You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લમણા પર લગાવવામાં આવતી ડિવાઇસ શું કામ કરે છે, ડૉક્ટરો શું કહે છે?
- લેેખક, ચરણજીત કૌર
- પદ, બીબીસી સંવાદદાતા
ઝોમેટોના સ્થાપક અને ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર દીપેન્દ્ર ગોયલના લમણા પર તાજેતરમાં જ એક પૉડકાસ્ટમાં એક નાનું ઉપકરણ જોવા મળ્યું હતું. તેથી ઘણા લોકો એ જાણવા ઉત્સુક છે કે તે ઉપકરણ શું છે, તેનો ઉદ્દેશ શું છે અને એ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?
તે ટેમ્પલ ડિવાઇસ બાબતે દીપેન્દ્ર ગોયલે શું કહ્યું હતું અને નિષ્ણાત ડૉક્ટર્સ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો છે.
ત્રીજી જાન્યુઆરીના એક પૉડકાસ્ટમાં દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે આ ડિવાઇસ એક સ્ટિકર જેવી છે અને મસ્તક સુધી પહોંચતા રક્તના પ્રવાહ પર તે નજર રાખે છે.
ગોયલ અનુસાર આ ડિવાઇસ પાછળનો વિચાર "ગ્રેવિટી એજિંગ હિપ્નોથીસિસ"થી આવ્યો છે.
તેમણે કહ્યું હતું, "મેં મારા માટે એક ફિટનેસ ટીમ બનાવી અને વિચાર્યું કે હું મારા મસ્તકમાંના રક્ત પ્રવાહ પર દેખરેખ રાખું. અમે એક ડિવાઇસ વિકસાવી છે, જેનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન ચાલી રહ્યું છે. પહેલાં અમે મોટા કદની ડિવાઇસ વિકસાવી હતી, જેનું કદ હવે નાનું કર્યું છે અને તેને બહેતર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મેં વિચાર્યું છે કે અમે આવી પ્રોડક્ટ એવા લોકો માટે બનાવીશું, જેઓ તેનું મહત્ત્વ સમજી શકે."
આ ડિવાઇસનું નામ ટેમ્પલ શા માટે છે?
સ્માર્ટ વૉચ અને ફિટનેસ બૅન્ડથી વિપરીત રીતે, ટેમ્પલ નામની આ ડિવાઇસ લમણે ચીપકાવવામાં આવી હતી. દીપેન્દ્રના જણાવ્યા અનુસાર, રક્ત પ્રવાહમાં થતા ફેરફારો પર સતત નજર રાખીને આ ઉપકરણ સમયની સાથે મસ્તકની કાર્યપ્રણાલી વિશે પણ માહિતી આપે છે.
તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર 2025ની 20 નવેમ્બરે લખ્યું હતું કે 'કન્ટિન્યૂ' એક રિસર્ચ પ્રોજેક્ટ છે અને ગ્રેવિટેશનલ એજિંગ હિપ્નોથીસિસ માત્ર કાર્યકારી મોડેલ છે. આ પ્રોજેક્ટ દરમિયાન અમે એક નવું બ્રેઇન ફ્લો મૉનિટર અકસ્માતે બનાવ્યું છે.
"આ ડિવાઇસ લગભગ સાત વર્ષ સુધી પ્રાયોગિક, મસ્તકમાં રક્તનો પ્રવાહ સતત માપતું ઉપકરણ હતું. તેનો ઉપયોગ અમે અમારા પોતાના પર અને કેટલાક લોકોનાં નાનાં જૂથ પર કર્યો હતો. તેની તુલના સેંકડો એમઆરઆઈ અને ડૉપ્લર સ્કેન સાથે કરવામાં આવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે આ ડિવાઇસનો વિચાર એક પ્રોડક્ટ તરીકે કર્યો ન હતો. બાદમાં અમે તેને એક પ્રોડક્ટમાં પરિવર્તિત કરી અને તેનું નામ ટેમ્પલ રાખ્યું."
આ ડિવાઇસ બનાવવાની જરૂર શું હતી?
દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે એમઆરઆઈ જેવા રક્તના પ્રવાહ માપતાં ઉપકરણો બહુ મોટાં હોય છે. તેથી અમે એક નાની ડિવાઇસ વિકસાવી છે.
આ ડિવાઇસની જરૂરિયાત બાબતે તેમણે કહ્યું હતું, "રક્ત પ્રવાહ વધે એવી રીતે તમે કામ કરતા હો તો તમને સારું લાગશે. એ ઉપરાંત ક્યા પ્રકારના વર્તન-વ્યવહારથી તમને સારું કે ખરાબ લાગે છે તેની ખબર પણ પડશે. બધા કહે છે કે રક્ત પ્રવાહ સારો હોવો જોઈએ તો પછી તેને સારો કેમ ન રાખવો."
દીપેન્દ્રના દાવા વિશે નિષ્ણાતો શું કહે છે?
સીએમસી લુધિયાણામાં ન્યૂરોલૉજીના પ્રોફેસર ડૉ. જયરાજ ડી. પાંડિયનના જણાવ્યા અનુસાર, દીપેન્દ્ર જે ડિવાઇસની વાત કરી રહ્યા છે તે એક ફ્લો સેન્સર છે અને આવાં ઉપકરણ નવાં નથી. આ અગાઉ શારીરિક ગતિવિધિની માહિતી મેળવવા માટે ઍક્ટિગ્રાફી જેવાં ઉપકરણોનો ઉપયોગ થતો રહ્યો છે. (ઍક્ટિગ્રાફી નિંદ્રાવસ્થામાં વ્યક્તિની શારીરિક ગતિવિધિ પર નજર રાખવા માટેની પહેરી શકાય તેવી સેન્સર ડિવાઇસ છે)
તેમણે કહ્યું હતું કે,"જોકે, આ પ્રકારની વેરેબલ ડિવાઇસ સીધા મસ્તકમાંના રક્ત પ્રવાહને માપતી નથી."
ડૉ. પાંડિયનના જણાવ્યા મુજબ, "મસ્તકમાં રક્ત પ્રવાહ માપવા માટે ચિકિત્સા ક્ષેત્રમાં એમઆર એન્જિયોગ્રાફી, એમઆરઆઈ, પીઈટી સ્કૅન અને અનેક ટેકનીક્સ જેવી અન્ય સંખ્યાબંધ પદ્ધતિઓ છે."
"મસ્તકના રોગોના નિદાન માટે ટ્રાન્સક્રેનિયલ ડૉપ્લર અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે મસ્તકની કાર્યપદ્ધતિ સમજવા માટે કેટલાક લોકો આવી ટેકનીક્સની શોધ કરી રહ્યા છે, પરંતુ એ ટેકનીક્સને હજુ સુધી સંપૂર્ણપણે સિદ્ધ કે માન્ય કરવામાં આવી નથી. મગજમાં રક્ત પ્રવાહ ક્યારે પ્રભાવિત થાય છે અને તેનાથી કઈ સમસ્યા સર્જાઈ શકે?"
ડૉ. પાંડિયન કહે છે કે, "મગજના કોઈ પણ રોગથી મગજમાંના રક્ત પ્રવાહ પર અસર થઈ શકે છે. મસ્તકની રક્તવાહિનીઓમાં અવરોધ સર્જાય ત્યારે તેમાં ઘટાડો થઈ શકે છે."
"મસ્તકમાંના રક્તપ્રવાહમાં કોઈ વિક્ષેપ સર્જાય તો મગજના કામકાજ પર યાદશક્તિમાં ઘટાડો, પ્રવૃત્તિમાં મંદતા અને વિચારવા તથા સમજવાની ક્ષમતામાં ઘટાડા વગેરે જેવી અસર થઈ શકે છે."
ગુરુત્વાકર્ષણને કારણે વૃદ્ધત્વ આવતું હોવાની પરિકલ્પના કેટલી સાચી છે?
દીપેન્દ્ર ગોયલે આ ડિવાઇસ પાછળનો મુખ્ય આઇડિયા "ગ્રેવિટી એજિંગ હિપ્નોથીસિસ" હોવાનું જણાવ્યું છે ત્યારે સવાલ એ છે કે આ ગ્રેવિટી એજિંગ હિપ્નોથીસિસ શું છે?
એપોલો હૉસ્પિટલના ન્યૂરોલૉજિસ્ટ ડો. સુધીર કુમારના જણાવ્યા અનુસાર, પોતાના વિજ્ઞાનીઓની ટીમે ગ્રેવિટી એજિંગ હિપ્નોથીસિસ બાબતે માહિતી એકત્ર કરી હોવાનું દીપેન્દ્ર ગોયલે પહેલાં જણાવ્યું હતું. "આ સિદ્ધાંત કહે છે કે કોઈ વ્યક્તિ બેઠેલી કે ઊભી હોય ત્યારે હૃદયને મસ્તક સુધી રક્ત પહોંચાડવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તેને કારણે સમય પસાર થવાની સાથે મસ્તક સુધી પહોંચતા રક્તનું પ્રમાણ ઘટી જાય છે અને તે સમય પહેલાં વૃદ્ધાવસ્થાનું કારણ બની શકે છે."
ડૉ. સુધીર કુમારનું કહેવું છે કે આ સિદ્ધાંતનું હજુ સુધી કોઈ નક્કર પ્રમાણ નથી. ડૉ. પાંડિયન માને છે કે ગુરુત્વાકર્ષણથી વય વધવાની પરિકલ્પના એક નવી પરિકલ્પના છે, જેનું હાલ કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી.
ડૉ. સુધીર કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, "આપણે બેઠા હોઈએ, ઊભા હોઈએ કે દોડતા હોઈએ, આપણા હૃદયમાં એક એવું તંત્ર છે, જે મગજને દરેક પરિસ્થિતિમાં રક્તનો પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરે છે. તેથી બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી કોઈ વ્યક્તિ સતત સ્વસ્થ રહી હોય તો તેનો અર્થ એ થયો કે તેના મગજને રક્તનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળે છે."
તેમણે ઉમેર્યું હતું, "હૃદય રોગની બીમારીમાં હૃદય યોગ્ય રીતે રક્ત પમ્પ કરી શકતું નથી. આવી બીમારી હોય કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય કે પછી સ્ટ્રોક આવ્યો હોય તો પણ સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ આ બધી પરિસ્થિતિમાં દર્દીને ચક્કર આવવાનો, નબળાઈનો અને અન્ય લક્ષણોનો અનુભવ થશે. આવા કિસ્સામાં તેનું કારણ નક્કી કરવામાં તબીબી સલાહ મદદરૂપ થઈ શકે."
મગજમાં રક્ત પ્રવાહનું માપન સારો વિચાર છે?
ડૉ. જયરાજ પાંડિયનના જણાવ્યા અનુસાર, મગજમાં રક્તના પ્રવાહને માપવાનું કામ તબીબી સલાહ અનુસાર જ કરવું જોઈએ.
ડૉ. સુધીર કુમારનો સવાલ છે કે દીપેન્દ્ર જે ડિવાઇસની વાત કરી રહ્યા છે તે ડિવાઇસને બધા માપદંડ અનુસાર સ્વીકૃતિ મળે તો પણ કોઈ તેનો ઉપયોગ કરી શકશે?
આ સવાલના જવાબમાં તેમણે જ કહ્યું હતું, "રક્તના પ્રવાહ પર સતત નજર રાખવાની જરૂર બહુ ઓછા લોકોને હોય છે અને નિરંતર નજર રાખવાનો નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. ઘણા મામલાઓમાં આંકડામાં ફેરફારથી તણાવ અને ચિંતા પણ સર્જાઈ શકે છે."
ટેમ્પલ જેવી ડિવાઇસની જરૂરિયાત સમજાવતાં ડૉ. સુધીર કુમારે જણાવ્યું હતું કે મગજમાં રક્તનો પ્રવાહ માપવા માટેની અનેક પદ્ધતિઓ આપણી પાસે પહેલાંથી જ છે. એક સ્વસ્થ વ્યક્તિના મગજમાં રક્તનો પ્રવાહ માપવાની કોઈ જરૂર હોતી નથી. કોઈ દર્દીમાં ચોક્કસ લક્ષણો જોવા મળે ત્યારે જ તેની જરૂર પડે છે.
ડૉ. પાંડિયનના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિ આ પ્રકારનું ચિકિત્સા ઉપકરણ માર્કેટમાં લાવવા ઈચ્છતી હોય તો તેણે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની મંજૂરી લેવી પડે છે.
આ ટીકા વિશે દીપેન્દ્રનો પ્રતિભાવ
નાની ટેમ્પલ ડિવાઈસ પહેરવા અને ગુરુત્વાકર્ષણથી વય વૃદ્ધિની પરિકલ્પના વિશે દીપેન્દ્રએ વાત કરી પછી સોશિયલ મીડિયા પર કેટલાક ડોક્ટર્સે તેમના દાવા સામે સવાલ ઉઠાવ્યા હતા.
દીપેન્દ્રએ આ બાબતે કહ્યું હતું, "પરિકલ્પના સાચી હોય કે ખોટી, પરંતુ તેનાથી ચર્ચા જરૂર શરૂ થશે. તેમાંથી મસ્તક, વૃદ્ધાવસ્થા અને અન્ય અનેક મુદ્દાઓ વિશે નવી માહિતી બહાર આવી શકે છે."
તેમનું કહેવું છે કે તેમની પશ્ચાદભૂ વિજ્ઞાનની નથી. તેથી તેઓ આ પરિકલ્પના વિશે વાત કરતા રહ્યા છે, જેથી આ બાબતે વૈશ્વિક સંશોધનનો આગ્રહ કરી શકાય.
આ મુદ્દે તેમની ટીકા કરતા લોકોને તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત કહ્યું હતું, "વિરોધ કરતા લોકોને તેમનો મત રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ અસલી ઘટનાક્રમ આ જ છે. અમારી પાસે છૂપાવવા જેવું કશું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન