'બળાત્કાર અને જાતીય હિંસા'નો ભોગ બનતી એ મહિલાઓની કહાણી જે યુરોપમાં શરણ લેવા આવે છે

    • લેેખક, સોફિયા બેટ્ટિઝા
    • પદ, ઈટાલીના ટ્રાઈસ્ટે સ્થિત ગ્લોબલ હેલ્થ રિપોર્ટર

એસ્થર લાગોસની કોઈ સડક પર સૂતાં હતાં, ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને તેણે એસ્થરને નાઇજીરિયામાંથી કાઢીને યુરોપમાં નોકરી તેમજ ઘર અપાવવાનું વચન આપ્યું.

એસ્થરે યુકેમાં નવા જીવનનું સ્વપ્ન સેવ્યું હતું. તેમને હિંસા અને પજવણીનું વાતાવરણ ધરાવતા પાલક-ગૃહમાંથી કાઢી દેવાયાં, એ પછી તેમની પાસે રહેવાનું કોઈ ઠેકાણું ન હતું. 2016માં જ્યારે તેઓ લાગોસ છોડી, રણ પસાર કરીને લિબિયા પહોંચ્યાં, ત્યારે આગળની દર્દનાક સફરની તેમને લગીરે કલ્પના નહોતી, જ્યાં તેમને બળજબરીપૂર્વક સેક્સ વર્કર બનાવવામાં આવ્યાં અને વર્ષો સુધી જુદા-જુદા દેશોમાં શરણું મેળવવા માટે દાવા કરવા પડ્યા.

યુરોપિયન એજન્સી ફૉર એસાયલમ અનુસાર, અનિયમિત સ્થળાંતરિતો અને શરણાર્થીઓમાં 70 ટકા પુરુષો હોય છે, પણ હવે શરણ મેળવવા માગતી એસ્થર જેવી મહિલાઓની સંખ્યા પણ વધવા માંડી છે.

"ભૂમધ્ય સમુદ્ર અને બાલ્કન, બંને માર્ગો પર એકલપંડે પ્રવાસ ખેડનારી મહિલાઓનું પ્રમાણ વધ્યું છે," એમ ઇટાલી સ્થિત ઇન્ટરનૅશનલ રેસ્ક્યૂ કમિટિનાં ઈરીની કોન્ટોગિયાનિસે જણાવ્યું હતું.

કમિટિના 2024ના અહેવાલમાં બાલ્કન માર્ગે થઈને ઇટાલી આવી પહોંચતી એકલી પુખ્ત મહિલાઓની સંખ્યામાં 250 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો, જ્યારે આ રીતે આવનારા પરિવારોનું પ્રમાણ 52 ટકા વધ્યું હતું.

મહિલાઓ પર રેપ થવાનો સતત ખતરો

સ્થળાંતર માટેના માર્ગો ઘણા જોખમી હોય છે. ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઓએમ)એ ગયા વર્ષે યુરોપમાં સ્થળાંતરિતોનાં મોત નીપજવાના કે ગુમ થવાના 3,419 કિસ્સા નોંધ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો હતો.

તેમાંયે જો પીડિત મહિલા હોય, તો એસ્થરની માફક તેના પર જાતીય હિંસા થવાની, તેનું શોષણ થવાની શક્યતા વધી જાય છે. એસ્થરને બહેતર જીવનનું વચન આપનારી મહિલાએ જ તેમને દગો દીધો હતો.

એસ્થર કહે છે, "તે મહિલાએ મને રૂમમાં પૂરી દીધી અને એક માણસને અંદર મોકલ્યો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો. તેઓ આવાં જ કામમાં સંડોવાયેલા હોય છે... નાઇજીરિયાનાં જુદાં-જુદાં ગામોમાં જઈને યુવાન છોકરીઓને નિશાન બનાવે છે અને લિબિયા લઈ જઈને તેમને સેક્સ સ્લેવ્ઝ બનાવી દે છે."

આઈઓએમના ઉગોચી ડેનિયલ્સે બીબીસીને જણાવ્યું હતું, "તેમના અનુભવો વિભિન્ન અને જોખમી હોય છે. સમૂહમાં પ્રવાસ ખેડતી મહિલાઓ સુદ્ધાં સતત રક્ષણ મેળવી ન શકવાથી દાણચોરો, માનવ તસ્કરો કે અન્ય સ્થળાંતરિતોની પજવણીનો શિકાર બનતી હોય છે."

ઘણી મહિલાઓ આવા સંકટથી અવગત હોવા છતાંયે જોખમ વહોરીને માર્ગમાં તેમના પર બળાત્કાર ગુજારવામાં આવે, તો એવી સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉન્ડોમ્સ સાથે લઈને કે પછી ગર્ભનિરોધક ડિવાઇસ લગાવીને જાય છે.

એન્ટી-ટ્રાફિકિંગ નેટવર્ક સ્ટેલા પોલારેનાં હર્માઈન ગેબેડો જણાવે છે, "તમામ સ્થળાંતરિતોએ દાણચોરને નાણાં ચૂકવવા પડતાં હોય છે, પણ મહિલાઓ આ ચૂકવણીના ભાગરૂપે જાતીય સંબંધ બાંધે, એવી અપેક્ષા સેવવામાં આવે છે."

મિસ ગેબેડો ઇટાલીના ઉત્તર-પૂર્વીય બંદર ટ્રાઈસ્ટેની મહિલા સ્થળાંતરિતોને સહાય પૂરી પાડે છે. ટ્રાઈસ્ટે લાંબા સમયથી સંસ્કૃતિઓનું સંગમ સ્થાન રહ્યું છે તેમજ બાલ્કનના માર્ગે આવનારા લોકો માટે યુરોપિયન યુનિયનનું મહત્ત્વનું પ્રવેશદ્વાર રહ્યું છે. અહીંથી પ્રવાસીઓ જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશો તરફ જવા આગળ પ્રવાસ ખેડતા હોય છે.

યુરોપમાં પ્રવેશવાનો જોખમી માર્ગ

લિબિયામાં ચાર મહિના સુધી શોષણનો ભોગ બન્યા બાદ એસ્થર ત્યાંથી નાસી છૂટીને રબ્બરની હોડીમાં બેસીને તેમણે ભૂમધ્ય સમુદ્ર પાર કર્યો. ત્યાંથી ઇટાલિયન કોસ્ટ ગાર્ડે તેને બચાવી લીધી અને લેમ્પેડુસા ટાપુ પર પહોંચાડી.

એસ્થરને શરણાર્થીનો દરજ્જો મળ્યો, એ પહેલાં ત્રણ વખત તેમણે શરણ માટે દાવો કર્યો હતો.

સલામત ગણાતા દેશોમાંથી આવનારા શરણાર્થીઓને ઘણી વખત જાકારો આપવામાં આવતો હોય છે. તે સમયે ઇટાલી નાઇજીરિયાને અસુરક્ષિત ગણતું હતું, પણ 2015-16માં યુરોપમાં સ્થળાંતરિતોનો ભારે ધસારો થતાં યુરોપની તમામ સરકારોએ તેના નિયમો કડક કરવા માંડ્યા. જેને પગલે ઇટાલીએ પણ બે વર્ષ પહેલાં તેની આકારણીમાં ફેરફાર કર્યો હતો. ત્યારથી શરણ માટેના દાવાઓ પર વધુ નિયંત્રણો લાદવાની રજૂઆતો વધુ પ્રબળ બની છે.

જ્યૉર્જિયા મેલોનીની સરકારનાં સાંસદ નિકોલા પ્રોકાસિની જણાવે છે, "સામૂહિક સ્થળાંતરને જાળવી રાખવું મુશ્કેલ છે-- કોઈ માર્ગ નથી. સાચે જ સંકટમાં હોય, એવી મહિલાઓને અમે સલામત જીવનની બાંહેધરી આપી શકીએ, પણ તમામ માટે આવું ન થઈ શકે."

કન્ઝર્વેટિવ થિન્ક ટેન્ક પૉલિસી ઍક્સ્ચેન્જ ખાતેના સિનિયર ફેલો રકીબ અહેસાન ચેતવણી ઉચ્ચારે છે, "આપણે મક્કમ થવું પડશે. આપણે એવી મહિલાઓ અને છોકરીઓને પ્રાથમિકતા આપવી જોઈએ, જેઓ બળાત્કારનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ થતો હોય, તેવા સંઘર્ષથી પ્રભાવિત પ્રદેશોમાં સંકટ હેઠળ હોય."

સાથે જ તેઓ દલીલ કરે છે કે, હાલના સમયમાં આવું સતત નથી થઈ રહ્યું. વળી, યુરોપમાં પ્રવેશવા માટે જોખમી રસ્તાઓ અપનાવતી મહિલાઓની દુર્દશા પ્રત્યે સહાનુભૂતિ હોવા છતાં કરૂણા પરનું નિયંત્રણ જરૂરી બની રહે છે.

જોકે, સલામત ગણાતા દેશોમાંથી આવનારી ઘણી મહિલાઓ દાવો કરે છે કે, એક મહિલા હોવાના નાતે તેમણે સહન કરવા પડતા દુર્વ્યવહારને કારણે તેમના પોતાના જ દેશમાં જીવવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે.

મોટા ભાગની મહિલાઓ હિંસાનો શિકાર

કોસોવોનાં 28 વર્ષીય નીનાનો કેસ આવો જ હતો.

નીના કહે છે, "લોકોને લાગે છે કે, કોસોવોમાં બધું બરાબર છે, પણ તે સાચું નથી. મહિલાઓની સ્થિતિ ઘણી ભયાનક છે."

નીના જણાવે છે કે, તેમના અને તેમની બહેનના બૉયફ્રેન્ડ્ઝે તેમનું જાતીય શોષણ કર્યું હતું અને તેમને દેહ વ્યવસાયમાં ધકેલ્યાં હતાં.

યુરોપના ઓએસસીઈ સિક્યૉરિટી ઑર્ગેનાઇઝેશનના 2019ના અભ્યાસ પ્રમાણે, કોસોવોની 54 ટકા મહિલાઓ 15 વર્ષની વયથી તેમના પાર્ટનર દ્વારા મનોવૈજ્ઞાનિક, શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બની ચૂકી હતી.

લિંગ આધારિત હિંસાનો સામનો કરનારી મહિલાઓ કાઉન્સિલ ઑફ યુરોપના ઇસ્તાંબુલ કન્વેન્શન અંતર્ગત શરણ મેળવવાનો અધિકાર ધરાવે છે અને ગત વર્ષે યુરોપિયન યુનિયનની સર્વોચ્ચ અદાલતના એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં તેની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. આ કન્વેન્શન લિંગ આધારિત હિંસાને મનોવૈજ્ઞાનિક, શારીરિક તથા જાતીય હિંસા તરીકે વર્ગીકૃત કરે છે અને તેમાં મહિલા જનનાંગ વિકૃતિ (એફજીએમ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે, ચેરિટી જૂથોના મતે, તેની શરતો હજી સુસંગત રીતે લાગુ કરવામાં આવી નથી.

"આ ક્ષેત્રમાં કાર્યરત મોટાભાગના એસાયલમ ઑફિસર્સ પુરુષો છે, જેમને આવી (મહિલા જનનાંગ વિકૃતિ - એફજીએમ જેવી) નાજુક સમસ્યા નિવારવા માટે તબીબી તથા મનૌવૈજ્ઞાનિક, બંને પ્રકારની પૂરતી તાલીમ મળી હોતી નથી," તેમ ઍન્ડ એફજીએમ યુરોપિયન નેટવર્કનાં ડિરેક્ટર મેરિએન એન્ગુએના કાના જણાવે છે.

તેઓ આગળ જણાવે છે કે, ઘણી મહિલાઓના શરણ માટેના દાવા એવી ગેરમાન્યતાને પગલે નામંજૂર કરવામાં આવ્યા છે કે, તેઓ એફજીએમનો ભોગ બની ચૂકી હોવાથી હવે તેમના પર કોઈ બીજું જોખમ તોળાતું નથી.

ન્ગુએના કાનાના જણાવ્યા મુજબ, "ન્યાયાધીશો કહી ચૂક્યા છે: 'તમારું અંગ અગાઉથી જ વિકૃત કરી દેવામાં આવ્યું હોવાથી હવે તમારા માટે તમારા દેશમાં જવું જોખમી નથી, કારણ કે, હવે તમારી સાથે ફરી વખત આવું થઈ શકે તેમ નથી."

પર્વતો અને જંગલોમાં સતત જોખમ

જાતીય હિંસા મામલે બ્રિટનની ચેરિટી સંસ્થા વિમેન ફૉર રેફ્યૂજી વિમેનનાં કેરેન્ઝા આર્નોલ્ડ જણાવે છે કે, આ પ્રકારની હિંસા પુરવાર કરવી ઘણી વખત મુશ્કેલ હોય છે, કારણ કે તેના ઘાવ શારીરિક યાતના જેવા નિશાન નથી છોડતા. તેમાં મહિલાઓ પ્રત્યેની સાંસ્કૃતિક સંવેદનશીલતા તેમજ નિષેધો સમગ્ર પ્રક્રિયાને વધુ અઘરી બનાવે છે.

આર્નોલ્ડ સમજાવે છે, "મહિલાઓએ આ પ્રક્રિયા ઉતાવળે કરવી પડતી હોય છે. આ સ્થિતિમાં હજુ હમણાં જ મળેલા ઇમિગ્રેશન ઑફિસર સમક્ષ તેઓ તેમની સાથે આચરવામાં આવેલી જાતીય હિંસા વિશે વાત કરતાં ક્ષોભ અનુભવે છે."

ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશને બીબીસીને જણાવ્યા પ્રમાણે, મહિલાઓ પ્રવાસ ખેડતી હોય, તે સમય દરમિયાન તેમના પર મોટાભાગની હિંસા આચરવામાં આવતી હોય છે.

ઉગોચી ડેનિલ્સ જણાવે છે તેમ, "મહિલાઓ સામાન્યપણે તેમના મૂળ દેશમાં તેમના પાર્ટનર દ્વારા જાતીય હિંસાનો ભોગ બનતી હોય છે અને તે પછી મુસાફરી દરમિયાન ફરી વખત તેમણે સમાન યાતનાનો અનુભવ કરવો પડે છે."

કોસોવોમાં તેમના ક્રૂર પાર્ટનર્સથી દૂર ઈટાલીમાં નવું જીવન શરૂ કરવા માટે આગળ વધી રહેલી નીના અને તેની બહેન સાથે પણ આવું જ બન્યું હતું. અધિકારીઓની નજરથી બચવા માટે પૂર્વીય યુરોપના પર્વતો અને જંગલોમાંથી અન્ય મહિલાઓ સાથે પસાર થતી વખતે પુરુષ સ્થળાંતરિતો અને દાણચોરોએ તેમના પર હુમલો કર્યો હતો.

લાચાર છોકરીઓને ઉઠાવી જવાઈ

તે ઘટના યાદ કરતાં નીના કહે છે, "અમે ઉપર પર્વતો પર હોવા છતાં અંધારામાં ચીસો સંભળાતી હતી. પુરુષો ટૉર્ચ લઈને અમારી પાસે આવ્યા, અમારા ચહેરા પર પ્રકાશ ફેંક્યો, જે છોકરી ગમી, તેને પસંદ કરીને જંગલમાં લઈ ગયા."

"રાતના અંધારામાં મને મારી બહેનનો રડતો, મદદ માગતો અવાજ સંભળાતો હતો."

નીના અને તેમની બહેને ઇટાલીના અધિકારીઓને જણાવ્યું કે, જો તેમને ઘરે પરત મોકલવામાં આવશે, તો તેમના ઍક્સ-બૉયફ્રેન્ડ્ઝ તેમને મારી નાખશે. આખરે તેમને શરણું આપવામાં આવ્યું.

તેની તુલનામાં શરણાર્થી તરીકેનો દરજ્જો મેળવવા માટે એસ્થરે ઘણી લાંબી લડાઈ લડવી પડી હતી.

સૌપ્રથમ ઇટાલીમાં 2016માં તેણે શરણ માટે દાવો કર્યો હતો, પણ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તે ફ્રાન્સ અને ત્યાંથી પછી જર્મની ગઈ, જ્યાં તેના શરણ માટેના દાવા નામંજૂર થયા. કારણ કે, યુરોપિયન યુનિયનના ડબ્લિન નિયમ પ્રમાણે શરણ માગનારી વ્યક્તિ સામાન્યતઃ યુરોપિયન યુનિયનના જે પ્રથમ દેશમાં પ્રવેશ કરે, ત્યાં જ તે શરણ માટે અરજી કરે, તે અપેક્ષિત હોય છે.

આખરે 2019માં ઈટાલીમાં તેને શરણાર્થીનો દરજ્જો મળ્યો.

નાઈજીરિયા છોડ્યાના આશરે એક દાયકા પછી એસ્થર વિચારે છે કે, ઈટાલીમાં તેનું હાલનું જીવન તેણે અહીં સુધી પહોંચવા માટે વેઠેલાં કષ્ટો, કઠણાઈઓને સાર્થક કરે છે ખરું? "હું એ સુદ્ધાં નથી જાણતી કે હું અહીં શા માટે આવી?"

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન