You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૂડ ડિલિવરી બૉય બનીને સુરત પોલીસે કેવી રીતે આરોપી પોલીસ અધિકારીને પકડ્યો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્રના લાતુર ઇન્ડસ્ટ્રિયલ એરિયા પાસેના વિક્રમનગર તથા વિશાલનગર વિસ્તારમાં સુરત પોલીસે ત્રણ દિવસ સુધી અલગ-અલગ કંપનીના ફૂડ ડિલિવરીબૉય બનીને ધામા નાખ્યા હતા.
સુરત પોલીસના રડાર ઉપર એક ફોનનો નંબર હતો, જે આ વિસ્તારમાં ઍક્ટિવ હતો એટલે ગુજરાતના પોલીસવાળા આ વિસ્તારમાં કોઈ પણ ઑનલાઇન ફૂડ ઑર્ડર આવે, એટલે ડિલિવરી બૉય બનીને ડિલિવરી આપવા જતા.
ત્રણ દિવસ દરમિયાન સુરત પોલીસે અનેક ઘરના દરવાજા ખખડાવ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી.
આખરે સુરત પોલીસને સફળતા મળી અને મહારાષ્ટ્ર પોલીસના સસ્પેન્ડેડ પીએસઆઈ રણજિત કાસલે તેમની પકડમાં હતા.
કાસલે ઉપર સુરતમાં ધમકી આપીને પૈસા પડાવવાનો આરોપ છે અને મહારાષ્ટ્રમાં પણ વૉન્ટેડ છે.
કાસલે સામે કયા કેસો નોંધાયેલા છે?
સુરતમાં લોન અપાવવાનું કામ કરતાં મહિલા પાસેથી મહારાષ્ટ્ર ક્રાઇમબ્રાન્ચના અધિકારી બનીને આવેલા શખ્સે મહિલાને ઍન્કાઉન્ટરની ધમકી આપીને રૂ. સવા બે લાખની રોકડ તથા ફોન પડાવી લીધાં હતાં.
બીકના માર્યા એક દિવસ પછી પોલીસ ફરિયાદ આપવા ગયેલાં મહિલાની વાત સાંભળીને સુરત પોલીસ ચોંકી ગઈ હતી.
સુરતનાં જહાંગીરાબાદ ખાતે રહેતાં સુજલબહેન પાદરિયાએ (ઉં.વ. 28 વર્ષ) બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું, "હું મારા ભાગીદાર ભૂપેન્દ્ર મિસ્ત્રી સાથે લોન કન્સલ્ટન્સીનું કામ કરું છું. તા. 14મી ઑક્ટોબરના રોજ મારા ઉપર ફોન આવ્યો. જેમાં (સામેવાળી વ્યક્તિએ) કહ્યું કે 'હું મુંબઈથી આવું છું, મારે તમને તમારા લોનના ધંધા માટે મળવું છે.' એ દિવસે આઠમ હતી એટલે મેં મળવાની ના પાડી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુજલબહેને ઉમેર્યું, "બીજા દિવસે હું જહાંગીરપુરાની બૅન્કમાંથી એક પેમેન્ટ માટેના રૂ. બે લાખ 26 હજાર ઉપાડીને નીકળી, ત્યારે મને બીજો ફોન આવ્યો કે તે લોકો પુણા પાટિયા પાસે છે. જોકે, એ દૂર હતું એટલે વચ્ચે મળવાનું નક્કી થયું."
"હું પાલ પાસે ચાની દુકાન પર હતી, ત્યારે જે નંબર પરથી મને ફોન આવ્યો હતો, તેને મારું લૉકેશન મોકલ્યું. થોડીવાર પછી મહારાષ્ટ્ર પાસિંગની એક કાર આવી. એમાંથી બહાર નીકળેલા માણસે સામાન્ય વાતચીત કરી અને પછી અમે એક હોટલમાં ગયા."
અહીં જે કંઈ બન્યું, એના પરથી સુજલબહેનને કશુંક અજૂગતું હોવાની આશંકા ગઈ હતી, એટલે તેઓ સતર્ક થઈ ગયાં હતાં.
પોતાની વાતને આગળ વધારતા સુજલબહેન પાદરિયાએ જણાવ્યું, "મેં તેમને પૂછ્યું હતું કે 'તમને મારો નંબર કોણે આપ્યો?' ત્યારે તેમણે મને એક ફોન નંબર આપ્યો. મેં તેની ઉપર ફોન કર્યો, તો સામેની વ્યક્તિ પંજાબીમાં બોલતી હતી અને રૉંગનંબર કહીને મારો ફોન કાપી નાખ્યો હતો."
"એટલીવારમાં વધુ પાંચ લોકો આવી ગયા. મને અજૂગતું લાગતા મેં મારા ભાગીદાર ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને જાણ કરી, ત્યારે સામે બેઠેલા વાળ વગરના માણસે પોતાનું આઇકાર્ડ બતાવ્યું અને પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમબ્રાન્ચના સબઇન્સ્પેક્ટર તરીકે આપી."
"અમે ખોટા ધંધા કરીએ છીએ, એમ કહીને ધમકાવ્યા. અમે બહાર નીકળ્યાં, ત્યારે મારું રૂ. બે લાખ 26 હજાર ભરેલું પર્સ અને ફોન પડાવી લીધાં. એણે કહ્યું કે 'જો કોઈ ગરબડ કરી છે, તો ઍન્કાઉન્ટરમાં ઉડાવી દઈશ.' હું ખૂબ જ ડરી ગઈ હતી, પરંતુ બધાએ હિંમત આપી એટલે પોલીસમાં ફરિયાદ કરી."
સુરતના પોલીસવાળા બન્યા ડિલિવરીબૉય
સુજલબહેનની ફરિયાદના આધારે સુરત પોલીસે શકમંદો અંગે તપાસ હાથ ધરી હતી. સુરતના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) દીપ વકીલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :
"અમારી પાસે જ્યારે આ ફરિયાદ આવી, ત્યારે અમે પણ વિચારમાં પડી ગયા હતા કે મુંબઈની ક્રાઇમબ્રાન્ચ આવે અને અમને જાણ ન કરી હોય? અમે મહિલા પાસેથી ફોનનંબર લઈને તપાસ કરી, તો માલૂમ પડ્યું કે એ નંબર સસ્પેન્ડેડ પીએસઆઈ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) રણજિત કાસલેનો હતો."
"અમે તાત્કાલિક એક ટીમને તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના કરીને મુંબઈ ક્રાઇમબ્રાન્ચ સાથે કૉર્ડિનેશન કર્યું. અમારી ટીમ કાસલેના ઘરે પહોંચી, પરંતુ ભાળ ન મળી. હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટૅક્નિકલ ઍનાલિસિસથી રણજિત કાસલે લાતુરમાં એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલ્પમેન્ટ કૉર્પોરેશન) વિસ્તારમાં હોવાનું માલૂમ પડ્યું, ત્યાં બહુ થોડા રહેણાંક વિસ્તારો હતા."
એસીપી દીપ વકીલે કહ્યું, "અમારા માટે આ અઘરું ટાસ્ક હતું, કારણ કે આરોપીનું લૉકેશન જ્યાંનું મળતું હતું, ત્યાંથી નાંદેડ, ઓસમાનાબાદ, બીડ અને પરભણી નજીક પડે, એટલે આરોપી અમને થાપ આપીને નાસી ન જાય એ જોવાનું હતું."
"રણજિતની સામે મહારાષ્ટ્રનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાત ગુના નોંધાયેલા છે. રણજિત કાસલેએ પોલીસખાતામાં કામ કર્યું હતું. ગુનેગાર પકડવાની પોલીસથી રણજિત વાકેફ હોય, તેને સહેજેય ગંધ ન આવે તે જરૂરી હતું, અન્યથા તે કર્ણાટક નાસી જાય તેવી શક્યતા હતી."
"બીજી તરફ, લાતુરમાં અમને બીજો ફાયદો એ હતો કે અહીં મરાઠી ઉપરાંત ગુજરાતી, હિંદી, ઉર્દૂ, રાજસ્થાની અને કન્નડ ભાષા બોલવાનું ચલણ છે. એટલે ભાષાને કારણે વાંધો આવે એવું ન હતું. ટૅક્નિકલ સર્વેલન્સના આધારે અમે એમઆઈડીસી પહોંચી ગયા. અહીં કોઈના ઘરે રેડ કરીએ તો તરત જ ખબર પડી જાય."
એસીપી દીપ વકીલે ઉમેર્યું, "અમારી ટીમે જોયું કે આ વિસ્તારમાં ઑનલાઇન ડિલિવરી બહુ થાય છે. એટલે અમે અહીંની જાણીતી રેસ્ટોરાંમાંથી અપાતા ફૂડઑર્ડરના આધારે શોધવાનું નક્કી કર્યું. ફૂડ ડિલિવરી બૉય બનીને અમારી ટીમ સતત ત્રણ દિવસ સુધી અલગ-અલગ ઘરના દરવાજા ખખડાવતા રહ્યા."
"રવિવારે રાત્રે અમને ખબર પડી કે રણજિત કાસલે ક્યાં છે. અમે મોડી રાત્રે દરોડો પાડીને તેને પકડીને મહારાષ્ટ્રમાં કાયદાકીય પ્રક્રિયા પતાવીને સુરત લઈ આવ્યા."
એક ખાનગી ચૅનલમાં કામ કરતા લાતુરના પત્રકાર પ્રદીપ માનેએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે જ્યારે લાતુર એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા, ત્યારે ગુજરાત પોલીસ તેને કસ્ટડીમાં લઈને જઈ રહી હતી. એણે 'પુષ્પા' ફિલ્મની કૉપી કરતા ડાબો હાથ દાઢીની નીચેથી ફેરવીને 'ઝુકેગા નહીં...'નો ઇશારો કર્યો હતો. પોલીસની ગાડીમાં 'બૅસ્ટ કાસલે ઇઝ બૉસ'ની બડાઈ હાંકી હતી."
માને કહે છે કે "રણજિતના પિતા ગંગારામ સીધા છે અને રણજિત કાસલેના પરિવારમાંથી ત્રણ લોકો પોલીસ ખાતામાં કામ કરે છે."
રણજિત કાસલે અને આરોપો
સુરતની કોર્ટે રણજિત કાસલેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીબીસીએ આ મુદ્દે રણજિત કાસલે તથા તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. પ્રતિક્રિયા મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.
કાસલેની સામે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના તથા સુલેહશાંતિનો ભંગ થાય તેવા વીડિયો અપલોડ કરવાના આરોપ પણ થયેલા છે અને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન