You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉપાસનાસ્થળ કાયદો : ઇતિહાસ, વિવાદ અને મહત્ત્વના કેસની વાત
ઉપાસનાસ્થળ કાયદાની કેટલીક જોગવાઈને વૈધતાને પડકાર આપતી અનેક અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગુરુવારે (12 ડિસેમ્બર, 2024)એ એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે જ્યાં સુધી તે આ મામલે સુનાવણી કરી રહી છે ત્યાં સુધી દેશમાં ક્યાંય પણ આ કાયદાને પડકારતા મામલા નોંધવામાં ન આવે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, "આ મામલો ન્યાયાલયમાં વિચારાધીન છે ત્યારે અમે એ યોગ્ય માનીએ છીએ કે કોઈ નવો કેસ નોંધવામાં ન આવે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી સુધી કોઈ પણ કોર્ટમાં પડતર મામલામાં કોઈ પ્રભાવક વચગાળાનો કે અંતિમ નિર્ણય પાસ ન કરે. તેમાં સર્વેનો આદેશ પણ સામેલ છે."
તેમજ કેન્દ્રને આ મામલે એક સોગદનામું દાખલ કરવાનું પણ કહેવાયું છે.
ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે 2020માં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આ કાયદો બંધારણના ધર્મનિરપેક્ષતા અને સમાનતા જેવા મૂળ સિદ્ધાંતો વિરુદ્ધનો છે. તેમના અનુસાર, આ કાયદામાં હિંદુઓને વધારે નુકસાન થાય છે.
આ અરજીનો વિરોધ કરતાં જમિયત ઉલેમા-એ-હિંદ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) અને ઘણા ઍક્ટિવિસ્ટ્સે પણ પોતાની અરજીઓ દાખલ કરી છે.
તેને ધ્યાનમાં રાખીને આપણે આ લેખમાં ઉપાસનાસ્થળ કાયદો 1991ના ઇતિહાસ, વિવાદ અને તેની સાથે સંકળાયેલા મહત્ત્વના કેસ વિશે અગત્યની વાતો જાણીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1991નો ઉપાસનાસ્થળ કાયદો શું છે?
ઉપાસનાસ્થળ કાયદો કહે છે કે ભારતમાં 15 ઑગસ્ટ 1947માં જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપે હતાં તેની સ્થિતિમાં કશો ફેરફાર કરી શકાશે નહીં.
આ કાયદાનાં જુદાં જુદાં સેક્શનમાં આવી આવી અગત્યની વાતો સમાવિષ્ટ છે :
સેક્શન 3 :
આ કાયદા હેઠળ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થળ અથવા કોઈ સમુદાયના પૂજાસ્થળના સ્વરૂપને બદલવાની કોશિશ ન કરી શકે.
સેક્શન 4(1) :
તેમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે 15 ઑગસ્ટ 1947માં જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપે હતું, તે તેવા જ સ્વરૂપે જળવાઈ રહેશે.
સેક્શન 4(2) :
જો કોઈ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં ફેરફાર બાબતે કોઈ કેસ, અપીલ અથવા અન્ય કાર્યવાહી 15 ઑગસ્ટ 1947 પછી કોઈ કોર્ટ, ટ્રિબ્યૂનલ અથવા પ્રાધિકરણમાં પેંડિંગ હોય તો તે કેસને રદ કરી દેવાશે. તે ઉપરાંત, આવી કોઈ પણ બાબતમાં બીજી વખત કેસ કે અપીલ દાખલ કરી નહીં શકાય.
સેક્શન 5 :
આ કાયદામાં રામ જન્મભૂમિ–બાબરી મસ્જિદના વિવાદને સામેલ નહોતો કરાયો; કેમ કે, આ કેસ આઝાદી પહેલાંથી જ અદાલતમાં પેંડિંગ હતો.
બીજો એક અપવાદ એવાં ધાર્મિક સ્થળોનો છે, જે પુરાતાત્ત્વિક સર્વેક્ષણ વિભાગ (એએસઆઇ) હેઠળ આવે છે. એવાં સ્થળોની જાળવણી અને સંરક્ષણના કામ પર કોઈ પ્રતિબંધ નથી.
આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ સહિત દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લાગુ થાય છે.
ઉપાસનાસ્થળ કાયદો કઈ પરિસ્થિતિમાં બનાવાયો હતો?
સાલ 1990માં ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ આંદોલનના સમર્થનમાં રથયાત્રા શરૂ કરી હતી.
બિહારમાં તેમની ધરપકડ અને એ જ વર્ષે કારસેવકો પર થયેલા ગોળીબારની ઘટનાઓએ આખા દેશ, ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં કોમી રમખાણો શરૂ કરાવી દીધાં હતાં.
આવી પરિસ્થિતિમાં, 1991માં અયોધ્યા આંદોલન અને તેની સાથે સંકળાયેલા વિવાદ પરાકાષ્ઠાએ હતાં; એવા સમયે 18 સપ્ટેમ્બર 1991એ કેન્દ્રની નરસિમ્હા રાવ સરકારે સંસદમાં ઉપાસનાસ્થળ કાયદો પસાર કરાવ્યો.
તે સમયે ઉમા ભારતી સહિત ભાજપના અનેક નેતાઓએ આ નવા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રકારનો કાયદો બનાવીને આપણે બીજા વિવાદિત મામલાને નજરઅંદાજ ન કરી શકીએ.
ઘણાં રાજ્યમાં ઉપાસનાસ્થળ સાથે સંકળાયેલા વિવાદો કોર્ટમાં છે
અત્યારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવાં રાજ્યોનાં 10થી વધારે ધાર્મિક સ્થળો અને સ્મારકોના કેસ કોર્ટમાં પેંડિંગ છે. તેમાં ઉપાસનાસ્થળ કાયદો 1991ની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.
આ કેસોમાં હાલના સમયે અસ્તિત્વ ધરાવતાં મસ્જિદો, દરગાહો અને સ્મારકો અંગે દાવા કરવામાં આવી રહ્યા છે કે તેને મંદિર તોડીને બનાવવામાં આવ્યાં હતાં અને તેને હિંદુ સમુદાયને સોંપી દેવાં જોઈએ. બીજી તરફ, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, આવા મુકદ્દમા ઉપાસનાસ્થળ કાયદાની વિરુદ્ધ છે.
મહત્ત્વના કેસ
જ્ઞાનવાપી મસ્જિદ – વારણસી, ઉત્તરપ્રદેશ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ પર 1991થી કેસ ચાલી રહ્યો છે, પરંતુ 2021માં એક નવા કેસ પછી આ કેસ ઝડપભેર આગળ વધી રહ્યો છે. પેંડિંગ રહેલા બધા મંદિર-મસ્જિદ કેસમાંથી આ કેસ, ઘણી બધી રીતે, સૌથી વધુ આગળ વધ્યો છે.
આ મુદ્દે ભગવાન વિશ્વેશ્વરના ભક્તોએ 1991માં એક કેસ દાખલ કર્યો હતો. પછી 2021માં પાંચ મહિલાઓએ અન્ય એક અરજી દાખલ કરી, જેમાં તેમણે મંદિરમાં પૂજા કરવાની મંજૂરી માગી અને એમ પણ કહ્યું કે મસ્જિદમાં મા શૃંગારગૌરી, ભગવાન ગણેશ અને ભગવાન હનુમાન જેવાં ઘણાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, જેને સુરક્ષિત કરવામાં આવે.
અરજીકર્તાઓનું કહેવું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડીને આ મસ્જિદ બનાવી હતી.
વારાણસીની ડિસ્ટ્રક્ટ કોર્ટના ચુકાદા બાદ ફેબ્રુઆરી 2024થી મસ્જિદના એક ભોંયરામાં ચાલુ વર્ષથી પૂજા પણ શરૂ થઈ ગઈ છે. 2023માં અલ્હાબાદ હાઈ કોર્ટે એમ કહેલું કે આ અરજીઓ ઉપાસનાસ્થળ કાયદા વિરુદ્ધની નથી. હજુ પણ આ બધા કેસ અદાલતોમાં પેંડિંગ છે.
શાહી ઈદગાહ મસ્જિદ – મથુરા, ઉત્તરપ્રદેશ
કેટલાક લોકોનો દાવો છે કે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી છે. 2020માં છ ભક્તોએ વકીલ રંજના અગ્નિહોત્રી દ્વારા એક અરજી દાખલ કરાવી, જેમાં તેમણે મસ્જિદને હટાવવાની માગ કરી. હવે આ કેસમાં 18 અરજીઓ છે.
ઑગસ્ટ 2024માં અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ અરજીઓ પણ ઉપાસનાસ્થળ કાયદા 1991ની વિરુદ્ધ નથી જતી.
2023માં હાઈ કોર્ટે એક કોર્ટ કમિશનરને નિયુક્ત કર્યા હતા જેઓ મસ્જિદનો સર્વે કરી શકે, પરંતુ, જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે એના પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો, જે આજે પણ અમલી છે.
અજમેર શરીફ દરગાહ, રાજસ્થાન
ચાલુ વર્ષે રાજસ્થાનના અજમેર શહેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની સ્થાનિક અદાલતમાં એક અરજી દાખલ કરી છે.
તેમનો દાવો છે કે દરગાહની નીચે એક શિવમંદિર છે. પોતાની અરજીમાં વિષ્ણુ ગુપ્તાએ ત્યાં ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની માગ કરી છે અને કહ્યું છે કે દરગાહની જગ્યાએ ફરીથી મંદિર બનવું જોઈએ.
અજમેર વેસ્ટના સિવિલ જજ મનમોહન ચંદેલની બૅંચે અરજી પર સુનાવણી કરતાં 27 નવેમ્બરે અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય, દરગાહ કમિટી અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ને નોટિસ આપી છે. આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થવાની છે.
જામા મસ્જિદ – સંભલ, ઉત્તરપ્રદેશ
છેલ્લા થોડા દિવસથી આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો છે. વકીલ વિષ્ણુ શંકર જૈને નવેમ્બર 2024એ એક અરજીમાં કહ્યું કે સંભલની જામા મસ્જિદ શ્રી હરિહરમંદિરને તોડીને બનાવવામાં આવી છે.
ત્યાર બાદ કોર્ટે એક કમિશનર નિયુક્ત કરીને સર્વે કરાવ્યો. સર્વેનો રિપોર્ટ નીચલી અદાલતમાં જમા થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં પણ આની અપીલ હજુ પેન્ડિંગ છે. 29 નવેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સર્વે પછીના રિપોર્ટને સીલબંધ કવરમાં રાખવામાં આવે અને હાઈ કોર્ટની મંજૂરી વગર આ કેસમાં આગળ કશી કાર્યવાહી કરવામાં નહીં આવે.
આ મુકદ્દમાઓ ઉપરાંત, જુમ્મા મસ્જિદ (મેંગલુરુ, કર્ણાટક), બાબા બુદનગિરિ દરગાહ (ચિકમંગલૂર, કર્ણાટક), કમલ મૌલા મસ્જિદ (ધાર, મધ્યપ્રદેશ), ટીલે વાલી મસ્જિદ (લખનઉ, ઉત્તરપ્રદેશ), શમ્સી જામા મસ્જિદ (બદાયૂં, ઉત્તરપ્રદેશ), અટાલા મસ્જિદ (જૌનપુર, ઉત્તરપ્રદેશ), જામા મસ્જિદ અને શેખ સલીમ ચિશ્તીની દરગાહ (ફતેહપુર સિકરી, ઉત્તરપ્રદેશ) જેવા કેસ પણ કોર્ટમાં છે.
આવા કેસ શા માટે વધી રહ્યા છે?
જ્ઞાનવાપી કેસની સુનાવણી દરમિયાન તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એક મૌખિક ટિપ્પણી કરી હતી.
તેમની આ ટિપ્પણી બાદ મસ્જિદોની નીચે મંદિરોના અસ્તિત્વની તપાસ માટે સર્વે કરાવવાની માગણીઓની જાણે કે લાઇન લાગી ગઈ છે.
સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે કહેલું કે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ 1991 (ઉપાસનાસ્થળ કાયદો) 15 ઑગસ્ટ 1947ની સ્થિતિ અનુસાર, કોઈ પણ સંરચનાના ધાર્મિક હોવાપણાની 'તપાસ કરવા' પર પ્રતિબંધ નથી.
તત્કાલીન સીજેઆઇની આ મૌખિક ટિપ્પણીને ટ્રાયલ કોર્ટ અને પછીથી અલ્હાબાદ હાઈ કોર્ટે કાયદેસર અધિકાર તરીકે ગણી લીધી.
આ અદાલતોએ કહ્યું કે, પૂજાસ્થળ અધિનિયમ હેઠળ આ પ્રકારના કેસ પર પ્રતિબંધ નથી. ત્યાર બાદ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ–શાહી ઈદગાહ કેસમાં પણ સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી મળી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન