કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની પસંદગી શા માટે કરવામાં આવી?

    • લેેખક, રિચર્ડ વિંટન
    • પદ, બીબીસી સ્પોર્ટ સ્કોટલૅન્ડ

ભારત કૉમનવેલ્થ ગેમ્સના 100મા વર્ષ નિમિત્તે 2030માં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. 20 વર્ષના સમયગાળામાં વિશ્વના સૌથી વધુ વસતીવાળા દેશમાં આ આયોજન બીજી વખત થશે.

કૉમનવેલ્થ સ્પોર્ટ્સ ગવર્નિંગ બૉડી કમિશને અમદાવાદ પર પસંદગીનો ઉતારી છે. યજમાનીની આ સ્પર્ધામાં અમદાવાદે નાઇજીરિયાના અબુજા શહેરને પાછળ છોડ્યું હતું.

આગામી 26 નવેમ્બરે ગ્લાસગો ખાતેની સામાન્ય સભામાં 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવાના નિર્ણય પર સંસ્થાએ સર્વાનુમત્તે મંજૂરીની મહોર મારી હતી.

અમદાવાદ પાસે 1.32 લાખની ક્ષમતાવાળું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જ્યાં વર્ષ 2023ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાઈ હતી.

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી અમદાવાદને ઑલિમ્પિક રમતોના આયોજન માટે પણ એક દાવેદાર શહેર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.

ઑક્ટોબર-2025માં કૉમનવેલ્થની કમિટીએ અમદાવાદના નામની ભલામણ કરી ત્યારે કૉમનવેલ્થ ગેમ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાનાં પ્રમુખ ડૉ. પીટી ઉષાએ કહ્યું:

"અમે 2030ની આ ગેમ્સને અમારા યુવાનોને પ્રેરવા માટેની, આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે અને કૉમનવેલ્થના સામૂહિક ભવિષ્યની દિશામાં ભાગ ભજવવાની એક મજબૂત તક તરીકે જોઈ રહ્યાં છીએ."

વર્ષ 2010માં ભારતમાં પહેલી વખત, દિલ્હીમાં ગેમ્સનું આયોજન થયું હતું.

જોકે, અબુજા આ તક ચૂકી ગયું હોય એવું પણ આ બીજી વખત બન્યું છે, વર્ષ 2014માં અબુજાના સ્થાને ગ્લાસગોમાં રમતોનું આયોજન કરાયું હતું. આનો અર્થ એ થયો કે આફ્રિકામાં આ ઇવેન્ટ પ્રથમ વખત યોજવાનો ઇંતેજાર હજુ લાંબો ખેંચાયો છે.

કૉમનવેલ્થ ગેમ્સના નવા ફૉર્મેટે ભારત જેવા નવા દાવેદારને આકર્ષ્યા

આ સમાચાર સાથે જ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કૉમનવેલ્થ ગેમ્સ અંતિમ આયોજન હોવાનો ડર પણ સમાપ્ત થઈ જશે.

નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યે નાણાકીય કારણોને ટાંકીને જ્યારે પોતાનું નામ પાછું ખેંચ્યું, ત્યારે સ્કોટલૅન્ડના સૌથી મોટા શહેરે 2026માં આ આયોજનની જવાબદારી ઉઠાવી લીધી હતી.

જોકે, આ પહેલી વખત નહોતું થયું જ્યારે કૉમનવેલ્થ ગેમ્સના યજમાને પીછેહઠ કરી હોય. વર્ષ 2022માં જ્યારે દક્ષિણ આફ્રિકાના શહેર ડરબને પોતાની યજમાની છોડી તો બર્મિંઘમે આ જવાબદારી લીધી હતી.

જોકે, ઓછી રમતો, ઍથ્લીટો અને સ્થળવાળા નવા ફૉર્મેટે ભારત, નાઇજીરિયા અને અન્ય દેશોને 74 કૉમનવેલ્થ સ્પોર્ટ્સ દેશો અને ક્ષેત્રોને આવકારવાની પ્રેરણા આપી છે.

કૉમનવેલ્થ સ્પોર્ટ્સ નિવેદનમાં કહેવાયું કે તેમણે "દાવેદાર શહેરોની ઘણા માપદંડો પર ચકાસણી કરી છે" અને "નાઇજીરિયાની યજમાનીની મહત્ત્વાકાંક્ષાને ભવિષ્યની ગેમ્સ માટે ટેકો આપવા વ્યૂહરચના વિકસાવવાની વાત સંમત થયા છીએ. જેમાં વર્ષ 2034ની ગેમ્સના આયોજનની દાવેદારીનો સ્વીકાર સામેલ છે."

ગ્લાસગો 2026 ચૅર જ્યૉર્જ બ્લૅકે કહ્યું કે આ સમાચાર "એક મહત્ત્વપૂર્ણ પડાવ છે."

તેમણે ઉમેર્યું કે તેઓ "સ્કોટલૅન્ડ અને ભારત વચ્ચે મજબૂત સંબંધો વિકસાવવા તૈયાર છે, જે ભવિષ્યની ગેમ્સ માટે સેતુ હશે."

નોંધનીય છે કે 2030માં કૅનેડાના હેમિલ્ટન ખાતે 1930માં યોજાયેલી પ્રથમ કૉમનવેલ્થ ગેમ્સનાં 100 વર્ષ પૂર્ણ થશે.

'ભવિષ્યના સ્પૉર્ટ્સ ઇવેન્ટ માટે અમદાવાદ નવો આશાવાદ'

સ્પૉર્ટ્સ ઍડિટર ડેન રોન લખે છે કે થોડા સમય પહેલાં યજમાનો શોધવાની મુશ્કેલી કંઈક એવી હતી કે ગ્લાસગો 2026 આ ગેમ્સનું અંતિમ સંસ્કરણ હોવાની વાતો થવા લાગી હતી.

પરંતુ કૉમનવેલ્થ ચળવળના સભ્યો આ વાતને આગામી વર્ષના ઇવેન્ટ માટે આયોજનના વ્યાપના ઘટાડાના વિવાદિત નિર્ણયની પુષ્ટિ તરીકે જોઈ શકે છે.

ખર્ચના ઘટાડાને કારણે ગેમ્સના આયોજન માટે નવા યજમાનો દાવેદારી કરવા માટે પ્રેરિત થયા છે એટલું તો સ્પષ્ટ છે. આ એવા તબક્કા બાદ બની રહ્યું છે જ્યારે ગેમ્સનો સામ્રાજ્યવાદ સાથેનો તેનો સંબંધ અને તેની પ્રાસંગિકતા સંબંધિત સવાલોને કારણે ગેમ્સનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

બીબીસી સ્પૉર્ટને માહિતી મળી છે કે વર્ષ 2030માં સ્પૉર્ટ્સ પ્રોગ્રામનો વ્યાપ વધારવાની દિશામાં વિચાર કરાઈ રહ્યો છે અને ભવિષ્યનાં સંસ્કરણો માટે નવો આશાવાદ છે.

ભારતમાં સ્પૉર્ટ્સના માંધાતાઓને આનાથી આશા હશે કે આ આયોજનથી વર્ષ 2036ની ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની તેની દાવેદારી વધુ મજબૂત બને.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન