'આપણા કરતાં નીચી જાતિનો છે', દલિત પ્રેમીની હત્યાના કેસમાં ખરેખર શું થયું હતું?

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી સંવાદદાતા

તેમણે ત્રણ-ચાર ગોળીઓ મારી, પણ ત્યાર પછી પણ તેને કંઈ થયું નહીં. તેમને જ્યારે ખબર પડી કે તે જીવતો છે, ત્યારે તેમણે તેને કોયતાના ઘા મારીને ખતમ કરી નાખ્યો.

ઓગણીસ વર્ષનાં આંચલ મામીડવાર તેમના બૉયફ્રેન્ડ સક્ષમ તાટેની હત્યા કેટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી, તેની વાત કરી રહ્યાં હતાં.

સક્ષમ તાટે મહારાષ્ટ્રના નાંદેડ શહેરના સંઘસેન વિસ્તારમાં રહેતા હતા. બીબીસીની ટીમ સક્ષમના ઘરે પહોંચી ત્યારે ઘરની દીવાલ પર ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો જોવા મળી હતી. તેની બાજુમાં જ સક્ષમનો ફોટોગ્રાફ હતો, જેના પર હાર ચડાવેલો હતો.

પહેલી ડિસેમ્બરે સક્ષમનો જન્મદિવસ હતો અને તેની હત્યા જન્મદિવસના બે-ત્રણ દિવસ પહેલાં, એટલે કે 27 નવેમ્બરે, કરવામાં આવી હતી.

'એ આપણા કરતાં નીચી જાતિનો છે'

સક્ષમ અને આંચલ એકબીજાના પ્રેમમાં હતાં. સક્ષમ દલિત જાતિના હતા, જ્યારે આંચલ પદ્મશાલી સમુદાયનાં છે.

આંચલના જણાવ્યા મુજબ, અલગ-અલગ જાતિ હોવાને કારણે પરિવારે તેમના પ્રેમનો વિરોધ કર્યો હતો અને એ કારણે જ તેમણે સક્ષમની હત્યા કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં આંચલ કહે છે, "અમે ત્રણ વર્ષથી પ્રેમમાં હતાં. તે અમારી ગલીમાં આવતો હતો. તેણે મને જોઈ, પછી મને ઇન્સ્ટાગ્રામ પર મૅસેજ કર્યો. મેં તેની સાથે વાત કરી. ધીમે ધીમે અમારી દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. અમે મળતાં, વાતો કરતાં. પછી મારા ઘરમાં બધાને તેની ખબર પડી હતી."

"પરિવારજનોએ મને કહ્યું હતું કે તેં કરી-કરીને એવા છોકરા સાથે પ્રેમ કર્યો, જે આપણા કરતાં નીચી જાતિનો છે? 'એ જયભીમવાળો છે,' એવું પરિવારજનો કહેતા હતા. હું ખૂબ રડતી હતી. એક દિવસ મારા પિતાએ સક્ષમને કહી દીધું હતું કે તારે મારી દીકરી સાથે લગ્ન કરવાં હોય તો અમારો ધર્મ, એટલે કે હિન્દુ ધર્મ, સ્વીકારવો પડશે. સક્ષમ મારા પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર હતો."

'અમે આંચલને અમારા દીકરાની જેમ રાખીશું'

નાંદેડના ઇતવારા પોલીસ સ્ટેશનની હદમાં સક્ષમની હત્યા કરવામાં આવી હતી. સક્ષમની હત્યા પછી આંચલે તેના મૃતદેહ સાથે લગ્ન કર્યાં. સક્ષમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો એ પછી આંચલે તેના પર હળદર અને કેસર લગાવ્યાં અને પોતાના શરીર પર પણ હળદર તથા કેસર લગાવ્યાં.

આંચલ કહે છે, "અમે ત્રણ વર્ષથી સાથે હતાં. અમે લગ્ન કરવાના હતાં. અમારાં ઘણાં સપનાં હતાં, જે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. એ પણ લગ્ન કરવા તૈયાર હતો. એટલે મેં તેની સાથે લગ્ન કર્યાં. હવે હું કાયમ અહીં જ રહીશ. તેની થઈને જીવનના અંત સુધી અહીં રહીશ."

આંચલ હાલ સક્ષમના ઘરમાં જ રહે છે.

સક્ષમનાં માતા સંગીતા કહે છે, "આંચલ અમારી સાથે રહેવા તૈયાર હોય તો અમે તેને અમારા દીકરાની જેમ રાખીશું."

આંચલ કહે છે, "મારા પરિવારે સક્ષમને ઓછામાં ઓછો એક વખત જવા દેવો જોઈતો હતો. તે સમજદાર ના બન્યો હોત તો મેં પણ તેની સાથે વાત કરી ન હોત. આ રીતે તેની હત્યા કરવી તે ખોટું છે. સક્ષમને જે રીતે ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યો, એવી જ રીતે તેની હત્યાના આરોપીઓએ પણ મરવું જોઈએ."

પોલીસે શું કહ્યું?

જે સ્થળે સક્ષમની હત્યા કરવામાં આવી હતી, ત્યાં હજુ પણ લોહીના ડાઘ દેખાતા હતા. એક મહિલાએ ઘટનાસ્થળ તરફ ઇશારો કરતાં જણાવ્યું હતું કે, આ લોહીના ડાઘ જુઓ. ત્યાં કોયતો પણ જોવા મળ્યો હતો.

સક્ષમ પર એટલા જોરથી વાર કરવામાં આવ્યો હતો કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આંચલનો આરોપ છે કે સક્ષમની હત્યા માટે તેના ભાઈને પોલીસે ઉશ્કેર્યો હતો.

આંચલ કહે છે, "પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને કહ્યું હતું કે, 'તું તેને મારીને અહીં આવે એના કરતાં જેની સાથે તારી બહેનનું લફરું છે, તેને મારી નાખ. તેની હત્યા કરીને તારો ચહેરો અમને દેખાડજે'."

આ આરોપને પોલીસે નકારી કાઢ્યો છે.

નાંદેડના નાયબ પોલીસ અધિક્ષક પ્રશાંત શિંદેએ બીબીસીને કહ્યું હતું, "સક્ષમ તાટે હત્યા કેસના આરોપીઓ સામે અત્યાચાર, હત્યા, હત્યાનું કાવતરું ઘડવા જેવી વિવિધ કલમો લગાડવામાં આવી છે. આ કેસમાં મૃતક અને આરોપી બન્નેનો ગુનાહિત રેકોર્ડ છે. તેમની સામે ગંભીર કેસ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓને ઉશ્કેર્યા હોવાનો આરોપ ખોટો છે. આવું કંઈ નથી. આ ઘટના ઑનર કિલિંગ નહીં, પણ ફોજદારી કેસના ભાગરૂપે બની હોય એવું લાગે છે."

આ ઘટના બાબતે ઇતવારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 61 (2), 189, 190, 191 (2), (3) અને અનુસૂચિત જાતિ તથા જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

'જાતિવાદ ન હોય તો મૃત્યુદંડ આપવો જોઈએ'

સક્ષમ તાટે હત્યા કેસના તમામ આરોપીઓની ઘટના બની એ જ રાતે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

છ આરોપીઓમાં એક મહિલા છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. એક સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે. બાકીના ચાર આરોપીઓને ત્રીજી ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમે આરોપીઓનો પક્ષ જાણવા માટે ફોન દ્વારા સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના ફોન બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.

સક્ષમનો પરિવાર આરોપીઓને આકરી સજાની માગણી કરી રહ્યો છે.

સક્ષમનાં માતા સંગીતા તાટે કહે છે, "તેમણે જાતિને કારણે મારા દીકરાની હત્યા કરી. જાતિવાદ ન હોય તો મારા દીકરાને શક્ય તેટલો વહેલો ન્યાય મળવો જોઈએ. આરોપીઓને કડક, એટલે કે ફાંસીની સજા થવી જોઈએ. આજીવન કેદ થવી જોઈએ. એક પણ આરોપીને છોડવો ન જોઈએ. સરકાર પાસેથી અમારી આ માગણી છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન