You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસના કલમ 144ના જાહેરનામાને કેમ રદ કર્યું?
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરના કલમ 144 લાગુ કરવાના જાહેરનામાને રદ કર્યું છે. લોકોને ગેરકાયદે એકઠા થતા રોકવા માટે CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની કલમ 144નો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે આ કલમનો "મનફાવે તે રીતે ઉપયોગ" થતો હોય તેવું લાગે છે જેનાથી "લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે."
ગુજરાતમાં નાગરિકતા સુધારણા ધારો (સીએએ)નો વિરોધ કરવા માટે 2019 પ્રદર્શનો થયાં, ત્યારે તેમાં સામેલ થનારા લોકો સામે કેટલાક નાગરિકો સામે એફઆઇઆર કરવામાં આવી હતી. તેની સામે લોકો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે હાઇકોર્ટે રાજ્ય સરકારને ભવિષ્યમાં કલમ 144ના નોટિફિકેશનને લાગુ કરવામાં પૂરતી કાળજી રાખવા કહ્યું છે. કોર્ટે પોલીસને સોશિયલ મીડિયા મારફત લોકોમાં તેની જાગૃતિ લાવવા માટે પૂરતી પબ્લિસિટી કરવા કહ્યું છે.
હાઇકોર્ટના ચુકાદાને કોણે આવકાર્યો?
લઘુમતીના અધિકારો માટે કામ કરતા સામાજિક કાર્યકર મુજાહિદ નફીસે પણ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને આવકાર આપ્યો છે.
તેમણે બીબીસીને કહ્યું કે "કલમ 144નો ઉપયોગ વિકટ પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. ગુજરાતમાં સરકાર પોલીસની મદદથી પોતાની તાનાશાહી લાગુ કરવા સતત પ્રયાસ કરતી હતી. તેના કારણે માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ રાજ્યના દરેક શહેરમાં 365 દિવસમાંથી 300 કરતાં વધુ દિવસ 144ની કલમ લાગેલી હોય છે. આણંદમાં કલેક્ટર ઑફિસથી એક કિમીની ત્રિજયામાં કાયમી 144 લાગુ કરી હતી."
તેમણે કહ્યું કે "જનતાના આક્રોશ અને અવાજને દબાવવા, કોઈ પોતાની માગણીઓ માટે વિરોધ ન કરી શકે તે માટે સરકાર 144 લાગુ કરીને શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ કરી રહી છે.
મુજાહિદ નફીસે કહ્યું કે, "એનઆરસીના વિરોધપ્રદર્શન કરવાની અમે માગણી કરી હતી ત્યારે માત્ર 144ની કલમનું કારણ આપીને ધરણાની મંજૂરી આપી ન હતી. હવે હાઇકોર્ટે લોકોની જનભાવનાનું સન્માન કર્યું છે જેથી લોકો પોતાની વાત રાખી શકશે."
નિવૃત્ત આઇપીએસ અધિકારી આરપી પ્રિયદર્શીએ હાઇકોર્ટના આ ચુકાદાને આવકાર્યો છે. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ ચુકાદો યોગ્ય છે. સામાન્ય રીતે પોલીસવડા 14 દિવસ કલમ 144 લાગુ રાખે અને પછી અડધો દિવસ ખોલી નાખીને ફરી લાગુ કરી દેતા હોય છે. લોકોને ગેરકાયદે એકઠા થતા રોકવા હોય તો પોલીસ પાસે બીજા પણ રસ્તા પણ હોય છે. તો પછી આ નોટિફિકેશનની શા માટે જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરોધને દબાવવા કલમ 144નો ઉપયોગ?
ગુજરાતભરમાં CAA અને NRCનાં વિરોધપ્રદર્શનો થયાં ત્યારે કલમ 144ના અમલ પર પણ એક ચર્ચા શરૂ થઈ ચૂકી હતી.
એક તરફ લોકોનું માનવું છે કે આ કલમને કારણે તેમના મૂળભૂત હકોનું હનન થાય છે. ત્યાં બીજી બાજુ સરકાર આ કલમના અમલની તરફેણમાં છે.
ગુજરાત હાઇકોર્ટમાં 2019માં થયેલી એક પિટિશન પ્રમાણે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કે પોલીસવડાને આ કલમ સતત અમલમાં રાખવાની સત્તા નથી, કારણ કે તે ગેરબંધારણીય છે, તેને કારણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અને ભેગા થવાના અધિકારોનું હનન થાય છે.
આ પિટિશન અમદાવાદ IIMના પ્રોફેસર નવદીપ માથુર સહિત અન્ય બુદ્ધિજીવીઓએ કરી હતી.
શું છે કલમ 144?
સામાન્ય રીતે કલમ 144 હેઠળનું જાહેરનામું દર 15 દિવસ માટે હોય છે અને પોલીસવડા તેને દર 15 દિવસ બાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ગુજરાત પોલીસ ઍક્ટ પ્રમાણે તેમને મળેલી સત્તા પ્રમાણે ફરીથી બહાર પાડતા હોય છે.
ગુજરાત પોલીસ ઍક્ટ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) પ્રમાણે પોલીસવડા કે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને સત્તા છે કે તેઓ ચાર કે તેથી વધુ લોકોને કોઈ જાહેરસ્થળ પર ભેગા થવાથી રોકી શકે છે.
કોઈ બૅનર, પોસ્ટર, કે લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદી શકે છે.
જોકે, પોલીસવડાની પરવાનગી બાદ જ લોકો કોઈ પણ જુલૂસ, મીટિંગ કે જાહેરપ્રદર્શન કરી શકે છે.
કલમ 144 પર વાત કરતા બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ ગૌતમ ભાટિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "1898માં બ્રિટિશ સરકારના રાજ વખતે આઝાદીની લડાઈ માટે લોકો ભેગા ન થાય અને સરકાર સામે કોઈ વિરોધ ન કરે તે હેતુથી આ કલમ લાગુ કરાઈ હતી."
"પરંતુ આઝાદી મળ્યા બાદ પણ આ કલમ યથાવત્ રહી હતી."
ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે 60ના દાયકામાં CrPCમાં ફેરફાર થયા હતા, પરંતુ કલમ 144માં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. માટે આ કલમ 1898થી હજુ સુધી અસ્તિત્વમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન