'ગાંધીવિચાર વિરુદ્ધ ભારતમાં કેટલાક લોકો એકઠા થઈને ભારે મહેનત કરી રહ્યા છે'

    • લેેખક, રાજમોહન ગાંધી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહાત્મા ગાંધીની હત્યા ભલે 30 જાન્યુઆરી 1948ના કરાઈ હોય પરંતુ ગાંધી આજે પણ હયાત છે, વૈચારિક રીતે. 'ગાંધી'ને મારવા શક્ય નથી.

જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે ગાંધીવિચાર વિરુદ્ધ ભારતમાં કેટલાક લોકો એકઠા થઈ ગયા છે. તેઓ ગાંધીના વિચારો વિરુદ્ધ ભારે મહેનત કરી રહ્યા છે.

જે લોકો સત્તામાં છે, જે લોકો ધનિક છે, તેઓ તેમને મદદ પણ કરી રહ્યા છે. અને આ હકીકતનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો.

ગાંધીવિચારથી કોને ખતરો?

ગાંધી ઇચ્છતા હતા કે દેશ સૌનો હોય. સમાજમાં ઊંચનીચ ના હોય. પણ આજે જુઓ કે દેશના 1 ટકા લોકોના હાથમાં દેશની 73 ટકા સંપત્તિ છે.

બેરોજગારી વધી રહી છે. ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ છે. દલિત કે લઘુમતી વિરુદ્ધ જ્યારે અત્યાચાર થાય છે ત્યારે કાર્યવાહી ગુનેગાર વિરુદ્ધ નહીં પીડિત વિરુદ્ધ કરવામાં આવે છે.

આવી પરિસ્થિતિમાં ગાંધીના વિચાર વિરુદ્ધ, નહેરુના વિચાર વિરુદ્ધ અને આંબેડકરના વિચાર વિરુદ્ધ કામ કરનારા લોકોની હિંમત વધવા લાગી છે.

પણ જે લોકોને આ બાબતે આક્રોશ છે. દુઃખ છે, એમની સંખ્યા પણ કંઈ ઓછી નથી.

ગાંધીને ભૂલાવવાનો પ્રયાસ?

લોકો એકઠા થઈને ગાંધી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જે કોઈ ગાંધી અંગે લખે છે તેમનું ટ્રૉલિંગ કરાઈ રહ્યું છે. તેમને ગાળો ભાંડવામાં આવે છે.

પણ આ કંઈ નવું નથી. દુનિયામાં આવું થતું રહ્યું છે. કોઈ વ્યક્તિ દુનિયામાં શોષિતો કે પીડિતો માટે કામ કરે ત્યારે એક મોટો ભાગ તેમના વિરુદ્ધ થઈ જતો હોય છે.

એવું જ ભારતમાં પણ થઈ રહ્યું છે. ભારતમાં ગાંધી વિરુદ્ધ કામ કરનારા બહુ જ મહેનતી છે પણ તેઓ ભારતની બહુમતી જનતાનું પ્રતિનિધિત્વ નથી કરતા.

આપને આ વાંચવું ગમશે :

ગાંધી સામે ગોડસેને ઊભા કરવાનો પ્રયાસ?

આવો પ્રયાસ તો થઈ રહ્યો છે પણ તેને બહુમતિનું સમર્થન નથી મળી રહ્યું. ભારતના મોટાભાગના લોકો ગાંધીવિચાર સાથે ઊભા છે.

આમ પણ ગરીબ, નબળા લોકોની મદદ માટે કામ કરનારને આવી સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે અને એ માટે આપણને કોઈને આશ્ચર્ય ના થવું જોઈએ.

ગાંધી પણ ખુદ કહેતા, 'મને તો ત્યારે જોખમ અનુભવાશે કે જ્યારે બધા જ મારી વાત સાથે સહમત હોય.

હું ત્યારે સંતુષ્ટ થઈશ કે જ્યારે હું લઘુમતીમાં હોઈશ. એટલે સારા વિચારોને નકારાત્મક્તાનો સામનો કરવો પડતો જ હોય છે.

એ જ્યારે લક્ષ્ય તરફ આગળ વધે ત્યારે નકારાત્મક લોકો તેનો વિરોધ કરતા હોય છે.

સમાજમાં વધી રહેલી હિંસક ઘટનાઓ

ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે ગાંધીની અહિંસાથી આપણને ખાસ ફાયદો નથી થયો.

એક યુવાન ભાઈએ થોડા સમય પહેલાં એવું કહ્યું હતું કે મીઠાંના સત્યાગ્રહ વખતે ગાંધીએ લોકોને કેટલાક અંગ્રેજોને મારી નાખવા કહ્યું હોત તો દેશને લાભ થાત.

તો લોકો આ પ્રકારના 'ગાંડા વિચારો' પણ રજૂ કરાતા હોય છે. પણ વિચારો કે ભારતના લોકોએ અંગ્રેજોને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોત તો?

આજે આપણા દેશના જે સંબંધ બ્રિટન સાથે છે, અમેરિકા સાથે છે, યુરોપ સાથે છે તે અત્યંત ખરાબ ના થઈ જાત?

પણ એનો અર્થ એવો નથી કે દુનિયાના લોકો આવી હિંસક ઘટનાનું સમર્થન કરતા હોય છે.

અમે દરેક વખતે વિરોધમાં સામે નથી આવી શકતા અને ઘણી વખત ચૂંટણીઓમાં પણ આવા અંતિમવાદી તત્ત્વો જીતી જતાં હોય છે.

પણ આપણો વિશ્વાસ ના ડગમગાવો જોઈએ અને આમ પણ ગાંધીના જવાના 70 વર્ષ બાદ પણ એ માણસ કેટલો ચર્ચિત છે.

આજે ઇંગ્લેન્ડમાં લોકો ચર્ચિલની વાત નથી કરતાં. અમેરિકામાં લોકો રૂઝવૅલ્ટની વાત નથી કરતાં પણ ભારતમાં દિવસરાત ગાંધીની વાત કરવામાં આવે છે.

અંતિમવાદી શક્તિઓનો સામનો કઈ રીતે કરવો?

જે ઇચ્છે છે કે દેશમાં લોકતંત્ર કાયમ રહે, જે ઇચ્છે છે કે ભારત તમામ ધર્મોના લોકોનો દેશ બની રહે એવા લોકોનો વિશ્વાસ આપણે ઘટવા ના દેવો જોઈએ.

જે લોકો લોકતંત્ર બચાવવા માગે છે તેમને સાથે આવવું પડશે. એકબીજા વચ્ચે મિત્રતા સ્થાપવી પડશે. એકબીજાને માફ કરતા શીખવું પડશે. ભૂતકાળના ઝઘડાઓ ભૂલી જવા પડશે.

અત્યારે આપણી સામે સૌથી મોટો પડકાર અંતિમવાદ જ છે. લોકતંત્ર વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એક થઈને કામ કરવું પડશે.

આજે ગાંધીજી હોત તો?

આજે ગાંધીજી હયાત હોત તો કહેત કે ભારતમાં જે લોકો તમારાથી જુદા ધર્મના છે, બીજી ભાષા બોલે છે તેમની સાથે તમે દુશ્મની કેમ કરો છો? તેઓ તમારા પડોશીઓ છે.

તેમને મળ્યા વગર, તેમને સમજ્યા વગર, તેમની વાત સાંભળ્યા વગર તમે એમના વિરુદ્ધ મત કઈ રીતે બનાવી શકો?

તમે તેમની સાથે વાત કરો. તેમને ઓળખો. ભારતના નાગરિકોએ પોતાના પડોશીને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ.

જો મોટા લોકોમાં સમજદારીનો અભાવ હોય તો એનાથી આપણને આશ્ચર્ય શા માટે થવું જોઈએ?

આજકાલ દુનિયા આખીના મોટા પદો પર રહેલા લોકો આવી જ વિચિત્ર વાતો કરી રહ્યા છે.

એટલે ભારતમાં પણ આવું થાય તો આપણને આશ્ચર્ય ના થવું જોઈએ. હાં! આપણને દુઃખ થઈ શકે. આવી વાતોથી જે લોકો દુઃખી હોય એમને એક કરવા જોઇએ.

વિશ્વમાં વધી રહેલી દક્ષિણપંથી વિચારધારા

દુનિયાના બધા જ વિચારશીલ લોકોને આ બાબતે ચિંતા છે. ગાંધીજીની વાત કરીએ તો 70-80 વર્ષ પહેલાં આ મામલે બહુ જ ઉત્તમ કામ કરી ગયા છે.

પણ બધી જ સમસ્યાઓનો ઉકેલ તેઓ એકલા તો ના જ લાવી શકે ને?

કેટલીક સમસ્યાઓ તેમણે આપણા માટે પણ રાખી છે. દરેક પેઢીને એક નવી લડાઈ લડવી પડતી હોય છે. આપણી પેઢીને પણ એક નવી જવાબદારી મળી છે.

દુનિયામાં અંતિમવાદી શક્તિઓનો ઉદય થઈ રહ્યો છે. તેમણે માઇક્રોફોન પકડી રાખેલાં છે. સોશિયલ મીડિયા તેમની પાસે છે પણ આ લોકો લઘુમતીમાં જ છે.

અને એ આપણે સારી રીતે સમજવું જોઈએ. કોઈ બૂમો પાડે તો એનો એવો અર્થ નથી થતો કે ભારત કે વિશ્વની પ્રજા તેમની સાથે છે.

ગાંધીજી સાથેના અનુભવ

ગાંધીજીએ જીવનનાં છેલ્લાં બે વર્ષ દિલ્હીમાં વિતાવ્યા હતાં. એ વખતે મારા પિતા દેવદાસ ગાંધી 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના સંપાદક હતા.

એ વખતે હું શાળામાં ભણતો હતો અને બાપુને મળતો હતો. દેશ હજુ આઝાદ જ થયો હતો. ભાગલા પડી ગયા હતા. દિલ્હીમાં મોટા પ્રમાણમાં નિરાશ્રિતો આવ્યા હતા.

એ સમય બહુ જ મુશ્કેલ હતો. એટલે બાપુ સાથે રહેવાનો બહુ સમય નહોતો મળતો.

પણ જ્યારે જ્યારે પણ અમે બાપુને મળતા તેઓ અમારી સાથે બહુ જ મજાક કરતા.

અમારી પીઠ થાબડતા હતા. અમને ચીડવતા હતા અને અમે પણ તેમને ચીડવતા.

જોકે, તેમની સાથે અમારો જે સમય વિતતો એ બહુ જ ઓછો હતો.

કારણ કે બાપુ દરેક ભારતીયને પોતાના અંગત સમજતા હતા અને આ જ તેમનો પ્રયાસ હતો. એટલે અમે તેમને કોઈ ફરિયાદ નહોતા કરતા.

(ગાંધીના પૌત્ર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ રાજમોહન ગાંધી સાથે બીબીસીના જય મકવાણાએ કરેલી વાતચીત આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો