રશિયાના આ શક્તિશાળી નેતાને જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં સસ્તો લાઇફબૉય સાબુ અપાયો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લિયોનિડ બ્રેઝનેવ જ્યારે 15 ડિસેમ્બર, 1961ના રોજ પહેલી વખત ભારત આવ્યા, ત્યારે તેઓ સુપ્રીમ સોવિયેટ પ્રેસિડિયમના વડા હતા. તેઓ સત્તાવાર રીતે સોવિયેટ સંઘના રાષ્ટ્રપતિ ન હતા, પરંતુ સરકારના વડા હતા. આ પ્રવાસ અચાનક એક અઠવાડિયા અગાઉ જ નક્કી કરાયો હતો.

ભારત આવતા પહેલાં બ્રેઝનેવે ભારતીય સંસદને સંબોધિત કરવાની અને વિશાખાપટ્ટનમ બંદર જવાની યોજના બનાવી હતી, અહીં ભારતીય પ્રોજેક્ટ્સ માટે સોવિયેટ ઉપકરણો ઉતારવામાં આવતાં હતાં. પરંતુ તેમની બંને ઈચ્છાઓ અધૂરી રહી.

તે સમયે સંસદનું સત્ર ચાલતું ન હતું. સંસદની કાર્યવાહી ફેબ્રુઆરી 1962 સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારત સરકાર બ્રેઝનેવને વિશાખાપટ્ટનમ મોકલવા માંગતી ન હતી કારણ કે ત્યાં આવા મોટા ગજાના નેતાઓ માટે કોઈ આરામદાયક જગ્યા ન હતી.

રાષ્ટ્રપતિ ભવન સચિવાલયના દસ્તાવેજો પ્રમાણે "આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવે વિદેશ મંત્રાલયને વિનંતી કરી કે વિશાખાપટ્ટનમમાં બ્રેઝનેવ માટે રોકાણની વ્યવસ્થા કરવામાં ન આવે."

ભારતનાં શહેરોની મુલાકાત

બ્રેઝનેવ ઈલ્યુશિ-18 વિમાનથી દિલ્હી પહોંચ્યા. ભારતીય વાયુસેનાનાં આઠ ફાઇટર વિમાનોએ બ્રેઝનેવના વિમાનને દિલ્હી ઍરપૉર્ટ સુધી પહોંચાડ્યું. પાલમ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ થતા જ બ્રેઝનેવને 21 તોપોની સલામ આપવામાં આવી.

તે વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બીમાર હતા, તેથી ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને સોવિયેટ નેતાનું સ્વાગત કર્યું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ 16 ડિસેમ્બર, 1961ના અંકમાં લખ્યું છે, "બ્રેઝનેવનું સ્વાગત કરવા લોકો પાલમ ઍરપૉર્ટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રસ્તાની બંને બાજુ ઊભા હતા. તેમણે તેમના પર ફૂલ વરસાવ્યાં. બ્રેઝનેવે તેમને સલામ કરી અને આગળ નીકળી ગયા. બ્રેઝનેવનો કાફલો જ્યારે વિજય ચોક પહોંચ્યો, ત્યારે રાષ્ટ્રપતિના અંગરક્ષકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમને રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ જવાયા."

બ્રેઝનેવને રાષ્ટ્રપતિ ભવનના દ્વારકા સ્વીટમાં ઉતારો અપાયો. બ્રેઝનેવ પોતાના અંગત રસોઈયાને ભારત લાવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનના રસોઈયાની સાથે મળીને બ્રેઝનેવ માટે ભોજન તૈયાર કર્યું.

રાત્રીભોજન પછી ગીત અને નૃત્ય વિભાગના કલાકારોએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. બીજા દિવસે બ્રેઝનેવ તીન મૂર્તિ ભવન ગયા અને જવાહરલાલ નહેરુ સાથે નિઃશસ્ત્રીકરણ, જર્મની, ઉપનિવેશવાદ અને વિશ્વ શાંતિ જેવા મુદ્દા પર ચર્ચા કરી.

સાંજે તેઓ ભારતીય ઉદ્યોગમેળામાં ગયા. ત્યાં મેળાના આયોજકોએ તેમને હાથીદાંતનો એક ટેબલ લેમ્પ અને તેમના પત્નીને એક બનારસી રેશમી દુપટ્ટો ભેટમાં આપ્યાં. આ પ્રવાસ દરમિયાન બ્રેઝનેવે આગ્રા, મુંબઈ, અંકલેશ્વર, વડોદરા, કોલકાતા, મદ્રાસ, જયપુર અને મહાબલીપુરમની પણ મુલાકાત લીધી.

પોતાની ભારતયાત્રા દરમિયાન તેમણે 19 ડિસેમ્બરે અંકલેશ્વરમાં પોતાનો 55મો જન્મદિવસ ઉજવ્યો. જયપુરમાં હાથીની સવારી કર્યા પછી બ્રેઝનેવે હિંદીમાં "ધન્યવાદ" કહીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા.

જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર આયોજિત એક નાગરિક અભિનંદન સમારોહમાં ગોવા મામલે સહયોગ બદલ બ્રેઝનેવનો આભાર માન્યો. જતા પહેલાં બ્રેઝનેવે ઑલ ઇન્ડિયા રેડિયો પર ભારતીય જનતાને સંબોધન કર્યું.

1971ના યુદ્ધનાં બે વર્ષ પછી ફરી ભારતયાત્રા

બ્રેઝનેવ નવેમ્બર 1973માં બીજી વખત ભારત આવ્યા. આ પ્રવાસ એટલા માટે મહત્ત્વનો હતો કારણ કે 1971ના યુદ્ધને હજુ બે વર્ષ પણ નહોતા થયાં. બ્રેઝનેવ આમ તો સોવિયેટ સંઘના સૌથી મોટા નેતા હતા, પરંતુ તેમને શાસનાધ્યક્ષનો દરજ્જો મળ્યો ન હતો.

તેથી પ્રોટોકૉલનું પાલન કરીને બ્રેઝનેવનું ઍરપોર્ટ પર સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ નહીં, પરંતુ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પહોંચ્યાં હતાં.

અંગ્રેજી અખબાર સ્ટેટસમેન 17 નવેમ્બર, 1973ના અંકમાં લખે છે, "રસ્તાની એક બાજુ ઊભા રહીને લોકોએ કૉમરેડ બ્રેઝનેવનું દુઝબા (કૉમરેડ બ્રેઝનેવ દોસ્ત) કહીને સ્વાગત કર્યું. ઍરપૉર્ટ પર સંપૂર્ણ સ્વાગત સમારોહ દરમિયાન બ્રેઝનેવ સ્મિત કરતા રહ્યા." ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ રસપ્રદ હેડલાઈન છાપી, "સ્માઇલ ધેટ બ્રોક ઑલ રેકૉર્ડ્સ." બ્રેઝનેવને છ દરવાજાવાળી બુલેટપ્રૂફ મર્સિડિઝ કારમાં બેસાડીને 32 કારના કાફલા સાથે રાષ્ટ્રપતિ ભવન લાવવામાં આવ્યા. રસ્તામાં ઘણી જગ્યાએ બાળકોએ ભાંગરા ડાન્સ કરીને બ્રેઝનેવનું સ્વાગત કર્યું.

દિલ્હી પહોંચતાં અગાઉ રાષ્ટ્રપતિ ભવનને સોવિયેટ દૂતાવાસ તરફથી બે વિચિત્ર વિનંતીઓ મળી.

પહેલી માંગ એ હતી કે સોવિયેટ મહેમાનો માટે રાષ્ટ્રપતિ ભવનના દરેક બાથરૂમમાં "લાઇફબૉય" સાબુ રાખવામાં આવે. ભારતના રાષ્ટ્રપતિ સચિવાલયના રેકૉર્ડ ફાઇલ નંબર 30 મુજબ, રાષ્ટ્રપતિ ભવનનો સ્ટાફ આ અનુરોધ સાંભળીને થોડો ચકિત થયો, કારણ કે વિદેશી મહેમાનો માટે રાષ્ટ્રપતિ ભવનના બાથરૂમમાં દુનિયાના બહેતરિન સાબુઓની વ્યવસ્થા કરવામાં આવે છે.

લાઇફબૉય સાબુ ભારતીય બજારમાં મળતો સૌથી સસ્તો સાબુ ગણાતો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના હાઉસહોલ્ડ કમ્પ્ટ્રોલરે દરેક બાથરૂમમાં લાઇફબૉય સાબુની એક ગોટીની સાથે ટૉપ બ્રાન્ડના સાબુ પણ રખાવ્યા હતા.

જમતા પહેલાં ભોજનની ચકાસણી

સોવિયેટ અધિકારીઓની બીજી માંગણી એ હતી કે બ્રેઝનેવ જ્યાં રોકાયા હતા, તે દ્વારકા સ્વીટની બારીઓ પર મોટા પડદા લગાવવામાં આવે.

આ માંગણીથી રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. રાષ્ટ્રપતિ ભવન સેંકડો એકરમાં ફેલાયેલું છે તેથી તેની સામે કોઈ રસ્તો નથી. તેથી બ્રેઝનેવના શયનકક્ષ સુધી ટ્રાફિકનો ઘોંઘાટ પહોંચે તેવી શક્યતા ઓછી હતી.

સામાન્ય રીતે કોઈ પણ વિદેશી મહેમાન આવે ત્યારે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાય છે.

જોકે, સોવિયેટ દૂતાવાસની આ માંગણી પણ પૂરી કરવામાં આવી. રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા લોકોને હુકમ કરાયો કે તેઓ પોતાની બારીની બહાર ન જુએ અને કોઈ ઘોંઘાટ ન કરે. એક રસપ્રદ માંગણી એવી હતી કે બ્રેઝનેવના રૂમમાં બે ઉચ્ચ ગુણવત્તાની ઇલેક્ટ્રિક ઇસ્ત્રી અને એક ઇસ્ત્રી બોર્ડ લગાવવામાં આવે.

ખાવાની વાત કરીએ તો દરેક રૂમના ફ્રિજમાં અનાનસ, જામફળ અને દ્રાક્ષના રસ ભરી રાખવામાં આવે. આ ઉપરાંત બ્રેઝનેવને પીરસવામાં આવતા માંસ, ચિકનની ગુણવત્તાની તપાસ ડૉક્ટર કરે તેવી માંગ હતી. બ્રેઝનેવના પ્રતિનિધિમંડળના એક સભ્યને આના નિરીક્ષણની જવાબદારી સોંપાઈ હતી.

બ્રેઝનેવે રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓને જણાવ્યું કે તેમને બાફેલા બટાટા સાથે હિલ્સા માછલી ખાવી પસંદ છે. નાસ્તામાં બ્રેઝનેવ મેયોનીઝ અથવા મસાલાયુક્ત સલાડ પસંદ કરતા હતા. તેમને કોબીજનો સૂપ પણ પસંદ હતો. એ પણ જણાવાયું કે બ્રેઝનેવને માત્ર 'સિનાંડલી' અને 'મુકુઝાની' ડ્રાય વાઇન પસંદ છે, તથા 'બોરઝોમી' અને 'નર્ઝાન' મિનરલ વૉટર પીવે છે.

વિદેશ મંત્રાલયની મદદથી રાષ્ટ્રપતિ ભવનમાં આ બધી ચીજોની વ્યવસ્થા કરવામાં આવી.

લાલ કિલ્લા પર બ્રેઝનેવને નાગરિક સન્માન

તે જમાનામાં આખી દુનિયામાં લેટર બૉમ્બની ઘટનાઓ જોવા મળતી હતી. તેથી રાષ્ટ્રપતિ ભવનના પૉસ્ટ માસ્ટરને સૂચના અપાઈ કે સોવિયેટ મહેમાનો માટે આવતી ટપાલને ડાયરેક્ટ મોકલવાના બદલે સોવિયેટ દૂતાવાસ મોકલવામાં આવે.

બ્રેઝનેવના પ્રવાસ માટે એક અલગ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપવામાં આવી. આના માટે ખાસ સોવિયેટ સંઘથી ઉપકરણો મગાવાયા. લગભગ 20 ટન વજનના ઉપકરણોને સાત ટ્રકમાં ભરીને રાષ્ટ્રપતિ ભવન પહોંચાડવામાં આવ્યા.

બ્રેઝનેવના આરોગ્ય પર નજર રાખવા સોવિયેટ સંઘથી ડૉક્ટરોની આખી ટીમ આવી હતી. બીજા દિવસે બ્રેઝનેવ ઇંદિરા ગાંધીને મળવા તેમની ઑફિસ ગયા. 35 મિનિટની મુલાકાત પછી સાઉથ બ્લૉકના કૉન્ફરન્સ રૂમમાં બંને પ્રતિનિધિમંડળોની મુલાકાત થઈ.

સાંજે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ બ્રેઝનેવના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ યોજ્યો.

સ્ટેટ્સમેને મેનુની વિગત આપતા લખ્યું, "ભોજનમાં ક્રીમ ડુ જોઉર, કબાબની સાથે તંદુરી ચિકન, નાન, ફુલાવરનું શાક, ભરેલાં ટામેટાં, લીલા વટાણા, સલાડ, પાપડ, ફળ અને કૉફી સામેલ હતાં. ડિનર પછી ઘેરા પીળા રંગની સિલ્કની સાડી પહેરીને ઇન્દિરા ગાંધીએ હિંદીમાં ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, 1971માં થયેલી ભારત સોવિયેટ મિત્રતા કોઈ દેશની વિરુદ્ધ નથી."

ડિનર પછી અશોક હૉલમાં સંગીત કળા અકાદમીના કલાકારોએ મહેમાનો સામે કથ્થક અને મણિપુરી નૃત્ય રજૂ કર્યું. બીજા દિવસે ઇન્દિરા ગાંધી પોતાનાં પૌત્રી પ્રિયંકાને બ્રેઝનેવ સાથે મુલાકાત કરાવવા રાષ્ટ્રપતિ ભવન લાવ્યાં. લાલ કિલ્લામાં બ્રેઝનેવનું નાગરિક સન્માન કરવામાં આવ્યું. અહીં બ્રેઝનેવે 90 મિનિટ લાંબુ ભાષણ આપ્યું જેનો તેમના એક અનુવાદકે હિંદીમાં અનુવાદ કર્યો.

બીજા દિવસે ઇન્દિરા ગાંધી પોતાના પૌત્ર રાહુલને લઈને આવ્યાં. રાહુલે બ્રેઝનેવને એક બોલતી મેના ભેટ કરી. સાંજે બ્રેઝનેવે ભારતીય સંસદને સંબોધી, અગાઉના પ્રવાસ વખતે તેમને સંસદને સંબોધવાની તક નહોતી મળી.

અફઘાનિસ્તાન મામલે મતભેદ

સાત વર્ષ પછી ડિસેમ્બર 1980માં ઇંદિરા ગાંધી સત્તા પર પાછાં આવ્યાં ત્યારે બ્રેઝનેવ ત્રીજી વખત ભારત આવ્યા હતા. ત્યાં સુધીમાં તેઓ બહુ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની તબિયત નબળી હતી.

અફઘાનિસ્તાનમાં સોવિયેટ સૈનિકો ઉતારવાના કારણે બ્રેઝનેવના જીવને જોખમ હતું. આ વાતને ધ્યાનમાં રાખીને બ્રેઝનેવ માટે મૉસ્કોથી એક ખાસ કાર મગાવવામાં આવી હતી. તેમને કોઈ પણ પરેશાની ન થાય તે માટે સોવિયેટ સંઘથી એક ડ્રાઇવર પણ લાવવામાં આવ્યા. સોવિયેટ કારની નંબર પ્લેટ પર ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન અંકિત કરાયું હતું.

રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં વડા પ્રધાન, તત્કાલીન યોજના આયોગના સભ્ય અને પછી ભારતના વડા પ્રધાન બનેલા મનમોહન સિંહ પણ સામેલ હતા. અન્ય મહેમાનોમાં અટલબિહારી વાજપેયી, ભૂપેશ ગુપ્તા અને માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ નેતા ઈએમએસ નંબૂદરીપાદ સામેલ હતા.

બ્રેઝનેવ માટે ડિનરમાં પૉમ્ફ્રેટ માછલી, હુસૈની કબાબ, પનીર કટલેટ, પનીર કૉરમા અને સ્વિસ સલાડ પરોસવામાં આવ્યાં.

ડિનર પછી સંજીવ રેડ્ડીએ પોતાના ભાષણમાં અફઘાનિસ્તાનનો ઉલ્લેખ નહોતો કર્યો. બીજા દિવસે ઇંદિરા ગાંધી અને બ્રેઝનેવે અફઘાન મુદ્દે ચર્ચા કરી હતી. પરંતુ બંને વચ્ચે આ મુદ્દે મતભેદ થઈ ગયા.

"ધ હિંદુ" એ 10 ડિસેમ્બર 1980ના અંકમાં આ લખ્યું હતું: "ઇન્દિરા ગાંધીએ બ્રેઝનેવને સ્પષ્ટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં સોવિયેટ કાર્યવાહીના ભારત પર ગંભીર પરિણામો આવશે. અફઘાનિસ્તાનનું નામ લીધા વગર ઇન્દિરાએ કહ્યું કે ભારત કોઈપણ દેશ બીજા દેશના આંતરિક બાબતોમાં દખલ કરે તેની વિરુદ્ધ છે."

ન્યૂ યૉર્ક ટાઇમ્સે ટિપ્પણી કરી હતી કે, "બ્રેઝનેવની ભારત મુલાકાત સારી ન રહી"

આ વખતે પણ બ્રેઝનેવનું નાગરિક સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ સુરક્ષા કારણોસર સ્થળ લાલ કિલ્લાથી બદલીને વિજ્ઞાન ભવનમાં ખસેડવામાં આવ્યું હતું. તેમની મુલાકાતનું સમાપન બ્રેઝનેવ દ્વારા ભારતીય રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના માનમાં સોવિયેટ દૂતાવાસમાં આયોજિત ભોજન સમારંભ સાથે થયું. તેઓ જ્યારે પાલમ ઍરપૉર્ટ માટે રવાના થયા, ત્યારે રસ્તાઓ પર લોકોની કતારો લાગી ગઈ અને તેમણે "લાલ સલામ" અને "હિંદી રુસી ભાઈ..ભાઈ"ના નારાથી તેમનું સ્વાગત કર્યું.

બ્રેઝનેવે ત્યાર પછી બે વર્ષ સુધી સોવિયેટ યુનિયનનું નેતૃત્વ કર્યું. 10 નવેમ્બર, 1982ના રોજ 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના પત્ની વિક્ટોરિયા બ્રેઝનેવા 1995 સુધી જીવિત રહ્યાં.

(આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવેલી સત્તાવાર માહિતી ભારતના રાષ્ટ્રપતિ સચિવાલયના રેકૉર્ડમાંથી એકત્રિત કરવામાં આવી છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન