'મોદીજૅકેટ' બનાવનારા ભાગલપુરના વણકરો હવે પાપડ વણી રહ્યા છે

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, ભાગલપુરથી પરત ફરીને, બીબીસી હિંદી માટે

"ભાગલપુરી સિલ્ક ઉદ્યોગને મજબૂત બનાવવા માટે એનડીએ સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. અહીં જે મેગા ક્લસ્ટર બન્યું છે તેનાથી અહીંના વણકરો અને વેપારીઓને ખૂબ મદદ મળશે. અહીં જે વણકર બહેનો છે. તેમને પહેલાં દોરાની ગૂંચ ઉકેલવામાં જેટલી સમસ્યા પડતી હતી, પગના ઢીંચણમાં જે દુખાવો થતો હતો, હવે જે નવી બુનિયાદ રિલિંગ મશીન અપાઈ રહી છે, તેનાથી વણકરોને આ કષ્ટમાંથી મુક્તિ મળશે."

આ વર્ષે એપ્રિલ મહિનામાં જ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાગલપુરમાં એક જનસભા સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી.

અહીં પ્રશ્ન એ છે કે આ દરમિયાન બિહારના ભાગલપુરનો સિલ્ક ઉદ્યોગ કેટલો મજબૂત બન્યો છે.

બીબીસીની તપાસમાં ભાગલપુરી સિલ્ક ઉદ્યોગ દયનીય સ્થિતિમાં હોવાનું માલૂમ પડ્યું છે. સરકારી રેકૉર્ડ્સમાં પણ આ ઉદ્યોગ એટલો બધો કમજોર બની ગયો છે કે તેને મજબૂત બનાવવા માટેની સરકારની તમામ યોજનાઓ અસફળ પુરવાર થઈ રહી છે.

સરકારી આંકડા પ્રમાણે પાછલા 3 દાયકા દરમિયાન લગભગ 1 લાખ વણકરો આ કામ છોડી ચૂક્યા છે.

વણકર સેવા કેન્દ્ર ભાગલપુર, બરારી દ્વારા મળેલી જાણકારી પ્રમાણે હાલ ભાગલપુર મેગા હૅન્ડલૂમ કલ્સ્ટર અંતર્ગત ક્ષેત્રમાં માત્ર 3,449 વણકરો જ કામ કરી રહ્યા છે અને 3,333 લૂમ જ ચાલુ સ્થિતિમાં છે.

અર્થતંત્રની મંદીનો માર સિલ્ક સિટીના વણકરોએ પણ સહન કરવો પડ્યો છે.

ધીમે-ધીમે કામ મળવાનું બંધ થઈ ગયું...

એક સમય એવો પણ હતો જ્યારે ભાગલપુર દેશના 48 ટકા સિલ્ક પરિધાનોની માગ સંતોષતું, કારણ કે અહીંના લગભગ દરેક નિમ્ન-મધ્યમવર્ગીય પરિવારમાં લૂમ ચાલતું હતું.

આજે પરિસ્થિતિ એ છે કે ભાગલપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ માત્ર એક જ ઘરમાં હૅન્ડલૂમ ચાલી રહ્યું છે.

ભાગલપુર નાથનગર વિધાનસભા ક્ષેત્રના જગદીશપુર વિસ્તારના પુરૈની ગામના મુશ્તાક અંસારી જણાવે છે કે, "90ના દાયકા સુધી અમારા ગામમાં અને આસપાસનાં ગામડાંના લગભગ દરેક ઘરમાં હૅન્ડલૂમ ચાલતું હતું, પરંતુ હવે એક-બે ઘરમાં જ લૂમ ચાલી રહ્યું છે. ધીમે-ધીમે કામ મળવાનું બંધ થઈ ગયું. તેથી લોકો કામની શોધમાં બહાર જવા લાગ્યા. જ્યારે બાકીના લોકો ખેતીકામ અને મજૂરીકામમાં જોતરાઈ ગયા."

મુશ્તાક આગળ જણાવે છે કે, "હવે તમને કોઈ યુવક લૂમ ચલાવતો નહીં દેખાય. જ્યારે અહીં અમારા વણકર સમુદાયના લોકોની વસતી વધારે છે અને આ અમારું ખાનદાની કામ છે, પરંતુ અમે અમારાં બાળકોને અમારા જેવાં જ નથી બનાવવા માગતા. અમે નથી ઇચ્છતા કે તેઓ કૌશલ્ય અને કળા હાંસલ કરીને પણ તેઓ બેરોજગાર રહે."

પાપડ વણવાનો રોજગાર

2004-05માં જ મુશ્તાકે પોતાનું હૅન્ડલૂમ ઉખાડીને છાજલી પર મૂકી દીધું હતું. તેઓ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે હૅન્ડલૂમનાં ઊધઈ લાગેલાં લાકડાં ઉતારીને બતાવવા લાગ્યા.

અમે પૂછ્યું કે શું અહીં એવું કોઈ ઘર બાકી નથી બચ્યું જ્યાં આજે પણ હૅન્ડલૂમ ચાલતું હોય. અમે તપાસ કરવા નીકળ્યા ત્યારે થોડું દૂર જતાં જ અમને તેહારત હસન તેમના ઘરની બહાર મળી ગયા.

મુશ્તાકને ખબર હતી કે તેહારતના ઘરમાં હાલ સુધી તો લૂમ ચાલતું હતું.

તેમની બનાવેલી સાડીઓની ફિનિશિંગનું કામ અત્યંત સુંદર હોતું. તેથી તેની વિદેશમાં પણ ઘણી માગ હતી.

પરંતુ તેહારતના જવાબે અમને આશ્ચર્યચકિત કરી દીધા.

તેઓ જણાવે છે કે, "હવે હું હૅન્ડલૂમ નથી ચલાવતો. બધું સમેટીને એકબાજુ મૂકી દીધું છે. હું હવે કેરળમાં પાપડ વણવાનું કામ કરું છું. અત્યારે ઘરે આવ્યો હતો, મારે પાછું જવાનું છે."

ગૂંચ કાઢવાનું કામ

તેહારત સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે તેમને પાપડ બનાવવા માટે દરરોજના 350-400 રૂપિયા મળી જાય છે.

પરંતુ પાપડ બનાવવામાં અને સાડીઓ બનાવવાની કારીગરીમાં ફરક છે. આ કળા ઘણા ઓછા લોકો જાણે છે.

અમારી વાતનો જવાબ આપતાં તેહારત કહે છે કે, "ભાઈ, એવા કૌશલ્યનો શો ફાયદો જેનાથી પરિવાર ન ચલાવી શકાય. મારે પત્ની અને બાળકોની સંભાળ રાખવાની છે. ભલે પાપડ બનાવવાનું કેમ ન હોય, રોજ કામ તો મળી જાય છે. આ કામ કરતા ત્યારે તો ભૂખ્યા રહેવાનો વારો આવી ગયો હતો."

તેહારત અમને પોતાના ઘરથી થોડે દૂર આવેલા વજાહત હસનના ઘરે લઈ જાય છે. ત્યાં માટીના ઘરના બંગલામાં બે હૅન્ડલૂમ ચાલુ હતાં.

75 વર્ષની ઉંમરે આજે પણ વજાહત પોતાના દીકરાની સાથે હૅન્ડલૂમ ચલાવે છે, તેમજ તેમનાં પત્ની દોરની ગૂંચ ઉકેલવાનું કામ કરે છે.

જીએસટી બાદ

વજાહતના પુત્ર કહે છે કે, "અમે ચાર ભાઈ છીએ. બધાને આ કામ કરતા આવડે છે, પરંતુ કામ હોય તો કરે ને! હવે બધા લોકો બહાર રહે છે. અબ્બુ-અમ્મી વૃદ્ધ થઈ ચૂક્યાં છે."

"તેથી કોઈ એક જણે તો તેમની પાસે રહેવું જ પડશે. બસ, એટલે જ હું અહીં છું. અમને લોકોને કામ મળે કે ન મળે, પરંતુ અમે ક્યારેય નવરા નથી બેસી રહેતા."

"જાતે જ દોરા ખરીદીને ચલાવતા રહીએ છીએ. જ્યારે ઑર્ડર મળે છે ત્યારે માલ વેચાઈ જ જાય છે."

"તેથી હવે મોટા ભાગે કપડાં જ તૈયાર કરીએ છીએ, સાડીઓનું કામ મળવું ખૂબ જ ઓછું થઈ ચૂક્યું છે."

વજાહત 10 વર્ષની ઉંમરથી જ હૅન્ડલૂમ ચલાવી રહ્યા છે.

તેઓ કહે છે કે, "પહેલાં સોંઘવારી હતી, તેમ છતાં એટલું કામ મળી જતું કે પૈસા બાબતે ક્યારેય મુશ્કેલી ન પડતી."

"હવે તો મોંઘવારીનો જમાનો છે. 10 વર્ષ પહેલાં જે દોરા 800 રૂપિયામાં મળી જતા, તેનો ભાવ હવે જીએસટી લાગુ થયા બાદ 4400-4500 થઈ ગયો છે."

"જો કોઈ વ્યક્તિ બે-ત્રણ દિવસ સુધી મહેનત કરીને એક સાડી બનાવશે તો તેને 500-600 રૂપિયા જ મળી શકશે."

"દરરોજના હિસાબે 200 રૂપિયા જ મળશે. એ પણ કામ મળે ત્યારે. તમે જ કહો, આ મોંઘવારીના જમાનામાં 150-200 રૂપિયામાં ઘર-પરિવાર કેવી રીતે ચાલશે?"

કામ મળવાનું બંધ કેમ થઈ ગયું?

વજાહત કહે છે કે, "હૅન્ડલૂમના પતન માટે પાવરલૂમ જવાબદાર છે. 1985-90 સુધી અમારી પાસે ઘણું કામ હતું."

અહીં ભાગલપુરમાં જ જેજે એક્સપૉર્ટર, જેનિયથ એક્સપૉર્ટર જેવા ડઝનો મોટા એક્સપૉર્ટર હતા."

"મોટા ભાગે વિદેશમાં અમારા બનાવેલા કાપડની માગ હતી. ત્યારે અમને અમારા કામનું યોગ્ય વળતર મળતું, પરંતુ ત્યારે જ મશીનોનો જમાનો શરૂ થયો."

"તેમાં ચીનની અસર સૌથી વધારે રહી. તેઓ આપણા દેશમાંથી જ કાચું રેશમ અને યાર્ન ખરીદીને ઓછી કિંમતમાં સપ્લાય કરવા લાગ્યા."

"હવે તો આ ક્ષેત્રમાં પણ પાવરલૂમની શરૂઆત કરવાની બાબતે ભાર અપાઈ રહ્યો છે. અમે હાથથી કામ કરીએ છીએ, જેની કિંમત વધુ હોય છે."

"તેમનું કામ મશીન વડે થાય છે તેથી તે સસ્તું હોય છે, પરંતુ તેઓ અમારા જેવું કામ નહીં કરી શકે. અમારી ફર્નિશિંગ અને ફિનિશિંગ અલગ પ્રકારની છે."

આ બધું બોલતાં-બોલતાં વજાહત હસન પોતાની બનાવેલી સાડી અને ચાદર બતાવવાં લાગ્યાં. તેમની કિંમત અને કારીગરી વિશે જણાવવા લાગ્યા.

ટૅક્સટાઇલ વિભાગનો સર્વે

એવું નથી કે વણાટકામ કામ માત્ર મુસ્લિમ સમુદાયના લોકો જ કરે છે, હિન્દુ સમુદાયના તાંતી કે તતવા જાતિના લોકો પણ આ જ કામ કરે છે.

ભાગલપુરના ફતેહપુર વિસ્તારના અંગારી ગામમાં પણ પહેલાં દરેક ઘરમાં હૅન્ડલૂમ હતું.

ત્યાં મોટા ભાગે તાંતી સમુદાયના લોકો જ રહે છે, પરંતુ હવે કોઈના ઘરે આ કામ નથી થતું. અમે જે ઘરમાં ગયા એ ઘરના લોકો અમને તેમનાં હૅન્ડલૂમના તૂટેલા-ફૂટેલા ભાગો અમને બતાવવા લાગતા.

મુકેશ્વર તાંતીના ઘરે હૅન્ડલૂમ લાગેલું તો દેખાઈ રહ્યું હતું પરંતુ તેનો ઢાંચો સલામત નહોતો રહ્યો.

તેઓ જણાવે છે કે ટૅક્સટાઇલ વિભાગના લોકો સર્વે કરવા માટે આવતા રહે છે. તેમણે એટલા માટે તેમનું લૂમ લાગેલું રહેવા દીધું છે જેથી આ સર્વે કરવા આવનાર લોકોને ખબર પડે કે આ ઘરમાં હૅન્ડલૂમ ચાલે છે.

તાડનાં પાનથી બનેલી છત અને ભૂંસાં અને વાંસથી ઘેરીને બનાવાયેલા ઘરને પહેલી વાર જોઈને અમને પણ વિશ્વાસ નહોતો થયો.

ભાગલપુર મેગા ક્લસ્ટર યોજના

મુકેશ્વરનાં પત્ની મનિયા દેવી ગાંધીજીના રેંટિયા જેવો એક માટી ચોંટેલો રેંટિયો અમને બતાવવા માટે લઈ આવે છે.

તેઓ કહે છે કે, "આ જ રેંટિયો ચલાવીને જીવન પસાર કરી દીધું. મારા પતિ લૂમ ચલાવતા હતા. હું દોરાની ગૂંચ ઉકેલતી. અમારાં બાળકો પણ બહાર જતાં રહ્યાં. જેઓ અહીં રહે છે એ પણ અમારાથી અલગ જ રહે છે. તેમને ઉછેરવામાં ઘર ન બનાવી શક્યા."

ભાગલપુર મેગા ક્લસ્ટર યોજનાવાળા પ્રોજેક્ટ હેઠળ વણકરો માટે ઘણી યોજનાઓ ચલાવાઈ રહી છે, શું આ યોજનાઓમાંથી કોઈ યોજનાનો લાભ તેમને નથી મળી શક્યો?

મુકેશ્વર તાંતી પોતાનું વણકર કાર્ડ બતાવતાં કહે છે કે, "આ કાર્ડ બનાવડવવા માટે 200 રૂ. આપ્યા હતા, પરંતુ આનો કોઈ લાભ નથી મળી શક્યો."

ભાગલપુર મેગા ક્લસ્ટર પ્રોજેક્ટ અંતર્ગત 5084 હૅન્ડલૂમ અને 20,000 વણકરો પર 17.15 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

વણકરોને લૉન આપવા માટે, તેમના માટે વેપારને સુગમ બનાવવા માટે તેમજ બીજી ઘણી નાણાકીય સહાયો માટે લગભગ એક ડઝન યોજનાઓ ચલાવાઈ રહી છે.

વડા પ્રધાન મોદીએ મહિલા વણકરોને રીલિંગ મશીન આપવાની વાત કરી હતી. શું આવી કોઈ યોજનાનો લાભ તેમને નથી મળ્યો?

આ પ્રશ્નના જવાબમાં મનિયાદેવી કહે છે કે, "જો આવો કોઈ લાભ મળ્યો હોત તો મારે છુપાવવાની કોઈ જરૂર નહોતી. બધું તો બતાવી જ દીધું છે. આમતેમ ખેતરોમાં મજૂરી કરીને પેટ ભરી લઈએ છીએ."

ભાગલપુર મેગા ક્લસ્ટર અંતર્ગત હૅન્ડલૂમના કામ સાથે સંબંધિત તમામ જવાબદારીઓ વણકર સેવા કેન્દ્ર ભાગલપુરની છે.

અંગ્રેજોના સમયની ખંડિયેર બની રહેલી એક ઇમારતમાં ચાલી રહેલા વણકર સેવા કેન્દ્રમાં ડિઝાઇન, રંગાટીકામ, પ્રિન્ટિંગ અને વણાટકામની તાલીમ અપાય છે.

આ બિહારનું એકમાત્ર વણકર સેવા કેન્દ્ર છે. ભારતમાં આવાં 28 કેન્દ્રો છે. આ કેન્દ્ર 1974થી અત્યાર સુધી, એટલે કે પાછલાં 45 વર્ષોથી સતત હસ્તકલા ક્ષેત્રના વિસ્તાર અને તકનીકી સુધારા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ભાગલપુર મેગા ક્લસ્ટર હેઠળ આવતા તમામ વણકરોની જવાબદારી આ જ કેન્દ્રની છે.

કેન્દ્રના ઇન-ચાર્જ રામકૃષ્ણને જ્યારે અમે આ બધા પ્રશ્નો કર્યા ત્યારે તેઓ અમને આ યોજનાઓની યાદી બતાવવા લાગ્યા. તેઓ એ કાપડને પણ અત્યંત ગર્વભેર બતાવે છે જેના દ્વારા બનેલ જૅકેટ નરેન્દ્ર મોદી પહેરે છે. રામકૃષ્ણે કહ્યું, "આવાં કપડાં માત્ર ભાગલપુરમાં જ બને છે."

માત્ર તાલીમથી શું થશે?

જ્યારે અમે કહ્યું કે વણકરોને એટલો લાભ નથી મળી રહ્યો, ત્યારે તેનો જવાબ આપતાં તેઓ જણાવે છે કે, "અમે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. વણકરોને પકડી-પકડીને તાલીમ આપવા માટે લઈ આવીએ છીએ. તેમને સ્ટાઇપેન્ડ પણ આપીએ છીએ, જેથી તેઓ આ લાલચે તો તાલીમ મેળવવા આવે."

પરંતુ માત્ર તાલીમ આપવાથી શું થશે? વણકરોને કામ તો મળવું જોઈએ ને! તેમજ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે પહેલાં તો દલાલને પૈસા ચૂકવવા પડે છે.

રામકૃષ્ણ આ વિશે કહે છે કે, "અમે આવું નથી કરતા. આ યોજના લાગુ કરનાર એજન્સીનો દોષ છે. આખા દેશભરમાં યોજાનાર હાટ-બજારો સુધી અમે વણકરોને લઈ જઈએ છીએ. તેમને એક્સપૉઝર પણ મળે છે."

ભાગલપુર હૅન્ડલૂમ મેગા ક્લસ્ટર અંતર્ગત 20,000 લૂમ સ્થાપિત કરાવવાનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઓછા દરે વણકરોને લૉન અપાવાની છે.

છ વર્ષમાં કેટલા વણકરોને આ યોજનાનો લાભ મળી શક્યો છે?

રામકૃષ્ણ જણાવે છે કે, "અત્યાર સુધી તો આવો કોઈ લાભ તેમને નથી મળી શક્યો, પરંતુ અમને ઘણી બધી અરજીઓ મળી છે. આ અરજીઓને સ્વીકૃતિ માટે સંબંધિત બૅન્કોમાં મોકલી દેવાઈ છે."

ક્યાંક ઇતિહાસ ન બની જાય હૅન્ડલૂમ ઉદ્યોગ

આ પ્રકારે વણકર સેવા કેન્દ્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન તો એક પણ નવું હૅન્ડલૂમ નથી સ્થપાયું. ઊલટાનું લોકો ઝડપથી આ કામ કરવાનું બંધ કરી રહ્યા છે.

ક્યાંક હૅન્ડલૂમ ઉદ્યોગ ઇતિહાસ ન બની જાય?

આ પ્રશ્ન એટલા માટે પૂછાયો હતો, કારણ કે પુરૈની ગામના વણકરોએ કહ્યું હતું કે તેઓ પોતાની ભવિષ્યની પેઢી આ કામમાં આવે એવું નથી ઇચ્છતા.

આ પ્રશ્નના જવાબમાં રામકૃષ્ણ કહે છે કે, "ભાગલપુરી સિલ્ક ઉદ્યોગ ક્યારેય નહીં મરે, કારણ કે જે અહીં બને છે એ બીજે ક્યાંય નથી બનતું, પરંતુ બજાર પર અમારો કોઈ કાબૂ નથી, પરંતુ અમે અને આપ બજારના કાબૂમાં છીએ. અમે અને તમે જે પહેર્યું છે તે પાવરલૂમ વડે બનેલું છે. બજાર અમે લોકો જ ઊભું કરીએ છીએ."

પરંતુ વણકરો રહેશે ત્યારે જ ઉદ્યોગ બચશે ને? અને જે કામથી પેટ ન ભરી શકાય, કોઈ પણ વ્યક્તિ આવું કામ કેમ કરશે?

વજાહત જણાવે છે કે, "વણકર કાર્ડ તો બન્યું જ છે, અમારો તમામ રેકૉર્ડ વિભાગ પાસે છે. હવે બસ અમારા માટે એક ખુલ્લી મંડી બનાવી દેવાય. અમે અમારો સામાન બનાવીશું અને જાતે જ એ સામાન વેચી પણ લઈશું. કામ મેળવવા માટે કોઈની પર આધારિત નહીં રહેવું પડે. અમને ખબર છે કે બજારમાં અમારી કિંમત શું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો