતાથી વાછૂટમાં મદદ મળે છે."
ચાલવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બ્લડશુગરના નિયંત્રણમાં તથા તેમાં નાટકીય વધારો અટકાવવામાં મદદ કરીને ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે, એ જાણીતી વાત છે.
મેરલિન કહે છે, "ભોજન કર્યા પછી તમે બેસો નહીં અને હલનચલન કરો ત્યારે તમારા સ્નાયુઓ ભોજન પછીના બ્લડ ગ્લુકોઝ સર્ક્યુલેશન માટે સ્પોન્જ જેવું કામ કરે છે."
"આ તમારા જોખમને ઘટાડવાનો એકમાત્ર રસ્તો નથી, પરંતુ તે નાની-નાની આદતો પૈકીની એક છે, જેને કેળવવાથી તમને ઝડપભેર ફાયદો થાય છે."
'ફાર્ટ વૉક'થી શરીરને કેવા લાભ થઈ શકે?
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત રજિસ્ટર્ડ ન્યુટ્રિશનિસ્ટ ઍમ્મા બાર્ડવેલે ફાઇબર વિશે એક પુસ્તક લખ્યું છે. તેઓ જણાવે છે કે ફાર્ટ વૉક લોકોને વધુ આસાનીથી વધારે ફાઇબર આરોગવાના લક્ષ્યની પ્રાપ્તિમાં મદદરૂપ થઈ શકે છે.
ઍમ્મા કહે છે, "માણસે રોજ 30 ગ્રામ ફાઇબરનો આહાર કરવો જોઈએ, પણ આપણા પૈકીના લગભગ 90 ટકા લોકો એ સ્તરે પહોંચતા નથી, એ આપણે જાણીએ છીએ, પરંતુ પેટના ફૂલવા અને ગૅસ જેવી ઘણી આડઅસરોને કારણે લોકો તેનો પૂરતો આહાર ન કરતા હોય એવું મને લાગે છે. તેથી ફાર્ટ વૉક એકદમ યોગ્ય સંગાથી છે."
આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ફાઇબર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધે વ્યાપક લાભ થાય છે.
ઍમ્મા કહે છે, "તે કોલેસ્ટ્રૉલ ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. તે હૃદયરોગ અને ટાઇપ-ટુ ડાયાબિટીસ તેમજ ખાસ કરીને કૉલોરેક્ટલ કૅન્સર જેવાં કેટલાંક કૅન્સરને રોકવામાં પણ મદદ કરે છે."
તમારાં આંતરડાં માટે માઇક્રોબાયોમ બનાવતા માઇક્રોબ્સને પણ ફાઇબર પોષણ આપે છે.
ઍમ્મા સમજાવે છે, "જ્યારે આ ફાઇબર ખાવામાં આવે ત્યારે એનો આથો બને છે અને શરીરમાં એ ચયાપચય ક્રિયા કરે છે, પછી એ શરીરમાં પ્રસરે છે અને બી12 વિટામિનના સંયોજનથી માંડીને સેરોટોનિન જેવા ન્યૂરોટ્રાન્સમિટર ઉત્પન્ન કરવા સુધીના અઢળક લાભ પહોંચાડે છે. જેના થકી વ્યક્તિના મૂડમાં સુધારો લાવવામાં મદદ મળે છે."
માનસિક સ્વાસ્થ્ય સંબંધી લાભ
ઘરની બહાર નીકળવાથી અને ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય બહેતર બની શકે છે, કારણ કે કસરતથી ઍન્ડોર્ફિન અને સેરોટોનિન જેવાં ફીલ-ગુડ કેમિકલ્સ ઉત્પન્ન થાય છે. તે તમારી ચિંતા ઘટાડવામાં અને તમને સારી ઊંઘ લેવામાં મદદ કરી શકે છે.
ચાલવાથી તમારા સંબંધના પોષણમાં પણ મદદ મળી શકે છે. મેરલિન જણાવે છે કે તમે અને તમારા પતિ બન્ને કારકિર્દી તથા પરિવારમાં વ્યસ્ત હો ત્યારે પતિ સાથે સમય પસાર કરવાની શ્રેષ્ઠ રીતે વૉકિંગ હોય છે.
મેરલિન કહે છે, "હવે મારા પતિ હાજર ન હોય ત્યારે હું કોઈ દોસ્ત કે પાડોશી સાથે ચાલવા જાઉં છું. તે કનેક્ટ થવાની એક અદભુત રીતે છે."
મેરલિને કોરોના મહામારી દરમિયાન લોકોને ઉત્સાહિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર કપલ ફાર્ટ વૉકની પોસ્ટ્સ મૂકવાનું શરૂ કર્યું હતું.
ત્યાર બાદ 2023માં તેઓ બરફ પરથી લપસી પડ્યાં હતાં અને તેમના મગજમાં ગંભીર ઈજા થઈ હતી. એ વખતે રીલ્સનું રેકૉર્ડિંગ તેમના સાજા થવાની પ્રક્રિયાનો એક હિસ્સો બની ગયાં હતાં.
મેરલિન કહે છે, "મેં આ બાબતે ફોન પર હમણાં જ શરૂ કર્યું. હું વિચારું છું કે માત્ર આ કારણસર જ મને યાદ કરવામાં આવશે તો એ ખૂબ જ રમૂજી હશે."
'ફાર્ટ વૉક' કેવી રીતે કરવું?
દરેક ભોજન પછી ચાલવું એ આદર્શ મનાય છે, પરંતુ તેનો શ્રેષ્ઠ સમય તમારા મુખ્ય ભોજન પછીનો છે. મોટા ભાગના લોકો માટે મુખ્ય ભોજન સાંજનું હોય છે.
ફાર્ટ વૉકના કોઈ આકરા નિયમો નથી, પરંતુ ભોજન પછી ખોરાક પચી શકે એટલા માટે 30થી 60 મિનિટ બાદ ફાર્ટ વૉક કરવાનું સૂચન ઍમ્મા કરે છે. લાંબા અંતર સુધી કે આકરી મહેનત સાથે ફાર્ટ વૉક કરવી જરૂરી નથી.
ઍમ્મા કહે છે, "આપણે દસ મિનિટથી વાત કરી રહ્યા છીએ. આપણે વસ્તુઓને વધુ પડતી જટિલ બનાવવાની જરૂર નથી."
ફાર્ટ વૉક માટે આરામદાયક જૂતાં અને તમારા વાતાવરણને અનુકૂળ વસ્ત્રો જરૂરી હોય છે.
ઍમ્માના જણાવ્યા મુજબ, વિશિષ્ટ અને મોંઘા ઉપાયોને કારણે સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય ક્યારેક વધુ પડતું જટિલ બની જાય છે.
તેઓ કહે છે, "જમ્યા પછી ચાલવાની સરળ ક્રિયા વિશે વાત કરવી એ ખરેખર તાજગીભર્યું છે, કારણ કે તે મોટા ભાગના લોકો માટે સુલભ છે. તે તદ્દન મફત છે."
મેરલિન ઉમેરે છે કે ફાર્ટ વૉકને તમારી દિનચર્યામાં ઉમેરવું તે નાની પણ મહાન આદત છે, જે સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.
ઍમ્મા ઉમેરે છે, "આ નાનાં નાનાં સૂચનો તમને ટ્રેક પર રહેવામાં અને તમને શ્રેષ્ઠ અનુભૂતિમાં મદદ કરે છે."
"ફાર્ટ વૉક જે રીતે લોકપ્રિય બની રહ્યું છે તેનાથી હું રોમાંચિત છું, કારણ કે મારું એકમાત્ર ધ્યેય લોકોને સોફા પરથી ઊતરવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન