પ્રેમી સેનામાં જોડાયો અને પ્રેમિકાએ દીકરીને જન્મ આપ્યો, 40 વર્ષ પહેલાં વિખૂટા પડેલા યુગલનું પુન:મિલન કેવી રીતે થયું

1967નું વર્ષ હતું, જ્યારે કેવિન કેરોલ અને ડેબી વેબર પ્રથમ વખત એકમેકને મળ્યાં અને પહેલી મુલાકાતમાં જ એકબીજાંની નજરમાં વસી ગયાં. બંને ટીનેજર્સ હતાં અને પોતપોતાનાં હાઈ સ્કૂલ થિયેટર ગ્રૂપ્સનાં મેમ્બર્સ હતાં.

બીબીસીના આઉટલુક પ્રોગ્રામમાં મિસ્ટર કેરોલે જણાવ્યું હતું, "હું છોકરાઓની સ્કૂલમાં હતો અને ડેબી ગર્લ્ઝ સ્કૂલમાં હતી. એક ઑડિશનમાં જ્યારે અમે સૌ ઑડિટોરિયમમાં એકઠાં થયાં હતાં, ત્યારે મેં મારા એક દોસ્તને કહ્યું, 'પેલી છોકરી જોઈ? હું તેને સ્કૂલ ડાન્સમાં લઈ જઈશ.'"

તો, ડેબી આ વિશે વાત કરે છે: "ઑડિટોરિયમમાં ઑડિશન માટે આવેલી અન્ય સ્કૂલની છોકરીઓને હું જાણતી ન હોવાથી હું સાવ એકલી બેઠી હતી, પણ મને યાદ છે કે મેં જ્યારે કેવિન (કેરોલ)ને જોયો, ત્યારે મને તે અત્યંત દેખાવડો લાગ્યો હતો."

એ પછી કેવિન અને ડેબીએ સાથે ડાન્સમાં ભાગ લીધો, એટલું જ નહીં, બંને એકબીજા વગર રહી પણ શકતાં ન હતાં. તેમણે ભાગી જઈને મૅરીલૅન્ડ પહોંચવાનો પ્લાન પણ ઘડ્યો હતો, કારણ કે, ત્યાં તેમના માટે લગ્ન કરવાં સરળ હતાં.

પણ વિધિને આ મંજૂર ન હતું. ડેબી ગર્ભવતી હોવાની જાણ થયા બાદ તેમનું સપનું રોળાઈ ગયું અને આ રૂપકડું દંપતી 40 વર્ષ કરતાં વધુ સમય માટે વિખૂટું પડી ગયું.

આજે બંનેએ ફરી એકમેકને ખોળી કાઢ્યાં છે અને કહે છે કે, યુવાનીમાં જે પ્રેમને તેઓ ન માણી શક્યાં, તે હવે માણી રહ્યાં છે. જોકે, આ સમય દરમિયાનની તેમની સફર કોઈ હોલિવૂડ ફિલ્મની કહાની જેટલી જ રોચક રહી હતી.

આફતોની વણઝાર

ડેબીનાં માતા-પિતાને પુત્રીની ગર્ભાવસ્થાની જાણ થઈ, ત્યારે તે સમયનાં સામાજિક મૂલ્યોને જોતાં તેઓ ઘણા સપોર્ટિવ રહ્યાં.

ડેબી વેબરે બીબીસીને જણાવ્યા પ્રમાણે, "તેઓ ઘણાં પ્રેમાળ હતાં, તેઓ કેવિનને પસંદ કરતાં હતાં. તેઓ જાણતાં હતાં કે કેવિન સારો છોકરો છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ તે સમયે ગર્ભવતી થનારી છોકરીઓ માટે પરિસ્થિતિ એટલી સરળ ન હતી."

માતા-પિતાએ ડેબીને સિંગલ મધર્સ માટેના હોમમાં મોકલવાની તૈયારી કરવા માંડી. એ સમયને યાદ કરતાં ડેબી કહે છે, "મારી મમ્મીએ કેવિનને મને મળવાની અને વીકેન્ડ્ઝ પર બહાર લઈ જવાની રજા આપી હતી. અમે કાર લઈને બહાર ફરવા જતાં અને સાથે ડિનર કરતાં."

આ સમય દરમિયાન, બંનેને આશા હતી કે, એક તબક્કે તેઓ લગ્ન કરી લેશે અને આવનાર બાળકનો સાથે મળીને ઉછેર કરશે.

કેવિને પણ આ માટે મન બનાવી લીધું હતું. આથી તેમની માતાને મનાવીને તેઓ 17 વર્ષની વયે યુએસ મરીન કૉર્પ્સમાં દાખલ થઈ ગયા. "મને માલૂમ પડ્યું કે, એક વખત દાખલ થયા બાદ, લગ્ન ન થયા હોવા છતાં હું ડેબીને પૈસા મોકલી શકીશ અને મરીન ડેબી તથા અમારા સંતાનનો તબીબી ખર્ચ ઉઠાવશે," એમ કેવિને જણાવ્યું હતું. "મારા મનમાં એક જ વિચાર રમતો હતો કે, જ્યારે મારી તાલીમ પૂરી થઈ જશે, એ પછી અમે લગ્ન કરી શકીશું."

... પણ આ આશા ઠગારી નીવડી.

કેવિનની લશ્કરી તાલીમ દરમિયાન તેને ડેબીનો પત્ર મળ્યો, જેમાં ડેબીએ કહ્યું હતું કે, તેઓ બાળકને દત્તક આપી દેવાનાં છે.

"તે સમયે મનમાં ઊઠેલી લાગણીઓ અને સંવેદનાઓ હજુયે મારા માનસપટ પર અંકિત થયેલી છે," કેવિનનો અવાજ ભીનો થયો. "હું ઘણાં મરીન્સ સાથે ટ્રેનિંગમાં હતો. ત્યાં તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવાનો હોય છે. તમે સૌની સામે લાગણીઓ વ્યક્ત નથી કરી શકતાં, પણ અંદરથી જાણે મારી દુનિયા વેરવિખેર થઈ ગઈ હતી."

જીવનના અણધાર્યા વળાંકો

આ તરફ કેવિનને વિયેટનામમાં ચાલી રહેલા યુદ્ધમાં મોકલવાની તૈયારીઓ થઈ રહી હતી, તો બીજી તરફ તેમની સાથેનો સંબંધ તોડ્યા પછી ડેબીને પોતાનું બાળક તરછોડવાનાં દુસ્વપ્નો આવવા માંડ્યાં. આખરે જ્યારે તેમના ડૉક્ટરે એક પરિવાર બાળકને દત્તક લેવા ઇચ્છુક હોવા વિશે વાત કરી, ત્યારે ડેબીને હાશકારો થયો.

ડૉક્ટરે ડેબીને કહ્યું, 'ચાર પુત્રો અને તેમની માતાનો એક પરિવાર છે. માતા હવે વધુ બાળકોને જન્મ આપી શકે તેમ નથી. આથી, જો તું બાળકીને જન્મ આપે, તો તેઓ તેને દત્તક લેવા માગે છે.'

ડેબી વેબરે બાળકીને જન્મ આપ્યો. તેમના મતે બાળકી તેના પિતા કેવિન કેરોલ જેવી જ દેખાતી હતી.

ડૉક્ટરે જણાવેલા પરિવાર વિશે ઝાઝી માહિતી મેળવ્યા વિના ડેબીએ પોતાનું સંતાન તે કુટુંબને દત્તક આપી દીધું.

થોડા જ સમય પછી તેમનો પરિવાર નવેસરથી જીવન શરૂ કરવા માટે સ્થળાંતર કરી ગયો. આ દરમિયાન, કેવિન વિયેટનામમાં હતા.

કેવિન કહે છે, "મારું કામ યુદ્ધમાં નીચે પડી ગયેલા ઈજાગ્રસ્ત પાઇલટ્સને બચાવવાનું હતું અને 10મી ઑક્ટોબર, 1969ના રોજ અમે એક સપ્લાય હેલિકૉપ્ટરને બચાવવા જવા રવાના થયા."

આ કામગીરી દરમિયાન કેવિનને હાથ-પગ અને પીઠમાં ઈજા થઈ હતી.

તેમના જ શબ્દોમાં કહીએ તો, "મારા બચવાની કોઈ આશા નહોતી. તે સમયે મેં ઇશ્વર સાથે તકરાર કરી.

મેં કહ્યું, 'હે ઈશ્વર, શું હું મારા અંતિમ શ્વાસ અહીં લઈશ? મારા વતનથી 18,000 માઇલ્સ દૂર? ડેબીને જોયા વિના? અમારાં સંતાનને જોયા વિના?'"

એવે વખતે અન્ય એક સૈનિક કેવિનની મદદે આવ્યો અને તેણે કેવિનને બચાવી લીધા. એ પછી કેવિનને ફિલિપાઇન્સ, જાપાન અને આખરે સારવાર માટે અમેરિકા મોકલવામાં આવ્યા.

"તે સમયે મારા પર 18 સર્જરી થઈ. એ પછી બીજી 20 સર્જરી થઈ. હું વ્હીલચેર પર હતો અને પછી વૉકરથી ચાલતો થયો. એ પછી ક્રચીઝ અને લાકડીના સહારે ચાલતો થયો."

આ તમામ સ્થિતિમાં પણ કેવિને ડેબી વેબરને શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યા.

પણ આ તરફ, અપરાધભાવથી ઘેરાયેલાં ડેબી વેબર આ સમગ્ર પ્રકરણ ભૂલી જવાની કોશિશ કરી રહી હતી. તેણે એક કરતાં વધુ વખત લગ્ન કર્યાં અને ત્રણ પુત્રીનીનાં માતા બન્યાં. આ દરિમાયન કેવિનનાં પત્નીનું મૃત્યુ થયું.

એકમેકની શોધ

આખરે, ડેબી વેબરે તેમની પુત્રીઓને હકીકતથી અવગત કરવાનો નિર્ણય લીધો.

"એ દિવસે મધર્સ ડે હતો. અમે રસોડામાં હતાં અને મેં કહ્યું: 'મારે તમને કશુંક જણાવવું છે. હું ટીનેજર હતી, ત્યારે મેં એક બાળકીને જન્મ આપ્યો હતો.' મેં પુત્રીઓને કેવિન અને મારા વિશેની સઘળી પરિસ્થિતિથી વાકેફ કરી."

ડેબી જણાવે છે કે એક પુત્રીએ તે બાળકીને શોધી કાઢવા માટે મારી પાસે વધુ વિગતો માગી.

"મને તેની અટક ખબર હતી, હું જાણતી હતી કે, પરિવારમાં ચાર છોકરા છે અને તેઓ કયા વિસ્તારમાં રહેતા હતા, એ પણ મને ખબર હતી."

આટલી જાણકારી પૂરતી હતી. ડેબીની પુત્રીએ તે પરિવારની ભાળ મેળવી લીધી અને ચારમાંથી એક ભાઈનો સંપર્ક કર્યો. વળતા જવાબરૂપે ફોન કૉલ આવ્યો - અને આ ફોન કરનાર બીજું કોઈ નહીં, પણ ખુદ વાલ હતાં, ડેબીનાં પુત્રી.

વાલે બીબીસીને જણાવ્યું હતું, "મેં સવારે આઠેક વાગ્યે તેમને ફોન કર્યો. મેં કહ્યું કે, મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. મારી માતાએ જે કર્યું, તે મેં સ્વીકારી લીધું છે. મારા મનમાં તેમના માટે કોઈ કડવાશ નહોતી."

વાલનો આ પ્રતિભાવ ડેબી વેબર માટે ઘા પર લગાવાતા મલમ સમાન બની રહ્યો. "શરમ અને અપરાધનો એ બોજ જાણે ક્યાંયે હવામાં ઓગળી ગયો. તે રાતે અમે મળ્યા. આ પુનઃમિલન દરમિયાન સવાલ ઊઠ્યોઃ વાલના પિતા કોણ હતા?"

ઑનલાઇન સર્ચ કરતાં કેવિનનાં સ્વર્ગીય પત્નીની મરણનોંધ મળી આવી. તે પછી ડેબીએ કેવિનને પત્ર લખ્યો.

"તમારી પત્ની વિશે જાણીને દુઃખ થયું. આશા છે કે, તમે સાજા હશો. હું તમારી સાથે શાળાના દિવસોની યાદો વાગોળવા માગું છું," આવા લખાણના પત્ર સાથે ડેબીએ તેનો ટેલિફોન નંબર પણ નોંધ્યો.

કેવિન કેરોલ માટે ડેબીનો આ પત્ર કોઈ ચમત્કારથી કમ નહોતો. "પત્ર મળ્યો, તે ક્ષણ હું કદીયે ભૂલી શકીશ નહીં. તરત જ ફોન જોડીને મેં કહ્યું કે, મને વિશ્વાસ નથી આવતો કે, આપણે વાત કરી રહ્યાં છીએ."

પુત્રીને મળવા માગશો? સવાલ સાંભળતાં વેંત કેવિનની આંખો ચમકી ઊઠી.

કેવિનને અસલ સરપ્રાઇઝ તો હવે મળી રહી હતી.

ડેબી કહે છે, "મેં કેવિનને કહ્યું કે, મારે તમને એક વાત કહેવી છે. મેં આપણી દીકરી શોધી કાઢી છે. તમે તેને મળવા માગો છો?'"

હકારમાં જવાબ મળ્યા બાદ ડેબી વેબરના ઘરે મુલાકાત ગોઠવાઈ. કેરોલ વેબરને જોઈ રહેલાં માતાની પ્રતિક્રિયા જોઈને વાલ હસી પડ્યાં, "તેમણે કહ્યું હતું, 'ઓહ, પણ તેઓ ઘણા દેખાવડા છે!'"

વાલ અને તેમના પિતાએ કલાકો સુધી વાતો કરી. તે પછી કેવિન કેરોલે કબૂલ્યું કે, ડેબી પ્રત્યેનો તેમનો પ્રેમ અકબંધ રહ્યો હતો.

ભાગી છૂટવાના નિષ્ફળ પ્લાનનાં 40 વર્ષ કરતાં વધુ સમય બાદ આખરે કેવિન અને ડેબીનાં લગ્ન થયાં. હવે ઉંમરના સાતમા દાયકામાં તેઓ એકમેક સાથે ફુરસદનો સમય વીતાવી રહ્યાં છે.

"જીવનના આ તબક્કે અમને એકમેકની સંભાળ લેવાનો અને એકબીજાને પ્રેમ કરવાનો અવસર મળ્યો છે. સાચું કહું તો, મારે આ સિવાય બીજું કશું જોઈતું નથી," આ શબ્દો છે ડેબી વેબરના.

(બીબીસી વર્લ્ડ સર્વિસ પર આઉટલુકના એપિસોડ પર આધારિત.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન