ડાયનોસોરનો અંત, કેવો હતો પૃથ્વી પરનો એ છેલ્લો દિવસ?

    • લેેખક, જોનાથન એમૉસ,
    • પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા

પૃથ્વી પરના સૌથી વિનાશક દિવસો પૈકી એક વિશે વૈજ્ઞાનિકોને નવા પુરાવા મળ્યા છે.

વૈજ્ઞાનિકોએ મેક્સિકોના અખાતમાંથી મળેલા એક 130 મીટરના ખડકના એક ટુકડાનું પરીક્ષણ કર્યું છે.

આ ખડક પર કેટલાંક તત્ત્વો મળી આવ્યાં છે, આ તત્ત્વો વિશે એવું કહેવાઈ રહ્યું છે કે આ તત્ત્વો પૃથ્વી પર 6.6 કરોડ વર્ષ પહેલાં જમા થયાં હતાં. એક મોટો ઍસ્ટરૉઈડ પૃથ્વી સાથે અથડાયો હતો.

તેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આ એ જ ઉલ્કાપિંડ છે જેના કારણે વિશાળકાય ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયા બાદ ત્યાં 100 કિમી પહોળો અને 30 કિમી ઊંડો ખાડો પડી ગયો હતો.

બ્રિટિશ અને અમેરિકન રિસર્ચરોની ટીમે આ ખાડા (ક્રેટર)ની જગ્યાએ ડ્રિલિંગ કરવામાં અઠવાડિયાં વીતાવ્યાં હતાં.

આ વૈજ્ઞાનકોએ જે પરિણામો મેળવ્યાં તેમાં પહેલાંના અભ્યાસોની જ પુષ્ટિ થઈ, આ અભ્યાસોમાં પહેલાંથી જ આ વિનાશકારી પ્રાકૃતિક ઘટનાનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે.

લગભગ 200 કિલોમિટર પહોળો ક્રેટર મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પમાં છે. તેનો સૌથી સારી રીતે સંરક્ષિત વિસ્તાર ચિકશુલૂબના બંદર પાસે છે.

વૈજ્ઞાનિકોએ જે ખડકનું અધ્યયન કર્યું છે તે સેનોઝોઇક યુગનું પ્રમાણ બની ગયું છે.

ખડકના અભ્યાસ પરથી મળેલા પુરાવા

આ ખડક ઘણાં બધાં વિખેરાયેલાં તત્ત્વોનું એક મિશ્રણ છે, પરંતુ રિસર્ચરોનું કહેવું છે કે આ તત્ત્વો એવી રીતે વિખેરાયેલાં છે, જેથી તેમના અવયવોની ઓળખ થઈ જાય છે.

તળિયા પહેલાંના 20 મીટરમાં મોટા ભાગે કાચયુક્ત કાટમાળ છે, જે ગરમી અને ટક્કરના દબાણના કારણે ઓગળી ગયેલા ખડકથી બન્યો છે.

તેનો આગળનો ભાગ ઓગળેલા ખડકોના ટુકડાથી બન્યો છે, એટલે કે એ વિસ્ફોટના કારણે ગરમ તત્ત્વો પર પાણી પડવાના કારણે થયો હતો.

કદાચ એ સમયે એ ઉલ્કાપિંડ અથડાવાના કારણે પાણી બહાર આવ્યું હશે, પરંતુ જ્યારે આ ગરમ પાણી ખડક પર પાછું ફર્યું ત્યારે એક તીવ્ર ક્રિયા થઈ હશે.

જ્યારે મેગ્મા મીઠા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે જેવી ક્રિયા થાય છે કદાચ એવી જ ક્રિયા આ સમયે પણ થઈ હશે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રભાવ પહેલાં એક કલાકમાં તમામ ઘટનાઓ બની હશે, પરંતુ એ બાદ પણ પાણી બહાર આવીને એ ક્રેટરને ભરતું રહ્યું હશે.

આ ખડકનો 80થી 90 મીટરનો ભાગ એ સમયે પાણીમાં રહેલા કચરાથી બન્યો હશે.

સુનામીના પણ પુરાવા મળ્યા

ખડકના અંદરના ભાગમાં સુનામીના પણ પુરાવા મળ્યા છે. ખડકની અંદર 130 મીટર પર સુનામીના પુરાવા મળે છે. ખડકમાં જામેલા સ્તરો એક જ દિશામાં છે અને એવું લાગે છે કે ખૂબ જ શક્તિશાળી ઘટનાના કારણે આ સ્તરો પથરાયા હશે.

વૈજ્ઞાનિકો જણાવે છે કે આ પ્રભાવના કારણે એક મોટું મોજું સર્જાયું હશે જે આ ક્રેટરથી ઘણા દૂરના તટો સુધી પહોંચ્યું હશે.

પરંતુ આ મોજું પાછું ફર્યું હશે અને ખડકનો ઉપરનો ભાગ જે પદાર્થોથી બન્યો છે, આ જોઈને એવું લાગે છે કે એ સુનામીનું મોજું પાછું ફર્યું હશે અને આ તેનું જ પરિણામ છે.

ઑસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના પ્રોફેસર અને રિસર્ચના સહ-લેખક, શૉન ગુલિકે બીબીસીને કહ્યું કે, "આ બધું જ એક દિવસમાં બન્યું હશે. સુનામીની ગતિ એક હવાઈ જહાજ જેટલી હોય છે અને એના કારણે સર્જાયેલા મોજાને દૂર લઈ જવા માટે તેમજ પાછું લાવવા માટે 24 કલાકનો સમય પૂરતો છે."

પ્રોફેસર ગુલિકની ટીમ ત્યાં મળેલા પુરાવાઓના આધારે સુનામી આવવાની વાત પર વિશ્વાસ કરી રહી છે, કારણ કે ખડકના ઉપરના સ્તરોમાં ચારકોલનું મિશ્રણ મળ્યું છે, જે એ વાતનો પુરાવો છે કે ટક્કરના કારણે જે આગ લાગી હશે એ આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગઈ હશે.

હવામાં સલ્ફરનો પ્રભાવ

રસપ્રદ વાત તો એ છે કે, રિસર્ચ ટીમને ખડકમાં ક્યાંય સલ્ફર નથી મળ્યું. આ આશ્ચર્યજનક વાત છે, કારણ કે આ ઉલ્કાપિંડ સલ્ફરયુક્ત ખનીજોથી બનેલા સમુદ્રસપાટીથી અથડાયો હશે.

અજાણ્યા કારણોસર સલ્ફર બાષ્પમાં ફેરવાઈને ખતમ થઈ ગયું હશે.

આ પરિણામ એ સિદ્ધાંતનું સમર્થન કરે છે જે ડાયનાસોર પૃથ્વી પરથી કેવી રીતે વિલુપ્ત થયાં તેનાં કારણો તરફ આંગળી ચીંધે છે.

સલ્ફરના પાણીમાં ઓગળી જવાથી તેમજ હવામાં ભળી જવાથી વાતાવરણ અત્યંત ઠંડું થઈ ગયું હશે. આટલા ઠંડા વાતાવરણને કારણે તમામ પ્રકારનાં છોડ અને પ્રાણીઓ માટે જીવિત રહેવું ખૂબ જ સંઘર્ષપૂર્ણ બની ગયું હશે.

પ્રોફેસર ગુલિક કહે છે કે, "આ પ્રક્રિયાના કારણે 325 ગીગા ટન સલ્ફર નીકળ્યું હશે એવું અનુમાન છે. આ પ્રમાણ ક્રૈકટોઆ જેવા જ્વાળામુખીમાંથી નીકળતા સલ્ફરના પ્રમાણ કરતાં પણ ખૂબ જ વધારે છે. ક્રૈકટોઆમાંથી નીકળતા સલ્ફરનું પ્રમાણ પણ વાતાવરણને એકદમ ઠંડું બનાવી દે છે."

સ્તનધારી આ આપત્તિથી બચી ગયા, પરંતુ ડાયનાસોર આ ઘટનાના પ્રભાવથી ન બચી શક્યા.

એ ટક્કર જેણે પૃથ્વી પરનું જીવન બદલી નાખ્યું

એ 12 કિલોમીટર પહોળો ઉલ્કાપિંડ, જેણે પૃથ્વીના ક્રસ્ટમાં 100 કિમી પહોળો અને 30 કિમી ઊંડો ખાડો બનાવી દીધો.

આ ઘટનાના કારણે 200 કિમી પહોળો અને કેટલાક કિમી પહોળો ક્રેટર બની ગયો.

આજે મોટા ભાગના ક્રેટર સમુદ્રમાં દફન છે, જમીન પર તે લાઇમસ્ટોનથી ઢંકાયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો