You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નર્મદા : સરદાર સરોવરના વિસ્થાપિતોની વ્યથા, પહેલાં ગામ ડૂબ્યાં, હવે ભૂકંપનો પ્રકોપ
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલું પખવાડિયું મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનાં નિવાસી ચેતનાસિંહ માટે દુ:સ્વપ્ન જેવું રહ્યું.
નર્મદા કિનારે વસેલા એકલવારા ગામમાં રહેતાં ચેતનાનું ઘર સરદાર સરોવર ડૅમના પાછા ફરી રહેલા પાણીના કારણે ધીરે-ધીરે તૂટતું જઈ રહ્યું છે.
પોતાના રસોડાના પાછલા દરવાજાથી નીચેની તરફ જઈ રહેલી સીડી તરફ ઇશારો કરતાં તેઓ કહે છે, "એ રાત્રે ઊંઘતા પહેલાં અમે જોયું કે ડૅમનું પાણી અમારા ઘરની એકદમ નજીક આવી ગયું છે."
"અડધી રાત સુધી અમે ચિંતા કરતા રહ્યા. મેં રસોડાના દરવાજા પાસેનો સામાન પણ ખાલી કરી દીધો."
"પછી થોડા સમય માટે ડરતાં-ડરતાં અમે ઊંઘી ગયા, વહેલી સવારે 5 વાગ્યે જ્યારે હું ઊંઘમાંથી ઊઠી અને મેં રસોડાની પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે પાણી મારા પગ સુધી પહોંચી ગયું છે."
"તમામ દાદરા ડૂબી ચૂક્યા છે. આ જોઈને જ હું ગભરાઈ ગઈ અને પોક મૂકીને રડવા લાગી."
"મારાં પાડોશીઓ પણ પોતાનાં ડૂબી ચૂકેલાં ઘરોમાં ઊભાં હતાં. મને જોઈને તેઓ પણ રડવા લાગ્યાં."
નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરાયા બાદ આસપાસનાં 178 ગામડાં બંધના બેકવૉટર્સમાં પાણી ભરાઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એકલવારા
કાગળ અને હકીકતમાં બેઘર બની જવાનો ફરક મધ્ય પ્રદેશના એકલવારા ગામના નિવાસીઓથી સારી રીતે કોણ સમજી શકે?
લગભગ 2000ની વસતી અને પશુ-પક્ષીઓની અનેક પ્રજાતિઓ ધરાવતા એકલવારા ગામનો સમાવેશ સરકારી દસ્તાવેજો અનુસાર ડૂબમાં ગયેલાં ગામડાંની યાદીમાં થતો નથી.
પરંતુ હકીકત તો એ છે કે ચારે તરફથી બંધના પાછળ રહી ગયેલા પાણીથી ઘેરાઈ ચૂકેલું આ ગામ દરરોજ મરી રહ્યું છે.
અહીં પોતાના વારસાગત ઘરમાં પોતાના પરિવારજનો સાથે રહેતાં ચેતનાસિંહનો પરિવાર એ 15,946 પરિવારોમાં સામેલ છે જેમને વર્ષ 2008માં એક રિવાઇઝ્ડ બેકવૉટર લેવલના આધારે નર્મદા ઘાટી વિકાસ પ્રાધિકરણે (એનવીડીએ) ડૂબમાં ગયેલા વિસ્તારની બહાર બતાવ્યા હતા.
ચેતનાના પતિ ભરત એક ખેડૂત છે.
ઘરની પડી રહેલી દીવાલો તરફ ઇશારો કરતાં તેઓ કહે છે, "સરકાર કહે છે કે અમારું ઘર ડૂબમાં ગયેલા વિસ્તારથી બહાર છે."
"એનવીડીએના અધિકારીઓએ એક પત્ર આપ્યો છે જેમાં લખ્યું હતું કે અમારાં ઘરો ડૂબ વિસ્તારથી બહાર રહેશે."
"તેથી અમે નિશ્ચિંત હતા, પરંતુ પાણી અમારાં ઘરો સુધી આવી ચૂક્યું છે અને દીવાલો પડી ગઈ છે."
સામાન્ય ખેડૂત પરિવાર
વળતરના નામે પણ ભરતને કશું જ નથી મળ્યું.
ઘરના એક સાબૂત ભાગમાં બેસીને વાત કરતાં તેઓ જણાવે છે, "સરકાર તો આજે પણ એવું જ કહી રહી છે કે તેમણે બધાને વળતર ચૂકવ્યું છે અને બધાનું પુનર્વસન થઈ ગયું છે, પરંતુ અમને હજુ સુધી જમીન મળી નથી."
"સરકાર કહી રહી છે કે 5.80 લાખનું પૅકેજ અપાયું છે, પરંતુ અમને તો બિલકુલ પૈસા નથી મળ્યા."
"સરકારે કહ્યું કે તમે ડૂબમાં ગયેલા વિસ્તારથી બહાર આવો છો. તેથી અમે ચૂપચાપ બેસી ગયા, પરંતુ બંધમાં પાણીનું સ્તર 136 મીટર થતાં જ અમારા ઘરમાં ચારેકોર પાણી ભરાઈ ગયું."
"એનસીએ (નર્મદા કંટ્રોલ ઑથૉરિટી) કહી રહી છે કે પ્લૉટ અપાઈ ચૂક્યા છે, પરંતુ અમારા પરિવારને તો કોઈ પ્લૉટ નથી મળ્યો."
દરેક સામાન્ય પરિવારની જેમ જ, ચેતના અને ભરત પણ ઘરની પાસે બનેલા વાડામાં તેમની સાથે રહેતાં 12 પશુઓને પણ પોતાના પરિવારનો ભાગ માને છે.
ચેતના એ વાત વિશે વિચાર-વિચારીને જ પરેશાન થઈ રહ્યાં છે કે 18 ઓરડાવાળા તેમના વારસાગત મકાનના બદલે સરકારે જો વિસ્થાપિતોને અપાતો પ્લૉટ આપી પણ દીધો તો 22 લોકોનો તેમનો પરિવાર ત્યાં કઈ રીતે રહી શકશે.
પોતાનાં બાળકોને યાદ કરતાં તેઓ કહે છે, "આ ઘર સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે."
"બાળકો ફોન કરીને જ્યારે પૂછે છે કે દશેરા અને દિવાળીના તહેવારોની રજા દરમિયાન તેઓ ક્યાં આવે ત્યારે ઘણું ખરાબ લાગે છે."
"હું તેમને ક્યાં બોલાવું? આખું ઘર તો પડી ગયું છે."
અડધો ભાગ ડૂબી ગયો
ભરતની જેમ જ એકલવારામાં 7 પેઢીથી રહેતા દેવસિંહનું વારસાગત ઘર હવે તેમના ખેતર, બાળપણની શાળા અને એક આખા જીવનની યાદોને પોતાની સાથે લઈને, બંધના પાણીમાં સમાતું જઈ રહ્યું છે, પરંતુ એનડીવીએએ પોતાના રેકૉર્ડ્સમાં તેમના ઘરને પણ ડૂબમાં ગયેલા વિસ્તારની બહાર દર્શાવ્યું છે.
કાનૂની મૂંઝવણમાં ફસાયેલા દેવસિંહ પોતાના જ ગામમાં હોડીમાં ફરતાં-ફરતાં ઉદાસ થઈ જાય છે.
પોતાની ડૂબી ચૂકેલી શાળા સામેથી પસાર થતાં તેઓ કહે છે, "સરદાર સરોવર બંધના કારણે સર્જાયેલી સ્થિતિને કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે."
"મકાનોમાં તિરાડો પડી ગઈ છે, અડધોઅડધ મકાનો ડૂબી ગયાં છે."
"વળતરની તો એવી સ્થિતિ છે કે વર્તમાન સરકારે હાલમાં જ સર્વેનું કામ ફરીથી શરૂ કર્યું છે."
"આખરે જ્યારે પાણીનું સ્તર 138 મીટર સુધી પહોંચ્યું અને એ કારણે આખા ગામમાં પાણી ફરી વળ્યું, ત્યારે જઈને તેમણે માન્યું કે હવે તો આખા ગામને જ ડૂબમાં ગયેલા વિસ્તારમાં લેવું પડશે, પરંતુ આ બનાવ પહેલાં તો અધિકારીઓ એવું જ કહેતા કે તમે ડૂબમાં ગયેલા વિસ્તારથી બહાર છો."
આંકડાનો ખેલ
નર્મદા બચાઓ આંદોલન સાથે જોડાયેલાં સામાજિક કાર્યકર મેધા પાટકરનું માનવું છે કે સરદાર સરોવર બંધને ફુલ કૅપેસિટી લેવલ સુધી ભરાતા જ 15,945 પરિવારોને ડૂબ વિસ્તારથી બહાર બતાવનાર રાજ્ય સરકારની પોલ ખૂલી ગઈ છે.
બડવાની સ્થિત આંદોલનના કાર્યાલયમાં બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પહેલાં તો કોઈ પણ આંકડા સામે ન આવ્યા."
"કોઈ પણ પરિવારને એ જણાવવા માટે કે તેઓ ડૂબમાં ગયેલા વિસ્તારથી બહાર છે તેવી જાણ કરવા માટે કોઈ જ પત્ર નહોતો અપાયો, પરંતુ એ પૈકી જે લોકો ફરિયાદ નિવારણ પ્રાધિકરણમાં પોતાનો હક માગવા જતા, ત્યારે તેમને એનવીડીએ તરફથી જવાબ મળતો કે તેઓ ડૂબમાં ગયેલા વિસ્તારથી બહાર છે."
"તેથી તેમને પુનર્વસનનો કોઈ લાભ નહીં મળે. લોકો આ વાત નહોતા સમજી શકતા, કારણ કે તેમનાં ઘરો તો ડૂબી ગયાં હતાં."
"પછી અમે લોકોએ સરકારના આ વલણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાનું શરૂ કર્યું અને માગણી કરી કે કાં તો તમે આ લોકોની જમીનો પાછી આપો અથવા તો તેમને વળતર ચૂકવો."
"અચાનક વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટમાં તેમણે એક ફૅક્ટશીટ જમા કરાવી, જેમાં લખ્યું હતું કે નવા બેકવૉટર લેવલ પ્રમાણે ડૂબ પ્રભાવિત ગામડાંની સંખ્યા 192થી ઘટીને 176 પર આવી ગઈ છે."
"આ સિવાય તેમણે ડૂબ પ્રભાવિત પરિવારોની સંખ્યા ઘટાડીને 15,946ને ડૂબ પ્રભાવિત વિસ્તારથી બહાર જાહેર કરી દીધા."
બમણો માર : ક્યાંક ગામ ડૂબ્યાં તો ક્યાંક ભૂકંપનો પ્રકોપ
એકલવારામાં અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાથી ભરત અને ચેતનાના ડૂબી રહેલા ઘરમાં તિરાડો પડવા લાગી છે, પરંતુ જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના ભૂવૈજ્ઞાનિક અક્ષયકુમાર જોશી આ આંચકાને ઘાટીમાં મોનસૂન દરમિયાન થતી સેસમિક હલચલ ગણાવી રહ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "9 ઑગસ્ટ, 2019થી ત્યાં ટ્રેમર ચાલી રહ્યા છે."
"આ આંચકા સામાન્યપણે ચોમાસાના બે મહિના સુધી ચાલે છે. આ આંચકાનું મૅગ્નિટ્યૂડ રિક્ટર સ્કેલ પર 3ની અંદર જ છે."
"તેથી ભયાનક ભૂકંપના ખતરાની સંભાવના ઓછી છે."
પરંતુ લાંબાગાળાથી નર્મદા ઘાટી પર કામ કરી રહેલા સ્વતંત્ર ભૂવૈજ્ઞાનિક ડૉક્ટર રામ શ્રીવાસ્તવ જણાવે છે, "સરદાર સરોવર ડૅમનું નક્કી કરેલા લેવલ સુધી ભરાઈ જવું એ જ આ આંચકાનું કારણ છે."
ઇન્દોર સ્થિત પોતાની ઑફિસમાં તેમણે કહ્યું, "1980માં થયેલી એક શોધ પ્રમાણે હોશંગાબાદથી લઈને સરદાર સરોવર બંધ સુધી નર્મદા ઘાટીમાં વર્ટિકલ ફૉલ્ટ્સ છે, એટલે કે આ ઘાટી અંદરથી પોલી છે."
"તેથી અહીં બંધ બાંધવા માટે કે પાણી ભરવાની બાબતમાં ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. આ ભૂકંપ સંભવિત ઝોન છે."
"તેથી જો તમે આટલા મોટા બંધમાં પાણી ભરશો તો વિસ્ફોટ તો થશે જ. જો ઘાટીના ધરતીમાં કંપન અનુભવાઈ રહ્યું હોય કે લોકોનાં ઘરોમાં તિરાડો પડવાની ફરિયાદો સામે આવી રહી હોય તો આ બધું જ એક મોટા ભૂકંપના સંકેતો હોઈ શકે છે."
"તેથી આ માટે સરકારે પણ તૈયાર રહેવું જોઈએ."
આ મુદ્દે જ્યારે અમે સરકારનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ભોપાલના વલ્લભ ભવનમાં બેઠેલા સંબંધિત ઉચ્ચ અધિકારીઓએ સમય ફાળવ્યા બાદ, ઑન-રેકૉર્ડ વાત કરવાનો ઇનકાર કરી દીધો, પરંતુ નામ જાહેર ન કરવાની શરતે તેમણે વિસ્થાપનના અધિકારોથી વંચિત પરિવારોને પડતી મુશ્કેલીઓની સાથોસાથ ઘાટીમાં ભૂકંપની આશંકાનો પણ સ્વીકાર કર્યો.
મધ્ય પ્રદેશ પ્રશાસનનો પક્ષ
મધ્ય પ્રદેશ પ્રશાસનનો જવાબ, "નવું બેકવૉટર લેવલ નર્મદા કંટ્રોલ ઑથૉરિટીની દેખરેખ હેઠળ નક્કી કરાયું હતું. મોટા ભાગની જગ્યાઓએ તો આ અનુમાનો ઠીક રહ્યાં, પરંતુ કેટલીક જગ્યાઓએ ડૂબ પ્રભાવિત વિસ્તારોના અનુમાનમાં તેઓ ચૂક કરી ગયા."
"આવા તમામ પ્રભાવિત પરિવારોનો ફરી સર્વે કરીને તેમને વળતર અપાશે."
"ભૂકંપની ફરિયાદોની તપાસ માટે એક ટીમ નીમી રહ્યા છીએ."
આજે ચાર દાયકા બાદ પણ સરકાર સર્વે અને તપાસદળોની જૂની મુશ્કેલીમાં ફસાયેલી છે.
જ્યારે બંધનું પાણી લોકોનાં ઘરોની સાથોસાથ તેમની આંખોમાં પણ હંમેશાં માટે સમાઈ ચૂક્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો