એક પતિએ છૂટાછેડાનો કેસ કર્યો અને કોર્ટમાં આઠ પતિ પહોંચ્યા, 'લૂંટેરી દુલ્હન' કેવી રીતે છેતરતી?

    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે, નાગપુરથી

તમે ઉત્તર ભારતમાં 'લૂંટેરી દુલ્હન'ના બનાવો વિશે સાંભળ્યું હશે. તેના પરથી ફિલ્મોય બની છે. જોકે, આવી જ એક 'લૂંટેરી દુલ્હન'ને હવે નાગપુર પોલીસે ધરપકડ કરી છે.

તેમણે એક નહીં, પરંતુ આઠ આઠ વખત લગ્ન કર્યાં અને તમામ આઠેય પતિને પૈસા માટે છેતર્યા.

નાગપુરમાં ત્રણ પોલીસ સ્ટેશનોમાં તેમની સામે ગુના દાખલ થયા છે, આ સિવાય છત્રપતિ સંભાજીનગર, મુંબઈ અને પાવની પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયા છે.

તેમના આઠેય પતિઓએ સાથે મળીને કોર્ટમાં સોગંદનામું કર્યું છે. તેમણે કોર્ટ સમક્ષ પોતાની સાથે થયેલી છેતરપિંડીની માહિતી આપી છે.

ઘિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શારદા ભોપાલેએ આપેલી માહિતી પ્રમાણે આ 'લૂંટેરી દુલ્હન'નું નામ સમીરા ફાતિમા છે. તેઓ એમ. એ. (અંગ્રેજી) અને બી. એડ.ની ડિગ્રીઓ ધરાવે છે, તેમજ મોમીનપુરાની ઉર્દૂ શાળામાં શિક્ષિકા પણ છે. તેમણે પ્રથમ લગ્ન ભિવંડી ખાતે કર્યાં હતાં.

'લૂંટેરી દુલ્હન' લગ્નના નામે કેવી રીતે છેતરપિંડી કરતી?

વર્ષ 2024માં નાગપુરના ગુલામ ગોસ પઠાણ નામની વ્યક્તિએ ઘિટ્ટીખદાન પોલીસ સ્ટેશનમાં સમીરા ફાતિમા નામનાં મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

તેમનો પરિચય ફેસબુક મારફતે થયો હતો. તેમણે કહ્યું, "મારા છૂટાછેડા થઈ ચૂક્યા છે, હું ફરી વાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છું."

બાદમાં બંને એક બીજાને વધુ ને વધુ મળવા લાગ્યાં. બંને દિવસ-રાત એકબીજા સાથે ફોન પર વાતો કરતાં. એ બાદ સમીરાએ અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની બીક બતાવીને તેમને લગ્ન કરવા મજબૂર કરી દીધા.

બંનેનાં લગ્ન થયાં, પરંતુ લગ્ન બાદ પણ તેમણે વીડિયો રિલીઝ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરવાનું શરૂ કર્યું.

બીજાં કારણસર લાખો રૂપિયાની માગણી કરાઈ. તેમણે ધમકી આપી હતી કે જો પૈસા ન અપાયા તો તેઓ પઠાણના સંબંધીઓને ફોન કરી દેશે. આના કારણે ગુલામ પઠાણે સમીરાથી દૂર રહેવાનું શરૂ કર્યું.

તેમને ટૂંક સમયમાં જ ખબર પડી ગઈ કે આ મહિલા ઘણી વખત પરણી ચૂક્યાં હતાં. તેમણે પોતાના અગાઉના પતિને છૂટાછેડા આપ્યા વગર જ ગુલામ સાથે લગ્ન કરી લીધાં હતાં.

સમીરાએ તેમને બનાવટી ડિવોર્સ સર્ટિફિકેટ પણ બતાવ્યું હતું. સમીરા જુદાં જુદાં કારણસર પઠાણ પાસેથી લાખો રૂપિયા પડાવી ચૂક્યાં હતાં.

ગુલામની ફરિયાદ બાદ ઘિટ્ટીખદાન પોલીસ સમીરાને શોધી રહી હતી. થોડા મહિના પહેલાં જ્યારે પોલીસ તેમની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેઓ ગર્ભવતી હતાં.

તેથી પોલીસે તેમને સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કર્યાં, પરંતુ તેઓ આના બદલે એક ખાનગી હૉસ્પિટલમાં ગયાં. પોલીસે નોટિસ આપ્યા છતાં તેઓ હાજર ન થયાં. જે બાદ પોલીસે છટકું ગોઠવી તેમની ધરપકડ કરી છે.

મામલો કોર્ટ પહોંચ્યો ત્યારે પતિની સંખ્યા આઠ હોવાનું માલૂમ પડ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સમીરાએ માત્ર પઠાણ સાથે લગ્ન કરીને છેતરપિંડી આચરી છે એવું નથી, તેમણે આ અગાઉ પણ ચાર-પાંચ લોકો સાથે લગ્ન કર્યાં હતાં.

જોકે, આ મામલો કોર્ટ પહોંચ્યો ત્યારે પતિઓની સંખ્યા આઠ હોવાનું માલૂમ પડ્યું. આ તમામ પતિઓ કોર્ટમાં હાજર થયા અને તેમણે સોગંદનામાં દાખલ કર્યાં. આ આઠેય પતિઓએ તેમના વકીલોને સાથે રાખીને પ્રેસ કૉન્ફરન્સ ગોઠવી અને આ સઘળી માહિતી આપી હતી.

હાલમાં દાખલ કરાયેલી ફરિયાદ પ્રમાણે સમીરાએ વર્ષ 2017માં લગ્ન કર્યાં બાદથી છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી.

અગાઉના પતિને છૂટાછેડા આપ્યા વિના તેઓ મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ મારફતે મુસ્લિમ સમાજના ધનિક પણ તલાકશુદા પુરુષોનો પીછો કરતાં અથવા સોશિયલ મીડિયા થકી તેમની સાથે ઓળખાણ વધારતાં.

તેઓ કહેતાં કે, "હું પણ તલાકશુદા છું અને પતિની તલાશમાં છું." બાદમાં તેઓ તેમને નકલી ડિવોર્સ સર્ટિફિકેટ બતાવીને તેમની સાથે લગ્ન કરી લેતાં. બાદના બે-ત્રણ મહિના દરમિયાન તેઓ તેમના પતિઓ પાસેથી પૈસા ઉઘરાવતાં, તેમને વીડિયો બતાવી ધમકાવતાં, અને પૈસા પડાવવા માટે ખોટી ફરિયાદો કરતાં.

જો તેઓ પૈસા ન આપે તો તેઓ પોતાના માણસોને બોલાવીને પતિ સાથે મારઝૂડ કરાવતાં. તેઓ તેમના મનમાં ભય બેસાડી દેતાં. પતિ સાથે ઝઘડો કર્યા અને તેમને લૂંટી લીધા બાદ તેઓ બીજી વ્યક્તિને પકડી લેતાં અને તેમની સાથે પણ આવું જ કરતાં.

પોલીસે સમીરાની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતાં કહ્યું કે અત્યાર સુધી તેઓ આવી રીતે લાખો રૂપિયાની લૂંટ મચાવી ચૂક્યાં છે.

આ મામલાના પીડિતોમાં એક જાણીતી બૅન્કના મૅનેજર પણ સામેલ છે. તેઓ મૂળ છત્રપતિ સંભાજીનગરના છે અને કામ માટે નાગપુરમાં રહે છે. સમીરા તેમને પણ ફેસબુક પર મળ્યાં હતાં.

પોલીસે કહ્યું કે આ મામલામાં આઠ પીડિત જ સામે આવ્યા છે. જોકે, હજુ ઘણા એવા લોકો છે જેઓ સામે આવવા નથી માગતા.

કોર્ટે સમીરાને જેલમાં મોકલી આપ્યાં છે. તેમણે પોલીસને કહ્યું હતું કે તેમણે માત્ર છ વખત જ લગ્ન કર્યાં છે, કારણ કે તેમના બધા પતિ સાથે તેમના ઝઘડા થઈ જતા હતા.

કોર્ટે તેમની પાસેથી ડિવોર્સ સર્ટિફિકેટ માગ્યાં. જોકે, તેઓ કોઈ સર્ટિફિકેટ રજૂ ન કરી શક્યાં. સમીરાના નિવેદન અનુસાર લગ્નનું પ્રમાણપત્ર પણ બનાવાયું હતું, કારણ કે આ તમામ લગ્નો મુસ્લિમ રીતરિવાજ અનુસાર સમીરાના ઘરે જ થયાં હતાં. આરોપી સમીરાએ બાળકનું કારણ આગળ ધરીને જામીન માગ્યા હતા.

જોકે, ફરિયાદીનાં ઍડ્વોકેટ ફાતિમા પઠાણે કહ્યું કે તેમના અંતિમ પતિને કોર્ટે તેમના દીકરાની કસ્ટડી સોંપી દીધી છે.

બીબીસીએ આ કેસમાં આરોપી ફાતિમાના વકીલનો સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો સંપર્ક થયા બાદ તેમનો પક્ષ આ અહેવાલમાં મૂકવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન