રાજકોટમાં નજીવી બાબતમાં ટ્રિપલ મર્ડર કેમ થઈ ગયાં, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ત્રણ લોકોની હત્યા થઈ ગઈ છે.

શહેરના આંબેડકરનગર વિસ્તારમાં તકરાર બાદ બે પરિવાર આમને-સામને આવી ગયા હતા અને બંને પરિવારોએ એકબીજા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

જેમની વચ્ચે હિંસા થઈ તે પૈકી બારોટ પરિવાર જમીન અને મકાનોની લે-વેચ કરતો હતો અને પરમાર પરિવાર બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો.

નજીવી બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ આ ઘટનાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું.

રાજકોટ પોલીસે તહેવારોને ધ્યાનમાં લેતા આ વિસ્તારમાં વધુ હિંસા ન ફેલાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે જોઈએ કે બંને પરિવાર વચ્ચે એવું શું બન્યું હતું કે તેઓ આમને-સામને આવી ગયા અને તેમાં ત્રણ વ્યક્તિના જીવ ગયા.

દરમિયાન મંગળવારે માલવિયાનગર પોલીસે સુરેશ પરમાર અને વિજય પરમારની હત્યાના કેસમાં જગદીશ ઉર્ફે જાગો રામજી ચૌહાણ (29) અને મનીષ રમેશ ખીમસુરિયા (2૦) નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

માલવિયાનગર પોલીસ ઇન્સ્પેક્ટર જિજ્ઞેશ દેસાઈએ બુધવારે બીબીસીને જણાવ્યું હતું કે "એફઆઇઆરમાં અરુણ બારોટ સાથે જે અન્ય બે વ્યક્તિ કારમાં હતી તેની ઓળખ જગદીશ અને મનીષ તરીકે થઈ છે. આ જગદીશ અને મનીષની હાજરી બનાવ સમયે ઘટનાસ્થળે પુરવાર થતા તેમની ધરપકડ કરવામાં આવી છે."

બારોટ અને પરમાર પરિવાર વચ્ચે ઝઘડો કેમ શરૂ થયો?

આ હિંસક ઘટનામાં પરમાર પરિવારના સુરેશ પરમાર અને તેમના નાના ભાઈ વિજય પરમારનું તથા બારોટ પરિવારમાંથી અરૂણ બારોટનું મોત થયું છે.

રાજકોટ શહેરના માલવિયનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધાયેલી બે એફઆઈઆર મુજબ રવિવારે મોડી રાત્રે મૃતક વિજય પરમારનો દીકરો સુધીર આંબેડકરનગરની શેરી નંબર 11(ક)માં આવેલા પરમાર પરિવારના ઘરની બહાર તેના ત્રણ મિત્રો સાથે ઊભો હતો.

એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે આ ચારેય લોકો વાત કરી રહ્યા હતા તે દરમિયાન આંબેડકરનગરમાં રાવણ ચોકમાં આવેલા રામાપીર મંદિરની બાજુમાં રહેતો અરૂણ બારોટ તેની કાર લઈને બે વખત ત્યાંથી પસાર થયો હતો.

સુધીરને ટાંકીને એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે 'જ્યારે ત્રીજી વખત અરૂણ ત્યાંથી પસાર થયો ત્યારે તેની કાર સુધીર પાસે પડેલા બાઇકને અડી ગઈ હતી. આ બાઇક સુધીરને ત્યાં આવેલા એક મહેમાનની હતી.'

સુધીરે આ ઘટનાની જાણ તેમના પિતા વિજય પરમારને કરી હતી. દરમિયાન અરૂણ બારોટ અને તેની સાથે અન્ય બે માણસો તેની કારમાંથી ઊતર્યા હતા અને સુધીર સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

આ ઘટનાક્રમ વચ્ચે વિજયભાઈ અને સુરેશભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

સુધીરે તેની ફરિયાદમાં લખાવ્યું છે તે પ્રમાણે 'અરૂણે તેને ધમકી આપી હતી કે તમારે મસ્તી કરવી હોય તો હું હથિયારો મંગાવી લઉં.'

'અરૂણે ફોન કરીને તેના ભાઈ રમણ બારોટ તથા અન્ય એક અજાણ્યા વ્યક્તિને બોલાવી દીધા હતા. સુધીરના દાવા પ્રમાણે રમણના હાથમાં બે છરી હતી અને પેલા અજાણ્યા વ્યક્તિના હાથમાં બૅટ હતું.'

ત્રણનાં મોત, બે ઘાયલ

એફઆઈઆરમાં નોંધાયા અનુસાર, 'સુરેશભાઈએ વિજય અને સુધીરને દૂર ઊભા રાખીને અરૂણ, રમણ અને તેની સાથે આવેલી અજાણી વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ મામલો ઉગ્ર બની ગયો અને અરૂણ તથા રમણે છરી વડે વિજય, સુધીર અને વિજયનાં પત્ની હંસાબહેન પર છરી વડે હુમલો કર્યો.'

આ હિંસામાં વિજય અને સુરેશનાં મૃત્યુ થયાં જ્યારે કે સુધીર અને હંસાબહેનને ઈજાઓ પહોંચી.

સામે પક્ષે બારોટ પરિવારે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

બારોટ પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, 'રમણને ફુવા જગાભાઈ બારોટે ફોન કરીને જાણ કરી હતી કે યશ મકવાણા જ્યાં રહે છે ત્યાં અરૂણને માથાકૂટ થઈ છે અને રમણને ત્યાં પહોંચવાનુ જણાવ્યું હતું.'

રમણને ટાંકીને આ એફઆઈઆરમાં નોંધાયું છે કે 'અમે જ્યાંરે જગ્યાએ પહોંચ્યા ત્યાં ટોળું જમા થઈ ગયું હતું. મારો ભાઈ અરૂણ રસ્તા પર પડ્યો હતો. સુરેશ પરમાર, વિજય પરમાર અને સુધીર પરમાર તેને માર મારતા હતા.'

રમણને ટાંકીને આ ફરિયાદમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે 'પરમાર પરિવારે રમણ પર પણ હુમલો કર્યો. કોઈએ મને તિક્ષ્ણ હથિયાર માર્યું હતું. હું નીચે પડી ગયો. તે વખતે મારો ભાઈ અરૂણ ઊભો થયો અને અમારી વચ્ચે પડ્યો હતો.'

ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે 'વિજય પરમારના હાથમાં છરી હતી અને તેણે મારા ભાઈને પીઠમાં મારી હતી અને તે બેભાન થઈ ગયો હતો. રમણ પણ બાદમાં બેભાન થઈ ગયો હતો.'

આ મારામારી બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે બંને પરિવારોને શાંત પાડ્યા હતા. લોકોએ ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા હતા પરંતુ હૉસ્પિટલમાં સુરેશ, વિજય અને અરૂણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સુધીરે તેની ફરિયાદમાં અરૂણ બારોટ, રમણ બારોટ અને અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવ્યા છે. સુધીરની ફરિયાદને આધારે પોલીસે અરૂણ, રમણ અને ત્રણ અજાણ્યા વ્યક્તિ સામે બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો સામે રમણની ફરિયાદને આધારે સુરેશ, વિજય અને અજાણ્યા બે વ્યક્તિ સામે પણ બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બંને પરિવાર વચ્ચે કોઈ અદાવત હતી?

રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નજીવી બાબતમાં વાતનું વતેસર થઈ ગયું હતું અને બનાવ ત્રિપલ મર્ડરમાં ફેરવાઈ ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું, "અરૂણના પિતા વિનોદ બારોટ સામે ભૂતકાળમાં પણ દારૂ સંબંધિત કેસો નોંધાયેલા છે. તે બુટલેગર હતા. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ આ હિંસક બનાવ વખતે ઘટનાસ્થળે હાજર નહોતા."

"તેના બંને દીકરા સામે કોઈ ગુના ભૂતકાળમાં નોંધાયેલા નથી. પરમાર પરિવાર સામે પણ અગાઉ કોઈ ગુના નોંધાયા નથી. બંને પરિવાર વચ્ચે કોઈ જૂની અદાવત હોય તેવું અમારી જાણમાં નથી."

રાજકોટ દક્ષિણ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) બી. જે. ચૌધરીએ પણ કહ્યું હતું કે "વાહનોના ટકરાવની ઘટના અહમના ટકરાવની ઘટના બની ગઈ અને આ ઘટના ઘટી. સામાન્ય બોલાચાલી બાદ બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. જોકે, બંને પરિવારો વચ્ચે કોઈ જૂની અદાવત હોય તેવું પોલીસ રેકૉર્ડમાં નથી."

આંબેડકરનગરમાં હવે કેવો માહોલ છે?

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું, "આંબેડકરનગરમાં હવે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે."

તેમણે વધુમાં જણાવ્યું, "હાલ તે વિસ્તારમાં શાંતિ છે અને રવિવારની હિંસા બાદ ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી."

એસીપી ચૌધરીએ પણ કહ્યું કે "બે આરોપીઓ પોલીસની પકડમાં છે. હુમલા બાદ સુધીર, હંસાબહેન અને રમણને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે અને તે પૈકી હંસાબહેનની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે."

"સુધીર અને રમણ બંને સારવાર હેઠળ છે પરંતુ તેમની સામે ફરિયાદો હોવાથી આરોપીઓ છે. તેઓ પોલીસ જપ્તા હેઠળ સારવાર લઈ રહ્યા છે."

રાજકોટ એસીપીએ એમ પણ જણાવ્યું કે પરમાર અને બારોટ પરિવારનાં ઘરો પાસે પણ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. રાજકોટ પોલીસે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ઉપરાંત પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન