You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
WPL હરાજી : ગુજરાત જાયન્ટ્સે જેમને રૂ. 1.90 કરોડમાં લીધાં એ ધારાવીના સિમરન શેખની ખૂબી શું છે?
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, બીબીસી માટે
આ વખતે વીમૅન પ્રીમિયર લીગ (WPL) 2025 માટે યોજાયેલી મીની હરાજીમાં અનકૅપ્ડ ખેલાડીઓએ ધૂમ મચાવી છે. આ અનકૅપ્ડ ખેલાડીઓમાં સિમરન શેખ સૌથી મોંઘાં ખેલાડી તરીકે અલગ તરી આવ્યાં હતાં. ગુજરાત જાયન્ટ્સે તેમને સૌથી વધુ 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યાં.
સિમરન ઉપરાંત અન્ય બે ભારતીય અનકૅપ્ડ ખેલાડીઓ જી કમાલિની અને પ્રેમા રાવત ચર્ચામાં રહ્યાં. આ બંને પણ કરોડપતિ ખેલાડી બનવામાં પણ સફળ રહ્યાં હતાં.
આ હરાજીમાં 19 ખેલાડીઓ માટે પાંચ ટીમોએ 9.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમાં કુલ મળીને 120 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી માત્ર પાંચ વિદેશી ખેલાડીઓ લેવાના હતાં.
ધારાવીનાં સિમરન ગુજરાત જાયન્ટમાં પહોંચ્યાં
સિમરન શેખને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.90 કરોડમાં ખરીદ્યાં. તેઓ પણ પ્રતિક્રિયા આપતી વખતે હતપ્રભ થઈ ગયાં હતાં.
સિમરન મુંબઈના ઝુંપડપટ્ટી વિસ્તાર ધારાવીનાં રહેવાસી છે અને તેમના માટે આ સ્તર સુધી પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે.
સિમરન હતપ્રભ થઈ ગયાં તેનું એક કારણ એ પણ હતું કે વીમૅન પ્રીમિયર લીગની પ્રથમ બે સિઝનમાં તેમની અપેક્ષા મુજબ કંઈ થયું નહોતું.
વાસ્તવમાં, પ્રથમ સિઝનમાં તેમને યુપી વૉરિયર્સ દ્વારા લેવામાં આવ્યાં હતાં અને નવ મૅચમાં તેઓ માત્ર 29 રન બનાવી શક્યાં હતાં. આ કારણથી મુંબઈ ઇન્ડિયન્સે તેમને ગત સિઝનમાં લીધા હતાં, છતાં આખી સિઝન માટે તેમને બેન્ચ પર બેસાડી રાખ્યાં હતાં.
ગુજરાત જાયન્ટ્સ છેલ્લી બે પ્રીમિયર લીગમાં નબળી બેટિંગને કારણે તેમના મિડલ ઑર્ડરને મજબૂત કરવા માગે છે અને દિલ્હી કેપિટલ્સે પણ તેમનામાં રસ દાખવતાં હરાજી આગળ વધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતે રૂ 1.70 કરોડની બોલી લગાવવા માટે અંદરોઅંદર ઘણી ચર્ચા કરી. પરંતુ બોલી 1.80 કરોડ રૂપિયાથી ઉપર જતાં જ દિલ્હી કેપિટલ્સ થંભી ગયું.
ઘણા સંઘર્ષ પછી સિમરન ક્રિકેટર બન્યાં છે.
સિમરન શેખ ધારાવીના પાર્કમાં ક્રિકેટ રમતાં હતાં અને તેમણે ઘણી વખત પાર્કની આસપાસ રહેતા લોકોનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો.
પરંતુ તેઓ પોતાના ઈરાદામાં દૃઢ હતાં અને તેમને પરિવારનો ટેકો પણ મળ્યો હતો. તેથી તેમને યોગ્ય દિશામાં આગળ વધવામાં તકલીફ ન પડી.
તેઓ પહેલીવાર વ પ્રીમિયર લીગમાં જોડાયાં ત્યારે તેમના પિતા ઝાહિદ અલીએ કહ્યું હતું કે જે લોકો તેમને ઠપકો આપતા હતા, એ જ લોકો જ્યારે તેઓ મૅચ રમવા માટે ટીવી પર આવતાં, ત્યારે તેમને તાળીઓથી વધાવતા હતા.
તેમનાં માતા અખ્તરી બાનોનું કહેવું હતું કે તેમને જરાય આશા નહોતી કે તેઓ આ મુકામ સુધી પહોંચી શકશે.
સિમરનની સૌથી મોટી ગુણવત્તા તેમની આક્રમક બેટિંગ છે. તેઓ ટોપ ઑર્ડરની સાથે સાથે મિડલ ઑર્ડરમાં પણ ઝડપી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
કહેવાય છે કે હીરાની ઓળખ માત્ર ઝવેરી કરી શકે છે. ગુજરાત જાયન્ટ્સે તેમની પસંદગી કરી છે અને હવે તેઓ ઝવેરીના ભરોસાને કેટલી હદે યોગ્ય ઠરાવી શકે છે તે જોવાનું રહેશે.
16 વર્ષનાં જી કમાલિનીની કમાલ
આ હરાજીમાં ચર્ચામાં રહેનારાં બીજાં ખેલાડી 16 વર્ષનાં જી કમાલિની છે. તેમની ગણતરી ભારતના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં થાય છે.
તેઓ વિકેટકીપિંગ કરે છે અને ડાબોડી બૅટર છે. જરૂર પડે ત્યારે તેઓ લેગ બ્રેક બૉલિંગ પણ કરે છે.
મુંબઈ ઈન્ડિયન્સે તેમને યાસ્તિકા ભાટિયાની ગેરહાજરીમાં વિકેટકીપરની જવાબદારી સંભાળવા માટે ટીમમાં સામેલ કર્યાં છે.
કમાલિની સાચા અર્થમાં 2023માં પ્રસિદ્ધ થયાં હતાં. તે વખતે તેમણે અંડર-19 ટી-20 ટ્રૉફીમાં તમિલનાડુ માટે શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તમિલનાડુ માટે આ રાષ્ટ્રીય ટ્રૉફી જીતવા માટે કમાલિનીએ આઠ મૅચમાં 311 રન બનાવ્યા હતા.
હજુ તાજેતરના અંડર-19 એશિયા કપમાં તેમણે પાકિસ્તાન સામે જે પ્રદર્શન કર્યું તેના કારણે તેમની કિંમત આસમાને પહોંચી ગઈ હતી. આ મૅચમાં તેમણે 29 બૉલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 44 રન બનાવીને ભારતને 9 વિકેટે વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રેમા રાવત આ સ્તર સુધી કેવી રીતે પહોંચ્યાં?
પ્રેમા રાવતને થોડાં વર્ષો અગાઉ સુધી કોઈ ઓળખતું ન હતું. પરંતુ ગત ઉત્તરાખંડ પ્રીમિયર લીગમાં તેમણે મસૂરી થંડર્સ માટે શાનદાર દેખાવ કરીને પોતાને આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધાં.
તેમણે પોતાની લેગ સ્પિન બૉલિંગથી ત્રણ મૅચમાં ચાર વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત પોતાની શાનદાર ફિલ્ડિંગથી પણ બધાને પ્રભાવિત કર્યા હતા.
આરસીબી પાસે લેગ સ્પિન બૉલર આશા શોભના છે, પરંતુ ભારતનાં આ આંતરરાષ્ટ્રીય બૉલર હાલમાં ઈજાગ્રસ્ત છે.
તેના પરથી લાગે છે કે પ્રેમા રાવત આગામી સિઝનમાં આરસીબી માટે ઘણા મહત્ત્વનાં સાબિત થઈ શકે છે.
પ્રેમા રાવતે આરસીબીની ટીમમાં પહોંચવા વિશે કહ્યું કે ઉત્તરાખંડમાં ઘણા યુવાન ખેલાડીઓ છે, તેનાથી તેમને પણ આગળ વધવાની પ્રેરણા મળશે.
તેમણે કહ્યું કે તેઓ સ્મૃતિ મંધાના સાથે રમવા માટે બહુ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. એવું મનાય છે કે હરિદ્વારનાં આ ખેલાડી ટૂંક સમયમાં ભારતીય ટીમમાં જોવા મળી શકે છે.
ડિએન્ડ્રા ડોટિન સૌથી મોંઘાં વિદેશી ખેલાડી બન્યાં
વેસ્ટ ઇન્ડિઝનાં ડિએન્ડ્રા ડોટિનને મહિલા ક્રિકેટનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ગુજરાત જાયન્ટ્સે તેમને પણ 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યાં હતાં.
ગઈ સિઝનમાં તેઓ રમ્યાં નહોતાં. તેમને ગુજરાત જાયન્ટ્સમાં લેવામાં આવ્યાં પછી તેમનો મિડલ ઑર્ડર હવે ઘણો મજબૂત બની ગયો છે એવું મનાય છે.
વીમૅન પ્રીમિયર લીગ અગાઉ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સાથે એક સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભાગ લેવાના કારણે ડોટિન આ વખતે બહુ મહત્ત્વપૂર્ણ ખેલાડી બની રહે તેવી સંભાવના છે.
ડોટિને મહિલા ટી-20 ક્રિકેટમાં પહેલી સદી ફટકારી છે એટલું જ નહીં, સૌથી ઝડપી સદી પણ તેમનાં નામે છે. તેમણે માત્ર 38 બૉલમાં સદી ફટકારી હતી, જેમાં પાંચ ચોગ્ગા અને નવ સિક્સર સામેલ હતી.
આ સદી ફટકારીને તેમણે મહિલા ક્રિકેટમાં પાવર નથી હોતો તેવી વાતો કરનારા લોકોનાં મોઢાં બંધ કરી નાખ્યાં હતાં.
ડોટિનના નામે સૌથી ઝડપી અડધી સદી પણ નોંધાયેલી છે. તેમણે 2009ના ટી-20 વર્લ્ડ કપમાં 22 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
વેસ્ટ ઇન્ડિઝનાં આ ખેલાડી ઘણો બધો ઇન્ટરનૅશનલ અનુભવ પણ ધરાવે છે, જેનો ફાયદો ગુજરાત જાયન્ટ્સને ચોક્કસ થવાનો છે.
ઘણાં જાણીતાં ખેલાડીઓને કોઈ ટીમે ન લીધાં
આ મિનિ હરાજી હતી અને મોટાભાગની ટીમો માત્ર પોતાની નબળાઈ દૂર કરી શકે તેવાં ખેલાડીઓની શોધમાં હતી. તેના કારણે સ્નેહ રાણા, હીથર નાઈટ અને લૌરા હૅરિસ જેવાં ખેલાડીઓને કોઈ ટીમમાં સ્થાન ન મળ્યું.
સ્નેહ રાણાને 2023માં ગુજરાત જાયન્ટ્સે 75 લાખમાં લીધાં હતાં. કૅપ્ટન બેથ મૂનીને ઈજા થઈ ત્યારે સ્નેહે કૅપ્ટનશિપ પણ સંભાળી હતી.
પરંતુ તેમની ટીમ આઠમાંથી માત્ર બે મૅચ જીતી શકી અને અંતિમ સ્થાન પર રહી હતી. તેથી છેલ્લી સિઝનમાં તેમને રમાડવામાં આવ્યાં નહોતાં અને આ વખતે પણ કોઈ ખરીદદાર મળ્યું નહોતું.
હીથર નાઈટ ઈંગ્લૅન્ડની ટી-20 ટીમનાં કૅપ્ટન છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં વીમૅન પ્રીમિયર લીગની ટીમો પર તેઓ પોતાની છાપ છોડી શક્યાં નથી.
તેવી જ રીતે ઑસ્ટ્રેલિયન ખેલાડી લૌરા હેરિસ દુનિયાની ટી-20 લીગમાં રમે છે, પરંતુ તેમને પણ કોઈએ ખરીદ્યાં ન હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન