ટ્રમ્પનો દાવો, 'મોદીએ કહ્યું કે રશિયા પાસેથી ઑઇલની ખરીદી બંધ કરી દેશે'

    • લેેખક, ડેનિયલ કે
    • પદ, બિઝનેસ રિપોર્ટર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ઑઇલની ખરીદી બંધ કરવાની વાત પર સંમતિ વ્યક્ત કરી છે.

ટ્રમ્પ ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર આર્થિક દબાણ બનાવવું જરૂરી છે અને તેની પાસેથી ઑઇલની ખરીદી કરનારા દેશો અપ્રત્યક્ષપણે યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યા છે.

ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેમણે મોદી પાસેથી આશ્વાસન મેળવ્યું છે કે ભારત 'ખૂબ જલદી' રશિયન ઑઇલની ખરીદી બંધ કરી દેશે. તેમણે આને 'મોટું પગલું' ગણાવ્યું.

અમેરિકાના પાટનગર વૉશિંગટન ડીસીમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ આના પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

અમેરિકન રાષ્ટ્રપતિ ભારતની રશિયન ઑઇલ ખરીદીનો આપસી વેપારમાં દબાણ લાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ભારતે આનો વિરોધ કર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે કૂટનીતિક તણાવ વધ્યો છે.

અમેરિકાનું ભારત પર દબાણ

રશિયા ક્રૂડઑઇલ અને ગૅસની ભારે પ્રમાણમાં નિકાસમાં કરે છે, જેના પ્રમુખ ખરીદદાર ચીન, ભારત અને તુર્કી છે.

ટ્રમ્પે બુધવારે પોતાની ઓવલ ઑફિસમાં કહ્યું, "હવે મારે ચીનને પણ આવું કરવા માટે મનાવવાનું છે."

એક સવાલના જવાબમાં તેમણે ભારત વિશે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. હું એ વાતથી ખુશ નહોતો કે ભારત ઑઇલ ખરીદી રહ્યું છે અને તેમણે આજે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયા પાસેથી ઑઇલ નહીં ખરીદે."

ટ્રમ્પ પ્રશાસન ચીન સહિત અન્ય વેપારી ભાગીદારો પર પણ રશિયન ઑઇલની ખરીદી બંધ કરવાનું દબાણ કરી રહ્યું છે, જેથી રશિયાને થતી કમાણી પર રોક લગાવી શકાય.

ટ્રમ્પે કહ્યું કે ભારત 'તુરંત' ઑઇલની આયાત બંધ ન કરી શકે, પરંતુ આ બદલાવ 'એક પ્રક્રિયાનો ભાગ' છે અને એ 'જલદી જ પૂરો થઈ જશે.'

ટ્રમ્પ પ્રશાસને ભારતમાંથી આવતા સામાન પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે.

ટ્રમ્પે આ મોટા ટેરિફને રશિયા પાસેથી ઑઇલ અને હથિયારની ખરીદી કરવા બદલ ભારતને અપાયેલી 'સજા' ગણાવી છે.

આ ટેરિફ ઑગસ્ટ મહિનાથી લાગુ થયા છે અને એ ભારત માટે ખૂબ મોટો ફટકો મનાઈ રહ્યો છે. તેમા રશિયા પાસેથી લેવડદેવડ પર 25 ટકા વધારાની ડ્યૂટી પણ સામેલ છે.

ટ્રમ્પ દાવો કરે છે કે રશિયા જે ઑઇલનું વેચાણ કરે છે, એ યુક્રેન યુદ્ધ માટે તેની આવકનો સ્રોત છે.

ભારતનું રશિયા પ્રત્યે વલણ

વડા પ્રધાન મોદીએ પાછલા અમુક મહિનાથી પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં નિષ્પક્ષ છે.

જોકે, ભારત અને રશિયા વચ્ચે જૂના અને ઘનિષ્ઠ સંબંધ રહ્યા છે.

ભારતીય અધિકારીઓએ ભારત રશિયાના યુદ્ધમાંથી નફો રળી રહ્યો હોવાના ટ્રમ્પ પ્રશાસનના આરોપોને'બેવડા માપદંડ' ગણાવ્યા.

ભારત કહી ચૂક્યું છે કે અમેરિકા અને યુરોપનો પણ રશિયા સાથેનો વેપાર ચાલુ છે.

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારત પોતાનાં આર્થિક હિતો માટે ડિસ્કાઉન્ટેડ કિંમતે રશિયા પાસેથી ક્રૂડઑઇલની ખરીદી કરતું આવ્યું છે.

રશિયન ઑઇલ ખરીદીનો હવાલો આપીને ભારત પર ટેરિફ લાદવાના અમેરિકન નિર્ણયના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું, "આ કાર્યવાહી અયોગ્ય, કારણ વગરની અને તર્કહીન છે."

ભારતે કહ્યું હતું, "હાલના દિવસોમાં અમેરિકાએ રશિયા પાસેથી ભારતની ઑઇલ ખરીદીને નિશાન બનાવી છે. અમે આ મુદ્દે અગાઉ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ, જેમાં એ તથ્ય પણ સામેલ છે કે અમારી આયાત બજારની પરિસ્થિતિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ભારતની 140 કરોડની વસતીની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે."

રશિયન ઑઇલ અંગે આ વિવાદ ટ્રમ્પ અને મોદીના સંબંધોમાં તણાવનું કારણ પણ બન્યું છે. જોકે, બુધવારે ટ્રમ્પે મોદીનાં વખાણ કરતાં તેમને "મહાન વ્યક્તિ" કહ્યા.

મોદીએ ગત અઠવાડિયે કહેલું કે તેમની ટ્રમ્પ સાથે વાતચીત થઈ, જેમાં બંને નેતાઓએ "વેપાર વાતચીતોમાં થયેલી સારી પ્રગતિની સમીક્ષા કરી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન